ભારતીય કેપ્ટન વિરાટ કોહલી માટે ૨૦૨૦નું વર્ષ નિરાશાજનક રહ્યું હતુ. કોરોનાના કારણે આઇસીસીનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેલેન્ડર ખોરવાઈ ગયું હતુ અને હાઈપ્રોફાઈલ તેમજ અત્યંત વ્યસ્ત રહેતા કોહલી સહિતના ભારતીય ક્રિકેટરો લાંબો બ્રેક મળ્યો હતો. વર્ષની શરૂઆતમાં ભારતે ઘરઆંગણે શ્રીલંકા સામે ટી-૨૦ અને ઓસ્ટ્રેલિયા સામે વન ડે શ્રેણી જીતી લીધી હતી. જે પછી ન્યૂઝિલેન્ડ પ્રવાસમાં પણ ટી-૨૦ની શ્રેણી જીતી હતી. જોકે ત્યાર બાદ ન્યૂઝિલેન્ડ પ્રવાસમાં ત્રણ વન ડે અને બે ટેસ્ટની શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનો કારમો પરાજય થયો હતો. કોરોનાના બ્રેક બાદ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ભારતે વન ડે શ્રેણી ગૂમાવી હતી, પણ ટી-૨૦ શ્રેણીમાં જીત મેળવી હતી. આ પછી ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાને પ્રથમ એડિલેડ ટેસ્ટમાં નાલેશીભરી હારનો સામનો કરવો પડયો હતો.
એક સમયે વિશ્વક્રિકેટમાં મજબૂત બેટ્સમેનોને કારણે ધાક ધરાવતી ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામેની એડિલેડ ટેસ્ટમાં પત્તાના મહેલની માફક ધરાશાયી થઈ ગઈ હતી અને માત્ર ૩૬ જ રનમાં પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. ભારતીય ટેસ્ટ ઈતિહાસનો આ સૌથી શરમજનક નિમ્ન સ્કોર હતો. ભારતીય ચાહકો માટે આઘાતજનક બાબત એ હતી કે, ટીમ ઈન્ડિયાનો એક પણ બેટ્સમેન ડબલ ફિગરના સ્કોર સુધી પહોંચી શક્યો નહતો. અત્યંત નાલેશીભરી હાર બાદ ટીમની સાથે રહીને ખેલાડીઓનો જુસ્સો વધારવાને બદલે કોહલી તેની પ્રેગ્નેન્ટ પત્ની અનુષ્કાની સાથે સમય ગાળવા માટે ઓસ્ટ્રેલિયાથી પાછો ફર્યો હતો. તેના આ નિર્ણર્યની પણ ક્રિકેટ વર્તુળોમાં ભારે ટીકા થઈ હતી.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3hu4xrG
ConversionConversion EmoticonEmoticon