વાર્તા વિશ્વ : વિશ્વના શ્રેષ્ઠ સર્જકોની વાર્તાનો વૈભવ...

- 'પોલિટિશિયન્સ અને ડાઇપર્સ હંમેશા વારંવાર બદલતા રહેવા જોઈએ, એક સરખા કારણોસર.'  માર્ક ટ્વેઈન

- હું એ વાતનો અધિકૃત તરીકે સ્વીકાર કરું છું કે હું ગરીબ માણસનો મિત્ર નથી. મારા મતે ગરીબ માણસ એ એની હાલની સ્થિતિમાં કાચા માલનો પુષ્કળ અપવ્યય છે

- મારા જીવનનો સિધ્ધાંત છે કે નાણાં જેવા હોય તેવા આપણે સગેવગે કરી લેવા. અને એ અફવા પણ સાચી છે કે મેં મારી મરી ગયેલી માસીને દ્રાક્ષનાં વેલાં નીચે દાટી છે.


ગુજરાતી ભાષામાં પ્રથમ વખત 'વાર્તા'નું સર્જન થયું તેને ગયા વર્ષે ૧૦૦ વર્ષ પૂરા થયા હતા. એ નિમિત્તે 'ગુજરાત સમાચાર'માં ગુજરાતના વિખ્યાત સર્જકોની ક્લાસિક વાર્તાઓ પ્રસિદ્ધ કરીને અનોખી ઉજવણી થઈ હતી. ગુજરાતી વાર્તાઓના એ ખજાનાને વાચકોનો હૂંફાળો પ્રતિસાદ મળ્યો હતો. તે પછી હવે 'ગુજરાત સમાચાર'ના વાચકો માટે પ્રસ્તુત છે-જગતના પહેલી હરોળના વાર્તાકારોની કૃતિઓનો વૈભવ...

(વિશ્વવાર્તામાં વિશ્વનાં મહાન વાર્તાકારોનો જન્મ દિવસ જે મહિનામાં આવતો હોય એ આખો મહિનો એ જ વાર્તાકાર અને એમની જ વાર્તાઓનો એક અનોખો સિલસિલો 'ગુજરાત સમાચાર'નાં સુજ્ઞા વાંચકો માટે પ્રસ્તુત થઈ રહ્યો છે. એ ઉપક્રમ અનુસાર ઓગસ્ટમાં દ. મોપાસા, સપ્ટેમ્બરમાં ઓ. હેન્રી અને ઓક્ટોબરમાં ઓસ્કાર વાઇલ્ડની વાર્તાઓ રજૂ થઈ. હવે નવેમ્બર અને  વિશ્વનાં પ્રથમ હરોળનાં અમેરિકન હ્યુમરિસ્ટ સટાયરિસ્ટ લેખક માર્ક ટ્વેઈનનો જન્મદિવસ. 

એ યોગાનુયોગ છે કે પરમદિવસે વિશ્વનાં સૌથી શક્તિશાળી ગણાતા અમેરિકી પ્રેસિડન્ટની ચૂંટણી છે અને આજની વાર્તાનું શીર્ષક છે : અ પ્રેસિડેન્ટિશિયલ કેન્ડિડેટ. પ્રેસિડન્ટપદ માટેનો એક ઉમેદવાર. જ્યારે કોઈ  રાજકીય પદ માટે ચૂંટણીમાં ઝંપલાવે ત્યારે એ શું કરે? આત્મશ્લાઘા ઉર્ફે જાતનાં  જાત જાતનાં  વખાણ કરે જ. અને ત્યારે વિરોધ પક્ષ શું કરે? ઉમેદવારનો ભૂતકાળ ખોદે અને એનાં કબાટમાં છૂપાયેલા હાડપિંજરને બહાર કાઢવાની કોશિશ કરે.

કોઈ ખરડાયેલો ભૂતકાળ હાથ લાગી જાય તો એ ઉમેદવાર હારી ય જાય. પ્રસ્તુત વાર્તામાં માર્ક ટ્વેઈન  એમનાં વિરોધીઓને એ મોકો આપવા માંગતા નથી. તેઓ પોતે પોતાની ભૂતકાળની ભૂલોને સામે ચાલીને રજૂ કરી દે છે! આપણે એવું માનીએ છીએ કે  સમય સાથે સઘળું બદલાય છે. પણ આ વાર્તા વાંચો તો લાગે કે રાજકારણમાં કશું ય બદલાયું નથી. 

