સૂરજ
આથમી ગયો -
સમેટી લઈ
તડકો
અને બધુંય અજવાળું
સવારે
બારીમાંથી આવેલા
તડકાનો ટુકડો
રહી ગયો
મારી રૂમમાં
બસ,
હવે એ ઓઢીને
હું સૂઈ જઈશ
- યોગેશ જોષી
યુરોપિયન સંઘની ક્લાઈમેટ ચેઈન્જ સર્વિસના અહેવાલ પ્રમાણે આ નવેમ્બર માસ આખી દુનિયામાં આ સદીનો સૌથી ગરમ રહ્યો. આ સમાચાર ચિંતાજનક છે. આવા રેકોર્ડ ન થાય એવી ઇશ્વર પાસે પ્રાર્થના કરીએ. ગ્લોબલ વોર્મિંગના ગંભીર પરિણામોને કારણે આ પરિમાણ સર્જાયું છે. આ દિશામાં ગંભીરતાથી નહીં વિચારીએ તો ભવિષ્યમાં શિયાળો ટૂંકો થઈ જશે અને તાપમાન પણ ઊંચું રહેશે. ઘણીવાર એવું બન્યું છે કે સવારે ઠંડી હોય, બપોરે ગરમી હોય અને સાંજે વરસાદ પડે ત્યારે એક દિવસમાં ત્રણ ત્રણ ઋતુનો અનુભવ થાય છે. ગ્લોબલ વોર્મિંગના ગુસ્સાના આ બધા સંકેતો છે. આ કારણે માણસના મનનું તાપમાન પણ વધુ રહે છે.
તડકાના તોફાન અને તેવર યાદ આવતા મન ગ્રીષ્મની ગલીઓમાં ફરવા નીકળી પડે છે. ઉનાળાને ઉજવવા માટે તીખા તડકાનો તરખાટ સહન કરવો પડે અને બફારાની બારખડી શીખવી પડે. ક્યારેક કોઈ કૂતરાના ભસવાથી સુનકારના ગઢમાં ગોબો પડે છે. બપોરે જાણે ભલભલા સુપરમેન પણ પોતાની બોડમાં લપાઈ જાય છે.
વહેલી સવારની શીતળ લ્હેરખીઓ જાણે વીંઝણો ઢોળતી હોય તેમ મનને શાતા આપે છે. બપોરે એક પગે તપ કરતા યોગી જેવા વૃક્ષ પરથી ટહુકાના શ્લોક સંભળાય ત્યારે કાન ધન્યતા અનુભવે છે. સુંડલો ભરીને 'હાશ' લઇ આવતી સાંજ પ્રિયતમા જેવી વ્હાલી લાગે છે. ગરમાળા અને ગરમાવા વચ્ચે સ્પર્ધા જામે છે. બપોરે લ્હાય બળતી લૂના કારણે લોકડાઉન થઇ જાય છે. વેકેશનના કારણે કલાસરૂમોમાં કરફ્યુ હોય તેવું લાગે છે અને બાળક વિહોણી બેંચો ગરીબડી બની જાય છે.
નિબંધ સ્પર્ધાનો બાળપણનો પ્રિય વિષય ઉનાળો રહ્યો છે. શરૂઆત એવી કરતા કે 'ફાગણથી જેઠ મહિના સુધીનો ગાળો.. અને મસ્તીનો ગરમાળો...'. પરીક્ષા ઉનાળામાં જ કેમ આવતી હશે ? એક તો મગજનો પારો સાતમાં આસમાને હોય એમાં પાછો આ ચિંતાનો ઉકળાટ ભળે.. તો મગજને ય પરસેવો વળી જાય. જો કે ખરા બપોરે બહાર નીકળવું એ જગતની સૌથી મોટી મહેનત છે. સૂર્ય ચેલેન્જ કરે છે કેત 'આવ, તાકાત હોય તો, મારી સામે હામ ભીડીને જો.' ઉનાળામાં પરીક્ષા આવે પણ ઉનાળાની પરિક્ષા પાસ કરવી એ બોર્ડ કરતા પણ કપરી છે.
ઉનાળાને ઋતુઓના વિલન તરીકે જોવાતો રહ્યો છે. 'વેનસડે' ફિલ્મના નસીરુદ્દીન શાહ જેવો આ વિલન સૌનું કૈંક સારું થાય એટલે ખરાબ હોવાનો ઇલ્જામ માથે વહોરી લે છે. તાપ જેટલો વધુ એટલો દાદ અને વરસાદ વધુ. આખા વર્ષના પાણીનો પાયો ઉનાળામાં નખાય છે. કુદરતનો ક્રમ છે કે મહેનત કરો પછી જ ફળ મળે. જિંદગીના આકરા ઉનાળાને જે પચાવી શકે એ જ સુખદાયી ચોમાસાનો હક્કદાર બને. તાપનું બહાનું બતાવી ઉનાળાને અન્યાય કર્યો છે. જેમ માતૃમહિમા સામે પિતૃમહિમા બહુ ઓછો ગવાયો છે તેમ ચોમાસા સામે ઉનાળો ઓરમાયો રહ્યો છે.
