મારા ઘરની પછવાડે સૈયર રમે


મારા ઘરની પછવાડે સૈયર રમે,

અમને સૈયરુંમાં રમવાને મેલો,

ગોકુળિયામાં વાલો રાસ રમે.

જાઓ જાઓ રે રાધાગોરી કોણ રોકે?

અમને ઉતારા દેતાં જાવ, ગોકુળિયામાં વાલો રાસ રમે.

જાઓ જાઓ રે રાધાગોરી કોણ રોકે?

અમને પોઢણ દેતાં જાવ, ગોકુળિયામાં વાલો રાસ રમે.

જાઓ જાઓ રે રાધાગોરી કોણ રોકે?

અમને દાતણ દેતાં જાવ, ગોકુળિયામાં વાલો રાસ રમે.

જાઓ જાઓ રે રાધાગોરી કોણ રોકે?

અમને નાવણ દેતાં જાવ, ગોકુળિયામાં વાલો રાસ રમે.

જાઓ જાઓ રે રાધાગોરી કોણ રોકે?

અમને ભોજન દેતાં જાવ, ગોકુળિયામાં વાલો રાસ રમે.

જાઓ જાઓ રે રાધાગોરી કોણ રોકે?

અમને મુખવાસ દેતાં જાવ, ગોકુળિયામાં વાલો રાસ રમે.

વેદની ઋચાઓ અને પુરાણના મંત્રોની જેમ આપણાં લોકગીતો હજારોની સંખ્યામાં મળે છે. ષિમુનિઓને જેમ ચાઓ-મંત્રોનું દર્શન થયું ને એમણે સહજ ઉદગાર કર્યો એમ જ આપણા પૂર્વજોએ સ્વસંવેદનાથી લોકગીતો રચ્યાં. ચાઓ, મંત્રો અને લોકગીતો પ્રારંભે લેખિની દ્વારા નહીં પણ જિહ્વાના સહારે એક પેઢી પાસેથી બીજી પેઢી સુધી પહોંચ્યા બાદમાં તે ગ્રંથસ્થ થયાં. આપણાં લોકગીતો પણ વેદની ચાઓ અને પુરાણના મંત્રો જેટલી ઉંમર ધરાવે છે!

મહાત્મા ગાંધીજીએ કહ્યું કે, લોકગીતોમાં ધરતી, પર્વત, નદીઓ, ખેતરમાં લહેરાતો પાક જાણે કે ગાતા રહ્યા છે. ઉત્સવો, મેળા અને અન્ય અવસરે લોકસમૂહ મધુરકંઠે લોકગીતો ગાઈ નિજાનંદ પામે છે. આચાર્ય રામચંદ્ર શુક્લએ કહ્યું કે જયારે જયારે શિષ્ટકાવ્યો પંડિતો દ્વારા સર્જન પામીને નિશ્ચેતન અને સંકુચિત થઇ જશે ત્યારે ત્યારે દેશના સામાન્યજનોના કંઠેથી પ્રાકૃતિક ભાવધારા વહેશે તેમાંથી જીવનતત્વ ગ્રહણ કરીને ફરીથી શિષ્ટકાવ્યો સજીવન થશે. એનો અર્થ એ થયો કે શિષ્ટસાહિત્ય માટે લોકસાહિત્ય ઓક્સિજન બની રહેશે! 

'મારા ઘરની પછવાડે...' અપ્રચલિત લોકગીત છે. શરદપૂનમની રાત હોય, સહિયરો ચાંદાના શિતળ કિરણોના ઉજાસે રાસગરબા રમવા માંડી હોય, લોકગીતની નાયિકાનું મન ત્યાં છે પણ પોતે હજુ ઘરમાં છે. પતિ પાસે મંજૂરી માગી કે મને પણ સૈયરો સાથે રાસ લેવા જવા દો, પુરૂષ કહે, તમને કોણ રોકે છે? ચોક્કસપણે જાવ પણ મારા માટે ઉતારા, પોઢણ, દાતણ, નાવણ, ભોજન, મુખવાસ વગેરેની વ્યવસ્થા કરતાં જાવ...કેમકે તમને પાછાં આવતાં વાર લાગશે.

પુરૂષસ્વભાવનું પઝેસીવનેસ (માલિકીપણું) અહીં પ્રગટ થયું છે. પત્નીને રાસે રમવા જવાની સીધી ના નથી પાડી પરંતુ તરત હા પણ નથી કહી! 'જાઓ જાઓ રે રાધાગોરી કોણ રોકે?' એમ કહ્યું પણ મારા માટે આટઆટલી તૈયારી કરીને પછી જાવ, મતલબ કે આ બધી ગોઠવણી કરતાં ખાસ્સો સમય પસાર થઈ જાય ને રાસની રંગત વીખાઈ જાય પછી જઈને શું? એટલે સ્ત્રી સામેથી જ ના પાડી દે કે હવે મોડું થઈ ગયું છે એટલે નથી જવું...રજા માગનાર પત્ની ખુદ જવાનું માંડી વાળે એવો ઘાટ ઘડવાની પતિની પેરવી હોય એવું સમજાય છે.

પત્ની માટે 'રાધાગોરી' જેવો શબ્દપ્રયોગ કરીને રચયિતાએ લોકગીતને 'આમ' માંથી 'ખાસ' બનાવી દીધું કેમકે જેને આપણે આદરણીય કે પૂજ્ય માનીએ છીએ એ જ લોકગીતના નાયક-નાયિકા હોય તો લોકમાનસ તેને તરત સ્વીકૃત કરે અથવા ચિરકાલ યાદ રાખે છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TI8ga8
Previous
Next Post »