આણંદ, તા.3 ફેબ્રુઆરી 2021, બુધવાર
જિલ્લામાં આજે નવા પાંચ પોઝિટિવ કેસ નોંધાયા હતા જો કે વીતેલા બે દિવસો દરમ્યાન આણંદ જિલ્લામાં કોરોનાનો ગ્રાફ સાવ નીચે રહ્યા બાદ મંગળવારના રોજ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધવા પામ્યું હતું. મંગળવારે જિલ્લામાંથી કુલ ૮ પોઝીટીવ કેસ નોંધાયા હતા અને આ તમામ પૈકીના ૭ કેસો આણંદ તથા આસપાસના વિસ્તારમાંથી નોંધાતા શહેરીજનોમાં ફફડાટની લાગણી વ્યાપી ગઈ છે.
જાન્યુઆરી માસમાં કોરોનાનું સંક્રમણ ઘટયું હતું. તેમાં પણ વીતેલા બે દિવસો દરમ્યાન જિલ્લામાં માત્ર ૩-૩ પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લાવાસીઓએ રાહત અનુભવી હતી. જો કે મંગળવારના રોજ શહેરીજનો માટે આફતના સમાચાર મળ્યા હતા. મંગળવારે આણંદ જિલ્લામાંથી કોરોનાના કુલ ૮ પોઝીટીવ કેસ નોંધાયા હતા. જે પૈકી ૭ કેસ આણંદ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી મળી આવતા શહેરીજનોમાં ભારે ફફડાટ વ્યાપ્યો છે. ગતરોજ નોંધાયેલ ૮ કેસોમાં આણંદ પાસેના વિદ્યાનગર તથા વિઠ્ઠલ ઉદ્યોગનગરની જીઆઈડીસીમાં મળી ૩ કેસ, આણંદના ૮૦ ફૂટ રોડ ઉપરની રાધાક્રિષ્ન લેન, મિશન રોડ ચર્ચ સામેની શક્તિ પાર્ક, જીટોડીયા રોડ ઉપરના ચૈતન્ય પાર્ક અને કપાસીયા બજારના અલ્કાપુરી સોસાયટીમાંથી ૧-૧ કેસ નોંધાયા હતા. જ્યારે બોરસદના દેદરડા ગામેથી પણ કોરોનાનો એક પોઝીટીવ કેસ મળી આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે જિલ્લાના અન્ય તાલુકાઓમાં કોરોનાનું સંક્રમણ નબળુ પડયું છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આણંદ તાલુકામાં દિન-પ્રતિદિન નવા-નવા કોરોનાના પોઝીટીવ કેસ નોંધાઈ રહ્યા છે ત્યારે ગ્રામજનોની બેદરકારી ઉજાગર થવા પામી છે.જિલ્લા આરોગ્ય તંત્ર પાસેથી મળતી માહિતી મુજબ મંગળવાર સુધીમાં જિલ્લામાં કુલ ૧૭૨૧૭૭ વ્યક્તિઓના ટેસ્ટીંગ કરવામાં આવ્યા છે. જેમાં ૨૫૧૪ વ્યક્તિઓના રીપોર્ટ પોઝીટીવ આવતા તેઓને સારવાર અપાઈ હતી. જે પૈકી હાલ ૨૮ દર્દીઓ વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. જેમાં ૫ દર્દીઓ ઓક્સિજન ઉપર અને ૨૩ દર્દીઓની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YGJ3PR
ConversionConversion EmoticonEmoticon