ખેડા જિલ્લામાં ભાજપની નવી નીતિથી ૧૦થી વધુ જુના જોગીઓના પતા કપાશે
નડિયાદ પાલિકાની બાવન બેઠકો માટે ભાજપમાં કુલ ૧૭૭ ઉમેદવારોએ ટિકિટ માટે દાવેદારી નોંધાવી
નડિયાદ, તા.૩
ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મૌસમ પૂરબહારમાં ખીલી ગઈ છે ત્યારે ભાજપ દ્વારા નવા નિયમોની જાહેરાત સાથે જ નડિયાદ નગરપાલિકામાં રાજકીય ભૂકંપ આવી ગયો છે. અત્યારે તો પાલિકાની ચૂંટણી કરતાં ભાજપી ઉમેદવારોમાં ટિકિટવહેંચણી માટે વધારે રસાકસી જામી છે. પાલિકામાં સંપૂર્ણ વર્ચસ્વ ધરાવતા ભાજપમાં ઉમેદવારો માટે ૬૦ વર્ષ, ત્રણ ટર્મ અને પરિવારવાદના ત્રણ નવા નિયમો આવી જતાં જૂના જોગીઓ અને શહેર ભાજપના મજબૂત નેતાઓના જીવ પડીકે બંધાઈ ગયા છે. ભાજપના સિનિયર નેતાઓમાં અત્યારે દોડધામ મચી ગઈ છે.
૨૮ ફેબુ્રઆરીના રોજ થનારા મતદાન પહેલાં તમામ રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવવામાં પડયા છે. આ અઠવાડિયામાં રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોનું ફાઈનલ લિસ્ટ જાહેર થઈ જાય તેવી સંભાવના છે. ઉમેદવારી ભરવાની છેલ્લી તારીખ ૧૩ ફેબુ્રઆરી છે. ઉમેદવાર ૧૬ ફેબુ્રઆરી સુધી તેનું ફોર્મ પરત ખેંચી શકે છે. આ સ્થિતિમાં નડિયાદમાં પણ નગરપાલિકાની ચૂંટણી માટે ટિકિટવાંચ્છુક ઉમેદવારોએ હોડ માંડી છે. તાજેતરમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દ્વારા ટિકિટ આપવા માટે નવા જ માપદંડની ઘોષણા કરવામાં આવી તે સાથે ઘણા ઉમેદવારોનાં મોતિયાં મરી ગયાં છે. ૬૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા, સતત ૩ ટર્મથી ચૂંટાતા અને સગાવાદથી ટિકિટ મેળવી શકે તેવા ઉમેદવારો ભાજપ ટિકિટ ન આપે તો અમલમાં મૂકવા માટે પ્લાન-બીની રણનીતિ ઘડવામાં લાગ્યા છે. ભાજપમાં ઓછામાં ઓછા ૧૦ જેટલા ઉમેદાવારોની આશા પર નવા માપદંડો પ્રમાણે પાણી ફરી વળી જવાની સંભાવના છે.
જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયામાં જિલ્લાના નિરીક્ષકો દ્વારા પાલિકાની ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારો અને કાર્યકરોની રજૂઆતો સાંભળવામાં આવી હતી. આ દરમિયાન પાલિકાની બાવન બેઠકો માટે ભાજપના સભ્યો સહિત કુલ ૧૭૭ ઉમેદવારોએ ટિકિટની દાવેદારી માંડી હતી. દાવા માંડનારાઓમાં અપક્ષ તરીકે ચૂંટણી જીતીને ભાજપમાં ભળી ગયેલા સભ્યો પણ હતા.
બીજી તરફ, અંદરખાને ચાલી રહેલી વાતો પ્રમાણે નવા જાહેર કરાયેલા માપદંડો મહાનગરપાલિકા માટે જ લાગુ કરાશે. નગરપાલિકાની ટિકિટવહેંચણીમાં સામાન્ય માપદંડો પ્રમાણે ટિકિટ ફાળવવામાં આવી શકે છે અને નવા નિયમોમાંથી ઉમેદવારોને છૂટ આપવામાં આવી શકે છે. જોકે અત્યારની સ્થિતિમાં સ્થાનિક નેતાઓના જીવ પડીકે બંધાઈ ગયા છે તેવી પરિસ્થિતિ સ્પષ્ટ જોવા મળે છે.
