ખેડૂત અને ખટપટ : 'હંગામા ક્યૂં હૈ બરપા ?'


શું તમે જાણો છો ?

ત્રણ કૃષિ સુધાર કાનૂન આવ્યા, 

એ અચાનક કોવિડકાળમાં કોઈ સંસદીય ચર્ચા વિના ઉતાવળે 

આવ્યા. કોઈ ખેડૂત યુનિયનોને ય વિશ્વાસમાં ન લેવાયા

૧૯૭૦-૭૧થી ૨૦૧૫-૧૬ સુધીના ૪૫ વર્ષોમાં ભારતમાં ૭૧૦ લાખ ખેતરોની સંખ્યા બમણી થઈને ૧૪૫૦ લાખ (સાડા ચૌદ કરોડ) થઈ ગઈ ! પણ એવરેજ ખેતરની સાઇઝ ૨.૨૮ હેક્ટરથી ઘટીને ૧.૦૮ હેક્ટર થઈ ગઈ ! (એક હેક્ટર એટલે અંદાજે ૪.૨૧ વીઘા).

ડોન્ટ વરી, વોટસએપિયા ગપોડીઓની જેમ ભરમાવી દેતા આંકડાશાસ્ત્રનો કલાસ નથી લેવો. પણ આ વાસ્તવિકતાનું તારણ સમજાય છે ? ખેતરોની સંખ્યા વધીને ડબલ થાય તો ભારત દેશની સાઇઝ તો વધી નથી. મતલબ, જેમ જેમ ટેકનોલોજી ને ડિજીટલ લાઇફમાં વિકાસ થયો. એમ એમ વસતિ વધતી ગઈ. વસતિ વધે એટલે બાપીકી મિલકતના સરવાળે ભાગ પડે. મોટે ભાગે સંયુક્ત કુટુંબોની વાહવાહી કરતા આ દેશમાં મહાભારત કાળથી 'ભાયુંભાગ'ની સીમશેઢાની તકરારો ચાલ્યા કરે છે. એટલે સંતાનો 'નોખા' થાય એમ ખેતર નવા થાય. જુઓ અનુપાત તાળો મેળવે છે. ખેતરનાં નંબર્સ ડબલ, તો સાઇઝ હાફ.

હવે કિસાનોની સમસ્યાઓનું મૂળિયું અહીં છે. અમુક વિસ્તારમાં થતી સહકારી ખેતીના અપવાદો બાદ કરો તો મોટા ભાગના ખેડૂતો નાના, સીમાંત કહેવાય એવા ખેડૂત જ છે. જમીન જ ઓછી હોય તો ઉપજ ઓછી હોય. કુદરતી આફતો સામે રક્ષણ ઓછું ને દલાલો-વેપારીઓ-સરકારી યોજનાઓમાં છેતરપિંડીથી શોષણ વધારે. મધરાતના એકલા નીકળેલા માણસ પર દસ-બારના ટોળીમાં નીકળેલા માણસો કરતા જોખમ વધુ જ હોવાનું. વળી, ગામડાના આવા મોટા ભાગના નાના ખેડૂતો અભણ છે. અક્ષરજ્ઞાાન હોય તો ય વૈજ્ઞાાનિક અભિગમ અને ટેકનોલોજીની બાબતમાં બદલાતા સમય સાથે તાલ મિલાવવા સંગઠ્ઠિત થવું પડે પણ આપણા અહં અને જ્ઞાાતિવાદના સામાજીક માળખામાં વિભાજન વધુ છે. એકબીજા સામે ટાંટિયાખેંચનું ઝેર ઘણીવાર અદાલતો કે મારામારી સુધી પહોંચે છે.

