દેશભરમાં ચાલીરહેલા ખેડૂતોના કૃષિ આંદોલનને લીધે સરકાર હરકતમાં આવી ગઈ છે. ખેડૂત આંદોલન હાઈટેક બની ગયું છે. ખેડૂત આંદોલન સમયે પણ આ વર્ષે રવિસીઝનમાં દેશભરમાં વાવેતર ૫૦૦ લાખ હેકટરને પાર કરી ગયું છે. તેલીબીયાં, મસાલા, દાળો, અનાજ સહિત શાકભાજી વગેરેનું વ્યાપક પ્રમાણમાં ઉત્પાદન વધશે તેવી ભીતિથી હાલમાં કૃષિ યાર્ડોમાં જૂના માલ સ્ટોક હળવા કરી નવા પાકો માટે ગતિવિધિ ચાલુ થઇ ગઇ છે. દાળોમાં ચણાના આ વર્ષે જંગી ઉત્પાદન થવાના સંકેતો મળ્યા છે. ચણામાં ખેડૂતોના મળેલા ઉંચા ટેકાના ભાવો અને નાફેડ દ્વારા પણ મોટી માત્રામાં થયેલી ખરીદીને કારણે ચણાનું વાવેતરમાં ખેડૂતોને ખૂબ જ રસ પડયો છે. ગત વર્ષે ચણાના ટેકાના ૪૮૭૫ના ભાવો સામે સરકારે નવી સીઝનમાં ટેકાના ભાવો વધારીને ૫૧૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવાની સાથે સાથે સરકારી ખરીદી પણ લગભગ ૨૧ લાખ ટન જેટલી વિપુલ પ્રમાણમાં કરતાં ચણાની ખેતી ખેડૂતો માટે ફળદાયી બની છે. રાશનકાર્ડ ધારકોને ઘઉં ચોખાની સાથે સાથે સરકારે કોરોના લોકડાઉન સમયે વિના મૂલ્યે ચણાનો જથ્થો પણ સપ્લાય કરતાં સરકારી વધી છે. આ ઉપરાંત આ વર્ષે ખુલ્લા બજારમાં પણ ચણાનો ઉંચો ભાવ મળતાં ખેડૂતો કપાસને બદલે ચણાની ખેતીમાં વધુ ફંટાયા છે. જો કે ગુજરાત કરતાં આ વર્ષે ચણાનું દેશમાં આંધ્રપ્રદેશ, કર્ણાટક, રાજસ્થાન, મહારાષ્ટ્રમાં પ્રમાણમાં ઓછુ વાવેતર થયું છે. ગુજરાતમાં સાત લાખ હેકટર કરતાં પણ વધારે રેકોર્ડ બ્રેક વાવેતર થયાના સરકારી અહેવાલો છે.
રાજ્યમાં રવી સીઝનમાં ચણાની સાથે ધાણા તથા જીરૂનો પણ મબલક પાક થવાની ધારણા સેવાઈ રહી છે. ધાણા નવી સીઝનમાં દોઢો પાક થવાની સંભાવનાને લીધે રાજ્યમાં ૪૦થી ૪૫ લાખ બોરી પાક ઉતરવાની ગણતરી છે. ઉત્તરાયણ બાદ ધાણાની તેજી મંદીનો રિપોર્ટ મળે તેમ છે. રાજ્યમાં હાલમાં ધાણામાં છેલ્લા ત્રણ વર્ષનો સૌથી ઓછો એટલે કે માંડ સાત આઠ લાખ બોરી હોવાની ધારણા છે. જેથી સીઝનમાં ભાવો નીચા જાય તેવી શક્યતાઓ નકારી શકાતી નથી. જીરામાં પણ ગત વર્ષ કરતાં આ વર્ષે વાવેતર વધેલ છે. ગત વર્ષે ચારેક લાખ હેકટરમાં જીરાના વાવેતર સામે આ વર્ષે વધારો થઇને સાડા ચાર લાખ હેકટર ઉપરાંત વાવેતર થયાના અહેવાલો છે. જીરામાં હાલમાં ૨૦થી ૨૫ લાખ બોરી જુનો માલ બોઝો હોવાના અનુમાનો સામે નવો પાક પણ મોટી માત્રામાં થવાની ગણત્રીએ સ્ટોકિસ્ટો નરમ પડી રહ્યા છે. જીરા વાયદામાં સટોડિયો વર્ગ તેજી નહિ કરી શક્તાં હવે મંદીની ચાલ રમવાની શરૂ કરી છે. છેલ્લા અઠવાડિયામાં પ્રતિ ક્વિન્ટલે ૧૦૦૦ રૂપિયા બજાર તોડીને જીરા વાયદો ૧૩૦ નીચે લાવી લેતાં મંદી ઉભી કરી દીધી છે. જેના લીધે જીરામાં વેચવાલીનું પ્રેસર જોવા મળેલ હતું.
