- ''જિંદગીમાં નિરાશાઓ ભરપૂર છે અને મને લાગે છે કે સુખી રહેવાની કલા એ છે કે એ નિરાશાઓને ભ્રમ માનીને ચાલવું.'' સાકી
- ગોર્ટસ્બીએ પોતાની જાત સાથે વાત કરતાં કહ્યું, ''મને નવાઈ લાગતી નથી, મુશ્કેલીમાંથી મુક્તિ મળવી એને માટે ઘણી જ ગંભીર વાત હોવી જોઈએ.
ગુજરાતી ભાષામાં પ્રથમ વખત 'વાર્તા'નું સર્જન થયું તેને ગયા વર્ષે ૧૦૦ વર્ષ પૂરા થયા હતા. એ નિમિત્તે 'ગુજરાત સમાચાર'માં ગુજરાતના વિખ્યાત સર્જકોની ક્લાસિક વાર્તાઓ પ્રસિદ્ધ કરીને અનોખી ઉજવણી થઈ હતી. ગુજરાતી વાર્તાઓના એ ખજાનાને વાચકોનો હૂંફાળો પ્રતિસાદ મળ્યો હતો. તે પછી હવે 'ગુજરાત સમાચાર'ના વાચકો માટે પ્રસ્તુત છે-જગતના પહેલી હરોળના વાર્તાકારોની કૃતિઓનો વૈભવ...
(વહી ગયેલી વાર્તાઃ ડસ્ક એટલે સમીસાંજનું અંધારું.વાર્તાનું મુખ્ય પાત્ર નોર્મન ગોર્ટસ્બી લંડનનાં હાઈડ પાર્કનાં બાંકડા ઉપર બેઠો છે. એનું અવલોકન એવું છે કે જે લોકો જીવનમાં સફળ છે એ મુખ્ય રસ્તાઓની ચકાચૌંધ રોશનીમાં જલસા કરે છે પણ જે લોકોને જીવનમાં નિરાશા સાંપડી હોય છે એ મોડી સાંજનાં અંધકારમાં બગીચાની અંદર નીકળે છે. ચહેરા ઉપરનાં વિષાદને છૂપાવે છે. 'સાકી' લખે છે કે ગોર્ટસ્બીને સ્ટ્રીટ લાઇટ્સ વચ્ચેનાં અંધકારનાં વિસ્તારમાં પસાર થતાં એના સાથી વિહારીઓનું અવલોકન કરવામાં અને એવા લોકોને સફળ કે નિષ્ફળ કેટેગરીમાં વર્ગીકરણ કરવાની ટેવ છે.
ગોર્ટસ્બી પોતે નિષ્ફળ છે એવું એ માને છે પણ અહીં ચોખવટ એ છે કે એની નિષ્ફળતાનું કારણ નાણાંકીય મુશ્કેલી નથી. ગોર્ટસ્બી માણસનું અવલોકન કરીને, એનાં હાવભાવ, દેખાવનો અભ્યાસ કરીને એનાં વિષે ઘણું જાણી શકે છે. જેમ કે એની બાજુનાં બાંકડા ઉપર બેઠેલાં જૈફ વયનાં સદગૃહસ્થ વિષે એનું તારણ છે કે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિને સફળતાપૂર્વક પડકારવાની ક્ષમતા એમનામાં રહી ન હોય પણ તેમ છતાં હજી કશુંક સિદ્ધ કરવાની કોશિશ જારી છે, કદાચ એમના આત્મસમ્માનનાં અવશેષ હજી બાકી રહી ગયા હશે. પણ ગોર્ટસ્બીનાં મતે આથક રીતે એમની સ્થિતિ ડામાડોળ હોવી જોઈએ. આ સદગૃહસ્થ જો કે ઊભા થઈને અંધારામાં જતા રહે છે. અને એની જગ્યાએ એક યુવાન આવીને બાંકડા ઉપર બેસે છે.