નવા નિયમો પ્રમાણે ચૂંટણી લડાશે : જિલ્લા ભાજપ પ્રમુખ
ભાજપ રાજ્ય પ્રમુખે જાહેર કરેલા નવા નિયમો નગરપાલિકાઓમાં લાગુ નહીં કરાય તેવી વાતો વહેતી થઈ છે એ વચ્ચે ભાજપના જિલ્લા પ્રમુખે તે વાતને નકારી દેતા હોય તેમ ખેડા ભાજપની ટીમ નવા નિયમો પ્રમાણે ચૂંટણી લડવા તૈયારીમાં લાગી ગઈ હોવાનું જણાવ્યું છે. ભાજપ જિલ્લા પ્રમુખ અર્જુનસિંહ ચૌહાણે આજે કરેલી જાહેરાત પ્રમાણે ખેડા ભાજપ ટીમ એકદમ ચોક્કસાઈ કરીને આગળ વધવાની છે. ૬૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા ઉમદવારોએ પણ મન બનાવી લીધું છે. પાર્ટીનો સામાન્ય કાર્યકર્તા પણ નવી નીતિને અનુસરવાનો પ્રયાસ કરી રહ્યો છે. જેમની ૩ ટર્મ પૂરી થઈ છે તેઓ પણ મન મોટું રાખીને નવા યુવા ઉમેદવારોને જીતાડવામાં પ્રામાણિક મહેનત કરશે.
નડિયાદ નગરપાલિકાની વર્તમાન સ્થિતિ
વોર્ડ- ૧૩
કુલ બેઠકો- ૫૨
સત્તાધારી પક્ષ- ભાજપ
ભાજપઃ ૪૧
કોંગ્રેસની બેઠકોઃ ૨
અપક્ષઃ ૯
કુલ મતદારો- આશરે ૨,૫૦,૦૦૦
લોકવસતી- આશરે ૪,૦૦,૦૦૦
ચૂંટણીમાં ભાજપની ટિકિટ માટે નવી નીતિથી જુના જોગી વેતરાશે
આણંદ જિલ્લામાં પાલિકા અને જિલ્લા તા.પં.માં ૨૪ આગેવાનોની બાદબાકી થશે
સંગઠન દ્વારા દાવેદારોની સેન્સ લેવાયા બાદ નવી નીતિ મુજબ યાદી તૈયાર કરી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલી અપાઈ
આગામી તા.૨૮ ફેબુ્રઆરીના રોજ યોજાનાર આણંદ જિલ્લાની જિલ્લા પંચાયત, આઠ તાલુકા પંચાયત અને ૬ નગરપાલિકાઓની ચૂંટણીને લઈ સ્થાનિક રાજકારણ ગરમાયું છે. જો કે ભાજપ દ્વારા અમલમાં મુકાયેલ નવી નીતિને કારણે અનેક જુનાજોગીઓના નામોની યાદીમાંથી બાદબાકી થતા સમીકરણો બદલાવાની શક્યતા રાજકીય તજજ્ઞાો માની રહ્યા છે. હાલ તો આણંદ જિલ્લા ભાજપ દ્વારા નવી નીતિ મુજબ નવી યાદી તૈયાર કરી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલી આપવાની કામગીરી અંતિમ ચરણમાં પહોંચી છે. આ અંગે વધુમાં મળતી વિગતો મુજબ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ત્રણ ટર્મથી ચૂંટાતા તેમજ ૬૦ વર્ષથી ઉપરના અને સંગઠનમાં હોદ્દો ધરાવતા વ્યક્તિના સગાવ્હાલઓને ટિકિટ નહી આપવાની નીતિ જાહેર કરતા આણંદ જિલ્લા ભાજપ છાવણીમાં ખળભળાટી મચી જવા પામી છે. જો કે ભાજપ દ્વારા જિલ્લા પંચાયત, આઠ તાલુકા પંચાયત અને છ નગરપાલિકાઓ માટે ઉમેદવારની પસંદગી માટે નિરીક્ષકોની નિમણુંક કરી સેન્સ લેવાની પ્રક્રિયા તેમજ ત્રણ દિવસ સુધી જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજી ઉમેદવારોની યાદી તૈયાર કરી દેવામાં આવી હતી. પરંતુ પાટીલ ભાઉની નવી પોલીસીને લઈ અંદાજે ૨૦ જેટલા કાઉન્સીલરોના યાદીમાંથી નામ કપાઈ જવાની સ્થિતિનું નિર્માણ થયું છે. તો બીજી તરફ ૬૦ વર્ષથી ઉપરના તેમજ સગાવાદને લઈ અન્ય ૪ જેટલા ઉમેદવારોના નામ જિલ્લા તેમજ તાલુકા પંચાયતની ચૂંટણીની યાદીમાંથી કપાઈ જવાની શક્યતા છે. જો કે ભાજપ દ્વારા આ નવી નીતિ અમલમાં મૂકાતા જ આણંદ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા તૈયાર કરાયેલ યાદીમાં ફેરફારો શરૂ કરી દીધા છે.
