પ રદુઃખભંજન રાજા વિક્રમાદિત્યના જીવનપ્રવાહમાં બનેલી વિશિષ્ટ ઘટનાઓનું પૂર્વાચાર્યોએ કથાનકના રૂપમાં આલેખન કર્યું છે. આ વાતોમાંથી સદ્બોધનાં સ્પંદનો નીપજે છે.
આદર્શ રાજાને હૈયે હંમેશા પ્રજાની સુખાકારીની ભાવના હોય છે અને તે માટે રાજા ગુપ્તવેશ ધારણ કરી અને પ્રજાનાં દુઃખ, સુખ, વૈભવ, જીવનશૈલી વિગેરેનું અવલોકન કરતા હોય છે.
વેષપરિવર્તન કરી રાજા એક ખેડૂતના ખેતરમાં પહોંચ્યા અને ખેડૂતને કહ્યું કે, 'ભાઈ બપોર થયા છે, મને તરસ લાગી છે, પાણી આપશો ? ' ખેડૂત કહે છે,'ભાઈ, તમે પરદેશી લાગો છો. અહીં રાજ્ય રાજા વિક્રમનું છે. અહીં વટેમાર્ગુ જો પાણી માગે તો પાણી નહીં પણ ગોરસ, દૂધ કે રસ આપવામાં આવે છે. તો તમે તો અતિથિ છો' એમ કહી ખેતરમાંથી શેરડીના સાંઠામાંથી એક કાતળી કરી લાવ્યો અને કહે કે,'ભાઈ, બે હાથની અંજલિ મુખ પાસે રાખો. હું શેરડી નીચોવું છું, તમે રસ પીવો.' શેરડીની એક કાતળી- ટુકડામાંથી એટલો મીઠો રસ નીકળ્યો કે રાજા તૃપ્ત થઈ ગયા.
રાત્રે સૂતી વખતે રાજા વિચારે છે કે, ખેડૂતો ખૂબ સારું કમાય છે, માટે કર વધારવો જોઈએ.
બીજે દિવસે રાજા ફરી એ જ ખેતરમાં ખેડૂત પાસે ગયા અને ખેડૂતે શેરડીનો કટકો નીચોવવાનું શરૂ કર્યું. માત્ર થોડોક રસ નીકળ્યો. રાજા કહે,' ભાઈ, બીજી સારી શેરડી લાઈ આવ. આમાં તો ખાસ રસ નથી.' ખેડૂત કહે, ' ગમે તેવી લાવીશ પણ રસ થોડો જ નીકળશે.' રાજા કહે, 'કેમ?' ખેડૂત કહે, 'આજે મારા નાથ-રાજાની દૃષ્ટિ બદલાઈ ગઈ છે. તેના વિચારમાં દયાનું સ્થાન લોભે લીધું હોય તો જ આમ બને.'
વિક્રમાદિત મહેલમાં જઈ મંત્રી ભટ્ટમાત્રને આ વૃત્તાંત કહે છે. બીજી વ્યક્તિ માટેનું આપણું શુભ ચિંતન આપણા માટે શુભ વિચાર કરવાનું પ્રેરક બળ બનશે. કાલે એ વાત પ્રયોગ દ્વારા આપણે જોઈશું.
બીજે દિવસે મહાઅમાત્ય ભટ્ટમાત્ર અને રાજા વિક્રમાદિત્ય વેશપરિવર્તન કરી ક્ષિપ્રા નદીને કિનારે આગળ વનપ્રદેશ તરફ વિચરણ કરે છે. ત્રણ-ચાર કઠિયારા લાકડાની ભારી માથે લઈને આવી રહ્યા હતા. આ લાકડાઓમાં ચંદનનાં પણ બબ્બે-ત્રણ- ત્રણ લાકડાના ટુકડા હતા. રાજા કહે છે કે,' આ કઠિયારાઓ તો પોતાની કમાણી માટે જંગલને સાફ કરી નાખશે, માટે આ હુ બંધ કરાવી દઈશ.' મહાત્મ્ય કઠિયારાઓને ઉભા રાખીને કહે છે કે,' ભાઈ, તમને ખબર છે ? રાજા વિક્રમનું આજે અવસાન થયું છે. એ ખૂબ સારો રાજવી હતો જેથી સમગ્ર ઉજ્જયનિ શોકમાં ગરકાવ થઈ ગઈ છે.'
કઠિયારાઓએ ભારી પછાડી અને નાચવા માંડયા. મંત્રી કહે,' કઇ ખુશીમાં તમે નાચવા માંડયા ?' કઠિયારો કહે,' રાજા મૃત્યુ પામ્યા એટલે અમારાં લાકડાં ખૂબ મોંઘા મૂલથી વેચાશે તેની ખુશી છે.'
મંત્રી કહે,' જુઓ રાજન, તમે જે આ કઠિયારાની આજીવિકા બંધ કરાવવાનું વિચાર્યું, તે અશુભ વિચારના પ્રત્યાઘાત રૂપે તે તમારા મૃત્યુના સમાચારથી નાચ્યા.'
રાજા અને મંત્રી આગળ ગયા. એક ગોવાલણ વૃદ્ધ સ્ત્રી માથે ગોરસ અને દૂધ લઈને વેચવા જતી જોઈ રાજા બોલ્યા, 'માત્ર આટલા ગોરસ અને દૂધ વેચવાથી આનો ગુજારો કેમ થતો હશે ?'
મંત્રી કહે,' આના કરતાં પણ કેટલીક ગરીબ વૃદ્ધ રબારી- ભરવાડણ તમારા રાજ્યમાં છે.' રાજા કહે,' આવી તમામ સ્ત્રીઓને રાજ્ય તરફથી આપણે એક-એક દુધાળી ગાય ભેટ આપીશું.'
મંત્રીએ ગોવાલણને ઊભી રાખી કહ્યું,'માડી ખબર છે ? રાજા વિક્રમ ગુજરી ગયા.' ગોવાલણ પાત્ર નીચે ફેંકી જોરથી રડવા લાગી,'હાય, હું મરવા જેવી છું ને રાજા તમે કેમ ચાલ્યા ગયા ? કેવો દયાળુ રાજા હતો. હવે પ્રજાનું શું થશે ?'
શુભ ચિંતન અને વિધેયાત્મક વિચારધારાના સુંદર પરિણામની રાજાને અનુભૂતિ થઈ. વૃદ્ધાને સાથે લઈ ગયા અને ધન દઈ તૃપ્ત કરી અને રાજા પ્રજાની સુખાકારીની વિવિધ યોજનાઓના વિચારમાં ડૂબી ગયા.
લાઠીના રાજવી કવિ કલાપીએ 'ગ્રામ્યમાતા'માં 'દયાહીન થયો છે નૃપ' કાવ્યરચના દ્વારા કાંઈક આવી જ અનુભૂતિ વ્યક્ત કરેલી.
રશિયાના પોઝીટીવ થિંકિંગના મનોવૈજ્ઞાાનિકોએ પ્રયોગો દ્વારા સિદ્ધ કર્યું કે જીવસૃષ્ટિ અને પ્રકૃતિ પર વિચારધારાની ઊંડી અસર પડે છે.' શુભ થાઓ આ સકલ વિશ્વનું ' એ વિચાર સ્વ-પર કલ્યાણકારી છે.
- ગુણવંત બરવાળિયા
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2MaM6Nd
ConversionConversion EmoticonEmoticon