ફૂલ મધમધે છે ત્યારે જ કહી દો ને કે 'તું સુગંધનો દરિયો છે'

- વ્યક્તિ જીવંત હોય ત્યારે જ તેને તેના અસ્તિત્વનો અહેસાસ વ્યક્ત કરાવો અને કહો કે ''તારૂ હોવું એ જ અવસર છે''

- કોરોના પછી માત્ર સૃષ્ટિનું પર્યાવરણ જ નહીં આપણી મનોપ્રકૃતિ પણ બદલવાની જરૂર છે

- વ્યક્તિના મૃત્યુ સાથે આપણા સૂક્ષ્મ અહંકારનો પડદો તૂટી જતો હશે?


કોરોનાએ ઓછા-વધતા કેટલાયે પરિચિતોનો ભોગ લીધો. જિંદગીની રાહ પર જેમની પૂરપાટ અને પૂરબહાર ગાડી દોડતી હતી તેવા મિત્રો, સ્વજનો હસતા રમતા સાવ અચાનક સ્વર્ગ તરફ ડાયવર્ઝન કરી આપણને આબાદ છેતરીને આઘાત આપી ગયા. પૃથ્વીવાસીઓનાં એક શોકને ભૂલાવવા ચિત્રગુપ્તે બીજો... ત્રીજો... એમ શોકની સરવાણી અને સ્વર્ગની સીડી બંને પાસેથી સમદ્રષ્ટિથી કામ કરાવ્યું. આપણે એક પરિચિતના મૃત્યુના આઘાતની કળમાંથી બહાર નીકળીએ તેથી બીજા અમંગળ સમાચારનું પત્તું કુદરતે ફેંક્યું જ હોય. કોરોનાના ગમનું આવું જાળું રચીને પાછલા દરવાજેથી જુદા જુદા ક્ષેત્રોના હિરલાઓને પણ સ્વર્ગના દરબારની શોભા વધારવા ઉપર બોલાવી લીધા.

છેલ્લા મહિનાઓમાં મૃતકોનું સ્વર્ગ તરફનું પ્રયાણ જોયા પછી આપણને એ જ્ઞાાન થવું જોઈએ કે આપણી સાથે કોઈપણ રીતે જોડાયેલી વ્યક્તિને જો આપણે ચાહતા હોઈએ કે પછી તેણે આપણા જીવનમાં કંઈક પ્રસન્નતા કે ઉત્કર્ષ માટે પ્રદાન આપ્યું હોય કે નિઃસ્વાર્થ પ્રેમ, હળવી પળો અને ગમતાનો ગુલાલ કર્યો હોય તો તેની હયાતીમાં જ તેમને કહો કે ''તારૂ/તમારૂં કુટુંબ, સમાજ, મિત્રવર્તુળ કે મારા હૃદયમાં કેવું સ્થાન છે. તું મારા માટે શું છે યાર તને ખબર નથી. ભલે અન્ય મિત્ર કે સગા-સ્નેહીમાં આભાર કે ઉપકારની લાગણી ન હોય પણ મારે આટલું તો કહેવું જ પડે કે યુ મીન અ લોટ...'' તમે આવું કહેશો તે સાથે જ તમે જોઈ શકશો કે તે વ્યક્તિ રડી પડશે. તમને વ્હાલથી ભેટી પડશે. જવાબમાં તે પણ કહેશે કે ''જીવનમાં આપણે જે મજા કરી છે ને દોસ્ત તે પળોએ જ સ્વર્ગની અનુભૂતિ કરાવી દીધી છે.''

કોઈ વ્યક્તિ જશની સ્હેજમાત્ર અપેક્ષા વગર તમારા માટે કંઈક કરે ત્યારે તેની ગુણવત્તા કેવી છે કે ગૌણ બની જતું હોય છે. 

વ્યક્તિ જીવીત હતી ત્યારે તે નીચા કે ઉચ્ચ હોદ્દા પર હતી તે સવાલ નથી પણ તેની કામગીરી, તેના ક્ષેત્ર વિશે કે તમે આ જોબ, વ્યવસાય કે સર્જન કઈ રીતે કરો છો ? તે રીતે તેમના અસ્તિત્વ અને કાર્ય પ્રદાનની કોઈ નોંધ લેતી વાત તમે છેડી હતી ? વ્યક્તિએ કોઈક નાની-મોટી સિદ્ધી મેળવી હોય ત્યારે તે અંગે વિશેષ પૃચ્છા કરીને અભિનંદન આપ્યા હતા ?

