આણંદ, તા.6 ફેબ્રુઆરી 2021, શનિવાર
આણંદ જિલ્લાના વાસદ-બગોદરા સીક્સલેન રોડ ઉપર અવર-જવર કરવા માટે બોરસદ તાલુકાના ડભાસી ગામે એન્ટ્રી પોઈન્ટ ન હોવાથી ગ્રામજનો દ્વારા એન્ટ્રી પોઈન્ટમાં આપવાની માંગ સાથે આજે હાઈવે ઉપર ચક્કાજામ કરવામાં આવ્યો હતો. દરમ્યાન મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાઈવે ઉપરના ટ્રાફિકને રોકતા પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. ગ્રામજનો ઉપર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવતા મામલો બીચક્યો હતો અને ગ્રામજનોએ પોલીસ ઉપર પથ્થરમારો કરતા આઠ જેટલા પોલીસ કર્મીઓ ઘવાયા હતા. સાથે સાથે ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ સહિતના વાહનોની તોડફોડ પણ કરી હતી.
વધુમાં મળતી માહિતી મુજબ બોરસદ તાલુકાના ડભાસી ગામ નજીકથી વાસદ-બગોદરા સીક્સલેન રોડ પસાર થતા છ હજારની વસ્તી ધરાવતુ આ ગામ બે ભાગમાં વહેંચાઈ ગયું છે. ગામમાં અવર-જવર કરવા માટે અન્ય કોઈ રસ્તો ન હોવાથી ગ્રામજનોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ગ્રામજનોની આ મુશ્કેલીને ધ્યાનમાં લઈ સીક્સલેન રોડની કામગીરી શરૂ થાય તે પૂર્વે ડભાસી પાટીયા નજીક ગરનાળુ મુકી અવર-જવરનો રસ્તો આપવામાં આવે તેવી માંગ સાથે ગ્રામજનો દ્વારા સ્થાનિક કક્ષાએ રજૂઆત કરાઈ હતી. તેમ છતાં પ્રવેશ પોઈન્ટ અંગે કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આજે ગ્રામજનો દ્વારા હાઈવે ઉપર ચક્કાજામ કરવામાં આવ્યો હતો. જેને પગલે તુરંત જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ગ્રામજનોને સમજાવ્યા હતા. જો કે ગ્રામજનો ચક્કાજામની જીદ ઉપર અડગ રહ્યા હતા. દરમ્યાન ચક્કાજામ કરી રહેલ ગ્રામજનો ઉપર પોલીસે બળપ્રયોગ કરતા ગ્રામજનો ઉશ્કેરાયા હતા અને તેઓએ પોલીસ ઉપર વળતો હુમલો કરતા પથ્થરમારો શરૂ કરી દીધો હતો. આ સમયે પોલીસની સંખ્યા ઓછી હોઈ પોલીસે ગ્રામજનોની સામે પીછેહટ કરવી પડી હતી. પરંતુ ટોળાની આક્રમકતા જોઈ ઉચ્ચકક્ષાએ આ અંગે જાણ કરતા જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચઅધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. કેટલાક તોફાની તત્વોએ પથ્થરમારો કરતા આઠ જેટલા પોલીસ કર્મીઓ ઘાયલ થયા હતા. સાથે સાથે પથ્થરમારા દરમ્યાન સરકારી વાહનોને પણ નુકસાન પહોંચ્યું હતું. ઉચ્ચ અધિકારીઓ સહિતના કાફલાએ ચક્કાજામ કરી રહેલ ગ્રામજનોને ખદેડી હાઈવે માર્ગ ખુલ્લો કરી પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો.
100 જેટલા લોકોની અટકાયત કરવા પોલીસે કાર્યવાહી હાથ ધરી
બોરસદ તાલુકાના ડભાસી ગામે થયેલ આ ઘટના અંગે જિલ્લા પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે ગ્રામજનો દ્વારા એન્ટ્રી પોઈન્ટ મુદ્દે કરાયેલ ચક્કાજામ દરમ્યાન પોલીસ સાથે ઘર્ષણ થયું હતુ અને કેટલાક તોફાની તત્વોએ પોલીસ ઉપર પથ્થરમારો કરી ઈજાઓ પહોંચાડી હતી. આ ઘટનામાં આશરે ૧૦૦ જેટલા તોફાની તત્વોને અટકાયતમાં લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથે સાથે પોલીસની ટીમો ઘટના સ્થળે ગોઠવી હાઈવે રાબેતા મુજબ ચાલુ કરી દેવાયો છે.
ઘર્ષણના પગલે ડભાસી ગામમાં પોલીસના ધાડેધાડા ઉતારી દેવાયા
ડભાસી ગામે એન્ટ્રી પોઈન્ટ આપવાની માંગ સાથે ચક્કાજામ ઉપર ઉતરેલ ગ્રામજનો ઉપર પોલીસે બળપ્રયોગ કરતા ઘર્ષણભરી પરિસ્થિતિ સર્જાઈ હતી અને ગ્રામજનોએ પોલીસ ઉપર પથ્થરમારો કરતા એલસીબી, એસઓજી, પેરોલ ફર્લો સ્કવોર્ડ સહિતની ટીમો ડભાસી ખાતે દોડી ગઈ હતી. જ્યાં બેકાબુ બનેલ ટોળાને નિયંત્રણમાં લેવા માટે પોલીસ દ્વારા ૬ જેટલા ટીયરગેસના સેલ છોડવામાં આવ્યા હતા.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ruHbWK
ConversionConversion EmoticonEmoticon