- એવું કહેવાય છે કે દરિદ્ર અવસ્થા દૂર કરવા એકવાર ભગવાન સ્વયં તેમની દુકાને આવ્યા હતા અને તેમને પારસમણિ બતાવી લોખંડના ઓજારને અડકાડી તે સોનાનું કરી બતાવ્યું હતું. તેમ છતાં રૈદાસજીએ તે લેવાની ના પાડી હતી.
'પ્રભુજી ! તુમ ચંદન હમ પાની ! જાકી અંગ અંગ બાસ સમાની ।।
પ્રભુજી ! તુમ ધન હમ મોરા, જૈસે ચિતવત ચંદ ચકોરા ।।
પ્રભુજી ! તુમ દીપક હમ બાતી ! જાકી જ્યોતિ બહૈ દિન રાતી ।।
પ્રભુજી ! તુમ મોતી હમ ધાગા ! જૈસે સોનહિ મિલત સુહાગા ।।
પ્રભુજી ! તુમ સ્વામી, હમ દાસા । ઐસી ભગતિ કરૈ રૈદાસા ।।'
- ભક્ત રૈદાસજી (ગુરુ સંત રવિદાસજી)
ભક્ત રૈદાસજી એટલે કે ગુરુ રવિદાસજી સોળમી સદીના મહાન સંત કવિ હતા. તેમને તેમના ભક્તિ પદો દ્વારા આખા જગતને એકતા, સંપ, ભાઈચારો અને ભક્તિનો મહિમા ફેલાવ્યો. તેમણે સમાજમાં ફેલાયેલ નાત-જાતના ભેદભાવો અને અનેક કુરિવાજો મિટાવી જનજાગૃતિનું કામ કર્યું.
ભક્ત રૈદાસજીનો જન્મ કાશીમાં મહા (માઘ) સુદ પૂનમ, રવિવારના રોજ સંવત ૧૪૩૩માં થયો હતો. એમના જન્મ વિશે આ દોહો પ્રસિધ્ધ છે -
'ચૌદહસે તૈંતીસકી માઘ સુદી પન્દરાસ । દુખિયોં કે કલ્યાણ હિત પ્રગટે શ્રી રવિદાસ ।। એમના પિતાનું નામ રગ્ઘુ અને માતાનું નામ ઘુરવિનિયા હતું. એમની પત્નીનું નામ લોના હતું એમ કહેવાય છે. તેમનો જન્મ ચમાર જાતિમાં થયો હતો. તેથી તે ચંપલ બનાવવાનો વ્યવસાય કરતા. આ કામ તે પૂરી લગન અને પરિશ્રમથી કરતા. હાથથી જૂતાં સીવતા અને મુખેથી ભગવાનનું નામ લેતા અને ભજન-કીર્તન કરતા.'
સંત રામાનંદજીના શિષ્ય બની તેમણે આધ્યાત્મિક જ્ઞાાન અર્જિત કર્યું. સંત કબીરજીના નિર્દેશથી તેમણે રામાનંદજીનુંશિષ્યત્વ ગ્રહણ કર્યું હતું, જ્યારે એમના વાસ્તવિક ગુરુ તો કબીરજી જ હતા. રૈદાસજી સ્વભાવે દયાળુ અને પરોપકારી હતા અને સાધુ-સંતોની સેવા કરવાનો તેમને વિશેષ આનંદ આવતો. તે સ્વયં લલિત, મધુર ભક્તિમય પદો, ભજનોની રચના કરતા અને અત્યંત ભાવ વિભોર બની બધાને સંભળાવતા. તે કહેતા હતા - 'કૃષ્ણ, કરીમ, રામ, હરિ, રાઘવ જબલગ એક ન પેખા । વેદ કતેબ કુરાન, પુરાનન, સહજ એક નહિ દેખા, ચારો વેદ કે કહે ખંડૌતી । જન રૈદાસ કહે દંડૌતી ।। રામ, કૃષ્ણ, કરીમ, રાઘવ અને હરિ એ બધા એક જ પરમેશ્વરના અલગ અલગ નામ છે. વેદ, પુરાણ, કુરાન વગેરે ગ્રંથોમાં એક જ પરમેશ્વરના ગુણગાન ગાવામાં આવ્યા છે.'