એટલે અનલાઇક ઇઝરાએલ એગ્રીકલ્ચર ઇઝ નોટ ધેટ કૂલ. કૃષિપ્રધાન દેશમાં ડાયરેક્ટ અને મજૂરીથી ખેતપેદાશો કે ખાતર-બિયારણ-ટ્રેકટર જેવું બધું ગણો તો ઇન્ડાયરેક્ટ ૬૦-૭૦ ટકા વસતિ ખેતી પર નભે છે. એ સારું એટલે છે કે ઇન્ટરનેશનલ ઇકોનોમીના બદલાતા હવામાનની બહુ અસર આપણને થતી નથી. કારણ કે આપણે ઇન્ડસ્ટ્રીયલ ઇકોનોમીની ટોપલીમાં જ બધા જામફળ મૂકતા નથી. અને એ ખરાબ એટલે છે કે સતત વધતી વસતિમાં જમીન ન વધતી હોઈ અને ખેતઉત્પાદન નવા સીડસ-ફર્ટિલાઇઝર્સથી વધીને સરપ્લસ થઈ જતું હોઈને ખેતી આટલા બધા કિસાનોનો બોજ જીરવી શકે એમ નથી ! ઘણા ખેડૂતોના ભણેલા દીકરા-દીકરીઓને હવે હાથપગ માટીમાં રગદોળવા નથી. એ લોકો બીજા જોબ વ્યવસાયમાં શહેરોમાં સેટ થઈ ખેતર ભાગીયામાં બીજાને ખેડવા આપી દે છે. ખેતી-બિનખેતીની જમીનના ચક્કરમાં કરોડોની હેરાફેરી થાય છે, એ અલગ. મોટા ભાગની શિક્ષિત દીકરીઓને ગામડે જઈ ખેતી કરતા મૂરતિયાને પરણવું જ નથી હોતું, એ હકીકત છે. મોસમની અનિશ્ચિતતાઓ વળી જુદી. એટલે સર્વેક્ષણો મુજબ ૪૨ ટકા કિસાનોને ખેતી છોડી દેવી છે.

પણ ખેતી છોડયા બાદ નોકરીઓ છે ક્યાં ? ટેકનોલોજીની અસર ત્યાં પણ છે. ગુજરાતમાં જ પરીક્ષા પાસ કરી બેઠેલા એલઆરડી અને એ પ્રકારના શિક્ષકોની ભરતી નથી થઈ અમુક કાનૂની ગૂંચવાડામાં ! જીપીએસસીની પાછી ઠેલાયેલી પરીક્ષામાં અમુક હજાર જગ્યા માટે અમુક લાખ ઉમેદવારો હતા. બધે આ હાલત છે. બેરોજગારીનું પ્રમાણ ટોચ પર છે, એટલે તો નવરા ફ્રસ્ટ્રેટેડ યુવાનો નેટ પર સાઇબર ગુલામ બનીને વોટસએપિયા ગપ્પાની ફેંકાફેંકી કોઈક નોકરી હોય એમ કરવા લાગી જાય છે. એમાં દેશભક્તિની, હિન્દુ-મુસ્લિમ ધાર્મિકતાની વાતો કરી કંઈક કરી બતાવ્યાનો સંતોષ લે છે. પોપકોર્ન ખાઈને પેટ ભરવા જેવો. પોષણ કશું નહિ, બાઉલ ફૂલ ! અંગ્રેજીમાં ફોલ્સ રેકગ્નિશન કહેવાય એવું. જોબલેસ લોકો ધંધો કરવા જાય, તો ય આવડતને કિસ્મત ન હોય ત્યાં વૈકુંઠ નાનું ને વૈષ્ણવ ઝાઝાની માફક મોંભેર પછડાય છે. એટલે તો આંબાઆંબલી બતાવી પોલિટિક્સ લાયેઝન કરી સ્પીકરોનો દૌર ચાલ્યો છે. આટલા બધા લોકો સરમુખત્યારી ચીનની મજૂરી સિવાય બધા તો લોકશાહીમાં સફળ થઈ જ ન શકે. ગમે તેટલા પેકેજ આપે ! આ તો સ્વભાવગત આસ્થાને સંતોષભાવથી, કર્મવાદથી ટકે છે. બાકી અંદરોઅંદર લડી મરે.

એકચ્યુઅલી, ભારત આઝાદ થયું એ પહેલાં તો અલગ અલગ રજવાડાં હતા ને બધાની જુદી જુદી મહેસૂલ નીતિ હતી, જેના પર અલ્ટીમેટ કંટ્રોલ કપાસથી તેજાના, ગળીથી મગફળી સુધીની પેદાશોના જોરે સમૃદ્ધ થતા અંગ્રેજી રાજનો હતો. આઝાદીની પછીની મોટી ચેલેન્જ ખેતીમાં આત્મનિર્ભરતા હતી. ભૂખમરો, ગરીબી અને કંગાલીયત વારસામાં મળી હતી. સદ્નસીબે, એ વખતે મોટા ભાગના નેતાઓ જમીનથી ઉપર આવેલા ને લોકશાહી લોકસંપર્કવાળા, ખુદ ખેતી કરી ચૂકેલા હોય, ખેડૂતો સાથે બેસી લડત ચલાવી હોય એવા હતા. અનામત જેમ સામાજીક વિષમતા દૂર કરવા હતી, એમ જ એમએસપી યાને મિનિમમ સપોર્ટ પ્રાઇઝ-ટેકાના ભાવ અને એગ્રો સબસીડી આર્થિક વિષમતા દૂર કરવા માટે હતી. હવે બે ય બાબત એવી થઈ ગઈ છે કે જેને અડી ન શકાય. જરાક પણ ફેરફાર કરવા જાવ તો નેશનલ લેવલ પર ઇમોશનલ ભડકો થઈ જાય !

