રાષ્ટ્રપતિના હસ્તે નારી શક્તિ પુરસ્કાર : મહિલા જગત : ગુડબાય 2020

મહિલા જગત : ગુડબાય 2020

રિતુ કરિધાલ

ચંદ્રયાન ૨ની મિશન ડાયરેકટર રિતુ કરિધાલને ભારતની રોકેટ મહિલા તરીકે પણ ઓળખવામાં આવે છે. મિશન મંગળમાં તેની ડેપ્યુટી ઓપરેશન્સ ડાયરેકટર તરીકે નીમણૂક થતા તેની ખ્યાતિ વધી હતી. રિતુને ફોર્બ્સ ઈન્ડિયા સેલ્ફ મેડ વુમેન ૨૦૨૦ની યાદીમાં સ્થાન મળ્યું છે.

દૂતી ચાંદ

દૂતી ચાંદ, ૨૪, ૨૦૧૮માં ૧૦૦ મીટર નેશનલ રેકોર્ડ હોલ્ડર બની હતી અને ડબલ સિલ્વર મેડલિસ્ટ બની હતી. ૨૦૧૯માં વિશ્વ યુનિવર્સિટી રમતોમાં ગોલ્ડ મેડલ જીતનારી તે પહેલી ભારતીય એથલેટ હતી. પણ તેના ઉપર પુરુષ હોવાનો આરોપ મુકીને પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આ દોડવીરે આ આદેશ સામે જોરદાર લડત આપતા ૨૦૨૦માં તેને ભારતની પ્રથમ ગે એથલેટ ઘોષિત કરાઈ હતી. આ વર્ષે તેને પ્રતિષ્ઠિત અર્જુન એવોર્ડ પણ અપાયો હતો.

લેફ. જનરલ માધુરી કાનિટકર

૨૦૨૦માં ભારતની ત્રીજી મહિલા લેફ. જનરલ બનીને  માધુરી કાનિટકરે ઈતિહાસ સર્જ્યો છે. તે ભારતની પહેલી મહિલા પીડિયાટ્રીયશિયન છે જેણે ભારતીય સેનામાં બીજા નંબરનો સૌથી ઉચ્ચ હોદ્દો મેળવ્યો છે.

માનસી જોષી

બેડમિન્ટન ખેલાડી માનસી જોષીએ ૨૦૧૧માં એક અકસ્માતમાં પોતાનો એક પગ ગુમાવી દીધો હતો. પણ તેને પોતાની હિંમત નહોતી ગુમાવી. પેરા-બેડમિન્ટન રમતમાં મેડલ મેળવીને તેણે ઈતિહાસ સર્જ્યો હતો. હાલમાં બીબીસીની ૨૦૨૦માં પ્રથમ ૧૦૦ મહિલાઓની યાદીમાં તેને સ્થાન આપવામાં આવ્યું છે.

નેહા રસ્તોગી 

નોઇડામાં રહેતી એક ઇનજેર વહુ નેહાના ૩૮ વર્ષના લખનૌમાં રહેતાં સસરાને ૨૦૧૩માં અચાનક હ્દયરોગનો હુમલો આવતાં તેમનું અવસાન થયું. એ સમયે ઇસીજી મેળવવા માટે નેહા અને તેના પતિ રાહુલને જે સંઘર્ષ કરવો પડયો તેને કારણે તેમણે કી-ચેઇન જેવડું સતત સાથે રાખી શકાય તેવું ઇસીજી-ઇલેક્ટ્રોકાડયોગ્રામ મશીન વિકસાવ્યું છે. એન્જીનીયરીંગની ડિગ્રી ધરાવતાં બંને પતિ-પત્નીએ બે વર્ષ સંશોધન કરી સંકેતલાઇફ૨.૦ નામનું નાનકડું માત્ર ૨૫૦૦ રૂપિયાની કિંમતનું ઇસીજી મશીન વિકસાવવામાં સફળતા મેળવી છે. જે ૭૦ પ્રિલોડેડ ઇસીજી ટેસ્ટ સાથે આવે છે. અગત્સા નામના સ્ટાર્ટ અપ દ્વારા આ મશીનને દેશભરની હોસ્પિટલોમાં પહોંચાડનાર ૩૮ વર્ષની નેહા કહે છે, જે મજૂર રોજ ૨૦ રૂપિયા કમાય છે તેને પણ સારી આરોગ્ય સેવા મેળવવાનો અધિકાર છે. આ બાબત અમને કામ કરવાની પ્રેરણા પુરી પાડે છે. 

