સમય: ૧૮ નવેમ્બર, ૧૯૯૫, હું આ લખી રહ્યો છું તેના પચ્ચીસ વર્ષ પહેલા..
સ્થળ: એવરિ ફિશર હૉલ, લિંકન સેન્ટર, ન્યુયોર્ક સીટી.
બંને બગલમાં દબાવેલી ઘોડીની મદદથી, એક કલાકાર ધીરે ધીરે સ્ટેજ ઉપર આવે છે. તેની ઘોડી આધારિત ચાલમાં પણ એક લય, એક છટા છે. તે હળવેથી સ્ટેજની મધ્યમાં પોતાની ખુરશી પર ગોઠવાય છે. પોતાની ઘોડીઓ જમીન પર મૂકીને પગમાં પહેરેલા ચાપડાને ખોલે છે. એક પોલિયોગ્રસ્ત પગને પાછળ ખુરશીના 'લેગરેસ્ટ' પર ગોઠવીને, બાજુમાં પડેલા સ્ટેન્ડ પરથી વાયોલિન ઉઠાવે છે. વાયોલિનની પોતાની હડપચી પર ગોઠવીને ઓર્કેસ્ટ્રા કંડકટરને કોન્સર્ટ શરૂ કરવા આંખથી ઈશારો કરે છે.
વાયોલિનવાદકના શ્રોતાઓ પણ તેમના આ સ્ટેજ રૂટિનથી પરિચિત છે અને તેમના આંખના ઈશારા સુધીની બધી જ લયબદ્ધ હલચલ મંત્રમુગ્ધ થઇને જોયા કરે છે.
કોન્સર્ટ શરૂ થાય છે, વાયોલિનના સૂરોનો જાદુ હવામાં વહેવા માંડે છે. વાયોલિનવાદકની સ્ટેજ-એન્ટ્રીથી જ મંત્રમુગ્ધ થયેલું ઓડિયન્સ ડોલવા માંડે છે. અચાનક, એક અવાજ આવ્યો અને હોલમાં સન્નાટો છવાઇ ગયો. ઓડિયન્સમાં બેઠેલા જાણકારોને સમજતા વાર ના લાગી કે એ અવાજ વાયોલિનના તાર તૂટવાનો હતો. સામાન્ય રીતે આવા સંજોગોમાં વાદક સ્ટેજ છોડી જાત અથવા બીજું વાયોલિન આવે ત્યાં સુધી કોન્સર્ટ થંભી જાત. પરંતુ, અહીં એવું કંઇ ના બન્યું, તેમણે ક્ષણ પૂરતી આંખો મીંચી, ક્ષણમાં જ ફરી પાછો વાદ્યવૃન્દ સંચાલકને આંખનો એ જ ઈશારો અને જ્યાંથી અટક્યા હતા ત્યાંથી જ સુર રેલાવવાના શરૂ ! કોઇપણ જાણકાર સમજી શકશે કે ત્રણ તારવાળા વાયોલિનથી સિમ્ફની વગાડવી લગભગ અશક્ય છે પણ તે રાત્રે આપણા આ વાયોલિનવાદકે એ સમજવાની ના પાડી.
અત્યાર સુધી ચાર તારના સથવારે સંગીત યાત્રા કરતા આ કલાકારે એ રાત્રે ત્રણ તારવાળા વાયોલિનથી સંગીત સર્જવા માંડયું. એ મનમમાં વિચારતા ગયા, સુર ગોઠવતા ગયા અને ઓડિયન્સ તો જાણે સંમોહિત થઇ ગયું ! કોન્સર્ટ પૂરો થતા હોલમાં ક્ષણ માટે એકદમ શાંતિ છવાઇ ગઇ અને પછી શ્રોતાઓએ ઊભા થઇને હોલના ખુણખુણોમાંથી તાળીઓનો ધોધ વરસાવ્યો ! પ્રતિભાવમાં તેમણે માત્ર એટલું જ કહ્યું મેં મારી પાસે જે હતું તેમાંથી જ ઉત્તમ સંગીત સર્જનો પ્રયત્ન કર્યો ! તમારી પાસે જે પરિસ્થિતિ છે, સંજોગો છે, સાધનો છે તેમાંથી જ તમારું ઉત્તમ આપવાની કેવી જબરદસ્ત વાત ?!!
આ કોઇ વાર્તા નથી, પરંતુ ઇઝરાયેલી-અમેરિકન વાયોલિનવાદક ઈત્ઝાક પર્લમેનના જીવનની સત્ય ઘટના છે ! સોળ ગ્રેમી-એવોર્ડ અને ગ્રેમી લાઇફટાઇમ એવોર્ડ ઉપરાંત અનેક નાના-મોટા એવોર્ડ જીતનાર આ કલાકાર વિષે વધુ ખણખોદ કરવાની ઈચ્છા થાય તો ગુગલ કરજો. મેં તો હમણાં જ આ પ્રેરક પ્રસંગ એક વ્યક્તિને કહ્યો એટલે મને થયું કે મારા વાચક મિત્રો સાથે પણ શેર કરું.