એવા પરિચિતો કે જેઓએ ઉદાહરણ તરીકે ૪૦ વર્ષથી પ્રદાન આપ્યું હોય અને તે દરમ્યાન તમને ૩૦૦ વખત મળે. તેને તમે એક વખત પણ તેના કાર્યની પ્રસંશા તો દૂરની વાત થઈ નોંધ પણ ન લીધી હોય તેવું બન્યું જ હશે. તું વધુ સુખી - લોકપ્રિય હોય તો તારા ઘરનો, તારા કરતા ચઢિયાતા મારૂં સર્કલ છે તેવી ગ્રંથિ સાથે તેની અવગણના પણ થતી જ હોય છે. જાણી જોઈને પારકી સફળ હસ્તીઓની જ વાત તેની સમક્ષ માંડી આપણી ચાલાકી અને ઈર્ષાને છુપાડવાની મેલી રમત નથી રમી ચૂક્યા ને ?

ઘણા તો એ હદે 'થેંકલેસ' એટલે કે આભારની લાગણીહીન હોય છે કે કોના પ્રદાનનો ઉલ્લેખ ન કરવો તેની વિશેષ તકેદારી રાખે છે. તે પણ ભરસભામાં જેણે આપણી પ્રગતિમાં જ પાયાની ભૂમિકા ભજવી હોય તેની પણ હાજરી હોય તે વચ્ચે. આ જ વ્યક્તિ મૃત્યુ પામે એટલે તેની જોડે મારે કેવું જોડાણ હતું. તેઓ મને કેટલો વિશેષ પ્રેમ કરતા હતા તેના વિશે બધે કહેતા ફરે. 

દુનિયા આખી જાણતી હોય કે કોણ કેટલામાં છે તો પણ આપણે કંઈ કમ નથી તેવું પૂરવાર કરવા ઉમદા જીવીત વ્યક્તિ કે જેના મનમાં કોઈ અહંકારભાવ નથી તેમને વર્તન, વાણી અને વિચારોથી પીડા આપવાની અને મૃત્યુ પછી તેની જે ખરી સંસ્કારી છબી હતી તેના ગુણો ગાવાના. મિત્રો કે સગાઓને તમે તેઓને કેટલા ચાહો છો કે તમારી આ વાત, આ સફળતા, આ પ્રેમ, આ સ્વભાવ, આ પ્રયત્ન મને સ્પર્શ્યો તેમ જીવતે જીવ કહેવાનું આપણે ચૂકી જતા હોઈએ છીએ.

મનોચિકિત્સકો પાસે ડીપ્રેશન, આત્મઘાતી વિચારો, વ્યસન, છૂટાછેડાના, માતા-પિતા પ્રત્યેના બંડના જે પણ કેસ આવે છે તેમાં કેન્દ્રસ્થાને એક જ કારણ હોય છે કે બાળપણથી આવી વ્યક્તિને ક્યારેય હૂંફ પ્રેમ વ્યક્ત નથી કરાયો. (પ્રેમ હોવો અને વ્યક્ત કરવો તેમાં ફર્ક છે) આઈ લવ યુ, કિસ, હળવો હાથ ફેરવવો.

આજે સરસ ચા બનાવી છે, જમવાની મજા પડી ગઈ, આ વાનગી મજેદાર છે. મારા માટે કેમ જાગતી રહે છે. ચાલ રેસ્ટોરા... સિનેમા જોવા જઈએ. તને ગમતો અભ્યાસ કર... ફીની ચિંતા ન કરીશ. જેવા શબ્દો વ્યક્તિ જીવીત હતી ત્યારે આપણે બોલ્યા હોઈએ છીએ ખરા.

હું કેટલો (કેટલી) નસીબદાર છું. મેં શું અને કેવી હદનું મેળવ્યું છે તે મને ખબર છે. તેમ તમે કહેશો. એટલે સામી વ્યક્તિ પણ અહમ ઓગાળીને કહેશે કે ''અરે આપણે એક જ છીએ ને... તે મને કેવી સ્વર્ગીય અનુભૂતિ આપી તેની તને ખબર નથી.''

