રશિયાના મિક્સ માર્શલ આર્ટના ખૂંખાર ફાઈટર હબીબની પિતૃભક્તિ


'બી જા પરણામ મારા, પિતાજીને કહેજો રે...ડુંગરે દેખાડી ઊંચી દેરીજી...'ગુજરાતી સાહિત્યમાં વાર્તાકાર તરીકેની વિરાટ છબી ધરાવતા રામનારાયણ વિ. પાઠકના કાવ્યકલાપનો વૈભવ પણ મુઠી ઊંચેરો છે. મનુષ્યના જીવન અભ્યાસક્રમના શરૂઆતના પગથિયાના ગુરૂ તરીકે માતા-પિતાનું સ્થાન સંસ્કૃત અને સંસ્કૃતિમાં અચલ છે. જે પછીના ત્રીજા પડાવમાં મનુષ્ય આચાર્યની પાસે પહોંચે છે. જોકે, કેટલીક વિરલ પ્રતિભાઓને સાહજિક રીતે જ પિતાના સ્વરૂપમાં જ ગુરૂની પ્રાપ્તિ થાય છે, જેને આ અંગેનો અહેસાસ થઈ જાય છે, તેને દુર્ગમ શિખરો સમાન સિદ્ધિ અનાયાસ હસ્તગત થાય છે.

પિતાની ઈચ્છા અને સપનાની પૂતમાં જ જીવનસાફલ્યનો અનુભવ કરનારા દિગ્ગજોના અનેક ઉદાહરણો જોવા મળે છે અને આવી જ એક વિરલ ઘટના તાજેતરમાં રમત જગતની દુનિયામાં જોવા મળી, જ્યારે રશિયાના ૩૨ વર્ષના ખૂખાંર ફાઈટર હબીબ નૂરમોહમ્મદોવે તેની ઝળહળતી કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકી દીધું.

છેલ્લા એક દશકમાં લોકપ્રિય બનેલી મિક્સ માર્શલ આર્ટ એક પ્રકારની કેજ ફાઈટ છે. જેમાં બે લડવૈયાઓ આમને-સામને ભયાનક દ્વંદ્વંયુદ્ધ ખેલે છે. અત્યંત ખતરનાક અને ભલભલાને હૃદય બેસી જાય તેવા મુકાબલા ખેલવામાં જ નહી, પણ જીતવામાં હબીબ માહેર છે. પાંચ ફૂટ દસ ઈંચની ઉંચાઈ ધરાવતો આ રશિયન ફાઈટર લાઈટવેઈટ કેટેગરીનો ઓલ ટાઈમ ગ્રેટ અને બિનવિવાદિત ચેમ્પિયન છે. તેણે તેની કારકિર્દીમાં ૨૯ મુકાબલા ખેલ્યા છે અને તમામમાં તે વિજેતા બનીને બહાર આવ્યો છે. હબીબે અલ્ટીમેટ ફાઈટ ચેમ્પિયનશીપમાં મેકેગ્રેગોર સહિતના ધુરંધરોને ધૂળ ચાટતા કરી દીધા છે.

યુએફસીની લાઈટવેઈટ કેટેગરીમાં તે ૯૩૧ દિવસ સુધી ચેમ્પિયન તરીકેનો દરજ્જો ભોગવી ચૂક્યો છે અને આગામી કેટલાક વર્ષો સુધી તેનું સ્થાન કોઈ ડોલાવી શકે નહતુ, પણ તાજેતરમાં જ જસ્ટીન ગેજી સામેના મુકાબલામાં વિજય મેળવ્યા બાદ અચાનક જ નિવૃત્તિની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા છે.

વર્લ્ડ ચેમ્પિયન તરીકેનો દબદબો ભોગવી રહેલા ખેલાડી માટે સત્તાનું સિંહાસન છોડવું સહેલું હોતું નથી. હબીબે આ હિંમત દેખાડી છે અને તેની પાછળ માત્રને માત્ર તેની પિતૃભક્તિની શક્તિ છે. વ્યક્તિના ચારિત્ર્ય અને ગુણોની કસોટી કટોકટીના કાળમાં જ થાય છે. દુનિયાના હજાર કામ છોડીને માતા-પિતાના ચરણે દોડી જનારાની સંખ્યા જૂજ હોય છે અને આ યાદીમાં જ રશિયન ફાઈટર સ્થાન ધરાવે છે. વજ્ર જેવા શરીરની અંદર પિતા-ગુરુ તરફની કેવી સુકોમળ લાગણી હબીબના હૃદયમાં ધબકી રહી છે, તેનો ખ્યાલ દુનિયાને છેક હમણા આવ્યો છે. 