એ યુવાન પણ કોઈ મુશ્કેલીમાં હોય એમ જણાય છે. વાતચીત દરમ્યાન એ અજાણ્યો યુવાન ગોર્ટસ્બીને કહે છે કે એ પોતે કફોડી સ્થિતિમાં મુકાઇ ગયો છે. જે હોટલમાં રોકાવાનો હતો એ હોટલ તો હવે ત્યાં નથી. અજાણી હોટલમાં રહ્યો છે. હોટલનો સાબુ એને પસંદ નથી એટલે સાંજે સાબુની ગોટી લેવા નીકળ્યો. એકાદ ડ્રીંક લીધું, કેમિસ્ટની દુકાનેથી સાબુની ગોટી લીધી પણ હવે હોટલનું નામ સરનામું ભૂલી ગયો. આટલા મોટા લંડન શહેરમાં ક્યાં જવું? એણે પત્ર લખીને એનાં પોતાના લોકોને હોટલનું નામ સરનામું મોકલ્યું તો હતું પણ આજે ખિસ્સામાં હવે પૈસા નથી અને રહેવાની કોઈ જગ્યા નથી. અને રાત પડી રહી છે. એ કબૂલે છે કે ''મેં મારા જીવનની સૌથી મૂર્ખામી કરી છે. એ હોટલનું નામ મને યાદ નથી અથવા એ રસ્તો કે શેરી પણ યાદ નથી...'' હવે આગળ..)
ઉત્તરાર્ધ
''એક એવો માણસ કે જેના લંડનમાં કોઈ મિત્રો નથી કે અન્ય કોઈ કનેક્સન નથી, એને માટે તો આ સારી એવી વિકટ સ્થિતિ થઈ ગઈ! અલબત્ત, હું મારા લોકોને ટેલિગ્રામ કરીને હોટલનું સરનામું જાણી શકું પણ મારો એ પત્ર એમને આવતીકાલે મળશે. એ પત્ર જેમાં મેં મારી હોટલનું નામ સરનામું લખી મોકલ્યું છેત પણ ત્યાં સુધી તો હું પૈસા વિનાનો થઈ ગયો છું. એક શિલિંગ લઈને બહાર નીકળ્યો હતો, જે સાબુ ખરીદ કરવામાં અને પછી ડ્રીંક લેવામાં ખર્ચાઈ ગયો અને બસ હવે અહીં છું અને ખિસ્સામાં બે પેન્સ લઈને અહીંતહીં રખડી રહ્યો છું અને રાત રોકાવા માટે કોઈ જગ્યા નથી.''
આવી વાર્તા કહ્યા પછી એ યુવાને એક છટાદાર વિરામ લીધો. ''મને લાગે છે કે મેં એક એવી વાર્તા કહી જે દેખીતી રીતે અશક્ય જ લાગે,'' એ યુવાન બોલ્યો. એનાં અવાજમાં ચીડ કે રોષનો અંશ હતો.
''અશક્ય હોય એવું તો નથી,'' ગોર્ટસ્બીએ વિવેકબુદ્ધિપૂર્વક કહ્યું ''એક વાર પરદેશમાં એની રાજધાનીનાં શહેરમાં મેં પણ બરોબર આવું જ કર્યાનું મને યાદ આવે છે, પણ ત્યારે અમે બે માણસો હતા અને નસીબ સંજોગે અમને યાદ આવી ગયું હતું કે અમારી હોટલ એક નહેરની પાસે હતી અને પછી અમે જ્યારે નહેર પાસે પહોંચ્યા ત્યારે ત્યાંથી અમને હોટલ સુધી પહોંચવાનો રસ્તો મળી ગયો હતો.''
કોઈ વસ્તુની એવી યાદ જે બીજી વસ્તુ યાદ દેવડાવે એવી આ વાત હતી અને એ સાંભળીને યુવાન થોડો જોશમાં આવી ગયો. ''વિદેશનાં કોઈ શહેરમાં એવું બને તો મને ખાસ આપત્તિજનક ન લાગે,'' એણે કહ્યું, ''એવી વ્યક્તિ પોતાના દેશની એલચી કચેરીનો સંપર્ક કરી શકે અને જરૂરી બધી મદદ મેળવી શકે. પણ અહીં પોતાના દેશમાં કોઈ અટવાઈ જાય તો ભારે કફોડી સ્થિતિમાં મુકાઇ જાય. સિવાય કે હું કોઈ યોગ્ય માણસને શોધી શકું અને મારી વાત એના ગળે ઊતરાવી શકું અને મારી વાત સાચી માનીને એ માણસ મને થોડા પૈસા ઉધાર આપે, તો કુછ બાત બને. નહીં તો મારે આખી રાત આ ફૂટપાથ પર જ ગુજારવી પડશે. મને જો કે એ વાતની ખુશી છે કે તમને એવું નથી લાગતું કે મારી કહાણી આમ સાવ હદ બહારની કપોળકલ્પિત કે તદ્દન ખોટી અને બનાવટી છે.''
