ઠાસરા, તા.5 ફેબ્રુઆરી 2021, શુક્રવાર
ડાકોર નગરપાલિકાના વોર્ડ નંબર-૬માં ચાલી રહેલા રોડની કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાની ફરિયાદો ઊઠી છે. રસ્તાના કામની ગુણવત્તા બાબતે રહીશો દ્વારા વહીવટદાર અને ચીફ ઓફિસરને અરજી કરવામાં આવી છે.
આ કામમાં એજન્સી દ્વારા રેતીની જગ્યાએ દળ વાપરવામાં આવતો હોવાની ફરિયાદો થઈ રહી છે. ફરિયાદ મુજબ પીસીસીનું કામ યોગ્ય રીતે કરવામાં નથી આવી રહ્યું. ચોમાસું આવે ત્યારે રેતીને બદલે વપરાયેલો દળ બેસી જાય અને રોડનું લેવલિંગ તૂટી જાય તેવી શંકા ફરિયાદમાં વ્યક્ત કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ધર્મેન્દ્રસિંહ ચૌહાણ હાલમાં ડાકોર નગરપાલિકાના વહીવટદાર છે. સ્થાનિક નાગરિકો દ્વારા તેમને આ બાબતે ગેરરીતિ થઈ રહી હોવાની ફરિયાદ કરવામાં આવી છે. અરજદારોએ આ કામનું ચૂકવણું ન કરવાની પણ રજૂઆત ફરિયાદમાં કરી છે.વોર્ડ-૬માં હજી ગટરલાઈનનું કામકાજ યોગ્ય રીતે પૂર્ણ થયું નથી ત્યાં રોડના કામકાજની ઉતાવળ શા માટે કરવામાં આવી રહી છે તેવો પ્રશ્ન પણ સ્થાનિકોને મૂંઝવી રહ્યો છે. જાગ્રત નાગરિકોએ જણાવ્યા પ્રમાણે અયોગ્ય રીતે ઉતાવળમાં રોડનું કામ પૂરું કરીને ફરી ગટરલાઈનની કામગીરી આરંભાશે તો નવા બનેલા રોડ પર ફરી તોડફોડ કરવાની રહેશે, તે બધા માટે જવાબદાર કોણ ઠરશે?
ડાકોરના સ્થાનિક જાગ્રત નાગરિક મનુભાઈ ડાહ્યાભાઈ પટેલ નિવૃત્ત સરકારી કર્મચારી અને પોતે એન્જિનિયર છે. તેમને રસ્તાના બાંધકામ અને તેની ગુણવત્તા બાબતે ઊંડો ખયાલ હોવાથી વોર્ડ-૬માં એજન્સીની કામગીરી જોતાં જ તેમને શંકા ગઈ. જાગ્રત નાગરિકની ફરજ બજાવતા આ બાબતે તેમણે લાગતાવળગતા તંત્રને જાણ કરી છે અને વહીવટદાર અને ચીફ ઓફિસરને આ મુદ્દે લેખિતમાં ફરિયાદ કરી છે. પ્રાંત અધિકારી ધર્મેન્દ્રસિંહ ચૌહાણને આ અંગે પૂછતા તેમને માહિતી ન હોવાનું જણાવ્યું હતું. ડાકોર નગરપાલિકાના અધિકારી મનીષ બંસલને આ બાબતે પૂછતા તેમણે પણ કશો ખયાલ ન હોવાનું જણાવ્યું હતું.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3pXtmQn
ConversionConversion EmoticonEmoticon