- ઘોરીઘુવડની વાણી મયૂરરાજ અને મલ્લીને, તથા ત્યાં ઉપસ્થિત સગાસ્નેહીને સ્પર્શી ગઈ, તેમને પોતાની ભૂલ અને ધામધૂમ કરવાની જીદનો પસ્તાવો થયો, અને ઘોરીઘુવડ તથા પોતાના પુત્રની માફી માંગી.
પ ર્વતની તળેટીમાં આનંદવન આવેલું છે ત્યાં પક્ષીઓના રાજા મયૂરરાજનું શાસન ચાલે. આજે મયૂરરાજના આનંદનો પાર નહતો. તેમનો પુત્ર મધુમયૂર ડોક્ટર બની ગયો. તેની માતા મલ્લી તો ખુશ થઈને ગાતાંગાતાં નૃત્ય કરવા લાગી. મલ્લી પોતાની પાંખો ફેલાવી ઉછળકૂદ કરવા લાગી. ખુશીના આ સમાચાર જંગલમાં વાયુવેગે પ્રસરી ગયા. થોડીવારમાં તો જંગલની બધી જ નારીઓ ભેગી થઈને મલ્લીની સાથે નૃત્યમાં જોડાઈ ગઈ કંચી કોયલે ગીતના સૂર છેડયા. અને નારીવૃંદ ગરબા ગાવા લાગી આખું વાતાવરણ ઉલ્લાસથી ભરાઈ ગયું, બધા નર પક્ષીઓએ મયૂરરાજને વધાઈ આપી, અને મધુમયૂરને હારતોરા પહેરાવ્યા. મયૂરરાજે બધાને પેંડા વહેંચી ગળ્યું મોં કરાવ્યું.
થોડા દિવસ પછી મધુમયૂરને હોસ્પિટલમાં કામ મળી ગયું, એટલે તે ત્યાં સેવા બજાવવા પહોંચી ગયો. હોસ્પિટલમાં ફરજ બજાવતાં બજાવતાં તે આગળ પણ ભણતો ગયો. મધુમયૂરની મહેનત, લગન અને વડીલોના આશીર્વાદથી તે ્સર્જન પણ બની ગયો.
મયૂરરાજે વિચાર્યું કે મધુમયૂર હવે ભણી પરવાર્યો છે, અને હોસ્પિટલમાં ઉંચી પદવી પર છે. માટે હવે તેના લગ્ન કરાવી દેવા જોઈએ. મયૂરરાજે પોતાની ઈચ્છા મલ્લીને જણાવી ત્યારે મલ્લી બોલી, ''તમે તો મારા મનની વાત કહી. ઘરમાં વહુ હરતીફરતી હોય ત્યારે કેટલો બધો આનંદ થાય છે. જ્યારથી આપણો દિકરો મોટી પદવી પર ગોઠવાયો છે ત્યારથી તેના માટે માગા પણ ઘણાં આવે છે. સારી કન્યા જોઈને આપણાં મધુમયૂરને લગ્નની બેડીમાં બાંધી દો.''
મધુમયૂર માટે યોગ્ય કન્યાની તપાસ શરૂ થઈ. પોંગા પંડિતના પ્રયાસથી બાજુના જંગલના પક્ષીરાજ મયૂરેશની દિકરી મિતી સાથે મધુમયૂરની સગાઈ થઈ ગઈ અને લગ્ન લેવાયા. મલ્લીના પગ તો જમીન પર ઠરતાં જ નહતા. નવરી પડે કે તરત જ નોટપેન લઈને બેસી જાય. કંકોતરી, આમંત્રિતોના નામ, ખરીદી વગેરેના લિસ્ટ બનાવવા લાગી. મલ્લીની મદદે કમુકબૂતરી, પન્ના પોપટી, મેઘી મેના બધા આવી ગયા. બધાને જુદાજુદા કામ મલ્લીએ સોંપી દીધા. મલ્લીએ વહુ માટેના દાગીના અને કપડાંની ખરીદી પતાવી. હવે તે મહેંદી રસમ, સંગીતસંધ્યા, મામેરું, લગ્ન વગેરે જુદા જુદા પ્રસંગના જમણવાર અંગે નોંધણી કરવા લાગી.
