ડોનાલ બિશ્તે ખાઈબદેલા ફિલ્મ સર્જકને આપ્યો જડબાતોડ જવાબ


મુંબઈ,  તા.23 ડિસેમ્બર 2020, બુધવાર

અત્યાર સુધી બોલીવૂડની ઘણી અદાકારાઓએ આ ઈન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચની બદી હોવાનું કબૂલ્યું છે. પરંતુ તાજેતરમાં ટચૂકડા પડદાની જાણીતી અદાકારા ડોનાલ બિશ્તે પણ આવી જ વાત કરી હતી, અને તે પણ દક્ષિણ ભારતીય ફિલ્મોદ્યોગ માટે વર્ષ ૨૦૧૫માં 'એરલાઈન્સ'થી લઈને બાલાજી ટેલિફિલ્મ્સની 'કલશ- એક વિશ્વાસ', 'રૂપ- મર્દ કા નયા સ્વરૂપ' સંખ્યાબંધ ધારાવાહિકોમાં જોવા મળેલી અભિનેત્રી ડોનાલ બિશ્તે ટચૂકડા પડદે આવવાથી પહેલા પોતાને થયેલા કડવા અનુભવ વિશે જણાવ્યું હતું.

દિલ્હીમાં જર્નાલિસ્ટ તરીકે કાર્યરત ડોનાલને સતત અભિનય ક્ષેત્રે કામ કરવાનું ખેંચાણ રહેતું હતું તેથી તેણે આ ફિલ્ડમાં કામ કરવાના પ્રયાસો જારી રાખ્યાં હતાં. અદાકારાએ કહ્યું હતું કે એક વખત એક શો માટે મહેનતાણા અને તારીખો સુધ્ધાં બધું જ નક્કી થઈ ગયું હતું પણ મને અચાનક પડતી મૂકી દેવામાં આવી. પરંતુ હું હિમ્મત ન હારી. હું સતત ઓડીશન આપતી રહી. તે વખતે દક્ષિણ ભારતીય ફિલ્મોદ્યોગના એક ફિલ્મ સર્જકે મને રોલ આપવાની અવેજમાં તેની જાતીય ભૂખ સંતોશવાની માગણી કરી હતી.

પરંતુ મેં તરત જ તેની સામે પોલીસ ફરિયાદ કરી હતી. હું માનતી હતી કે ભલે મને વધારે સંઘર્ષ કરવો પડે, પરંતુ મારે ખોટા માર્ગે કામ મેળવવાનો પ્રયાસ ન કરવો જોઈએ. છેવટે મેં મુંબઈ આવીને  મારી અભિનય ક્ષમતાના બળ પર કામ મેળવ્યું. અહીં મારી મુલાકાત કેટલાંક સારા લોકો સાથે થઈ અને મને મારી કાબેલિયત પર ઘણી સિરિયલોમાં કામ મળ્યું.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rl6kEl
Previous
Next Post »