બચપન કી યાદો કો ભુલાના ના ભુલાના

- છોકરીઓ એમની કૂકાની કે રેતીમાં પગથિયાં દોરીને એને કુદાવવાની ને એવી રમતમાં રમમાણ હોય. અને હા, ઝઘડામાં બીટ્ટા-કીટ્ટા તો હાજર હોય જ.


દુ નિયામાં કોઇ પણ માણસ એવો હશે, જેને મોટપણે બચપણની યાદો ક્યારેય યાદ આવી નહિ હોય ? Childhood is the golden gift from God.બચપણ એ તો ભગવાને આપેલી સોનાની બક્ષિસ છે. જિંદગીમાં બચપણનો સમયગાળો ટૂંકામાં ટૂંકો હોય છે. જોતજોતામાં એ વીતી જાય. દીર્ઘ સમયકાળ તો જુવાનીનો છે. એમાં જ એના જીવનની છબી ઉપસે છે. હું અને ઘડપણ કર્માધીન લાંબુ કે ઝટ સમેટાઇ જતું ઘટક છે.

બચપણની લિજ્જત એનો નિર્દોષ આનંદ કોણે નહિ માણ્યો હોય. શ્રીમંતનો કુંવર હોય કે ગરીબ મજૂરનો દીકરો હોય. સહુએ પોતપોતાની હેસિયત પ્રમાણે બચપણની મઝા માણી જ હોય.

બચપણનું સ્મરણ, મોટપણે પણ કેવો ઉત્સાહ પ્રેરે છે, આઠ, આઠ નવ નવ વર્ષના બાળકોની ભેરુબંધી.. કિલકારીઓ સાથે સંતાકૂકડી, સાતતાળી, થપ્પોની રોમેન્ટિક રમતોમાં રમમાણ થયું. કન્યાઓ ય ક્યાં કમ હોય ? થપ્પો, કૂકા, સાત પગલાંની રમતોનો આનંદ તેમણે ય કેમ નહિ માણ્યો હોય.

બચપણમાં ય બધુ સુખ તો ક્યાંથી જ હોય ?

સહુથી જાલીમ તો નિશાળ. રોજ સવાર પડે ને રોજની રામાયણ. લેશન કર્યું નથી તેની ગભરામણ. નિશાળમાં વાઘ જેવો માસ્તરનો ચહેરો જોયો. લેસન ના કર્યું હોય તો પેટમાં દુઃખાડવું, બાની દયામાયા સહાનુભૂતિ જીતવા - આંખમાંથી પરાણે ખેંચીને પાણી - આંસુ પાડવાં - આ બધા નુસખા કંઇ બચપણમાં કોઇને ય શીખવવાના હોય ખરા ?

અને ક્રિકેટ ? એ તો બાળબટુકોની દિલોજાન રમત. ક્રિકેટ મેચમાં વણમૂછિયા ક્રિકેટરો હાથમાં સ્ટાઇલપૂર્વક કોઇ મહાન ક્રિકેટરની અદાથી હાથમાં બેટ પકડીને ફિલ્ડમાં વટભેર ઊભા કે આંટા મારતા હોય.

છોકરીઓ એમની કૂકાની કે રેતીમાં પગથિયાં દોરીને એને કુદાવવાની ને એવી રમતમાં રમમાણ હોય. અને હા, ઝઘડામાં બીટ્ટા-કીટ્ટા તો હાજર હોય જ.

ગામડામાં ય બાળકો તો સહુ સરખા જ. ત્યાં સગવડ પ્રમાણે ધોકાણા અને દડાના સંગમથી એમની ક્રિકેટ ટીમ રમતી હોય, તડકો છાંયો રમતાં હોય, આંબલી પીપળી રમતા હોય.

શહેરોમાં કે ગામડામાં બચપણની જાહોજલાલી નહિ માણનાર કોઇક જ કમનસીબ હોય.

જો કે હવે બદલાયેલા જમાના પ્રમાણે બચપણની ગતિવિધિ પણ પરિવર્તન પામતી રહી છે.

પેથાભાઇના પરિવારમાં, પટલાણીને એમના બચપણની યાદ કરાવવા માટે જ જાણે એક ઘટના બની.

બહારથી કોઇનો જોરશોરથી બારણું ઠોકવાનો અવાજ આવ્યો. ફેન્ટા અને પટલાણી કામમાં પરોવાયેલાં હતાં. ફેન્ટાને કામ પડતું મૂકીને અચાનક ઉઠવું પડયું. ગુસ્સાથી એણે બારણું ખોલ્યું.

સામે ગામડાની કોઇ પૂરા ગામઠી પહેરવેશમાં હાથમાં પતરાની નાની પેટી લઇને ઊભી હતી. એના દેદારથી ફેન્ટા ચિડાઇ: 'બહાર બારણાં પાસે ડોરબેલ નથી ?'

'ડોર બેલ ?' બાઇ મૂંઝાઇ.

'ઘંટડી.. બારણા પાસે ઘંટડી...'

'ઘંટડી લટકાઇ સે ? મારા જોવામાં આવી નહિ' ચ્યાં લટકાઇ સે ?

