સીટી કાર સાઈડમાં પાર્ક કરી, પલાશ ટચુકડી ફૂલોની દુકાનમાં પ્રવેશી. એક તંદુરસ્ત, ભીનેવાન યુવકે એનું સ્વાગત કરતા કહ્યું, 'યસ, મેમ. આપને બુકે જોઈએ તો એ બનાવતા મને આનંદ થશે. '
શબ્દો સાથે યુવાનના ચહેરા પર સુચારુ ,મોહક સ્મિત છવાઈ ગયું. પલાશ એ ત્રિભુવન મોહી લેતું સ્મિત જોઈ રહી. જાણે અહીં
રહેલા પ્રફુલ્લિત, હસતા ફૂલો પાસેથી જ આ યુવકે ' સ્માઈલ' ચોરી લીધું છે. અથવા તો ખુશ થઈ સ્વેચ્છાએ ફૂલોએ એમનું સુંદર ,
ગરવું હાસ્ય આ યુવકને ગિફ્ટ કરી દીધું છે.
'વન બુકે. ઓન્લી રોઝ. '
' ઓ. કે. મેમ.' કહેતા યુવકે ફટાફટ લાલ, પીળા,સફેદ ગુલાબોનો કલાત્મક ગુલદસ્તો તૈયાર કરી, ઉપર સ્પ્રે છાંટી ,પલાશના
હાથમાં મૂકી દીધો.
'પાઈઝ પ્લીઝ .' ' આમ તો ફૂલોની- એમાંય ખાસ તો ગુલાબોની કોઈ કિંમત આંકી શકાતી નથી.પણ પેટકા સવાલ હૈ. '
યુવક વધુ કંઈ બોલે એ પહેલા પાંચસોની બે નોટ એના હાથમાં મૂકી પલાશ ચાલતી થઈ.. પણ એના ચિત્તમાં પેલા ફૂલો વેચનાર યુવકની હાસ્ય-મોહિની અખંડ છવાઈ ગઈ છે.
બીજો દિવસ -' યસ,મેમ. બુકે. ઓન્લી રોઝ, રાઈટ? '
'નહીં. આજે માત્ર ગુલાબનું એક જ ફૂલ. પૂરેપૂરું ખીલેલું ,રૂપ - રંગોથી ભર્યું ભર્યું. ત-તમારું નામ? '
'સોહમ.' ' ખુબ સુંદર .' ' મ-મારુ નામ? ' ' ના, આ ગુલાબ.'હસીને બોલતા ગુલાબ સાથે પલાશે ચાલતી પકડી. - ને એમજ બન્ને વચ્ચે ફૂલોની આપ-લેનો લાંબો દોર ચાલ્યો.
પલાશ, અહીં આવ.' કનકરાયે ઘાટો પડયો. પલાશ પળવાર ધુ્રજી ઉઠી બીજી પળે ડરને ફગાવી ,મક્કમ પગલે પપ્પા સામે આવીને ઉભી રહી. ' આ શું માંડયું છે? એક મુફલિસ યુવાનને હળે મળે છે? એવા સાથે તારી દોસ્તીય મને માન્ય નથી. તો બીજી ત્રીજી વાત હોય તો મનમાંથી કાઢી નાખજે. ઇટ્સ માય આડર.'
'પપ્પા, હું પલાશને પ્રેમ કરું છું. ને એની સાથે લગ્ન -'
'વ્હોટ રબ્બીશ. કંઈ ભાન છે તું શું બોલે છે?' કનકરાઈની આખો લાલ બની. ભમર ચડી ગઈ. કપાળ પરની કરચલીઓમાં ઉમેરો થયો. પલાશ પિતાનું રૌદ્ર રૂપ જોઈ રહી. એને આ પળે મમ્મી યાદ આવી ગઈ. શરીર પર ખડકેલાં અઢળક હીરાના દાગીના,રેશમી ધૂપછાંવની રમત માંડી બેઠેલ પટોળામાં ઢીંગલી જેવી લાગતી મમ્મીને એણે કાયમ પપ્પા સામે આવતા ધુ્રજતી જોયેલી.