અને આ ત્રણ માપદંડમાં આવતા ઉમેદવારોના નામની યાદીમાંથી બાકબાકી કરી તેના સ્થાને નવા ઉમેદવારોના નામ ઉમેરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જો કે હાલ આ યાદીને આખરી ઓપ આપવાની કામગીરી ચાલી રહી છે.
આ યાદી તૈયાર કરી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલી આપવામાં આવશે. ત્યારબાદ જિલ્લા-તાલુકા પંચાયતો તેમજ નગરપાલિકાના ઉમેદવારો અંગે આણંદ તા.૬ના રોજ ચર્ચા-વિચારણા કર્યા બાદ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ઉમેદવારના નામો ઉપર મંજૂરીની મહોર લાગ્યા પછી યાદી જાહેર કરવામાં આવશે તેમ ભાજપ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ તરફથી ચૂંટણી લડવા ઈચ્છતા દાવેદારો માટે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા નવી નીતિ અમલમાં મુકવામાં આવતા આણંદ નગરપાલિકામાં વર્ષોથી ચૂંટણી લડતા કેટલાક જુનાજોગીઓના પત્તા કપાવાની શક્યતાઓ છે ત્યારે આવા કેટલાક જુનાજોગીઓએ પાલિકામાં પોતાની નામના કાયમ રહે તે માટે નવા પેંતરા રચવાની શરૂઆત કરી છે.
ભાજપની નવી નીતિ જાહેર થયા બાદ કેટલાક જુનાજોગીઓએ રાતોરાત પોતાના કહ્યામાં રહે તેવા યુવા કાર્યકરોને ઉઠાવ્યા છે અને તેઓને ચૂંટણીમાં દાવેદારી નોંધાવવા દબાણ કરાયું હોવાની ચર્ચાઓ નગરમાં ટોક ઓફ ટંગ બની છે.
કોંગ્રેસ દ્વારા યુવા ચહેરાઓને મેદાનમાં ઉતારવામાં આવશે
કોંગ્રેસ પક્ષ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે કવાયત હાથ ધરવામાં આવી છે. આ અંગે જિલ્લા પ્રમુખ મહેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતની બેઠકોનું નવું સીમાંકન આવતા ૪૨ બેઠકો પૈકી કેટલીક બેઠકો બદલાઈ છે. જેથી જૂના નેતાઓને સેન્સમાં લઈ તેમજ ગામોના આગેવાનો સાથે ચર્ચા કરી ખાસ કરીને એક જ નામ પસંદ કરવામાં આવ્યું છે. કેટલીક બેઠકો ઉપર બે કે તેથી વધુ નામો હોઈ આ અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. યુવા કોંગ્રેસ અને એનએસયુઆઈની માંગને ધ્યાનમાં લઈ મોટાભાગે યુવા ચહેરાઓને તક આપવામાં આવી હોવાનું તેઓએ ઉમેર્યું હતું. જ્યારે નગરપાલિકાની ચૂંટણીને લઈ કોંગ્રેસ સમર્થિત વોર્ડોમાં એકથી વધુ ઉમેદવારો હોઈ સમાજના આગેવાનો સાથે ચર્ચા કરી પેનલો બનાવવામાં આવનાર હોવાનું અંતમાં તેઓએ ઉમેર્યું હતું.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jgRzyp
ConversionConversion EmoticonEmoticon