દલપતરામે કહ્યું છે કેત 'પામે વનસ્પતિ સૌ પાન, કેસૂડાં રૂડાં ગુણગાન.' કુદરત જાણે વૃક્ષો પાસે ડાયાલિસીસ કરાવતી હોય તેવું લાગે. કુદરતના હેરસલૂનમાં પાંદડા કપાવીને, હવાના હાથે ફેસિયલ કરાવીને ઝાડવાં ખૂબ રૂપાળા લાગે છે. બપોરે ગુલમહોરની સહોપસ્થિતિમાં ચિત્રની ચાંદનીનો નિખાર કંઇ ઓર આવે છે. ગરમાળાના કેસરની સુવાસ વાતાવરણને ભરી દે છે. પંચાંગમાં સૂતેલા શુભ ચોઘડિયા આળસ મરડીને ઊભા થાય છે. સૃષ્ટિ પર તડકાની તુમાખી છવાઈ જાય છે. ગુલઝારે કહ્યું છે તેમ 'જબ છાંવ છાંવ ચલા થા, અપના બદન બચા કર ...' ત્યારે તરસની સાચી કિંમત સમજાય છે. ફોરમતો ફાગણ છેક શ્વાસના તળિયે પહોંચી જાય છે અને અનુભૂતિ થાય છે રમેશ પારેખના ગીત સરીખી કે 'ફાગણની કાળઝાળ સુક્કી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું...'
ઉનાળાની ઋતુમાં ફળોનું સેવન લાભદાયી નીવડે છે. આભમાંથી સીધો ઉતરી આવેલો કેસરિયો રંગ જાણે કેસૂડાને ઓર રંગીન બનાવે છે. ગુલમહોર પાસેથી એ શીખવાનું છે કે તાપમાં હસી હસાવી શકાય. ઉનાળાની સંદૂક ખોલો તો આમલી, કેરી, તરબૂચ, મીઠાં શરબત, આઈસ્ક્રીમ..અહાહા..કંઇ કેટલીયે મજાની ચીજ નીકળે. મામાના ઘરે બપ્પોરે ચાલતી ધમ્માચકડી કુમ્ભકરણની ઊંઘના ય કટકા કરે. કુલફીવાળા કાકાનું ભોંપુ વાગતા જ તોફાની ટોળકી હડી કાઢીને દોડે. વાડીઓમાં ખૂંદાતી-ખેલાતી સાંજનું સૌદર્ય તો સ્વર્ગની તોલે પણ ન આવે. મોડી રાતે મળતો બરફના ગોળાનો કાલાખટ્ટા સ્વાદ આજે પણ હોઠ પર અકબંધ છે. કોમ્પ્યુટર અને કાર્ટૂનની પેઢીને આ નહીં સમજાય...!
અમદાવાદનો ઉનાળો કચ્છની કોમ્પીટીશન કરે. એકવાર ઉનાળામાં ચપ્પલ તૂટી ગયેલા ત્યારે નાની નહીં પણ સાત પેઢી યાદ આવી ગયેલી. ત્યારથી ચપ્પલ પહેર્યા વગર ખાળિયા ખોદતા મજૂર પ્રત્યેનો મારો અભિગમ અહોભાવ અને આદરમાં ફેરવાઈ ગયેલો. તીવ્ર તરસની મજાક ઉડાવતા મૃગજળ.. સ્વચ્છતાના પૂરા ગુણ લઈ જતું આકાશ પરિક્ષક જેવું વેરી બની જતું હોય છે. લા.ઠા.એ એક કાવ્યમાં કહ્યું છે તેમત 'સૂર્યને શિક્ષા કરો.' શિયાળો બાળપણ છે, ચોમાસું યુવાની છે તો ઉનાળો એ વૃધત્વ છે. ઉનાળાની બપોરે છવાઈ જતી પીન ડ્રોપ સાઈલેન્સ આપણને આપણી નજીક લાવે છે.
ટોવ જેનસનની નવલકથા 'સમર બુક'માં ઉનાળાના સારને અને સંસારને અભિવ્યક્ત કરે છે. ઉનાળાને ફિનલેન્ડના અખાતમાં એક નાનકડા ટાપુ પર વિતાવેલા એક પરિવારના અદભુત સંસ્મરણો આલેખાયા છે. દરિયાકાંઠે અને જંગલમાં સાથે મળીને વિતાવેલી પળોનો સુખદ સરવાળો થતો રહે છે. નાયક જેન્સનને લાગે છે કે કુદરત સાથે જ પોતાનું સંપૂર્ણ વિશ્વ મળે છે. ઉનાળાની અવિસ્મરણીય અનુભૂતિનો સરવાળો આ પુસ્તકમાં થતો રહે છે. ઉનાળો સ્વયં પુસ્તક છે એના પાનાં ખોલતાં જશો એમ રોમાંચ વધતો જશે.
આવજો...
સૈનિકોનું લશ્કર જ્યાં ઘૂસી ન શકે ત્યાં વિચારોનું લશ્કર ઘૂસી શકે છે. રાજદ્વારી કુનેહ જ્યાં સફળ નથી નીવડતી ત્યાં વિચારો સફળ નીવડે છે.
- ટોમસ પેઈન
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2KbuCj7
ConversionConversion EmoticonEmoticon