વર્ષ ૧૯૦૦માં વિદેશ યાત્રા પછી માર્ક ટ્વેઇન પાંચ વર્ષે પોતાના દેશ અમેરિકા પાછા ફર્યા ત્યારે એમને ખબર નહોતી કે તે સમયે થઈ રહેલી અમેરિકી પ્રેસિડન્ટની ચૂંટણીમાં તેઓ મત આપી શકશે કે કેમ? એક સવાલનાં જવાબમાં ન્યૂયોર્ક હેરાલ્ડ અખબારનાં પત્રકારને એમણે કહ્યું કે જો એવું નક્કી થાય કે હું મત ન આપી શકું તો પ્રેસિડન્ટની ચૂંટણીમાં હું ઉમેદવાર બની જઈશ. 'એક દેશપ્રેમી અમેરિકને ચૂંટણી સમયે કાંઈ તો કરવું જ રહ્યું. બસ મારામાં એ એક જ રાજકીય વાત બાકી રહી ગઈ છે.'

જો કે આ પહેલી વાર નહોતું કે માર્ક ટ્વેને જોક જોકમાં અમેરિકી પ્રેસિડન્ટની ચૂંટણી લડવા વિષે સંકેત આપ્યો હતો. વર્ષ ૧૮૭૯માં આ વ્યંગ વાર્તા એમણે લખી હતી, જેમાં તેઓ પોતે  પ્રેસિડન્ટની ચૂંટણીમાં ઉમેદવારી કરવાની જાહેરાત કરે છે અને સાથે સાથે વિરોધ પક્ષ એમનો વિરોધ કરે તે પહેલાં જ પોતાનાં ખરાબ કર્મોને પોતે જ ઉજાગર કરે છે! લો બોલો!

લોકશાહીમાં મતદાન પવિત્ર ફરજ ગણાય છે. લોકો ચૂંટે એ ચૂંટાય (અને રાજ કરે!).  માર્ક ટ્વેઈન જો કે વ્યંગમાં એવું કહેતા કે મતદાન કરવાથી જો કાંઇ ફેર પડતો હોત તો તેઓ (રાજકારણીઓ) આપણને મતદાન  કરવા જ ન દેત! તો માણીએ ક્લાસિક વ્યંગનો એક ક્લાસિક તરજૂમો. 'અ પ્રેસિડેન્ટિશિયલ કેન્ડિડેટ') 

મેં મન બનાવી લીધું છે કે પ્રેસિડન્ટની ચૂંટણીમાં ઝંપલાવવું. દેશને જોઈએ છે એક ઉમેદવાર જે ભૂતકાળની કોઈ પણ ચીવટભરી તપાસથી ઇજાગ્રત ન થઈ જાય કે જેથી રાજકીય પાર્ટીનાં દુશ્મનો એની વિરુદ્ધની એવી કોઈ પણ વાતો શોધી ન કાઢે, જે આ પહેલાં કોઈએ સાંભળી ન હોય. કોઈ ઉમેદવારની સૌથી ખરાબ વાત તમે શરૂઆતથી જ જાણતા હો તો પછી એની વિરુદ્ધ કાદવ ઉછાળવાનો કોઈ પણ પ્રયત્ન આપોઆપ જ નિષ્ફળ થઈ જાય. હવે ચૂંટણી મેદાનમાં હું મારા ખુલ્લા રેકોર્ડ સાથે ઝંપલાવવા જઈ રહ્યો છું.

ભૂતકાળમાં જે જે અપલખણ મેં ઝળકાવ્યા છે, એ બધા જ પાપ મેં જ કર્યા છે અને એનો સ્વીકાર હું પહેલેથી જ કરી લેવા માંગું છું. અને કોઈ પણ રાષ્ટ્રીય ધારાસભા ગઠિત કોઈ પણ સમિતિ મારો કોઈ ખરડાયેલો ભૂતકાળ કે મારી કોઈ ધૃણાસ્પદ હરકત જે મેં છૂપાવી છે એવા આરોપસર મારી તપાસ કરીને મારા જીવન ચરિત્ર ઉપર હુમલો કરવાની ફિરાકમાં હોય તો ભલે હોય. 

સૌથી પહેલાં હું એ વાતનો સ્વીકાર કરું છું કે સાંધાનાં દર્દથી પીડાતા મારા દાદાને ૧૮૫૦નાં શિયાળામાં મેં ઝાડ પર ચઢાવી દીધા હતા. તેઓ ઘરડાં હતા અને ઝાડ ઉપર ચઢવા માટે અનિષ્ણાંત હતા પણ મારી હૃદયહીન ક્રૂરતા જે મારી રગ રગમાં દોડી રહી છે એનાથી મેં એમની સામે મારી શોટગન તાકીને એમને નાઈટડ્રેસમાં જ દોડાવ્યા હતા અને એમને મેપલનાં ઝાડ ઉપર ચઢી જવા મજબૂર કર્યા હતા.

