આણંદ, તા.17 ફેબ્રુઆરી 2021, બુધવાર
વિદેશ મોકલવાના બ્હાને આણંદ પાસેના બાકરોલ ખાતે ઓફિસ ધરાવતા એક કમીશન એજન્ટ પાસેથી ત્રણ શખ્શોએ પાંચ ગ્રાહકોના મળી કુલ્લે રૂા.૧.૦૭ કરોડ ઉપરાંતની રકમ પડાવી લઈ વિશ્વાસઘાત અને છેતરપીંડી આચરી હોવા અંગે વિદ્યાનગર પોલીસ દફતરે ફરિયાદ નોંધાવવા પામી છે. આ અંગે વિદ્યાનગર પોલીસે એક કરોડ ઉપરાંતની માતબર રકમનો ચુનો ચોપડનાર ત્રણ શખ્શ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મૂળ વડતાલના ઈશ્વરભાઈ માંગીલાલ પ્રજાપતિ આણંદ પાસેના બાકરોલ સ્થિત બાકરોલ સ્કેવર ખાતે ઓફિસ ધરાવે છે. જ્યાં તેઓ પરદેશ મોકલવા માટે કમીશન એજન્ટ તરીકે કામકાજ કરે છે. બે વર્ષ અગાઉ તેઓ દિલ્હી ગયા હતા ત્યારે તેઓની ઓળખાણ મહંમદઆફાક ઉર્ફે અસ્ફાક મહંમદનિઝામ શેખ તથા સુમન ઉર્ફે સુનિલ શીવકુમાર કેજરીવાલ સાથે થઈ હતી. આ બંને શખ્શોએ વિઝા એજન્ટ તરીકેનું કામ કરતા હોવાની ઓળખાણ આપી અમેરીકા તથા કેનેડાના વિઝા માટે એમ્બેસીમાં સેટીંગ હોઈ કોઈને અમેરીકા કેનેડા જવુ હોય તો સંપર્ક કરવા જણાવ્યું હતું. ત્યારબાદ તેઓ અવાર-નવાર મોબાઈલ ફોનથી સંપર્કમાં રહ્યા હતા અને દિલ્હીના બંને શખ્શોએ ઈશ્વરભાઈના મોબાઈલ ઉપર વિઝાની કોપી મોકલી આપતા તેઓને વિશ્વાસ બેઠો હતો. બાદમાં ઈશ્વરભાઈ પ્રજાપતિએ લગભગ પાંચેક જેટલા વ્યક્તિઓની ફાઈલ તૈયાર કરી ગત નવેમ્બર-૨૦૨૦માં દિલ્હીના બંને શખ્શોને મોકલી આપી હતી. જેથી આ બંને શખ્શોએ અલગ-અલગ રીતે અત્યાર સુધીમાં કુલ્લે રૂા.૧,૦૭,૯૪,૦૦૦ ની રકમ મેળવી લીધી હતી. પરંતુ રકમ મેળવ્યા બાદ વિઝા અપાવ્યા ન હતા. ત્યારબાદ સુમન ઉર્ફે સુમન કેજરીવાલ તથા મહંમદઆફાક ઉર્ફે અસ્ફાક શેખના મોબાઈલ બંધ થઈ જતા આ બંને શખ્શો તથા મહેન્દ્ર ઉર્ફે રાજેશ ભાઈલાલભાઈ રામીએ ઠગાઈ કરવાના ઈરાદે ષડયંત્ર રચી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હોવાનું માલુમ પડતા ઈશ્વરભાઈ માંગીલાલ પ્રજાપતિએ વિદ્યાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મહંમદઆફાક ઉર્ફે અસ્ફાક શેખ (રહે.બિહાર), સુમન ઉર્ફે સુમન કેજરીવાલ (રહે.મુંબઈ) અને મહેન્દ્ર ઉર્ફે રાજેશ રામી (રહે.મહેસાણા તરફ) વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37pjR59
ConversionConversion EmoticonEmoticon