જાણે દાસત્વનું સદ્મ રૂપ જોઈ લો. એની દસ-બાર વર્ષની ઉંમર થતાંમાં મમ્મી ચાલી ગયેલી. નાનીમા પાસેથી જાણેલું કે તારા પપ્પાને ધન વૈભવથી છલકાતા બંગલા માટે એનો વંશ જીવતો રાખનાર દીકરો જોઈતો હતો. એમાં તારી મમ્મીના કાચા ગર્ભનો નિકાલ તારા બાપના ડોક્ટર મિત્રની મદદથી થતો રહ્યો. ત્રીજી વખતે મારી ગભરુ દીકરીનું નબળું પડેલું હૃદય બેસી ગયું. દીકરી,આજે સમજાય છે કે 'સુખ' પત્નીત્વનું માન-સન્માન જાળવતો પતિ આપી શકે છે. ઘરેણાં,કિંમતી વોમાં દાટી દેનાર પતિ પત્નીને ઘરમાં પડેલા કિંમતી સોફા કમ બેડથી જુદી ગણતો નથી. '
નાનીના શબ્દોએ આ પળે ટેકો કર્યો હોય એમ પલાશ શિનો તાણી, ઉંચી ડોકે, સીધી નજરે કનકરાયને જોતી ઉભી રહી.
દીકરીના તેવર જોતા કનકરાય ભડકો બની ગયા જાણે. કનકરાય કમલરાય ક્વાસિયા-ટ્રિપલ કેકેકેના રોફ-રુઆબ, મોભો, માન આખીય ઔદ્યોગિક આલમમાં નોખા તરી આવે. એમના એક ફોને ભલભલાના કામ બનતા અથવા બગડતા.
તો વ્હેતભરની છોકરીથી એ હારી જશે? એ કડક અવાજે બોલ્યા, ' કાન ખોલીને સાંભળી લે, પલાશ. મેં તારા લગ્ન વૈભવ -પ્રતિામાં આપણી બરોબરી કરી શકે એવા મનુભાઇના દીકરા અમોલ સાથે કરવાનું નક્કી કર્યું છે. '
પલાશની આખો સામે અમોલ પ્રગટ થયો. દુબળો દેહ, ભડકીલા રંગના કપડાં, પાછળ ચોટલી, રોબો સરીખું મોં - અમોલને યાદ કરતા પલાશને ઉબકો આવી ગયો. પપ્પા હજુ બોલી રહ્યા છે. ' જો, બેટા. મેં છોકરાની ઈન્કવાયરી કરાવેલી. વિધવા માં સાથે વસઈની ચાલમાં રહે છે. ડબલ ગ્રેજ્યુએટ -નોકરી ના મળતા મામાએ ખોબા જેવડી ફૂલોનો દુકાન કરી આપી છે. અડધી રાતે ઉઠે છે. મજુરની જેમ કામે વળગે છે.ફૂલો પાછળ ખાંસી ખાસ્સી કસરત કરે છે. એમાં માં-દીકરાનું પેટ ભરાય એટલું મળી રહે છે. સામે તું-તારી બિન્ધાસ્ત જીવનશૈલી. - પીકનીક, પાર્ટી, ક્લ્બ-ક્લચરનો તું જીવ. વાપરવા માટે અગણિત રૂપિયા- '
પપ્પા, સોહમને મળ્યા પછી મને લાગે છે કે જીવવા માટે મારે એવા તેવા ટેકાની જરૂર નહીં પડે. મને આપણા ઘરની આબરૂ, તમારું નામ, માન-સન્માન ,પ્રતિાનો ખ્યાલ છે. માટે કહું છું સાદાઈથી મારા લગ્ન સોહમ સાથે -' 'સટાક-' પલાશના ગાલ પર કનકરાયના પંજાની છાપ ઉપસી આવી. એણે ઘાટો પાડયો, 'પલાશ, મારી ઈચ્છા વિરુદ્ધ તું કઈ કરી શકશે નહીં. આજ સુધી ઘરમાં જે સગવડો,પૈસો, નામ મળ્યા છે. એ મારી મહેરબાનીને કારણે, સમજી? બાકી સમાજમાં તારી ઓળખ ઝીરો છે. ' બીજી પળે એમણે મેઇડ મિસ જુલી તથા નોકરોને બૂમ પાડી.- બધા કનકરાયની એક બૂમે દોડી આવ્યા.ને એમની સામે હાથ જોડતા ઉભા રહી ગયા. '- બધા કાન ખોલીને સાંભળી લો. પલાશ એના રૂમમાં આ પળે જાય છે. રૂમને હું તાળું મારવાનો છું.