કોઈ પરિચિતને ઘેર જાવ અને શો કેસમાં કોઈ ટ્રોફી કે સર્ટિફિકેટ પડયા હોય તો પૂછીએ છીએ ખરા કે આ જ તમને કંઈ સફળતા માટે મળ્યા છે. આ વ્યક્તિ મૃત્યુ પામે એટલે શ્રધ્ધાંજલિમાં તેને દાદ આપવાનું આપણે ચૂકતા નથી.

આજે બે ભાગમાં સમાજ વહેંચાઈ ગયો છે. એક ચાલાક, સ્વકેન્દ્રી, મતલબી, ગણતરીબાજ અને આજીવન ચેસની મનોરમતથી બાજી ગોઠવીને બેઠો છે. ઘણાં ખરા કિસ્સામાં તો જેની સામે રમતો હોય છે તેને જ ખબર નથી હોતી કે કોઈને તે આ હદે મનોવિકૃતિ સાથે વ્યસ્ત રાખે છે. આવા સમુદાયને 'ઈગ્નોર' કરો. તમારી મસ્તી કોઈની દાદ કે પ્રતિભાવ ઝીલવાને આધીન જ ન હોવી જોઈએ. આવી ચાલાક વ્યક્તિ કરતાં તો આપણે વિશેષ બુદ્ધિશાળી હોઈએ છીએ. તેથી બધું નોંધાતું હોય છે પણ મનોદિમાગ પર છાપ નથી પડવા દેતા.

બીજો સમુદાય ખરેખર ભલો, ભોળો, ઉમદા, કદરદાન અને લાગણીનો રાજા છે પણ તેનામાં સામી વ્યક્તિના સારા સ્વભાવ, પ્રદાન કે તે કેટલો પ્રેમ કરે છે તે અભિવ્યક્ત થવાની આવડત નથી. તે મનોમન ભરપુર ચાહે છે. સામી વ્યક્તિની મહાનતા, મિત્રતા સિદ્ધીથી ગૌરવ અનુભવતો હોય છે પણ તેને ઉછેરની સમસ્યાને લીધે કે પછી લેખન, વાચન અને વાચાળવૃત્તિ ઓછી હોઈ બોલતા કે લખીને ભાવના વ્યક્ત કરવાની ફાવટ નથી હોતી.

આવી વ્યક્તિને એટલું જ નમ્ર સુચન કે 'કોમ્યુનિકેશન'ના આ જમાનામાં કૃત્રિમ સંબંધો, લાગણી અને નેટવર્કિંગના આબાદ નટસમ્રાટો જો વાહવાહી મેળવતા હોય તો તમારે તો હૃદયથી હોઠ સુધી જ લાગણી લાવવાની છે. આપણે ક્યાં શબ્દોના સ્વામીનો મેડલ લેવો છે. અરે બોડી લેંગ્વેજ કે અંગૂઠો અને તેની બાજુની આંગળી જોડીને પણ 'વાહ'નો સંકેત આપી દો.

સોશિયલ મીડિયામાં જે 'ઈમોજી' છે તે બધાની સંજ્ઞાા આપણે હાથ, આંગળી કે મોંથી લાવી જ શકીએ... જસ્ટ કમ્યુનિકેટ...

એવું નથી કે આપણને પ્રસંશા કરતા કે બીજાને બિરદાવતા આવડતું નથી. સામી વ્યક્તિ આપણી 'બોસ' હોય કે આપણને જેની પાસેથી ફાયદો થવાનો છે તેની જુઠ્ઠી પ્રસંશા કે બટર લગાડતા આપણને આવડે જ છે તો જીવીત ચાહીતી વ્યક્તિ જોડે તેમ ન થઈ શકે ?

વ્યક્તિના મૃત્યુ પછી તેના માટે જે લાગણી અને પ્રદાન બદલ ધન્યતા અનુભવતી જે શબ્દાંજલિ આપવા માંગીએ છીએ તે તેની હયાતીમાં જ તેને લખીને કે બોલીને મિત્રવર્તુળ કે સગા-સ્નેહીની હાજરીમાં આપવાનો કોઈ ઉપક્રમ ગોઠવવાનો સમય આવી ગયો છે. કોઈ ન હોય તો વ્યક્તિ એકલી જ હોય અને તમે તેના વિશે ચાર-છ વાક્યો સહજ વાતચીત દરમ્યાન વણી લેશો તો પણ સારું કે પછી કોઈ પ્રસંગે કોઈ વ્યક્તિ જોડે ઓળખાણ કરાવતી વખતે કહો કે ''આ મારો મિત્ર, આ મારા સગા અમારા માટે શું છે... કેવા ઉમદા છે...''