એવું કહેવાય છે કે એમની દરિદ્ર અવસ્થા દૂર કરવા એકવાર ભગવાન સ્વયં તેમની દુકાને આવ્યા હતા અને તેમને પારસમણિ બતાવી લોખંડના ઓજારને અડકાડી તે સોનાનું કરી બતાવ્યું હતું. તેમ છતાં રૈદાસજીએ તે લેવાની ના પાડી હતી. સાધુ રૂપમાં આવેલા ભગવાને રૈદાસજીની દુકાનના ઘાસ અને વળીઓના છાપરામાં તે પારસમણિ તેમના દેખતા જ ખોસી દીધો હતો અને કહ્યું હતું - 'આ પારસમણિ અહીંથી લઇ લેજો અને તેનાથી લોખંડમાંથી સોનું બનાવી, સરસ મંદિરનું નિર્માણ કરજો.' તેર મહિના પછી ભગવાન સાધુ વેશે ફરીવાર તેમની પાસે આવ્યા હતા. અને પેલા પારસમણિનું શું થયું તે વિશે પૂછયું હતું. રૈદાસજીએ તેમને કહ્યું હતું - 'જ્યાં મૂકી ગયા હતા ત્યાં જોઈ લો. હું તો એને અડક્યો પણ નથી કે એની સામે જોયું ય નથી !' મહાત્મા રૂપ ભગવાને ત્યાં જઇને જોયું તો તેમણે તેર મહિના પહેલાં ખોસેલો પારસમણિ ત્યાં જ હતો ! આવો હતો રૈદાસજીનો વૈરાગ્ય ભાવ !
'ભક્તમાળ'માં ભક્ત રૈદાસજીના જીવનના અનેક પ્રસંગો આલેખાયેલા છે. અનેક રાજાઓ અને રાણીઓએ એમને પોતાના ગુરુ બનાવ્યા હતા. રૈદાસજી અર્થાત્ ગુરુ રવિદાસજી મીરાબાઈના પણ ગુરુ હતા. ગુરુ રવિદાસજી ઇશ્વરની ભક્તિ માટે પ્રેમ, વૈરાગ્ય, સદવ્યવહાર, સદાચાર, પરહિતભાવના, પરમાર્થ અને પરોપકારને ખૂબ મહત્ત્વના માનતા હતા. તે કહેતા હતા કે અહંતા અને વિકાર કદાપિ ઇશ્વરની પ્રાપ્તિ કરાવી ન શકે. 'કહ રૈદાસ તેરી ભગતિ દૂરિ હૈ, ભાગ બડે સો પાવૈ । તજિ અભિમાન મેટિ આપા પર, પિપિલક હવૈ યુનિ ખાવૈ । ઇશ્વરની ભક્તિ બહુ મોટા ભાગ્યથી પ્રાપ્ત થાય છે. અભિમાન વગરની વ્યક્તિ જ ઇશ્વરનું વરણ કરી શકે. વિશાળકાય હાથી ખાંડના દાણા વીણવા સમર્થ બનતો નથી જ્યારે અત્યંત નાના કદની કીડી ખાંડના નાના દાણાને વીણવા સમર્થ હોય છે. આ રીતે અભિમાન અને મોટાઈનો ભાવ ત્યજીને વિનમ્રતાપૂર્વક આચરણ કરનાર જ ઇશ્વરને મેળવી શકે છે. પ્રેમ અને વૈરાગ્યના સાકાર રૂપ સમા સંતવર્ય રૈદાસજી ભગવત્ પ્રીતિ અને માનવ પ્રેમના પુરસ્કર્તા હતા - 'તૂઁ મોહિ દેખૈ, હૌં તોહિ દેખૂઁ પ્રીતિ પરસપર હોઈ ।' 'જહ જહ જાઔ તુમ્હરી પૂજા । તુમ સા દેવ ઔર નહિ દૂજા ।।' આવી અનન્ય ભગવત્ ભક્તિ કરી ભક્ત શિરોમણિ, રૈદાસજી ૧૨૦ વર્ષનું આયુષ્ય ભોગવી ભગવદ્ ધામને પ્રાપ્ત થયા હતા.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3s3aHn0
ConversionConversion EmoticonEmoticon