ફેન્ટા વધુ ચિડાય ત્યાં તો પટલાણીની નજર પડી. એ ચમક્યા અને ચકિત થઇ ગયાં 'અરે આ તો લલી ! લલી - લલિતા. મારા ગામની બચપણની મારી બેનપણી.'

એમણે બૂમ મારી: 'લલી, આવ આવ...'

ફેન્ટાને ખુલાસો કરતાં ઉત્સાહથી બોલ્યાં: 'અરે એ તો મારા ગામની બચપણની ભેરુ છે.'

ફેન્ટા શેક ખાઇ ગઇ. સાસુની બહેનપણી ? બચપણની ? આવી ગમાર જેવી ?

પટલાણીએ ઊભાં થઇને એને વધાવી. ફેન્ટાએ વાત સમજી લીધી. એમના હાથમાંથી પતરાની પેટી પોતે ઊંચકી લઇને તેમને અંદર દોર્યાં.

પટલાણી ખુશ હતાં: 'અરે લલી ! તું અચાનક ? અત્યારે ?'

'તને મરવા, કમરી ! ચેટલાય વખતથી સે'રમાં આવી ન'તી. પણ ચ્યાંથી આવું ? તારું સે'ર કાંઇ ઢુકડું પડયું સે ? પણ નસીબે એક ખટારો સે'રમાં આવવા નેકળતો હતો. એમાં એક જાણીતા ભાઇ હતા. એટલે મને થયું કે 'સે'રમાં મારી ફૂઇજી ય રહેસે, તેને ત્યાંય મરતી આવું. મને હતું કે તું તો મરશે જ. અને સાચે જ સામીનારાયણની કીરપા કે તું મરી જ ગઇ.''

ેફેન્ટાને આ બોલીથી હસવું આવતું પરાણે રોક્યું. એને થયું કે મમ્મીની (સાસુની) બચપણની ખાસ ગર્લ ફ્રેન્ડ લાગે છે. એટલે એણેય હવે એમની સાથે માનથી વર્તવા માંડયું.

થોડીવારે તેણે પૂછ્યું: 'લલીમાસી ! ચા પીશો ?'

'ચા તો પીધો છે, ગામડેથી ચાનો કોપ પીને જ નેકરી સું.'

પટલાણીએ ફેન્ટાની ઓળખાણ કરાવી: 'લલી, આ મારા છોકરાની વહુ છે.'

લલીમાસીને તો 'બોલ-વા' હતો. મોઢું ભાગ્યે જ બંધ રહે.

એમણે વહુને, કમળી સાથેની ઘરવટ બતાવા કહ્યું.. 'હું અને તારી આ સાસુ બચપણમાં બેનપણી, સાથે જ રમતાં, ઝઘડતાં' અને જરા રુઆબ પાડવા કહે: 'વહુ ! આ કમરીને માથામાં જૂ પડતી ને તે હું ઝેણી કાંસકીથી કાઢી આપતી !'

પટલાણી ચમકી ઊઠયાં: 'આ વળી ક્યાં બધી પારાયણ કરવા બેઠી.'

એમણે વાત વાળી દીધી. આપણે સાથે ભણવા જતાં.

'એક જ પાથરણા પર બેસતાં. તને બધું યાદ છે ? તને પલાખાં ય આવડતા નહોતાં. એટલે માસ્તરે તને...' પટલાણીએ એને અધવચ જ ટોકતાં 'આ, સામેના રૂમમાંથી આવે છે ને તે મારા દીકરાની વહુ છે. થોડા મહિના પર જ લગન કર્યું..'

'બહુ હારુ, બહુ હારુ. ભગવાન એને દેવ જેવો દીકરો આપે' લલી માએ તેને બે હાથ ઊંચા કરી આશીર્વાદ આપ્યા.

રશ્મિએ તેમને નમસ્કાર કર્યા.

લલીએ દીકરો આવે તેવા આશીર્વાદ આપ્યા એટલે પટલાણી, ફેન્ટા ખુશ થઇ ગયા.  લલીમાસી એમને વહાલાં લાગ્યાં.

દીવાનખાનામાં પેથાભાઇ કશાક કામમાં રોકાયા હતા.

પટલાણીએ એમની ઓળખ આપી.

લલી ખુશ થઇ ગઇ: 'હાશ, મારો ફેરો અફર થયો. મને હતું કે તારે ત્યાં બધાં હામટાં જ મરી જશે.. પણ જો આ મારું ઓહાણ કેવું સાચું પડયું. અંઇ તારે ત્યાં બધા જ એક સામટા 'મરી ગયા' ને.. મારો ફેરો સફર થયો.

ફેન્ટાને 'મરી ગયાં' સાંભળી હસવું આવતું માંડ રોક્યું.. 'લલીમાસી તોએક સામટા જ બધાંને...'

વળી પાછી લલીમાસીની જીભ ચલબલી.

'તારે સસરો હજી છે ને ? કેટલાં વરસનો થયો.'

'સોમાં ત્રણ ઓછાં..'

'સામીનારાયણ ઈમના સોએ વરસ પૂરાં કરે.'

પટલાણી સિવાય બધાં મોં સંતાડીને હસી પડયાં

(આવતા અંકે પૂરું)



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cPeWye
Previous
Next Post »