'મોઢું-નાક ઢંકાય એ રીતે માસ્ક પહેરીને વાત કરો' મેં જેને ઈત્ઝાક પર્લમેનના જીવનનો પ્રસંગ કહ્યો એમને ટપારતા કહ્યું. ગળા પર રહેલા માસ્કને પહેરતા એમણે મને કોરોનાને કારણે બંધિયાર બની ગયેલા જીવનને લગતી, તેમને પડેલી અડચણોને લગતી અને સાથે સાથે બે વાર માસ્ક વર દંડ વસૂલાયાની ફરિયાદો કરી ! મેં કહ્યું 'તો'ય તમારો માસ્ક પહેર્યા વગર તમે બિન્ધાસ્ત વાતો કરતા ફરો છો ! કોરોનાથી કંટાળ્યા છો તે અંગેની અનેક ફરિયાદો કરો છો પણ એના ઉકેલ માટે જરૂરી એવી નાનકડી બાબતનું ધ્યાન રાખવામાં તમને રસ નથી !'
હું આવા લોકોને ફરિયાદખોર કહું છું. આ ફરિયાદખોર લોકો એટલે એવી વ્યક્તિઓ કે જેમની પાસે અનેક બાબતોની ફરિયાદોનો ઢગલો હોય ! જેમ અમુક દુકાનોમાં જે માંગો તે મળી જાય, તેમ આ લોકો પાસે દરેક બાબતની ફરિયાદ મળી જાય ! મઝાની વાત એ છે કે એમાંથી મોટાભાગના વ્યક્તિઓને ખાલી ફરિયાદ કરવાનો જ ઉત્સાહ હોય, ઉકેલ જાણવામાં કે ઉકેલ લાવવામાં બિલકુલ રસ ના હોય ! બસ, તમે ખાલી ફરિયાદો સાંભળો, બાકીનું અમે સંભાળી લઇશું ! મળ્યા છે તમને આવા માણસો ?!
આજ-કાલ મહામારી અને તેની આપણા જીવનના વિવિધ પાસાઓ ઉપર પડેલી અસરોને કારણે ઉચાટ, ભય કે હતાશા અનુભવતા લોકો વધવા માંડયા છે. જીવનમાં હરવા-ફરવાની આઝાદીથી લઇને પોતાના સ્વજનો-તબિયત-નોકરી-ધંધો વગેરે ગુમાવવા સુધીની નોબત આવી પડી છે. સ્વાબાવિક છે આવા સંજોગોમાં ઘણી વ્યક્તિઓ હિંમત અને આત્મવિશ્વાસ ગુમાવી દે. નકારાત્મક વિચારો કે નિષ્ફળતાના વિચારો તેમને ઘેરી વળે. તેમના ભવિષ્યને લગતા ઘણા આયોજનો - પ્લાન્સ અટકી પડે. આવા સમયે વિવિધ ફરિયાદો કરવાના બદલે ઈત્ઝાક પર્લમેને આજથી પચ્ચીસ વર્ષ પહેલા કરેલી વાત યાદ કરવી પડે.
જે પરિસ્થિતિ, સંજોગો કે સાધનો છે તેમાં જ આપણું ઉત્તમ આપવાની વાત - ચાર તારનું વાયોલિન તો બધા જ વગાડે, ત્રણ તારથી સંગીત સર્જવાનો જુસ્સો ! વેક્સિનની જાહેરાતોની સાથે મહામારી પતી ગયાનો ભ્રમ ઊભો થતા વાર નહીં લાગે પરંતુ જે ગુમાવ્યું છે કે પાછું આવતા તો વાર લાગશે. અને, ગુમાવેલા સ્વજનો જેવું ઘણું પાછું આવશે પણ નહીં. આ સંજોગોમાં હિંમત-આત્મવિશ્વાસ ટકાવી રાખવો હોય, નકારાત્મકતા કે નિષ્ફળતાના વિચારોને તાબે ના થવું હોય તો તૂટેલા તારને અવગણીને બચેલા તારથી ઉત્તમ સર્જનની માનસિકતા કેળવવી પડશે.
ઘણા કિસ્સાઓમાં ધારીએ તેટલું સહેલું ના પણ હોય પરંતુ 'મન હોય તો માળવે જવાય' એમ 'માનસિકતા હોય તો લડી લેવાય'. આ એજ તો લોકો છે જેમને આફતને અવસરમાં ફેરવવાની કળા આવડે છે અને ત્રણ તારથી સંગીત પીરસવાની તક ઝડપી લે છે, જે તેમને સામાન્ય સંજોગોમાં ના મળી હોત પરંતુ અસાધારણ સંજોગોએ એ તક આપી અને તેમણે ઝડપી લીધી. તમે ખાલી તમારું ઉત્તમ આપવાની દિશામાં વિચારતા રહો, રસ્તા આપોઆપ દેખાતા જશે. હાલના સંજોગોમાં હતાશ થયેલા વ્યક્તિઓને મારે માત્ર એટલો દિલાસો આપવો છે કે જ્યારે આપણી પર આપણું શ્રેષ્ઠ આપવાની ધૂન સવાર હોય છે ત્યારે, તાકાત પરિસ્થિતિઓમાં ઓછી અને આપણામાં વધારે હોય છે. બાકી, પરિસ્થિતિઓ ભલભલાને ઘૂટણીંયે પાડી દેતી હોય છે અને કળ વળે એવો મોકો પણ નથી આપતી !
પૂર્ણવિરામ :
ફરિયાદ એટલે ફરી ફરી યાદ,
એકના એક દુઃખનો ફરી ફરી અનુભવ !
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/389iKWS
ConversionConversion EmoticonEmoticon