આ આખરમાં કહેલું વાક્ય એ સારા એવા ઉમળકાથી બોલ્યો હતો, એ આશામાં કે ગોર્ટસ્બી એક જરૂરિયાતમંદ અજાણ્યા માણસને મદદ કરવાનાં શિષ્ટાચારમાં માનતો હશે.
''અલબત્ત,'' ગોર્ટસ્બી ધીમેથી બોલ્યો, ''તારી વાર્તાનો એક નબળો મુદ્દો એ છે કે તું સાબુની ગોટી અત્યારે રજૂ કરી શકતો નથી.''
એ યુવાન ઉતાવળે બેઠો, પોતાના ઓવરકોટનાં ખિસ્સા ઝડપથી ફંફોસ્યા અને પછી ફટ દઈને ઊભો થઈ ગયો.
''મને લાગે છે કે કશે પડી ગઈ હશે.'' એ ગુસ્સામાં બબડયો.
''હોટલનું સરનામું અને સાબુની ગોટી, એ બંને એક જ બપોરે ભૂલી જવા- એ તો જાણી જોઈને કરેલી બેદરકારી દર્શાવે છે,'' પણ એ યુવાન ગોર્ટસ્બીની ટિપ્પણીનો આખરી ભાગ સાંભળવા ત્યાં રોકાયો નહીં. એ થોડી થાકી ગયેલી ચપળતાનાં ભાવ મોંઢા પર લાવીને, પોતાનું માથું ઊંચું રાખીને, એ સ્થળને ઝડપથી છોડીને ચાલ્યો ગયો.
''આ દયાજનક સ્થિતિ છે,'' ગોર્ટસ્બી વિચારતો રહ્યો, ''પોતાના માટે સાબુ ખરીદવા જવાની વાત આ આખી વાર્તામાં માની શકાય એવી વાત હતી, અને તેમ છતાં આખી વાતની એ નાનકડી વિગત જ એને દુઃખમાં નાંખતી ગઈ. જો એને એ તેજસ્વી વિચાર પહેલેથી જ આવ્યો હોત અને એ કેમિસ્ટનાં કાઉન્ટર ઉપર કાળજીપૂર્વક લપેટાયેલા અને સીલ કરાયેલાં કાગળનાં બંધ પરબીડિયામાં નાહવાની સાબુની ગોટી જો એ રજૂ કરી શક્યો હોત તો એણે આખરમાં કહેલું વાક્ય એને એક પ્રતિભાસંપન્ન વ્યક્તિ તરીકે પ્રસ્થાપિત કરી શક્યું હોત. જે વ્યક્તિમાં બુદ્ધિ પ્રતિભા હોય એ વ્યક્તિમાં ચોક્કસપણે નાની નાની બાબતોમાં કાળજી લેવાની અસીમ ક્ષમતા હોય છે.''
આવું ચિંતન કરીને ગોર્ટસ્બી બાંકડા પરથી ઊભો થયો અને એમ કરતી વખતે એના મોઢેથી ચિંતાનો એક ઉદગાર સરી પડયો. બાંકડાની બાજુમાં એક લંબગોળ પેકેટમાં કેમિસ્ટનાં કાઉન્ટર ઉપર પેક અને સીલ કરવામાં આવેલું એક પેકેટ પડયું હતું. એ બીજું કાંઇ પણ ન હોઇ શકે, સિવાય કે સાબુની ગોટી, અને દેખીતી રીતે એ ત્યારે પેલા અજાણ્યાં યુવાનનાં ખિસ્સામાંથી નીચે પડી ગઈ હોવી જોઈએ, જ્યારે એ યુવાન બાંકડા ઉપર બેઠો હતો. ઓહ! અને ગોર્ટસ્બી દોડયો સંધ્યાકાળનાં એ અંધારામાં, એને ચિંતા હતી પાતળા ઓવરકોટમાં સજ્જ એ યુવાનને શોધી કાઢવાની. પણ એ મળ્યો નહીં. એણે એની શોધ લગભગ પડતી મૂકી જ હતી કે એ એને દેખાઈ ગયો. એ ઘોડાગાડીઓ ચાલતી હતી એ રસ્તા પર દેખીતી રીતે અવઢવની સ્થિતિમાં ઊભો હતો, કદાચ વિચારતો હતો કે રાતનાં ક્યાં રોકાવું, બગીચાને પેલે પાર કે પછી સતત દોડતી રહેતી નાઇટ્સબ્રિજની ફૂટપાથ ઉપર. જ્યારે એણે જોયું કે ગોર્ટસ્બી એને સાદ પાડીને બોલાવી રહ્યો છે ત્યારે એ સ્વબચાવમાં સામો હૂમલો કરવાનાં મૂડમાં પાછો વળ્યો.