પિતા અને કોચ અબ્દુલમનાપના અવસાન બાદ નિર્વિવાદ વર્લ્ડ ચેમ્પિયન તરીકેની કારકિર્દીને અચાનક સમેટી લેવાના હબીબનાનિર્ણયે બધાને ચોંકાવી દીધા. તેણે કહ્યું કે, મારા પિતા અને કોચ અબ્દુલમનાપ ઉપસ્થિત ન હોય તો મારી આ બધી ફાઈટ્સનો અને વિજયનો કોઈ અર્થ નથી. તેમની હયાતી-ઉપસ્થિતિ જ મારા માટે સર્વસ્વ હતી. હવે જ્યારે તેઓ નથી, ત્યારે મારી માતા પણ નથી ઈચ્છતી કે હું હવે વધુ મુકાબલામાં ઉતરું. મારા મનની વાતને જાણે મારી માતાએ શબ્દસ્વરૂપ આપ્યું છે અને આ જ કારણે હું નિવૃત્તિ લઈ રહ્યો છું. 

મિક્સ માર્શલ આર્ટના ચાહકો અને આયોજકો તેમજ હરિફોને હબીબની નિવૃત્તિના નિર્ણયથી આંચકો લાગ્યો છે. વિશ્વ વિજેતા તરીકે પ્રતિષ્ઠિત રશિયન ફાઈટરની નિવૃત્તિથી મિક્સ માર્શલ આર્ટમાં લાઈટવેઈટનું ટાઈટલ હાલ સૂનું પડયું છે. તેના વ્યક્તિત્વના વિકાસમાં અને તેના ઘડતરમાં તેના પિતા અબ્દુલમનાપે ખૂબ જ મહત્વની અને પાયાની ભૂમિકા ભજવી હતી. રશિયન સોવિયત ફેડરેટિવ સોશિયાલિસ્ટ રિપબ્લિક એક સ્વાયત્ત વિસ્તારમાં દાઘેસ્તાનના સિલ્દી નામના નાનકડા ગામમાં હબીબનો જન્મ થયો હતો. દાઘેસ્તાનની સરહદ આઝરબૈજાનને અડે છે.

પર્વતીય પ્રદેશમાં રહેતી ખડતલ પ્રજામાં કુસ્તી અને માર્શલ આર્ટની બોલબાલા જોવા મળતી. તેમાંય તેના પિતા અબ્દુલમનાપ જાણીતા એથ્લીટ હોવાની સાથે સાથે સોવિયત આર્મીના સૈનિક પણ રહી ચૂક્યા હતા. નુરમોહમ્મદોવના પરિવારમાં બીજા પુત્રર તરીકે હબીબનો જન્મ થયો. અબ્દુલમનાપ સૈન્યમાં રહી ચૂક્યા હોવાથી કુસ્તીના શોખીન હતા અને ફિટનેસ જાળવવા માટે તેમણે ઘરમાં જ જીમ ઊભુ કર્યુ હતુ. આ જોઈને હબીબને માર્શલ આર્ટમાં રસ જાગ્યો.

દાઘેસ્તાનમાં બાળકોને નાનપણથી જ કુસ્તી સહિતના માર્શલ આર્ટમાં આગળ વધવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે, જેથી તેઓ ભવિષ્યમાં સૈન્યમાં જોડાવા માટે તૈયાર થઈ શકે. અબ્દુલમનાપને મિલિટ્રી ટ્રેનિંગ દરમિયાન જ જુડો અને સોવિયેત માર્શલ આર્ટ સામ્બોની તાલીમ મળી હતી,  જે તેમણે તેમના બાળકોને તે વારસામાં આપી. નાનકડા હબીબને આ બધામાં બહુ રસ પડતો અને નવા-નવા દાવ શીખવામાં તે પાવધરો હતો.

તેણે નવ વર્ષની ઉંમરે એક પાલતું રીંછના બચ્ચાં સાથે કુસ્તીના દાવ ખેલ્યા હતા, જેનો વિડિયો આજે પણ યુટૂબ પર ધૂમ મચાવી રહ્યો છે. અબ્દુલમનાપે પુત્રને વિવિધ માર્શલઆર્ટમાં નિપૂર્ણ બનાવવાના પ્રયાસરૂપે શરૂઆતમાં કુસ્તી શીખવી. જે પછી જુડોની તાલીમમાં મૂક્યો અને થોડા વર્ષો બાદ માર્શલ આર્ટ સામ્બો શીખવવાનું શરૂ કર્યું.

વિવિધ માર્શલઆર્ટની તાલીમને કારણે હબીબની પ્રતિભાનો વિકાસ થયો. તેની શારીરિક રીતે તો ફાયદો થયો જ પણ મિક્સ માર્શલ આર્ટના જરૂરી ગુણોનો તેમાં પાયો નંખાયો. તેના પિતા અબ્દુલમનાપ પોતે રિપબ્લિક ઓફ દાઘેસ્તાનની સામ્બો ટીમના કોચ હતા. જોકે તેમણે પુત્રને તેની પ્રતિભાના બળે આગળ વધવા દીધો અને આખરે તેણેે રશિયા તરફથી સામ્બો વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ઉપરાઉપરી બે વર્ષ સુવર્ણ ચંદ્રકો જીતીને ઈતિહાસ રચી દીધો. આ સાથે આખા રશિયામાં તેનો ડંકો વાગી ગયો. 

