આજે ફરી એકવખત બેકલેસ ડ્રેસની ફેશન જોર પકડી રહી છે. બેકલેસ બ્લાઉઝ કે વેસ્ટર્ન ડ્રેસ માનુનીના લુકને સેક્સી બનાવે છે. સ્માર્ટ ફિગર અને ચમકતા ચહેરા સાથે પીઠ પણ સાફ અને સુંદર હોય તો જ ઊંડા ગળાના પરિધાન પહેરી શકાય છે. કોલેજિયનોમાં ડીપનેક ડ્રેસનો ક્રેઝ વધી રહ્યો છે. પીઠને એકદમ સાફ અને ગ્લેમરસ દેખાવ આપવો મુશ્કેલ નથી. કેટલાક ઘરગથ્થુ ઉપાયો દ્વારા પણ પીઠનું સૌંદર્ય નીખારી શકાય છે.
પીઠ ઉપર ખીલ, નાની ફોડલીઓ કે પિગ્મેન્ટેશનની તકલીફ હોય છે. સામાન્ય રીતે ખોડો, કબજિયાત, હોર્મોનલ કારણસર અથવા સિન્થેટીક મટિરીયલને લીધે ખીલ થઈ શકે છે. આ માટે ત્વચાના મૃતકોષો દૂર કરવા જરૂરી છે. તેલમાં નમક (મીઠું) મિક્સ કરી તે મિશ્રણ પીઠ પર ઘસવું. લીલા ચણાને વાટીને પેસ્ટ બનાવો. આ પેસ્ટમાં બે ચમચી તુલસી, ગલગોટાના ફૂલની પેસ્ટ, ચંદનની પેસ્ટ તથા હળદર મિક્સ કરી પીઠ પર લગાડો. આ મિશ્રણ સુકાઈ જતાં સરખી રીતે ધોઈ નાંખો. બે-ચાર વખત આ પ્રયોગ અજમાવવાથી પીઠ નીખરી ઊઠશે.
હોર્મોનલ બદલાવ, લિવર ડિસઓર્ડર વંશાનુગત અથવા વધારે પડતું બ્લીચ કરવાને કારણે પીઠ પર પિગ્મેન્ટેશનની અસર થાય છે. પિગ્મેન્ટેશનમાં પીઠની ત્વચા કાળી પડી જાય છે. લવેન્ડરના તેલથી માલિશ કરવાથી ત્વચાની ચમક પાછી ફરે છે. જો ત્વચા પર પિગ્મેન્ટેશનના નિશાન હોય તો ૨ નાની ચમચી લવેન્ડર અને રોેઝમરીના તેલમાં બદામનું તેલ મિક્સ કરી મસાજ કરો. આ ઉપરાંત ૧/૨ કપ બદામના પાઉડરમાં પપૈયાની પેસ્ટ, ૧ નાની ચમચી મધ તથા થોડો કાકડીનો રસ મિક્સ કરી પીઠ પર લગાડો. આ મિશ્રણને કારણે ત્વચા પર થયેલી પિગ્મેન્ટેશનની અસર ઓછી થશે.
મેકઅપ દ્વારા પણ પીઠના સૌંદર્યને વધારી શકાય છે. પીળા ટોનવાળા કન્સિલરને પહેલાં પીઠ પર લગાડો. ત્યારબાદ ફાઉન્ડેશન લગાડવાથી પીઠ કાળી દેખાશે નહીં.
પીઠના સૌંદર્યને નીખારવા સ્કિન પોલીશીંગ ઉપચાર પણ લઈ શકાય છે. પોલીશીંગ ટ્રીટમેન્ટથી ત્વચા ચમકે છે અને મૃતત્વચાકોષો દૂર થાય છે. આ ટ્રીટમેન્ટ બાદ હુંફાળા ગરમ પાણીથી પીઠ ધોેઈ નાખવામાં આવે છે. ત્યારબાદ સનસ્ક્રીન લગાડવામાં આવે છે. આ ટ્રીટમેન્ટ ૪૦ મિનિટ ચાલે છે. સ્કિન પોલીશીંગ ટ્રીટમેન્ટના બે-ત્રણ સેશન બાદ ફાયદો દેખાય છે. સંવેદનશીલ ત્વચા ધરાવનારે બ્યુટીશીયનની સલાહ લીધા બાદ જ સ્કિન પોલીશીંગ ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ.