મધુમયૂરે પોતાની માતાને કહ્યું, ''મારે લગ્નમાં કોઈપણ જાતની ધામધૂમ કરવી નથી. હું પાંચ માણસની હાજરીમાં સાદાઈથી લગ્ન કરવા માંગું છું.''
મલ્લી બોલી, ''બેટા, તું અમારો એકનો એક દિકરો... વળી પક્ષીરાજનો બેટો કહેવાય. સમાજમાં અમારી પ્રતિષ્ઠાનો તો વિચાર કર. અમારે અમારું નાક કપાવવું નથી.''
મધુમયૂરની અનિચ્છા હોવા છતાં મયૂરરાજ અને મલ્લીએ લગ્નની તડામાર તૈયારી શરૂ કરી દીધી. લગ્નપ્રસંગે વડીલપણું કરવા સમુસમડી આવી પહોંચી જ્યારે સમુસમડીએ મલ્લી દ્વારા લગ્ન અંગે મધુમયૂરના વિચાર જાણ્યા, ત્યારે ડહાપણપૂર્વક બોલ્યા, ''અરે મલ્લી, આ આજકાલના છોકરાઓનું બહુ સાંભળવું નહીં. બે ચોપડી શું ભણ્યા કે માબાપની વાતને ટાળતા થઈ જાય. આપણાં મોભાનો તો વિચાર કરતાં જ નથી મલ્લી, મને એ કહે કે મધુ ધામધૂમ કરવાની કેમ ના પાડે છે ?'' મલ્લી બોલી, ''તમે જ મધુને પૂછી લોને.''
સમુસમડીએ મધુમયૂરને બોલાવીને કારણ જાણવા કોશિશ કરી તો મધુમયૂરે કહ્યું, ''ફઈબા, મહામારીની ખરાબ પરિસ્થિતિ ચાલે છે આવા સમયે આ શરણાઈના સૂર... મને ઠીક નથી... '' મધુમયૂરની વાત વચ્ચેથી કાપતાં સમુસમડી બોલી, ''ઘરમાં વારે વારે આવા પ્રસંગો નથી આવતાં... પ્રસંગે ચાર માણસને બોલાવવા તો પડે જ ને... આનંદવનના પક્ષીરાજનો બેટો પરણે છે તેની જાણ દુનિયાને...''
્ર્ર''ફઈબા, લગ્નમાં બધા ભેગા થાય, કેટલાક માસ્ક પહેરે, કેટલાક ના પહેરે, સોશ્યલ ડિસ્ટનશીંગ ન જળવાય. જમણવાર થાય, ગામગપાટા થાય ત્યારે મહામારીનું સંક્રમણ વધે એટલે... ''
''બેસ બેસ મધુડા, અમારે તારા ડહાપણ પ્રમાણે નથી ચાલવું... અમે જે કરીએ છીએ તે બરાબર કરીએ છીએ'' સમુસમડી બોલી.
મધુમયૂર ઉદાસ રહેવા લાગ્યો, તેની દશા જોઈને તેના મિત્ર બકુબતકે ઉદાસીનતાનું કારણ પૂછ્યું, ત્યારે મધુમયૂરે કહ્યું, ''દેશમાં મહામારીનું સંક્રમણ છે, દેશ પર મંદી અને બેકારીનો ભરડો છે, આવા સમયે હોસ્પિટલમાં મારી જવાબદારી વધી ગઈ છે. પીડિતોની વેદના મને હચમચાવી દે છે. આવા સમયે લગ્નની ધામધૂમ, શરણાઈના સૂર, ભોજન સમારંભ... મારું મન માનતું નથી. મારા માતા-પિતા પણ મારી વાત સમજવા તૈયાર નથી.''
મધુમયૂરના મિત્રો પણ મધુના માતા-પિતા પાસે પોતાના વિચારો રજુ કરતાં ડરતાં હતાં, શું કરવું ? કોની મદદ લેવી ? મધુમયૂર અને તેનું મિત્રમંડળ બધા જ મુંઝવણ અનુભવતા હતા.
હોસ્પિટલમાં મધુમયૂરે પોતાના મનની વાત ચતુર ચાતકને કરી. ચતુર ચાતકે તેને એક ઉપાય સમજાવ્યો, અને આ ઉપાયની સઘળી વિગત મધુમયૂરની ભાવિ પત્ની મિતીને પણ સમજાવી. મિતી ડાહી હતી, પોતાના પતિની ઈચ્છાને માન આપવા તૈયાર થઈ ગઈ.
