આ જનું ખંભાત. મધ્યકાલીન સમયમાં એ સ્તંભનતીર્થ તરીકે ખૂબ જાણીતું શહેર.
સ્તંભનતીર્થ- ખંભાતના કિનારે દરિયો હિલોળા લે. એમ ખંભાતમાં સદાય ધર્મભાવનાની છોળો ઉડે. જિનમંદિરો અને જૈન ઉપાશ્રયોમાં સદાય જૈન ધર્મની જય ગુંજે. ધર્મગુરુઓ નિયમિત પધારે અને સૌને સદુપદેશ કરે. શ્રાવક અને શ્રાવિકાઓ સદૈવ ધર્મલાભ પ્રાપ્ત કરવા ઉલ્લાસભેર દોડતાં રહે.
એવા એક શ્રીમંતનું ઘર, ભક્તિ ભાવના અને શ્રદ્ધાની જ્યોત ત્યાં ઝળાહળાં થાય. એક એકથી ચડે તેવાં ધર્મકાર્યો એ શ્રીમંત પરિવાર કરે. આ શ્રીમંતનું નામ ઇતિહાસના પાને નથી મળતું પણ જેટલી વિગતો મળે છે તેટલી આપણને શ્રદ્ધા, ભક્તિ અને આનંદથી ભરી દે છે.
આ શ્રીમંત શ્રાવકને ત્યાં એક પુત્રીનો જન્મ થયો. વિ.સં. ૧૨૬૮નું એ વર્ષ.
એ પરિવારને પુત્રી જન્મથી અપાર હર્ષ થયો. ખંભાતમાં સર્વત્ર મીઠાઈ વહેંચી હતી.
પુત્રીનું નામ પાડયું પદ્મા સોના-રૂપાના ઘૂઘરે રમે છે ને મોટી થાય છે. નિર્દોષ આંખોથી એ સૌને જુએ છે, નાના નાના હાથ ઉછાળે છે ને નમણી કિલકારીથી એ હવેલીને ભરી દે છે: પદ્માનું મધુર હાસ્ય સૌને વ્હાલું લાગે છે.
પદ્માના પિતાએ તેની જન્મકુંડળી બનાવવા માટે જોશીને તેડાં મોકલ્યાં. સ્તંભન તીર્થના પ્રખ્યાત જોશીએ ટીપણું ખોલ્યું, ગણિત માંડયું ને સ્તબ્ધ થઈ ગયો. એણે ઝડપથી ઊભા થઈને ટીપણું બંધ કરી દીધું.
શેઠે પૂછયું: ''અરે, તમે પંચાંગ વાળી કેમ દીધું ?'' જોશી કહે, '' શેઠ આજે મારું જીવન ધન્ય થઈ ગયું. આવી કુંડળી મેં કદી જોઈ નથી અને આવું ભાગ્ય મેં ક્યાંય સાંભળ્યું નથી.. સંસારની આ શ્રેષ્ઠ કન્યા થશે. જો સાધ્વી થશે તો સકળ સંસાર તેને પૂજશે. શેઠ આવું કન્યા રત્ન તો સદીઓ પછી ધરતી પર જન્મે, જે આજેતમારા ગૃહાંગણમાં કિલ્લોલ કરે છે !''
શેઠ આશ્ચર્યમુગ્ધ થઈ સાંભળી રહ્યા. એ પદ્માને રમાડવા દોડી ગયા.
પદ્માની ઉંમર ૮ વર્ષની થઈ.
પદ્મા અક્ષરજ્ઞાાન મેળવે છે, ધાર્મિક પાઠશાળામાં જાય છે. જે વાંચે છે તે તેને યાદ રહી જાય છે !
પદ્મા જૈન ઉપાશ્રયમાં જાય છે ને ગુરુજનોને વંદે છે, નમે છે. સૌ એને પ્રસન્નતાથી નીરખી રહે છે !
પદ્માની ૮ વર્ષની વય છે, રૂપરૂપના અંબારસમી દીસે છે. કોટયાધિપતિ પિતાની પુત્રી છે. સુખના દરિયામાં પદ્માના જીવનનું વહાણ આનંદથી તરે છે. લોકો કહે છે, પદ્મા આવડી નાની બાળકી હોવા છતાં તેની ગંભીરતા, તેનું ડહાપણ, તેની સમજણ અદ્ભુત કહેવા પડે તેવા સંસ્કારદ્યોતક છે.
એકદા પદ્મા તેના દાદા સાથે જૈન ઉપાશ્રયે ગઈ. એ સમયે ઉપાશ્રયમાં એક વિદ્વાન અને ચારિત્ર્યવાન ગુરુ ભગવંત પધારેલા.
પદ્મા અને તેના દાદા વંદનાર્થે ગયા.
એ ગુરુવરે પદ્માને નિહાળી, તેના મુખ પરની દિવ્યતા જોઈ અને પાટ પર બેઠા થઈ ગયા. તેમણે પદ્માના દાદાનેકહ્યું,
''શેઠ, આ તમારી પુત્રીને ઘરમાં ન રાખો !''
દાદાએ ગુરુદેવ પ્રતિ જોયું: ''જી ?''
ગુરુજી કહે: ''શેઠ આ કોઈ અપૂર્વ પુણ્યશાળી કન્યા રત્ન છે. એ જિનશાસનને સોંપી દો એ મહાન સાધ્વી બનશે !''