બધા ભ્રષ્ટાચાર અને કોમવાદ, નિરક્ષરતા જેવી સમસ્યા વચ્ચે આપણે જે નહી મૂડીવાદ, નહીં સામ્યવાદ જેવું સમાજવાદનું મિશ્ર અર્થતંત્ર અપનાવ્યું એનો ફાયદો ખેતી પૂરતો થયો. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને મોકળાશ આપી અને એપીએમસી જેને આપણે માર્કેટિંગ યાર્ડ કહીએ છીએ એનો ઉદ્ભવ થયો. ગ્રીન એન્ડ વ્હાઈટ (મિલ્ક) રિવોલ્યુશન આવતા આપણે પગભર થયા.

આમ ઝીણી ઝીણી વિગતો બહુ કોમ્પ્લીકેટેડ છે. પણ સરળતા ખાતર મોટું મોટું ચિત્ર વર્તમાનનું સમજવું હોય તો આવું છે. દરેક જગ્યાએ જગતમાં ઉત્પાદક જ માલ વેંચવા જાય એ શક્ય નથી. પુસ્તકનો લેખક જ બધે પાર્સલ કર્યા કરે ? ફિલ્મમેકર જ ફિલ્મોના થિયેટરો બનાવે ? માટે છેલ્લાં ગ્રાહક સુધી પહોંચવા કોઈ ડિસ્ટ્રિબ્યુશન ચેઈન/વિતરણ વ્યવસ્થા અનિવાર્ય છે. ખેડૂત ડાયરેક્ટ લોકલ દુકાન ખુદ બનાવીને કે સ્થાનિક ઓળખાણ પર વેચી શકે. એમ તો ૧૯૭૭થી કાયદો છે, દેશભરમાં વેંચી શકે (જો કે, આજે ય રાજ્યો-રાજ્યો વચ્ચે માથાકૂટ ચાલે છે એ જુદી વાત થઈ ગઈ.) પણ કિલોમોઢેને બદલે ક્વિન્ટલમોઢે ઉત્પાદન હોય ત્યારે એની હેરફેર અને સાચવણી પણ કરવી પડે. ત્યાં ઓપ્શન છે એપીએમસી. કોલ્ડ સ્ટોરેજ, વેરહાઉસ (ગોદામ) વગેરેનું મેનેજમેન્ટ એ કરે. ખેડૂતે ટ્રાન્સપોર્ટ કોસ્ટ ભોગવી ત્યાં અનાજ વેંચવા જવાનું. હવે જે વેંચવા જાય એ બધું મંદિરની દાનપેટીની જેમ સ્વીકારવા તો ત્યાં કોઈ બેઠું ન હોય.

એટલે એન્ટ્રી થાય આડતીયા, કમિશન એજન્ટની. નોર્મલી એવરેજ કાઢો તો કાગળ પર ૬ ટકાનું કમિશન હોય. પણ ભારત એક જુગાડુ દેશ છે. એટલે મોટે ભાગે એ એજન્ટો લોડિંગ-અનલોડિંગ બધી જવાબદારી સંભાળી આખો સ્ટોક જ પોતાના સેટિંગ મુજબ ખુદ જ ખરીદી લે છે. તે પછી ઉંચા ભાવે બીજા વેપારીઓને વેંચી તગડી મલાઈ તારવે છે.. નાના ખેડૂતને ઝંઝટ ઓછી ને પૈસા રોકડા એટલે એ સ્વીકારી લે છે. એટલે ખેડૂત સસ્તામાં વેંચતો હોવા છતાં આપણા જેવો અંતિમ ગ્રાહક વચ્ચેની ચરબી ચડતા મોંઘામાં ખરીદે છે અને એનો ફાયદો કિસાનોને નહિ, સંઘરાખોર અને દલાલ વચેટીયાઓને વધુ થાય છે. વાત આટલી સિંગલ કલર પણ નથી. આ આડતીયા, એજન્ટસ આપણા સામાજીક ઢાંચા મુજબ જબાન પર બે આંખની શરમે વર્ષોના સંબંધ જાળવીને ય વેપાર કરતા હોય છે. બહુ બધી લખાપટ્ટીની કડાકૂટ નહિ, ભરોસા પર માલ ઉઠાવી લેવાનો. દીકરીના લગ્ન હોય તો એડવાન્સ પેમેન્ટ પણ આપવાનું લોન આપવાની.