ચતુર ચાતકની યોજના મુજબ મધુમયૂર તો ઘરમાં બધી તૈયારીમાં પોતાનું યોગદાન દેવા લાગ્યો. મધુમયૂરનું વર્તન જોઈને સમુસમડી ખુશ થઈ ગઈ, તેણે મલ્લીને કહ્યું, ''જોયું, મધુ મારા કહેવાથી કેવો લાઈન પર આવી ગયો... ! કેવ ડાહ્યો થઈને પરણવા તૈયાર થઈ ગયો.''
લગ્નનો દિવસ આવી ગયો. સવારના લગ્નની વિધિ પતાવીને જાન જમીપરવારીને બે વાગે નીકળવાની હતી. લગભગ સવારે નવ વાગે મધુમયૂરને એક મેસેજ પહોંચાડવામાં આવ્યો કે દસ વાગે દિલ્હીથી મોટા સાહેબ આવવાના છે અને બધા ડોક્ટરો સાથે તત્કાલ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે મધુમયૂરે આ વાત માતા-પિતાને કરી, તેમણે તેને એકાદ કલાકની હાજરી આપવાની મંજૂરી આપી. યોજના મુજબ મધુમયૂરને તેના મિત્રો ગાડીમાં બેસાડીને કન્યાના માંડવે પહોંચ્યા મિતીના સમજદાર માતા-પિતાને અગાઉથી આ યોજનાની જાણ કરેલી હતી. તેઓ આ યોજના પાર પાડવા અને નિભાવવા તૈયાર હતા. માત્ર દસેક માણસની હાજરીમાં બન્નેના લગ્ન સંમ્પન થયા. મિતીના માતા-પિતાએ હસતા મુખે કન્યા વિદાય કરી, અને પોતાના વેવાઈને ફોનથી વિગત જણાવી વરઘોડિયાને આર્શીવાદ આપવાનું સૂચન કર્યું.
વરઘોડિયા મિત્રમંડળ સાથે ઘેર આવી પહોંચ્યા. મધુમયૂરના માતા-પિતા, સમુસમડીના મોં ચડેલા હતા. સગા સ્નેહીઓ પણ અચંબામાં પડી ગયા. યોજના મુજબ ડાહ્યો ઘોરીઘુવડ પણ ત્યાં આવી પહોંચ્યો, તેણે વરઘોડિયાને આર્શીવાદ આપ્યા પછી મયૂરરાજને સંબોધીને કહ્યું, ''મયૂરરાજ, તારા પુત્ર માટે તો તારે ગર્વ લેવો જોઈએ. એક ડોક્ટર તરીકે તેણે પોતાની ફરજનો સાક્ષાત્કાર કરાવ્યો છે. આપણાં જીવનમાં પ્રસંગો, વારતહેવાર તો આવ્યા જ કરવાના, તેને પરિસ્થિતિને અનુરૂપ ઉજવવા જોઈએ. અત્યારે ખુશીના આંસુ વહેવડાવવાનો નહીં, પરંતુ બીજાના આંસુ લૂછીને સરકારના પ્રયત્નને સાથ આપવાનો સમય છે. તારો પુત્ર જનતાનો સાચો સેવક છે, અને તેણે સેવક તરીકે પોતાની પદવીને બરાબર ન્યાય આપ્યો છે, ધન્ય છે તારા દિકરાને... !''
ઘોરીઘુવડની વાણી મયૂરરાજ અને મલ્લીને, તથા ત્યાં ઉપસ્થિત સગાસ્નેહીને સ્પર્શી ગઈ, તેમને પોતાની ભૂલ અને ધામધૂમ કરવાની જીદનો પસ્તાવો થયો, અને ઘોરીઘુવડ તથા પોતાના પુત્રની માફી માંગી. મલ્લી ઘરમાં દોડીને વરઘોડિયાને વધાવવા માટે પૂજાની થાળી લઈ આવી અને તેમને વધાવ્યા પછી તેમના ઓવરણાં લીધા. બધાના મુખ પર ખુશીની લહેર દોડવા લાગી. આ ખુશીની લહેર શરણાઈના સાચા સૂર બની ગયા.
- ભારતી પી. શાહ
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2NmO7qG
ConversionConversion EmoticonEmoticon