બીજી તરફ વૈશ્વિક સ્તરે દિવેલાની માંગ ઓછી થતાં બજારમાં સુસ્તતા છવાઈ છે. છેલ્લા એક મહિનામાં એરંડાના ભાવોમાં ૪૦૦ રૂપિયાના ગાબડા સાથે ક્વિન્ટલે ૪૪૦૦ની આસપાસ બજાર નીચે તરફ સરકી રહી છે.
આ વર્ષે હાઇબ્રીડ બિયારણની અછત અને વાવેતરમાં પણ ઘટાડો થતાં ૧૫ ટકા પાક ઓછો થવાની ગણત્રી છે. જો કે ભારતીય એરંડાના તેલની વર્ષ ૨૦૨૦માં માંગ વધતાં એરંડિયાની નિકાસમાં ૧૭થી ૧૮ ટકાનો વધારો થયો છે. ગત વર્ષે એરંડીયાની ૫.૧૦ લાખ ટન નિકાસ સામે આ વર્ષે ૫.૯૮ લાખ ટનની થઇ છે. તેની અગાઉ વર્ષ ૨૦૧૮માં લગભગ ૩.૬૦ લાખ ટનની આસપાસ નિકાસ થઇ હતી.
દરમ્યાન ગયા અઠવાડિયે સોના-ચાંદી બજારમાં તેજી પકડાતાં નફારૂપી વેચવાલીનું પ્રેસર રહ્યું હતું. અમેરિકામાં નવી સરકાર હવે સ્પષ્ટ થતાં રાહત પેકેજની વધેલી આશાઓ તેમજ ચીન-અમેરિકા સહિત વૈશ્વિક સ્તરે ચાલતાં ટ્રેડ વોર પણ ઓછા થતાં વિશ્વભરમાં શેરબજારોમાં ઉછાળો થઇ રહ્યો છે. ગયા અઠવાડિયે ડોલર નબળો પડતાં તેની અસરથી સોના-ચાંદીમાં તેજી જોવા મળી હતી. સોનાના ભાવો ૫૦ હજાર અને ચાંદીના ભાવો ૬૮૦૦૦ની આસપાસ રહ્યા હતા. જો કે નવા વર્ષ ૨૦૨૧માં સોના-ચાંદીના બજારમાં તેજી રહેવાની શક્યતા વધુ જોવા રહી છે.
વિશ્વભરમાં બેંકોની ઉદાર નીતિ તેમજ અર્થવ્યવસ્થામાં પણ સુધારા થઇ રહ્યા હોવાથી બુલિયન માર્કેટમાં પણ રોકાણકારોની નજર છવાયેલી છે આગામી નવા વર્ષમાં સોના બજારમાં ભાવો લોન્ગ ટર્મમાં ૬૦થી ૬૫ હજાર સુધી ઉંચા જાય તેવી શક્યતાઓ વ્યક્ત થઇ રહી છે. સોનાની માંગ ત્રીજા ત્રિમાસિક ગાળા દરમ્યાન ત્રીસેક ટકા ઓછી થયા બાદ આગામી ચોથા ત્રિમાસિક સમયમાં વધવાની શક્યતા તેજ છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mEm5m5
ConversionConversion EmoticonEmoticon