૨૦૨૦માં અર્જુન એવોર્ડ વિજેતા બનેલી મહિલા રમતવીરો

૧. અદિતિ અશોક -ગોલ્ફ 

૨૯ માર્ચ ૧૯૯૮ના રોજ જન્મેલી અદિતિનું ગોલ્ફમાં વર્લ્ડ રેન્કિંગ ૧૪૮ છે. અદિતિ એ એક માત્ર એવી ગોલ્ફર છે જેણે રિયો ઓલિમ્પિક્સમાં સૌથી નાની વયે ૧૮ વર્ષ અને ચાર મહિનાની વયે ભાગ લીધો હતો. ભારતમાંથી રિયો ઓલિમ્પિક્સમાં ભાગ લેનારી તે એક માત્ર મહિલા ગોલ્ફર હતી. ગોલ્ફના ત્રણ ખેલાડીઓ અદિતિ અશોક, દિક્ષા ડાગર અને રાશિદખાનના નામ અર્જુન એવોર્ડ માટે સૂચવવામાં આવ્યા હતા. તેમાંથી અદિતિ અશોકની પસંદગી થઇ હતી.

૨. મનુ ભાકર -શૂટિંગ 

૧૮ વર્ષની મનુ ભાકરના કોચ જશપાલ રાણા છે. ૨૦૧૮માં આઇએસએસએફ વર્લ્ડ કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી મનુએ બે સુવર્ણ ચન્દ્રક જીત્યા હતા. ૨૦૧૮ની કોમનવેલ્થ ગેમમાં મનુએ ૧૦ મીટર એર પિસ્તોલમાં સુવર્ણચન્દ્રક જીત્યો હતો. ટોકિયો ૨૦૨૦ ઓલમ્પિક્સમાં મનુ ભારત માટે મેડલ જીતે તેવી આશા છે.

૩. લવલિના બોર્ગોહેન -બોક્સિંગ 

બે વાર વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ વિજેતા મહિલા બોક્સર ૨૩ વર્ષની લવલિના બોર્ગોહેનની ઇલાઇટ ઇન્ડિયન બોક્સર તરીકે ગણના થાય છે. ઓક્ટોબર મહિનામાં કોરોનાનો ચેપ લાગવાને કારણે છેલ્લી ઘડીએ તેની ઇટાલી ટ્રીપ રદ થઇ હતી. તે આસામમાં ગુવાહાટીમાં તેની માંદી માતાને  મળવા ગઇ હતી ત્યાંથી તેને ચેપ લાગ્યો હતો. 

૪. દૂતી ચાંદ- એથ્લેટીક્સ 

ટોકિયો ઓલિમ્પિક્સમાં ફોર બાય ૧૦૦ મીટરની રિલેમાં ક્વોલિફાય થવા દૂતી ચાંદે આવતા વર્ષે પોલેન્ડમાં યોજાનારી વર્લડ્ રિલે ચેમ્પિયનશિપમાં પ્રથમ આઠમાં આવવું પડશે. ગયા વર્ષે રાંચીમાં નેશનલ ઓપન એથ્લેટીક્સ ચેમ્પિયનશીપમાં ૧૦૦ મીટર સ્પ્રિન્ટમાં નેશનર રેકોર્ડ તોડનાર  દૂતીએ આ વર્ષે ઓલિમ્પિકમાં જવા માટે ભંડોળ ઉભું કરવા સોશ્યલ મિડિયા પર કાર વેચવા મુકતા વિવાદ સર્જાયો હતો. જો કે દૂતીએ બાદમા તે પોસ્ટ હટાવી દીધી હતી. 

૫. દિવ્યા કાકરન-  કુસ્તી 

૨૩ વર્ષની દિવ્યા કાકરનને પણ કોરોનાનો ચેપ લાગ્યો હોવાના સમાચાર છે. જેના કારણે તે જાન્યુઆરીમાં યોજાનારી નેશનલ ચેમ્પિયનશિપમાં ભાગ લેશે કે કેમ તે બાબતે અનિશ્ચિતતા પ્રવર્તે છે. ૬૮ કિલોગ્રામ વર્ગમાં દિવ્યા મહત્વની કુસ્તીબાજ છે. તેણે ૨૦૧૭માં કોમનવેલ્થ રેસલિંગ ચેમ્પિયનશીપમાં પ્રવેશ મેળવી સુવર્ણચન્દ્રક જીત્યો હતો. 

૬. મધુરિકા પાટકર- ટેબલ ટેનિસ 

સાત વર્ષની ઉંમરથી ટેબલટેનિસ રમતી મધુરિકાએ વિમેન્સ સીંગલ્સમાં ઇન્ડિયન નેશનલ ટેબલટેનિસ ચેમ્પિયનશીપ જીતી છે. ૨૦૧૮ની કોમનવેલ્થ ગેમ્સમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતનારી ટીમનો તે હિસ્સો હતી. ૧૯૯૬માં પહેલી ટુર્નામેન્ટમાં ભાગ લેનાર મધુરિકા મુંબઇમાં મુલુન્ડમાં રહે છે. 