પીઠને એકદમ ગ્લેમરસ દેખાડવા સિલ્વર તથા ફાઈન ગ્લિટરનો ઉપયોગ પણ કરી શકાય. ડ્રેસ પર રહેલી એમ્બ્રોઈડરીના રંગ અનુરૂપ ગ્લિટરનો રંગ પસંદ કરવો તે ઉપરાંત પીઠ પર ટેટૂ લગાડવાનો ટ્રેન્ડ પણ ચાલે છે. વેસ્ટર્ન લો-બેક ડ્રેસ સાથે ટેટૂ સુંદર દેખાય છે.
પીઠને સુંદર રાખવાના ઘરગથ્થુ ઉપચાર :
- સપ્તાહમાં એક વખત પીઠ પર માલિશ કરાવો. આનાથી થાક દૂર થશે અને તાઝગી અનુભવશો.
- પીઠને સ્વચ્છ કરવા માટે કાકડીનો રસ લેવો. કાકડીના રસમાં લીંબુનો રસ અને ગ્લિસરીન મિક્સ કરી નહાતા પહેલાં લગાડો અને તે સુકાઈ ગયા બાદ સ્નાન કરકો.
- સંતરા, તરબૂચ અને ગાજરના રસના મિશ્રણને પીઠ પર લગાડવાથી ફાયદો થશે.
- પીઠની ત્વચા શુષ્ક હ ોય તો રાતભર પાણીમાં પલાળેલી બદામની પેસ્ટમાં ૩ ચમચી મધ, ચંદનની પેસ્ટ તથા બદામ અથવા જૈતુનનું તેલ મિક્સ કરો. સુગંધ માટે તેમાં એસેન્શિયલ ઓઈલ અથવા ગુલાબની પાંખડી મિક્સ કરી પીઠ પર લગાડો.
- મુલતાની માટી અને લવેન્ડર ઓઈલનો પેક બનાવી પીઠ પર લગાડવાથી ત્વચા ખીલી ઉઠશે.
- સંતરાની છાલને સુકવીને પાઉડર બનાવો. તેમાં સંતરાનો રસ મિક્સ કરી પેક લગાડો. થોેડીવાર પછી ધોઈ નાખો.
- દરરોજ નહાતા પહેલાં નારિયેળના દૂધ અથવા સાધારણ દૂધમાં ૨ ટીપાં લવેન્ડરનું તેલ તથા બદામની પેસ્ટ મિક્સ કરી પીઠ પર લગાડો. ટૂંક સમયમાં ત્વચાનો રંગ નીખરી ઉઠશે.
- પીઠ પર રહેલાં ઘેરા ડાઘ દૂર કરવા દૂ અને મલાઈને મિક્સ કરી લગાડો.
- પીઠ પર અળાઈ હોય કે બળતરા થતી હોય તો લેક્ટોકેલામાઈન લોશન લગાડો. આનાથી ઠંડકનો અનુભવ થશે.
- મડ થેરેપીથી પણ પીઠનું સૌંદર્ય જાળવી શકાય.
- ડીપનેક ધરાવતાં ડ્રેસ પહેરતાં પૂર્વે પીઠને બ્લીચ કરી શકાય. પણ બ્લીચ બહુ સ્ટ્રોંગ ન હોવું જોઈએ. સ્ટ્રોંગ બ્લીચથી પીઠમાં બળતરા થઈ શકે છે.
- ઉઘાડી પીઠે તડકામાં ફરવું નહીં. સૂર્યના પારાજાંબલી કિરણોને કારણે ત્વચા શ્યામ પડી જાય છે.
- તડકામાં ફરવાને કારણે શ્યામ પડી ગયેલી ત્વચાને સુંદર બનાવવા કાકડીના રસનો ઉપયોગ કરવો.
- જો ત્વચા સંવેદનશીલ ન હોય તો પીઠ પર લીંબુ ઘસીને પણ તેને સાફ કરી શકાય છે.
- નિયમીત રીતે ડીપનેકના ડ્રેસ પહેરવાને બદલે ચોક્કસ પ્રસંગે અથવા પાર્ટીમાં જ એવા ડ્રેસ પહેરવાથી પીઠની સુંદરતા યથાવત્ રહેશે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Ku7KuU
ConversionConversion EmoticonEmoticon