જેમ કે, એમેઝોન માત્ર બાયર-સેલર વચ્ચે સર્વિસ પ્રોવાઇડર કંપની છે. ડિસ્કાઉન્ટ ને રિપ્લેસમેન્ટ આપે. પણ નાનીમોટી ગરબડ માટે કંઈ સીધો ફોન ઉંચકી તરત જવાબ ન આપે. છાપેલો ઇમેઇલ કે રેકોર્ડેડ મેસેજ આવી જાય. ડિટ્ટો ડિજીટલ નેટબેન્કિંગ. પણ જીવતો દુકાનદાર ઓળખાણ પર ફરિયાદ સાંભળે, સમજે ને સોલ્વ કરી દે મધરાતે ય. આમ એ વહેવાર શોષણકારી હોવા છતાં નાના, આપણા ખેડૂતોને કોન્ટ્રાક્ટ, અંગ્રેજીમાં લખાયેલી શરતો, ડગલે ને પગલે સાઈન કરવા પડતા ફોર્મ્સ ને વાંચવા પડતા મેઈલની પળોજણ કરતા આ સીસ્ટમ સિમ્પલ લાગે છે.

એની વે, એપીએમસીમાં હરાજી થતી હોય છે. જેનો મૂળ હેતુ સ્પર્ધા થકી ખેડૂતને શ્રેષ્ઠ ભાવ અપાવવાનો હોય છે. પણ 'ભારતીય શૈલી' મુજબ અહીં વેપારીઓ કાર્ટેલ બનાવી સાંઠગાંઠ કરી લે છે. એવું ન થાય એ ટાળવા જ એમએસપી યાને ટેકાના ભાવની મિનિમમ સપોર્ટ પ્રાઇઝ આવી. સરકાર જ કમસેકમ આટલું મળવું જોઈએ જ એ નક્કી કરી દે. પણ અહીં ઝોલ છે. એક તો બધા જ ખેત ઉત્પાદન પર એ નથી. અત્યારે અમુક પર જ મળે. બીજું નક્કી એ કેન્દ્ર કરે પણ અમલવારી રાજ્યોએ કરવાની હોય. બધા એ કરી ન શકે. લોકલ લેવલે ગોબાચારી થાય. મોટે ભાગે 'મિનિમમ' ને 'મેક્સીમમ' ઠેરવીને એનઆરપી જ ગણી લેવાય, એટલે એથી વધુ તો કોઈ લોકલ વેપારી ય આપે નહિ. નીચેના માણસો તરકટી હોય તો ખરીદીમાં રાહ જોવડાવે, લોનનું વ્યાજ ચડે ને પાક/ફળ ખુલ્લામાં બગડે એ ડરથી ખેડૂત સસ્તામાં એમણે જ ગોઠવેલા માણસોને મજબૂરીમાં વેંચે, 

જે પેલા ખાઈબદેલા ખુરાંટો સરકારી ચોપડે એમએસપીમાં જ ચડાવીને વચ્ચેની 'કટકી' તારવી લે. સરકાર એમએસપી પર ખરીદેલા અનાજનું શું કરે ? સરકારી મોલ તો છે નહિ. એટલે ખોટ ખાઈને રેશનકાર્ડ પર સસ્તા અનાજની દુકાનોમાં વેંચી દે. રાધર, ગરીબોને મામૂલી દામમાં વહેંચી દે. એ ખોટ બજેટમાં ખાડો થાય ને અંતે કન્યાની કેડે આવે, કોમનમેનના ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ ટેક્સ પર વળી બીજો ભ્રષ્ટાચાર એ સરકારે ખરીદેલા અનાજના સંગ્રહમાં થાય. જે સમાચારોમાં આવ્યા કરે કે હજારો ક્વિન્ટલ અનાજ સડી ગયું કે વીમો પકાવવા ગોડાઉનમાં આગ લાગી વગેરે. અને એપીએમસી સામે નિગોશિએશનની તાકાત બધા ખેડૂતોમાં નથી હોતી. ૧૯૫૫ના એસેન્શ્યલ કોમોડિટી એક્ટની વાત હજુ ૨૦૨૦માં ય થાળે પડી નથી, જુઓ ને.