તેઓ ત્યાં આખી રાત રહ્યા હતા જ્યારે હું એમનાં પગની નીચે ગોળીબાર કરતો રહ્યો હતો. મેં એટલા માટે એમ કર્યું હતું કારણ કે તેઓ મોટેથી નસકોરાં બોલાવતા હતા. હું ફરીથી આવું જ કરીશ જો મારા કોઈ બીજા દાદા મને મળી આવશે તો. હું એટલો જ અમાનુષ અત્યારે પણ છું જેટલો અમાનુષ હું ૧૮૫૦માં હતો.

હું મોકળા મને એ વાત પણ કબૂલું છુ કે  ગેટિસબર્ગની આંતરવિગ્રહમાંથી હું ભાગી ગયો હતો. મારા મિત્રો આ હકીકતને ઢાંકવાની કોશિશ કરી રહ્યા છે એવી ખાતરી આપીને કે મેં એમ એટલે કર્યું કે જ્યોર્જ  વોશિંગ્ટન જંગમાંથી સમય કાઢીને વેલી ફોર્જનાં જંગલમાં પ્રાર્થના કરવા માટે ગયા હતા હું એની નકલ કરી રહ્યો હતો. કંગાળ બહાનું હતું એ. મેં તો કર્કવૃત માટે સીધી લાઇનમાં ઘા કર્યો હતો કારણ કે હું ડરી ગયો હતો. હું મારા દેશને બચાવવા માંગતો હતો, પણ મારા માટે એ વધારે ઇચ્છનીય હતું કે દેશને બચાવવાનું કામ કોઈ બીજું કરે. હું હજી પણ મારી એ પસંદગીનાં મારગને મનમાં સંઘરીને બેઠો છું. કોઈ પરપોટાની પ્રતિષ્ઠા ત્યારે જ થાય જ્યારે એ કોઈ તોપનાં મોઢામાં હોય. અને  એમ જ થશે.

હું એમ કરવા તૈયાર છું. શરત એ છે કે તોપ ખાલી હોવી જોઈએ. જો એ તોપ ગોળાથી ભરેલી હોય તો મારો અવિનાશી અને અણનમ ઉદ્દેશ એ હશે કે વાડ ટપીને ઘર ભેગા થઈ જવું. યુદ્ધમાં મારી એ જ નીતિ રહી છે કે જ્યારે લડાઈ લડવા જઈએ ત્યારે જેટલા હોય એનાથી બે તૃતિયાંશ સૈનિકો પાછા લઈને આવવું. આ વાત મારા માટે નેપોલિયનનાં ગૌરવ કે પ્રતિષ્ઠા જેવું બનીને રહી છે.

આથક બાબતો વિષે મારું વલણ પહેલેથી જ સ્પષ્ટ છે, પણ શક્ય છે કે આથક ફુગાવાનાં હિમાયતીઓ પાસે મારા એ અભિપ્રાયો મારી લોકપ્રિયતામાં કોઈ વધારો નહીં કરી શકે. ખૂબ મહેનત કરીને કમાયેલાં કે દુર્લભ નાણાં જ સર્વોચ્ચ છે, એવું  ભારપૂર્વક માનવાનો આગ્રહ હું રાખતો નથી. મારા જીવનનો એ મહાન મૂળભૂત સિધ્ધાંત એ છે કે એ નાણાં જેવા હોય તેવા આપણે સગેવગે કરી લેવા જોઈએ. અને એ અફવા પણ સાચી છે કે મેં મારી મરી ગયેલી માસીને દ્રાક્ષનાં વેલાં નીચે દાટી છે.

વેલાંને ખાતરની જરૂર હતી અને મારી માસીને દટાવવાની જરૂર હતી અને એટલે આ ઉચ્ચ હેતુ માટે મેં મારી માસીને વિધિસર આ ધરાને અર્પણ કરી. શું એનાથી પ્રેસિડન્ટ પદ માટે હું ગેરલાયક ઠરીશ? આપણું રાષ્ટ્ર બંધારણ તો એવું કહેતું નથી. એવો કોઈ બીજો નાગરિક પ્રમુખપદ માટે ગેરલાયક તો ઠર્યો નથી કારણ કે એણે એનાં દ્રાક્ષનાં વેલાઓને એનાં મરી ગયેલાં સગાસંબધીઓને દાટીને જમીન ફળદ્રુપ કરી છે. તો પછી શા માટે? શા માટે હું આવા વાહિયાત પૂર્વગ્રહનો પહેલો ભોગ બની જાઉં. 