ખાવા-પીવાનું પલાશને તમારે બંધ બારણે આપવાનું છે. બીજી ખાસ વાત. પલાશ મને એના રૂમમાં નહીં જોવા મળે તો તમારા બધાનું આવી બનશે. 'કનકરાયના અવાજમાં ભળેલી ધમકીથી આધેડ ઉંમરના મિસ જુલી અને નોકર સ્ટાફ ગભરાઈ ગયો. જૂલીમાં પલાશ તરફ ચાલ્યા. પણ કોઈને જબરદસ્તી કરવી પડી નહીં. પલાશ ધીમા પગલે એના રૂમમાં ચાલી ગઈ. કનકરાયે જાતે બારણાને તાળું માર્યું ને ચાવી સાથે કામ પર જવા નીકળી ગયા.
રાત પડી. ડિનર લઈને કનકરાય એના રૂમમાં સુવા ચાલ્યા. જૂલીમાં ને નોકર વર્ગ પણ નિયત કામ આટોપી સુવા ચાલ્યો.
પણ સવાર પડી કે ઘરમાં હાહાકાર મચી ગયો. કારણ સીધું સાદું છે. બંધ ઓરડો છે. ઓરડાનું તાળું અકબંધ છે. પણ અંદર પલાશ નથી. કનકરાય સવારે દીકરીને એકવાર મનાવવાની ઈચ્છાથી ઓરડામાં ગયા. પણ પલાશ ઓરડામાં ક્યાંય નથી. એમણે વોશરૂમમાં જોયું. ઉંચી, પહોળી બારીમાં ચાદર બાંધી છે. એનો છેડો છજા પર લટકે છે. પલાશે ત્યાંથી નીચે જમ્પ માર્યો હશે.
ઘર તેમજ ઘર બહાર એકહથ્થુ સત્તા ભોગવતા કનકરાયથી દીકરીની બગાવત સહન ના થઈ. એમણે એ જ પળે મિત્ર કમ કઝીન પો. ઈ. વિજયને ફોન કર્યો. થોડા શબ્દોમાં આખી વાત સમજાવી.પો. ઈ. વિજયકુમાર કહે, ' દોસ્ત, હમણાં ચૂપ રહેજે. ખાનગી રીતે હું તપાસ કરું છું. આઈ થિંક -બહુ દૂર ગયા નહીં હોય. '
કનકરાય માથું પકડીને બેઠા. પણ આજે ક્લાયન્ટ સાથે અગત્યની મીટીંગ છે.ઓફિસે જવું તો પડશે. વળી ધેર રહીશ તો માથું ફરી જશે.એમણે રધુના હાથની ચા પીધી છે. પછી કંઈજ મોમાં નાખી શક્ય નથી.તેઓ ફટાફટ તૈયાર થયા. ડ્રાયવર જીવનને ગેરેજમાંથી ગાડી કાઢવાનું કહ્યું. ગાડીની ચાવી લઈ જીવન ગેરેજ તરફ ચાલ્યો. થોડી વારમાં એ બૂમો પાડતો પાછો આવ્યો, ' સાહેબ- સાહેબ -' ટાઈનો નોબ ખેંચી, છેલ્લી વાર અરીસામાં જોતા કનકરાય જીવનની બૂમ સાંભળી બહાર આવ્યા. ' અલ્યા, શું છે? ' 'સાહેબ, બેબીબુન ગરાજમાં સુતા છે. ' કનકરાયની પાછળ જૂલીમાં છે. એની પાછળ નોકર વર્ગ છે. બધા બસો ડગલે આવેલા ગેરેજ પાસે પહોંચ્યા. -
'પલાશ'
'હા, પપ્પા. 'કહેતા પલાશ બેઠી થઈ. -' બોલો. '
'તું- આરીતે રૂમમાંથી -'
' પપ્પા, મારે તમારી માન-મર્યાદાનો ખ્યાલ રાખવાનો હોય. એટલે હું ઘર છોડીને ભાગી નથી. પણ એ સાથે મારે મારા અધિકાર , મારુ ગૌરવ, માન-સન્માનનો ખ્યાલ પણ રાખવો હોયને. એથી જ તો તમારી ખોટી જિદ્દ, અહંકારનો વિરોધ કરવા હું તમારી
કેદમાંથી બહાર નીકળી ગઈ. પણ મુખ્ય દરવાજો વળોટયો નથી. બસ, પપ્પા. મારે આટલું જ કહેવું છે. ' કનકરાય જવાબ આપ્યા વગર ચાલ્યા ગયા. અઠવાડિયા પછી એમણે સગા સબંધીઓ ,મિત્રોને કંકોત્રી જેવી જરાય લાગે નહીં એવી નાનકડી નોંધ પહોંચતી કરી. -કોરોનાને કારણે ઉભા થયેલા સંજોગોમાં અમે દીકરી પલાશના લગ્ન સાદાઈથી આ તારીખ-વારે નિર્ધાયા છે. એની સૌ નોંધ લેશો.-લિ. કનકરાય.