વૈવિધ્યસભર માર્શલ આર્ટના દાવ-પેચ શીખીને તૈયાર થયેલા હબીબને વર્લ્ડ ચેમ્પિયનના તાજે વિશ્વભરમાં પ્રસિદ્ધિ અપાવી. તેની કુશળતા અને ફાઈટર તરીકેની ક્ષમતાને જોઈને અમેરિકન મિક્સ માર્શલ આર્ટને પ્રોમટ કરતી અલ્ટિમેટ ફાઈટિંગ ચેમ્પિયનશિપ (યુએફસી) કંપનીએ તેનામાં રસ લેવા માંડયો.

વિશ્વના ટોચના ફાઈટરનો જંગી રકમ આપીને કરારબદ્ધ કરતી યુએફસીના લોભામણી ઓફરો કરતાં હબીબ અને તેના પિતાને નવા પડકારોનો સામનો કરવામાં વધુ રસ પડયો અને આખરે તેણે ૨૦૧૧માં તેણે અલ્ટીમેટ ફાઈટિંગ ચેમ્પિયનશિપ(યુએફસી)માં જોડાવાનું નક્કી કર્યું, જેમાં વિશ્વના ટોચના ફાઈટર્સની સામે તેની કસોટી થવાની હતી.પિતાના માર્ગદર્શન અને આદેશ અનુસારની તૈયારીઓને સહારે આગળ વધી રહેલા હબીબની પ્રતિભા યુએફસીમાં છવાઈ ગઈ. 

ધીમી પણ મક્કમ શરૂઆત કરતાં રશિયન ફાઈટરે એક પછી એક સફળતા મેળવવા માંડી, જેના કારણે તેનો એક આગવો ચાહક વર્ગ પણ ઉભો થયો. તેણે લાઈટવેઈટ મુકાબલામાં તેણે દુનિયાના ટોચના ફાઈટર્સને હરાવવા માંડયા. કોઈને તેની આ પ્રકારની ધમાકેદાર એન્ટ્રીની અપેક્ષા નહતી, પણ તેના અનોખા અદાંજ અને લડાયક મિજાજની સાથે અસરકારક વળતા પ્રહારો અને દાવ-પેચથી બધાને પ્રભાવિત કરી દીધા. યુએફસીના વર્લ્ડ લાઈટવેઈટ ચેમ્પિયન તરીકેનો તાજ મેળવ્યા બાદ તેનો મુકાબલો આયર્લેન્ડના હાઈપ્રોફાઈલ ફાઈટલ કોન્નોર મેક્ગ્રેગોરી સામે થયો. જેની ગણના મિક્સ માર્શલ આર્ટના ટોચના ફાઈટર્સમાં થાય છે.

ઈ. સ. ૨૦૧૮માં અમેરિકાના લાસ વેગાસમાં ખેલાયેલા મુકાબલામાં બધાના આશ્ચર્ય વચ્ચે હબીબે તેને ચોથા રાઉન્ડમાં જ પછાડીને ઈતિહાસ રચી દીધો. આ મુકાબલાને ૨૪ લાખ લોકોએ સબસ્ક્રાઈબ કર્યો હતો, જે મિક્સ માર્શલ આર્ટના ઈતિહાસમાં એક રેકોર્ડ સમાન છે.

મેક્ગ્રેગોર સામેની જીત બાદ હબીબ અને તેના પિતા અબ્દુલમાનાપને રશિયાના સુપ્રીમો વ્લાદિમીર પુટીને મળવા બોલાવ્યા હતા અને તેમનું સન્માન કર્યું. આ પછી પણ તેની સફળતાનો સિલસિલો જારી રહેવા પામ્યો અને તેણે લગલગાટ ૨૮ મુકાબલા જીતીને ઈતિહાસ રચી દીધો હતો.

 હજુ તે એક મુકાબલો રમવાનો હતો. મિક્સ માર્શલ આર્ટમાં વિવિધ વિર્ક્મોની વણઝાર સર્જનારા હબીબના પિતા અને કોચ અબ્દુલમાનાપને કોરોનાનો ચેપ લાગ્યો અને તેના કારણે થયેલી શારીરિક સમસ્યાઓને પરિણામે તેમનું ૫૭ વર્ષની વયે અવસાન થયું. આ ઘટના હબીબ અને તેના પરિવાર માટે આંચકા સમાન નીવડી છે.

હબીબે તો જાણે સર્વસ્વ ગુમાવી દીધું હોય તેવો તેને અહેસાસ થયો. પિતાના મૃત્યુ બાદ તે એક માત્ર મુકાબલામાં ઉતર્યો અને અજેય રેકોર્ડને ૨૯ પર પહોંચાડીને તેણે નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. તેની ઝળહળતી કારકિર્દી પર હવે પરદો પડી ગયો છે, આમ છતાં તેણે મિક્સ માર્શલ આર્ટમાં સર્જેલા વિક્રમો અને તેની આ પ્રકારની અચાનક નિવૃત્તિ માર્શલ આર્ટની દુનિયાની એક ચિરકાલીન યાદ બની રહેશે. 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2GgBDxb
Previous
Next Post »