દાદા પૂરા ધાર્મિક. એ પદ્માને લઈને ઘરે અગયા. પોતાના પુત્રને તથા પુત્રવધૂને- પદ્માના માતા-પિતાને ગુરુવરે કહેલી ભવિષ્યવાણી કહી. આખું કુટુંબ ધર્મના રંગે રંગાયેલું હતું. સૌએ વિચાર્યું કે પદ્માને પૂછો , તેની દીક્ષા લેવાની ઇચ્છા હોય તો તે ભલે દીક્ષા ગ્રહણ કરે. આપણે સંમતિ આપવી.
દાદા અને સૌએ પદ્માને પૂછયું:
''બેટા, તારે દીક્ષા લેવી છે ?'' પદ્માનો ઉત્તર અદ્ભુત હતો અને કલ્પનાતીત હતો: ''જી, દાદા, હું સાધ્વી બનવા જ જન્મી છું !''
''હેં ? દાદા, માતા-પિતા, ભાઈ-બહેન સૌ ક્ષણવાર માટે નવાઈ પામ્યા ને વળતી પળે સૌની આંખમાંથી હેતના આંસુ વહ્યાં !
પદ્માનો ઉત્તર જ કેવો મહાન હતો !
પદ્માની ૮ વર્ષની ઉંમરે, ખંભાતમાં દીક્ષા થઈ. ધનિક પિતાએ દાનની સરિતા વહાવી, ખંભાતના શ્રી સંઘે ઉત્સાહથી દીક્ષા ઉત્સવમાં ભાગ લીધો ! એ બાળાનું હવે નવું નામકરણ થયું, 'સાધ્વી પદ્માશ્રી' વિ.સં. ૧૨૭૬નું એ વર્ષ. સાધ્વી પદ્માશ્રીના દીક્ષાજીવનના પ્રથમ દિવસથી જ અવનવી ઘટનાઓ બનવા લાગી.
સાધ્વી પદ્માશ્રી જ્યાં પધારે ત્યાં જૈન શાસનનો જય જયકાર થવા લાગ્યો.
સાધ્વી પદ્માશ્રી જૈન ધર્મના પ્રકાંડ પંડિતા તરીકે પૂજાવા લાગ્યા. તેમની વાણીમાં જૈન ધર્મ તત્ત્વની અનેરી ઝલક નિહાળી સૌ આશ્ચર્ય પામ્યા. સાધ્વી પદ્માશ્રીએ આઠ વર્ષની વયે જ શ્રાવિકાઓને સંસારની અસારતા સમજાવવા માંડી. સંસાર છોડવા જેવો છે, સંયમ ગ્રહણ કરવા જેવું છે, સંયમ લેવાથી જ મોક્ષમાં જવાશે એટલું બધું સંયમ જીવનનું મહત્ત્વ છે તે સમજાવવા માંડયું. અને માનશો ? સાધ્વી પદ્માશ્રી ફક્ત ૧૧ વર્ષની ઉંમરના થયા ત્યારે તેમને ૭૦૦ શિષ્યાઓ થઈ ગઈ ! સેંકડો વર્ષોના ઇતિહાસમાં ન બને તેવું બન્યું ત્યાગની જાણે હેલી વરસી !
સાધ્વીજીએ પોતાના સહવર્તી વિશાળ સાધ્વી વૃન્દને ચારિત્ર્યના માર્ગમાં દૃઢ બની ઉત્તમ જીવન જીવવાની પ્રેરણા કરી સાધ્વી સમૂહને તપ કરવાની પ્રેરણા આપી.
અને માનશો ? સાધ્વી પદ્માશ્રી નિર્મળ, ચારિત્ર્ય પાલન કરતા કરતા અને જૈન ધર્મની વિજય પતાકા ફરકાવતા માત્ર સત્યાવીસ વર્ષની વયે, સ્વર્ગવાસ પામ્યા !
વિ.સં. ૧૨૯૫નું એ વર્ષ જૈન ઇતિહાસમાં ભાગ્યે જ બને એવી ઘટના તે પછી બની કોઈ પણ મહાન જૈનાચાર્યના અવસાન પછી તેમની ગુરુપ્રતિમા પણ વિશિષ્ઠ સંજોગોમાં મુકાય. પણ આ અલૌકિક પુણ્યશાળી સાધ્વી પદ્માશ્રીની સાધ્વી પ્રતિમા માતર તીર્થના શ્રી સુમતિનાથ પ્રભુના જિનાલયમાં તે સમયના જૈન સંઘે મૂકી હતી. જે આજે પણ વિદ્યમાન છે ! વિ.સં. ૧૨૯૮નું એ વર્ષ આવી અદ્ભુત પુણ્યશાળી જીવનગાથાઓ આ ધરતી પર સદીઓમાં ક્યારેક જ પાકે છે અને સૌને માટે પ્રેરણાની દીવાદાંડી બની જાય છે !
સાધ્વી પદ્માશ્રીનું સ્મરણ સેંકડો વર્ષો પછી આજે ય અમર છે. મરણ તો દેહના થાય છે, કીર્તિનો પંથ અમર છે ! સમયના સીમાડા એને ક્યાં નડે છે ?
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37XVWKX
ConversionConversion EmoticonEmoticon