સોહમની મમ્મીએ ઉમળકાભેર પલાશને આવકારી. કંકુ -ચોખાએ પોંખી ને ફૂલડે વધાવી. હવેપલાશ પણ અડધી રાતે સોહમ સાથે ઉઠે છે. ફૂલોના ટોપલા રેલવે સ્ટેશનથી કલેક્ટ કરે છે. દુકાને જઈ ફૂલોને તરોતાજા રાખવાના તમામ નુસ્ખા પલાશે શીખી લીધા છે.એ પતિને દિલથી મદદ કરે છે. બપોરે સોહમની મમ્મી દીકરા-વહુ માટે ભૈયા સાથે ટિફિન મોકલે છે. અઢળક, અગણિત ફૂલોની અદભુત સુંદરતા ને બેસુમાર સુગંધ વચ્ચે બન્ને એક જ ડબ્બામાંથી એક મેકને કોળિયા ભરાવતા જમે છે. ને છપ્પન ભોગ જેવી તૃપ્તિને માણે છે. પલાશ-સોહમ ભર બપોરે ફૂલો વચ્ચે બે કલાકનું તોફાની સાનિધ્ય માણે છે. ત્યારે ટચુકડી દુકાન બહાર પાટિયું ઝૂલતું રહે છે. -ડોન્ટ ડિસ્ટર્બ.
ફરી પાછા બન્ને કામ પર ચડી જાય છે. તે કોઈ વાર રાતના બાર- એક વાગી જાય છે. પલાશે દુકાનમાં બે ભાગ કર્યા છે. ખુશી, આનંદ, મિલન, શુભેચ્છા રૂપે અપાતા ફૂલોના ગુલદસ્તા, ગજરા,હાર, વેણી વગેરેને દુકાનમાં પૂર્વ તરફ સજાવ્યા છે. તો સામેની બાજુએ દુઃખ, વિરહ,કાયમી વિદાય માટે લઈ જવાતા ફૂલોને ગોઠવ્યા છે. ધરતી પર પગ નહીં મૂકનારી પલાશ પતિ સાથે ખભે ખભો મિલાવીને મહેનત કરે છે. સાદું ભોજન ને ચાર જોડી કપડામાં પલાશ ખુશ છે. પલાશના પપ્પા કહે છે, ' તમારા પ્રેમ સામે હાર્યો. કહો, કેટલાક રૂપિયા મોકલું? નહીં તો ફૂલોની વાડી ખરીદીને આપું? '
સોહમ-પલાશ હસતા હસતા કહે છે , પપ્પાજી, જરૂર હશે તો કહીશું.'
પાંચ વર્ષમાં સોહમની દુકાને ખાસ્સું કાઠું કાઢયું છે. લોકોને એમને ત્યાંથી ફૂલો લેવાનું જબરું આકર્ષણ રહે છે. પહેલા તો સોહમના ત્રિભુવન મોહી લેતા હાસ્યનો જાદુ ગ્રાહકો પર કામ કરી જતો. હવે એ જાદુ બેવડાયો છે. સોહમ સાથે પલાશનું ફૂલો જેવું નિર્મળ, નિષ્પાપ, અંતરની ખુશી ઉછળતું સુંદર હાસ્ય નિખરી ઉઠે છે. લોકોએ જાતે એમની દુકાનને નામ આપ્યું છે .'-ઘી સ્માઇલિંગ શોપ.'- હસતી દુકાન.
- દીના પંડયા
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34RKcaW
ConversionConversion EmoticonEmoticon