થોડા વર્ષો પહેલા એક પરિચિતે પુસ્તક ભેટમાં આપતા કહ્યું કે ''આ મારા પ્યારા મામા પર મોસાળ અને પિતરાઈ પક્ષના સગા-સ્નેહીઓ તેમજ મિત્રોએ તેમની લાગણી વ્યક્ત કરતા લેખો ધરાવતું પુસ્તક છે. વાંચીને અભિપ્રાય આપજો.''

સ્વર્ગસ્થ માતા-પિતાને આ રીતે અંજલિ લેખો આપતા પુસ્તકો જોયા છે પણ આ તો મામા માટે પુસ્તક હતું તે વિચારી પરિવાર અને મિત્રો માટે માન ઉપજ્યું.

પુસ્તક પરના પાનાં ફેરવતા જ સુખદ આશ્ચર્ય અનુભવ્યું કે મામાના મૃત્યુ બાદનું આ શ્રધ્ધાંજલિ લેખોનું પુસ્તક નથી પણ મામા ૭૦ વર્ષના થયા ત્યારે બંને પક્ષના કુટુંબીઓ અને મિત્રોએ સહિયારો એવો નિર્ણય કર્યો હતો કે મામા ઉદાહરણીય વ્યક્તિ છે. તેમણે કોઈને કોઈ રીતે અમારા જીવનમાં સ્થૂળ કે સુક્ષ્મ રીતે મદદ કરી છે, પ્રેરણા પૂરી પાડી છે.

પરિવારને એક રાખ્યું છે. પરિવારની ખુશીના ઉદ્દીપક રહ્યા છે. તેમના પર લેખ લખીને એક પુસ્તક બનાવીએ. જેને જેવું આવડે તેવી ભાષામાં કે 'મામા અમારા માટે શું છે... શું કર્યું? મામાએ ૭૦મી વર્ષગાંઠે પરિવારજનોને પાર્ટી આપી અને પરિવારજનોએ મામાને માટે લખાયેલ પુસ્તકનું સરપ્રાઇઝ વિમોચન કર્યું.

લેખને બીટવીન ધ લાઈન સમજીને આપણે પર્યાવરણને જ નહીં આપણી પોતિકી પ્રકૃતિને પણ નિર્મળ બનાવીએ. કેટલીક વખત તો એવું બને છે જે કોઈ વ્યક્તિ વિશેષનું નિધન થયાના સમાચાર મળે ત્યારે તો આપણે સફાળા જાગી મનોમન આપણી સ્વકેન્દ્રી જડતાને છૂપાવીને સ્વગત કહીએ છીએ કે ''અરે... આ વ્યક્તિ હયાત હતી ? તેના અસ્તિત્વને જ સાવ ભૂલી ગયો હતો.''

હા, મૃત્યુ પછી વ્યક્તિ વિશે જે લખાય, બોલાય છે તેનું કદ ચિત્રગુપ્તના ચોપડા જેટલું જ દળદાર હોય છે. કદાચ મૃતક આત્મા પણ કહેતો હશે કે ''ઓહ... આટલી હદે તમે મને 'મિસ' કરો છો. હું ખરેખર આવો ઉમદા હતો... મને તો કહેવું હતું.''

આપણી લાગણી કે અંજલિ ખરા દિલની જ હોય છે પણ તે તેને હયાતીમાં જ પહોંચી હોત તો જીવન અને મૃત્યુ બંને ઉત્સવ બન્યા હોત.

* સ્વર્ગસ્થના નિધન પછી 'ફૂલ ગયુ ંફોરમ રહી' તેમ કહેતા હોઈએ છીએ પણ ફૂલને હયાતીમાં ક્યારેય ખબર જ ન પડવા દીધી કે તારામાં ફોરમ છે



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39Wb64v
Previous
Next Post »