કૃષિ ક્ષેત્રની અસમાનતા દૂર કરવા રાજ્ય સરકારોને સ્વતંત્રતા આપવી જરૂરી


નવા કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હી ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલનને વીસથી વધુ દિવસ થઇ ગયા છે. આમ છતાંય આ મુદ્દે હજુ સુધી કોઈ વ્યવહારુ ઉકેલ આવ્યો નથી. કેન્દ્ર સરકારે ખેડૂત સંગઠનો સાથે અનેક બેઠકો કરી પણ તેનું કોઈ સાનુકુળ પરિણામ આવ્યું નથી. ખેડૂતોની એક જ માંગણી છે કે આ નવા કાયદા રદ કરો તો બીજી તરફ સરકાર આ નવા કાયદાના ફાયદા દર્શાવીને તેના અમલીકરણની વાત કરતી આવે છે. આમ, ખેડૂતો કે સરકાર બેઉમાંથી એક પણ પક્ષ આ મુદ્દે ઢીલ છોડવા તૈયાર નથી. આમ, દિનપ્રતિદિન આંદોલન પ્રબળ બનતું જાય છે.

આ સમયે એક એવો પ્રશ્ન ઉદ્ભવતો હોય છે કે આટલી બધી વાટાઘાટો છતાંય આ આંદોલનનો અંત કેમ નથી આવતો કેન્દ્ર સરકાર આ મુદ્દે ક્યાં કાચી પડે છે ? આમ, પણ મહામારીના કારણે અર્થતંત્ર હાલ પ્રતિકૂળ સ્થિતિમાં મુકાઈ ગયેલું જ છે. ત્યાં આ આંદોલનના કારણે આર્થિક વૃધ્ધિની રાહમાં રૂકાવટ ઉભી થઇ શકે છે. સરકારે ખેડૂત સંગઠનો સાથે એકાદ-બે વખત નહીં બલકે અનેક વખત બેઠકો યોજી હોવા છતાં આ પ્રશ્નનો આજ દિન સુધી ઉકેલ આવ્યો નથી... તો હવે શું ?

હકીકતમાં તો આપણા દેશમાં કૃષિ નીતિના મુદ્દે છેલ્લા કેટલાય વર્ષોથી છાશવારે પ્રતિકૂળતાભર્યો માહોલ સર્જાતો આવ્યો છે. આવા સંજોગોમાં જેતે રાજ્ય સરકારો જ કૃષિ ક્ષેત્રે ઉદ્ભવેલ સમસ્યાઓનુંં નિરાકરણ કરે છે. કેન્દ્ર સરકાર આ ક્ષેત્ર માટે નવા નિયમો ઘડે છે અંતે તેનો અમલ તો રાજ્ય સરકારો પર જ છોડવામાં આવતો હોય છે. આ ઉપરાંત આ ક્ષેત્ર માટે કેટલાક મહત્ત્વના નિર્ણયો પણ રાજ્ય સરકારો જ લેતી હોય છે. તો પછી કેન્દ્ર સરકારના કૃષિ મંત્રાલયનું કાર્ય શું ?

સંસદમાં પણ કૃષિ સંબંધિત મુદ્દાઓની હાજરી ખૂબ જ પાંખી હોય છે. કારણ કે, કૃષિ ક્ષેત્રના મોટાભાગના મુદ્દા સ્થાનિક સ્તરના હો યછે. તેથી જે તે રાજ્યોની વિધાનસભામાં જ આવા પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવતો હોય છે. આમ, સંસદ સુધી તે મુદ્દા પહોંચતા જ નથી. આમ, વાસ્તવિક રીતે જોઇએ તો, કૃષિ ક્ષેત્ર માટે કેન્દ્ર સરકાર કરતા રાજ્ય સરકારો મહત્ત્વની ભૂમિકા ભજવતી હોય છે. કેન્દ્રના કૃષિ મંત્રાલય દ્વારા લેવાતા નિર્ણયોથી અનેકવાર પ્રતિકૂળ માહોલ ઉદ્ભવ્યો છે જેનો અંતે રાજ્ય સરકારો દ્વારા જ ઉકેલ લાવવામાં આવ્યો હોવાનું ભૂતકાળમાં જોયેલું જ છે.

અત્રે એ નોંધનીય રહેશે કે આઝાદી પછીના વર્ષોમાં દેશના કૃષિ ઉત્પાદનમાં અનેક ગણો વધારો થયો છે. પરંતુ આ વધારો અસંતુલિત રીતે થયો છે. કૃષિ ઉત્પાદનમાં અઢળક વધારો થયો હોવા છતાંય ખેડૂતોની આવકના મુદ્દાને લઇને અનેક પ્રતિકૂળતાઓ આજદિન સુધી યથાવત જ રહી છે. આમ, કેન્દ્રના કૃષિ મંત્રાલયને બજેટમાં પણ અન્ય ખાતાઓ કરતા મોટાપાયે ફાળવણી થતી હોવા છતાં પણ ખેડૂતોને તેનો ખાસ કોઈ સીધો લાભ મળતો નથી. આપત્તિના સમયે ખેડૂતોને અપાતી રાહત કે પછી સબસિડીના મુદ્દે પણ વારંવાર અસંગતતા છવાતી હોય છે. જેના કારણે સરકાર સાથે ઘર્ષણના બનાવો બનતા જ રહે છે.

આ તમામ પ્રકારની અસમાનતા અને પ્રતિકૂળતા દૂર કરવાનો એક જ માર્ગ છે અને તે છે કૃષિ નીતિ મુદ્દે રાજ્ય સરકારોને સ્વતંત્રતા આપવી. તેમ જણાવતા આર્થિક નિષ્ણાંતોએ ઉમેર્યું હતું કે જો આ મુદ્દે રાજ્યોને સ્વતંત્રતા અપાશે તો રાજ્ય સરકાર પોતાના રાજ્યના ખેડૂતો માટે તેને અનુરૂપ નીતિ ઘડશે તો ઘર્ષણ ટાળી શકાશે. તેમજ જો કોઈ પ્રતિકૂળતા ઉદ્ભવશે તો તેનો પણ સરળતાથી ઉકેલ આવી શકશે. આમ, આ મુદ્દે ગંભીરતાથી વિચારવાનો સમય આવી ગયો છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3hhHNvj
Previous
Next Post »