હવે આ સ્થિતિમાં સરકાર એપીએમસી મોજૂદ રાખીને પ્રાઇવેટ પ્લેયર યાને કોર્પોરેટ્સને એન્ટ્રીની ટેક્સ લાદ્યા વિનાની આકર્ષક છૂટ આપે તો ખોટું શું છે ? ખોટી આપણા રાજકારણીઓની ખોરા ટોપરા જેવી નીયત પરની શંકા ઘણા ખેડૂતોને લાગે છે, એટલે ભયભીત છે. જરાક જુદી રીતે સમજીએ. કુરિયર સર્વિસ આવવાથી પોસ્ટ ખાતું બંધ નથી થયું કે ખાનગી લકઝરી આવતા એસટી અને મોબાઈલ ફોન આવતા બીએસએનએલ કે પ્રાઇવેટ સ્કૂલ આવતા સરકારી શાળા બંધ નથી થઈ. સેમ બેન્ક ટુ ઇન્સ્યોરન્સ.

પણ આ દરેકમાં સરકારી એકમો ધીરે ધીરે નબળા પડયા. કસ્ટમર બેન્ડ ગુમાવતા ગયા. શરૂઆતમાં બધું સસ્તું થયું. પણ પછી ભાવ વધી ગયા. એસટી કરતા રાજકોટ અમદાવાદ વોલ્વો વધુ દામ વસૂલે. પોસ્ટ કરતાં સુરત-મુંબઈ કુરિયર મોંઘું પડે. સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલોની ફી સામે આંદોલનો થાય ને કોર્ટ-સરકાર સુધી વાતો પહોંચે. મફત પેકેજ આપતા મોબાઈલ પછી ચાર્જીઝ શરૂ કરે. ત્યારે સરકારી વિકલ્પો નબળા પડી ગયા હોય. વળી, સરકારી એકમો પર ગરીબોના કલ્યાણ માટે ઓછા નફાનું ભારણ હોય. જે ગામમાં ખાનગી કુરિયર કે લકઝરી ન પહોંચે ઓછી આવકને લીધે ત્યાં ખોટ ખાઈને ય પોસ્ટ ઓફિસ કે એસટી નાના ગામડા સુધી જાય. કોર્પોરેટ તો ખોટ ખાતા સેક્ટરને તાળા મારી દે. અને નબળા પરફોર્મન્સ છતાં જે તે ગવર્નમેન્ટ સેક્ટરમાં તગડા ભથ્થા સાથે પ્રાઇવેટથી વધુ પગાર તો ચૂકવવાના રહે જ. (અલબત્ત, ટેક્સપેયરની ભોગે સ્તો !) એ દઈને ય પરફોર્મન્સ નબળું પાડી દો, એટલે જખ મારીને ખાનગીકરણના જ પગ પ્રજાએ પકડવા પડે. ને પછી જે શરતો મૂકાય એ કબૂલવી પડે.