૭. દિપ્તી શર્મા- ક્રિકેટ 

દિપ્તી શર્મા એક ઓલરાઉન્ડર મહિલા ક્રિકેટર છે. છ નંબરની જર્સી પહેરી  ક્રિકેટ રમતી દિપ્તીએ ૨૦૧૪માં આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. ૨૩ વર્ષની દિપ્તી સહારનપુરની રહેવાસી છે.  

૮. દીપિકા ઠાકુર- હોકી 

ભારતીય મહિલા હોકી ટીમની સભ્ય દીપિકા ઠાકુર માને છે કે ઓલિમ્પિક્સમાં પ્રથમ ચાર ટીમોમાં સ્થાન મેળવવા આતુર છે. આ વર્ષે ન્યુઝીલેન્ડમાં પણ તેણે સારો દેખાવ કર્યો હતો. દીપિકા રિયો ઓલિમ્પિક્સમાં પણ ભાગ લઇ ચૂકી છે. હરિયાણાની વતની દીપિકા ઇન્ડિયન રેલવેમાં કામ કરે છે. 

બિલ્કીસ બાનો- શાહીનબાગ દાદી

૮૨ વર્ષની વયે મોટાભાગની મહિલાઓ પથારીવશ હોય ત્યારે બિલ્કીસ બાનોએ વિવાદાસ્પદ સીએએ ખરડા સામે દિલ્હીના શાહીનબાગ ખાતે ૧૦૧ દિવસ સુધી હસીને શાંતિપૂર્ણ દેખાવો કરીને ટાઇમ મેગેઝિનની ૨૦૨૦ વર્ષની ૧૦૦ વગદાર વ્યક્તિઓની યાદીમાં સ્થાન મેળવ્યું છે. 

* * *

વિવિધ ક્ષેત્રોમાં દેશને ગૌરવ અપાવનાર સાત મહિલાઓને તેમના કાર્યો બદલ રાષ્ટ્રપતિના હસ્તે નારી શક્તિ પુરસ્કાર અપાયા 

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ૨૦૨૦ના અવસરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સાત મહિલાઓને રવિવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે નારી શક્તિ પુરસ્કાર આપ્યો હતો.

એવોર્ડ વિજેતા સાત મહિલાઓમાં ભારતીય વાયુદળ (આઈએએફ)ની ત્રણ પ્રથમ મહિલા ફાઈટરો પાયલટ મોહાના જિતરવાલ, અવનિ ચતુર્વેદી અને ભાવના કાંત પણ સામેલ હતી. આ ત્રણે પાયલટોએ ૨૦૧૮માં મિગ-૨૧માં પ્રથમ સોલો ઉડાણ ભરી હતી.

આઈએએફઆ મહિલા પાયલટોએ જણાવ્યું કે ફાઈટર પાયલટ તરીકે કાર્યરત થવા અમે અત્યંત તત્પર હતા. અમારી મંઝિલ હજી ઘણી લાંબી છે.

એથ્લેટિક્સમાં પોતાની સિદ્ધિઓ માટે રાષ્ટ્રપતિ તરફથી પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવનાર ચંડીગઢની ચમત્કારિક મહિલા તરીકે ઓળખાતી ૧૦૪ વર્ષીય માન કૌરે વિશ્વભરમાં આ ક્ષેત્રમાં ૩૦થી વધુ મેડલો જીતીને ઈતિહાસ રચ્યો છે.

તેલંગણાની પદાલા ભુદેવીને પણ નારી શક્તિ પુરસ્કાર એનાયત કરાયો હતો. તે આદિવાસી મહિલાઓના વિકાસ માટે સતત પ્રવૃત્ત છે. ૧૯૯૬માં તેણે ચિન્નાઈ આદિવાસી વિકાસ સોસાયટીની સ્થાપના કરીને તેના દ્વારા આદિવાસી મહિલાઓ માટે વિકાસ કાર્યો કરી રહી છે.

ઓટોમોબાઈલ ટેકનોલોજીસના વિકાસ માટે કામ કરનાર રશ્મિ ઉર્ધવર્દેશેને પણ રાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડ એનાયત થયો હતો. દેશમાં ઓટોમોબાઈલ ટેકનોલોજીમાં સહયોગ કરવા મિશેલિન ઈન્ડિયા સાથે એમઓયુ કરવામાં તેનો મહત્વનો ફાળો હતો.