''તારી વાર્તા સાચી છે એવું પૂરવાર કરે એવો અગત્યનો સાક્ષી પૂરાવો મળી ચૂક્યો છે,'' પોતાના હાથમાં રહેલી સાબુની ગોટીને બતાવતા ગોર્ટસ્બીએ કહ્યું, ''બાંકડા ઉપર બેસવા જતાં એ તારા ઓવરકોટનાં ખિસ્સામાંથી નીચે પડી ગઈ હશે. તું ત્યાંથી નીકળી ગયો પછી મેં એને જમીન પર પડેલી જોઈ. તારી વાત મને સાચી નહોતી લાગતી કારણ કે તારો બાહ્ય દેખાવ તારી વાતની વિરુદ્ધની વાત બયાન કરતો હતો પણ એ જવા દે. અને હવે આ સાબુની શાખ અને સાબિતીનાં આધારે હું તારી અરજી સ્વીકારું છું. જો હું તને એક પાઉન્ડનો સિક્કો લોન તરીકે આપું તો તારું કામ...''
આ વિષય ઉપર શંકાની તમામ શક્યતાઓ એ યુવાને ઝડપથી રોકીને એક પાઉન્ડનો સિક્કો સ્વીકારી, એને પોતાનાં ખિસ્સામાં સેરવી દીધો.
''આ રહ્યું મારું કાર્ડ, જેમાં મારું સરનામું છે,'' ગોર્ટસ્બીએ પોતાની વાત ચાલુ રાખી ''આ અઠવાડિયામાં ગમે ત્યારે તું મને આ પૈસા પાછા દઈ શકશે, અને આ સાબુ- ફરીથી એને ખોઈ ન નાંખતો, એ તારો સારો મિત્ર પૂરવાર થયો છે.''
''હું નસીબદાર કે તમને એ મળી ગયો,'' યુવાને કહ્યું, અને પછી, કોઈ ઉતાવળિયા અવાજમાં આભારનાં એકાદ બે શબ્દો એ ગણગણ્યો અને નાઇટ્સબ્રિજની દિશામાં માથું આગળ કરીને દોડી ગયો.
''બિચારો ગરીબડો છોકરો, એ સાવ ભાંગી પડવાની અણીએ હતો,'' ગોર્ટસ્બીએ પોતાની જાત સાથે વાત કરતાં કહ્યું, ''મને નવાઈ લાગતી નથી, મુશ્કેલીમાંથી મુક્તિ મળવી એને માટે ઘણી જ ગંભીર વાત હોવી જોઈએ. આમાંથી મારે એ શીખવાનું કે માત્ર સંજોગોનાં આધારે કોઈ વ્યક્તિ કેવી છે, એનો અભિપ્રાય બાંધવામાં મારે વધારે પડતી હોંશિયારી બતાવવી ન જોઈએ.''
અને ગોર્ટસ્બી ચાલતો ચાલતો પેલા બાંકડા પાસેથી પસાર થયો, એ બાંકડો કે જ્યાં આ નાનકડું નાટક ભજવાયું હતું અને ત્યારે એણે જોયું કે ત્યાં એક મોટી ઉંમરનાં સદગૃહસ્થ એ બાંકડાની નીચે અને એની આજુબાજુ અને એની પાછળ કાંઈક ફંફોસીને શોધી રહ્યા હતા. ગોર્ટસ્બી એને ઓળખી ગયો. આ એ જ સદગૃહસ્થ હતા, જે એ બાંકડા ઉપર બેઠાં હતા, પેલો યુવાન બેઠો હતો તે પહેલાં.
''તમારું કાંઈ ખોવાયું છે, સર?'' એણે પૂછયું.
''યસ સર, સાબુની એક ગોટી.''
