શિલ્પશાસ્ત્રના આદ્યપિતા-ભગવાન વિશ્વકર્મા


મ હાસુદ તેરસ એટલે ભગવાન વિશ્વકર્માનો જન્મ-દિવસ. તેઓ જગતના 'સર્જનના દેવ' ગણાય છે. તેમના પિતાનું નામ હતું. પ્રભાસવસુ અને માતાનું નામ ભુવનાદેવી. અહીં સુથાર, સોની, લુહાર, શિલ્પી અને કડિયા તેમને પોતાના આરાધ્યદેવ માનીને તેમની ઉપાસના કરે છે. સુથાર સુથારીકામ કરી લાકડામાંથી સુંદર ફર્નિચર બનાવે છે. સોની સોનામાંથી કલાત્મક આભૂષણો બનાવે છે. શિલ્પી પથ્થરમાંથી અક્ષત, સુંદર, બેનમૂન મૂર્તિઓ બનાવે છે. કડિયો આકર્ષક, મનોહર ભવનોનું નિર્માણ કરે છે. લુહાર માનવજાતના રક્ષણ માટે લોખંડમાંથી અનેક પ્રકારની ચીજવસ્તુઓ બનાવે છે.ગામ, શહેર અને નગરની રમ્યતા, સુંદરતા, સભ્યતા, સમૃદ્ધિ અને વૈભવનું પ્રદર્શન છેવટે તો ભગવાન વિશ્વકર્માની અંતરભાવનાનું દર્શન છે. જેનાથી જગત આટલું સુંદર દેખાય છે.

ભગવાન વિશ્વકર્મા ચંદ્રથી પણ અધિક સુંદર હતા. તેમનાં બુદ્ધિ-ચાતુર્યથી અંજાઈને પ્રહ્લાદજીએ પોતાની પુત્રી વ્રોચના સાથે તેમનાં લગ્ન કરાવ્યાં હતા. તેમનાં સંતાનો ખૂબ સંસ્કારી હતાં.ભગવાન વિશ્વકર્માને ચાર હાથ છે. તેમના એક હાથમાં ગજ, બીજામાં કમંડળ, ત્રીજામાં પુસ્તક અને ચોથા હાથમાં માળા છે. તેઓ ત્રિનેત્ર છે. હંસ તેમનું વાહન છે. દેવ પરંપરામાં તેમનું સ્થાન અનન્ય છે. તેમણે ભગવાન વિષ્ણુ માટે સુદર્શન ચક્ર, શિવજી માટે ત્રિશૂળ, કાર્તિક સ્વામી માટે ભાલો, દુર્ગામાતા માટે આભૂષણો, રાજા રઘુ માટે સારંગ ધનુષ્ય બનાવ્યું છે. આ ઉપરાંત શિવપાર્વતીના લગ્ન માટે લગ્નમંડપ, દેવો માટે ઇન્દ્રલોક, કુબેર માટે સોનાની લંકા અને શ્રીકૃષ્ણ માટે દ્વારિકા નગરી બનાવી છે. તેમણે જગત સમક્ષ 'કન્યાદાન'નો કેવો મહિમા ગાયો છે ! તેઓ વિશ્વને સુખ આપનાર મહાન ઇશ્વરીય અવતાર હતા. શિલ્પશાસ્ત્રના આદ્યપિતા ભગવાન વિશ્વકર્માને તેમની જયંતીએ કોટિ કોટિ વંદન.

- કનૈયાલાલ રાવલ



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3k0BcXu
Previous
Next Post »