હવે ત્રણ કૃષિ સુધાર કાનૂન આવ્યા, એ અચાનક કોવિડકાળમાં કોઈ સંસદીય ચર્ચા વિના ઉતાવળે આવ્યા. કોઈ ખેડૂત યુનિયનોને ય વિશ્વાસમાં ન લેવાયા. ડ્રામેટિક સ્ટાઇલમાં ૩૭૦મી કલમ નાબૂદી આવે એ સુરક્ષાનો મામલો. પણ આમાં તો એવું થયું કે મંડળ સજાવી, કાર્ડ છપાવી, જમણવાર ગોઠવી કન્યાને તૈયાર થવાનું ઘરચોળું આપી દેવાયું. પણ એને પૂછ્યું જ નહિ કે આ લગ્ન અત્યારે કરવા છે કે નહિ ! અડધો ઘૂંઘવાટ કિસાન આંદોલનનો આ વારંવાર નોટબંધી ટુ લોકડાઉન આવતા સરકારી રોફના 'અમે કહીએ દેશહિતમાં માની લો, નહિ તો દેશદ્રોહી' વાળી એટીટયુડ સામે છે. મૂરતિયો ગમતો હોય તો ય ધરાર દબાણનો ટોન નથી ગમતો પરણવાનો. બાકીનો અડધો બિલ પહેલાં જ થોડા વર્ષોમાં અમુક સરકારી સાંઠગાંઠ ધરાવતી કંપનીઓ જ કોર્પોરેટ ડીલ કરી કરોડોના ખર્ચે પ્રાઇવેટ એગ્રો પ્રોડક્ટસ વેરહાઉસિંગનું ઇન્ટરનેશનલ લેવલનું મોર્ડન સિલો કહેવાતું ગોડાઉન ઉભું કરી લે એ કારણથી ઉભા થતા મિલીભગતથી લૂંટાઈ જશું ના ઇમજેનરી ફીઅર યાને કાલ્પનિક કારણે છે.

એ ખરું કે સરકાર બધું કરી ન શકે. ને ક્યારેક પસંદગીના ઉદ્યોગપતિઓને અનૌપચારિક રીતે બધુ સંભાળવા તૈયાર કરે. પણ દરેક પક્ષના લીડરો ખેડૂતોના નામે મત ઉઘરાવી, પછી ચૂંટણીફંડ માટે કોર્પોરેટસ સાથે કનેક્ટ થઈ જાય છે, એ ભૂતકાળને કારણે ઇરાદો સારો હોય તો ય અગાઉની મેલી મથરાવટીના અનુભવે ભરોસે ઝટ પડે નહિ. આ સુધારામાં એગ્રીમેન્ટની સુવિધા છે. પણ આપણો દેશ છીંડામાંથી છટકબારીનો વેપલો કરનાર ફિક્સરોનું સ્વર્ગ છે, જે ક્રિકેટમાં ય સટ્ટો શોધે ને મધમાં ય ખાંડ ભેળવી દે. એટલે ગુજરાતમાં પેપ્સીકોએ બટેટાના ખેડૂતો સામે સાડાચાર કરોડનો દાવો કરેલો એવી આશંકા રહે. કોર્પોરેટ કડક ક્વોલિટી કંટ્રોલ લઈ આવે. બહાર ભાવ સારા ચાલતા હોય તો એગ્રીમેન્ટ મુજબ પોતે ઉગાડાવ્યો હોય એ માલ લઈ લે. પણ બજાર લુટકી ગયું હોય એ ખેતપેદાશનું તો ક્વોલિટી બરાબર અમે માંગી એવી નથી કહીને નામુકર જાય તો ખેડૂતની આખા વર્ષની મહેનતનું શું ? મોટી કંપનીઓ તો અર્ણવ-સલમાન-સરબજીતના કેસ લડનાર હરીશ સાલ્વે ઉતારે નાનો ખેડૂત અનાજમાં બરબાદ થયો હોય ત્યાં વકીલની ફી પોસાય એને ? અને અમુકમાં તો જિલ્લા કલેકટર લેવલે જ લવાદી છે. કોર્ટ પણ પિક્ચરમાં નથી.

ફર્સ્ટ પાર્ટમાં આપણે અમેરિકાના નાના ખેડૂતોના ભૂતકાળથી ભારતનું ભવિષ્ય જોયું, ગત બુધવારના અનાવૃતમાં. આજે ભારતની છણાવટ કરી. વાત હજુ અધૂરી છે. બધે સરકાર ખોટી નથી. બધે ખેડૂતો ખોટા નથી. તો સાચું શું છે ? બે ય પાછા યાદ રાખજો. અમુક પોઝિટિવ સૂચનો સહિત ચર્ચીશું ફાઈનલ કન્કલુઝનમાં. આ લખાયા પછી મડાગાંઠનો સુખદ ઉકેલ આવે તો ય કેટલાંક સનાનત સત્યો સાથે.

ઝિંગ થિંગ

''એગ્રીકલ્ચરનો અર્થ આપણાં તંત્રમાં મોટા સાહેબો જે કહે એમાં એગ્રી થવાનું કલ્ચર એવો જ થાય છે. એ રીતે આપણે એગ્રીકલ્ચરલ દેશ છીએ.''

( સ્વ. નાની પાલખીવાલા)



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Ko1apX
Previous
Next Post »