(સમાપ્ત)
સર્જકનો પરિચય
હેક્ટર હ્યુ મુનરો,'સાકી'
જન્મ ૧૮ ડીસેમ્બર, ૧૮૭૦
મૃત્યુ ૧૪ નવેમ્બર ૧૯૧૬
તખલ્લુસ 'સાકી' અથવા તો એમનાં નામ એચ. એચ. મુનરો તરીકે જાણીતા બ્રિટિશ લેખક હેક્ટર હ્યુ મુનરો એમની રમૂજી, મસ્તીખોર અને મૃત્યુનાં નૃત્ય જેવી બિહામણી વાર્તાઓ - કે જે તે સમયનાં એડવડયન સમાજ અને સંસ્કૃતિ ઉપર કટાક્ષ હતો - તેના માટે જાણીતા છે. તેઓએ ટૂંકી વાર્તાઓનાં સર્જનમાં આગવું પ્રદાન કર્યું છે અને તેઓને પ્રસિદ્ધ લેખકો ઓ. હેન્રી અને ડોરોથી પાર્કરની સમકક્ષ ગણવામાં આવે છે.
હેક્ટર હ્યુ મુનરો બ્રિટિશ બર્માનાં અક્યાબ શહેરમાં જન્મ્યા હતા. એમનાં પિતા ચાર્લ્સ મુનરો ઇન્ડિયન ઈમ્પીરીયલ પોલિસનાં ઇન્સ્પેક્ટર જનરલ હતા. એમની માતાનાં મૃત્યુ બાદ એમનો ઉછેર ઈંગ્લેન્ડમાં એમનાં દાદી પાસે થયો. મોટા થઈને એમનાં પિતાનાં પગલે હેક્ટર પણ ઇન્ડિયન ઈમ્પીરીયલ પોલિસમાં જોડાયા. પણ બર્મામાં એમની નોકરી દરમ્યાન ઘણીવાર તાવ આવી જતા સવા વર્ષમાં જ એમણે ઇંગ્લેન્ડ પાછા ફરવું પડયું. અને પછી ઈ.સ. ૧૮૯૬માં એમની એક લેખક તરીકેની કારકિર્દી લંડનમાં શરૂ થઇ.
તેઓ પત્રકાર તરીકે કામ કરતા અને મેગેઝિનમાં વાર્તા લખતા. ઈ.સ. ૧૯૦૦માં તેઓ રાજકીય વ્યંગ તરફ વળ્યા. 'સાકી' ઉપનામનો એમણે પહેલી વાર અહીં ઉપયોગ કર્યો. પશયાનાં ખગોળવિદ અને કવિ ઉમર ખય્યામની રુબાયતમાં જે મદ્યપાન કરાવે છે એ માશૂકનાં અર્થમાં 'સાકી' ઉપનામ હોવાનું માનવામાં આવે છે તો કેટલાંક અભ્યાસુઓ દક્ષિણ અમેરિકામાં સાકી પ્રજાતિનાં વાંદરા પરથી સાકી ઉપનામ હોવાનું માને છે, એ સાકી જે એમની વાર્તા 'ધ રેમોલ્ડીંગ ઓફ ગ્રોબી લિંગટન' મુખ્ય પાત્ર પરથી આવ્યું હોવાનું મનાય છે. એમની વાર્તાઓ અને નવલકથાઓનાં અનેક પુસ્તકો પ્રકાશિત થયા છે. મુનરોએ લગ્ન કર્યા નહોતા. તેઓ હોમોસેકસ્યુઅલ હોવાનું મનાતું હતું. એ જમાનામાં બ્રિટિનમાં હોમોસેકસ્યુઆલીટી ગુનો ગણાતો.
પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે મુનરોની ઉંમર ૪૩ વર્ષની હતી. યુદ્ધમાં જોડવા માટે તેઓની આ ઉંમર વધારે હતી તેમ છતાં જોડાયા અને લાન્સ સાર્જન્ટનાં હોદ્દા સુધી પહોંચ્યા. પોતે યુદ્ધમાં ઘાયલ થયા બાદ પણ ફરી ફરીને દેશની સુરક્ષા કાજે યુદ્ધભૂમિમાં ફરજ બજાવતા રહ્યા. આખરે ફ્રાન્સમાં યુદ્ધભૂમિ ઉપર જર્મન સૈન્યનાં ગોળીબારમાં શહીદ થયા. એમનાં આખરી શબ્દો હતા ઃ પુટ ધેટ બ્લડી સિગારેટ આઉટ.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mfpDLc
ConversionConversion EmoticonEmoticon