જમ્મુ અને કાશ્મીરની સંસ્કૃતિ અને વારસાને પુનઃ સજીવન કરવાના પ્રયાસ માટે શ્રીનગરની આર્ફા ખાનને પણ નારી શક્તિ પુરસ્કાર અપાયો હતો. આર્ફા ખાને જણાવ્યું કે  તેના પિતા અને પતિના ટેકાને કારણે તે સમાજના સંકુચિતપણા સામે લડી શકી છે અને આ તબક્કે પહોંચી છે.

મહિલા સશક્તિકરણ માટે કામ કરવા બદલ છન્નુ વર્ષની કાર્થિયાની અમ્મા અને ૧૦૫ વર્ષની ભાગીરથી અમ્માને સંયુક્તપણે રવિવારે રાષ્ટ્રપતિ એવોર્ડ અપાયો હતો. શૈક્ષણિક કાર્યક્રમોમાં ભાગ લેનાર હજારો લોકો માટે આ બંને મહિલાઓ આદર્શ બની ગઈ છે.

કાર્થિયાની અમ્માએ ૨૦૧૮માં કેરળ રાજ્ય શિક્ષણ મિશન ઓથોરિટીના મુખ્ય કાર્યક્રમ અક્ષર લક્ષમમાં ૧૦૦માંથી ૯૮ ગુણ મેળવીને ટોચનું સ્થાન હાંસલ કર્યું હતું. ભાગીરથી અમ્માએ ચોથા ધોરણના સમકક્ષની પરીક્ષા પાસ કરીને કેરળ રાજ્યના શૈક્ષણિક અભિયાનમાં સૌથી મોટી વયની વિદ્યાર્થિની બની હતી.

ઝારખંડની લેડી ટાર્ઝન તરીકે ઓળખાતી પર્યાવરણવાદી ચામી મુર્મુને વનવિભાગના સહયોગથી ૨૫ લાખ વૃક્ષો સફળતાપૂર્વક રોપવા માટે એવોર્ડ અપાયો હતો. તે સ્થાનિક વન્યજીવનના સંરક્ષણ માટે સતત કાર્યશીલ રહી છે.

લદ્દાખમાં રેસ્ટોરન્ટ ચલાવનાર નિલ્ઝા વાંગમોને લદ્દાખી રેસિપીને દેશભરમાં વિખ્યાત કરવા બદલ નારી શક્તિ પુરસ્કાર અપાયો હતો. દેશમાં પરંપરાગત લદ્દાખી ડિશ પીરસનાર તેની રેસ્ટોરન્ટ સૌ પ્રથમ છે. તેણે ફાઈવ સ્ટારો હોટલોમાં પણ લદ્દાખી ડિશ ઉમંગભેર રજૂ કરી હતી.

રાષ્ટ્રપતિ કોવિંદે મશરૂમ મહિલા તરીકે ઓળખાતી બિહારની બીના દેવીને પણ એવોર્ડ આપ્યો હતો. મશરૂમ ખેતીને પ્રચલિત કરવામાં તેનો મુખ્ય ફાળો હતો. ઉપરાંત બીના દેવી ટેટિયાબામ્બેર બ્લોકની ધૌરી પંચાયતની પાંચ વર્ષ માટે સરપંચ પણ રહી ચુકી છે.

ખુલ્લામાં શૌચ બાબતે જાગૃકતા ફેલાવવા માટે કાર્ય કરનાર કલાવતી દેવીને પણ એવોર્ડ આપવામાં આવ્યો હતો. કાનપુરમાં ખુલ્લામાં શૌચક્રિયા ઓછી કરવામાં કલાવતી દેવીનો મુખ્ય ફાળો હતો.

૨૦૧૩માં માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ જોડિયા બહેનો તાશી અને નુંગશી મલિકને પણ એવોર્ડ એનાયત કરાયો હતો. આ બહેનો પર્વતારોહણનો ખેલ તરીકે વિકાસ કરવા અને મહિલા સશક્તિકરણના ઉદેશથી  નુંગશી તાશી ફાઉન્ડેશનની સ્થાપનામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

કૌશિકી ચક્રોબોરતીને પણ રવિવારે નારી શક્તિ પુરસ્કાર અપાયો હતો. તેણે ૨૦૧૦માં સંગીત નાટક અકાદમીમાં એવોર્ડ મળ્યો હતો.

મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દર વર્ષે ૮મી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરે છે. તેનો ઉદેશ સમાજના નીચલા સ્તરે રહેલી મહિલાઓની સ્થિતિ સુધારવાનો અને સમાજમાં તેમના હક્કનું સ્થાન મેળવવા તેમને સશક્ત બનાવવાનો છે.




from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3pwEiUo
Previous
Next Post »