હું એ વાતનો અધિકૃત તરીકે સ્વીકાર કરું છું કે હું ગરીબ માણસનો મિત્ર નથી. મારા મતે ગરીબ માણસ એ એની હાલની સ્થિતિમાં કાચા માલનો પુષ્કળ અપવ્યય છે, અથવા એમ કહીએ કે કાચા માલની નુકસાની છે. એને વધેરીને વ્યવસ્થિત રીતે ડબ્બામાં ભરી દો તો માનવભક્ષી ટાપૂઓનાં નિવાસીઓની ચરબી વધારવા માટે એનો ઉપયોગ થઈ શકશે અને એ પ્રદેશ સાથે આપણો નિકાસ વ્યાપાર પણ વધી શકશે. મારા પહેલા સંદેશમાં હું એમ કહીશ કે આ માટે કાયદો ઘડવાની સિફારસ હું કરું છું. ચૂંટણી યુદ્ધ માટે મારો નારો હશે : 'ગરીબ મજૂરી કામ કરતાં લોકોને પૂરેપૂરા શોષી લોત અને પછી માંસવાનીમાં એનું પૂરણ ભરી દો.'

મારા વિષે નોંધનીય હકીકતનાં વૃતાંતમાં આ મારા સૌથી ખરાબ પાસા હતા. એ બધી લાયકાતો સાથે હું દેશ સમક્ષ રજૂ થાઉં છું. જો દેશને મારી જરૂર ન હોય તો પારોઠનાં પગલાં ભરવા હું તૈયાર છું. પણ એક અક્ષત માણસ તરીકે તમે મને ચૂંટો એ માટે હું મારી ભલામણ કરું છું- હું છું જ એવો માણસ કે જે સંપૂર્ણ નીતિભ્રષ્ટતાથી આરંભ કરે છે અને જેનો હેતુ છે અંત સુધી અતિદુષ્ટ માણસ બની રહેવું. (સમાપ્ત)

: વાર્તામાં  આવતો સંદર્ભ  :

અમેરિકાનાં સ્થાપક રાષ્ટ્રપ્રમુખ જ્યોર્જ વોશિંગ્ટન(૧૭૩૨-૧૭૯૯)નો અહીં સંદર્ભ છે. તત્કાલીન બ્રિટિશ શાસન સામે અમેરિકન આઝાદીની ચળવળ અને એના સરસેનાપતિ હતા જ્યોર્જ વોશિંગ્ટન. વાર્તામાં વેલી ફોર્જનાં જંગલમાં જ્યોર્જ વોશિંગ્ટન પ્રાર્થના કરે છે એવો ઉલ્લેખ કર્યો છે. આ વાત ડિસેમ્બર, ૧૭૭૭ની કાતિલ ઠંડી અને ૧૨૦૦૦ સૈનિકો માટે રાશનપાણી અને અન્ય જરૂરી સામાનની તંગીની વાત છે.  રોગચાળાનો ય ભય છે.

આવા સંજોગોમાં સૈનિકોનું મનોબળ ટકાવી રાખવું જરૂરી હતું. તે સમયે જ્યોર્જ વોશિંગ્ટન પ્રાર્થના કરે છે. પૂર્વ પ્રેસિડન્ટ રોનાલ્ડ રીગને કહ્યું હતું કે કોઈ પણ યોદ્ધા   માટે માત્ર પોતાની બહાદૂરી અને સારાઈ પર આધાર રાખવો પૂરતો નથી. ઈશ્વરનાં આશીર્વાદ પણ જરૂરી છે. વાર્તામાં બીજો સંદર્ભ વર્ષ ૧૮૬૩નો છે જેમાં અમેરિકામાં આંતરવિગ્રહ દરમ્યાન ગેટિસબર્ગની લડાઈનો ઉલ્લેખ છે.

માર્ક ટ્વેઇન (૧૮૩૫-૧૯૧૦) પોતે લડાઈનું મેદાન છોડીને ભાગી ગયા હોવાનું કબૂલે છે. અને કહે છે કે એમનાં મિત્રો ભલે, તેઓ વોશિંગ્ટનની માફક જંગલમાં જઈ પ્રાર્થના કરી રહ્યા છે, એમ કહીને બચાવ કરે પણ તેઓ સાચે જ જંગમાંથી ભાગી ગયા હતા. અમેરિકન પ્રેસિડન્ટનાં ઉમેદવારે લશ્કરી સેવા આપી હોય તો એ ખાસ લાયકાત ગણાય છે. આ વ્યંગ વાર્તામાં માર્ક ટ્વેઇન કહે છે કે મારા કિસ્સામાં એવું કાંઇ છે જ નહીં. રાજકીય ઉમેદવારો પોતાની ન હોય એવી લાયકાતો ગણાવતા હોય છે, એની સામે માર્ક ટ્વેઇન પોતાની નબળાઈનો ઇકરાર નફફટાઈથી કરે છે. ઈતિ.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31YWYmq
Previous
Next Post »