સ મગ્ર વિશ્વમાં જૂદા જૂના અનેક દેશો છે, એ અનેક દેશોમાં કોઇ એક દેશ આગળ પડતો દેશ ગણાય! સમગ્ર દેશમાં એ એક દેશની હાક વર્તાય. સાધનસંપન દેશ. એની સમૃધ્ધિ પણ સર્વોચ્ચ ગણાય! શક્તિશાળી પણ એવું કે દરેકને એની વાત માનવી પડે ન માને તો એ તારાજ થઇ જાય! એની આગળ કોઇનું કશું ચાલતું નથી! આ વિશ્વનો ચહેરો છે! જેમ વિશ્વમાં એક દેશ સૌથી આગળ પડતો હોય, એવા દેશમાં એક શહેર અથવા નગરની ખ્યાતિનાં ડંકા વાગતા હોય! અને એ નગરમાં સેંકડો ઘરોની વસ્તીમાં એક મોભાદાર ઘર છે! આ મોભો સ્થાપિત કરવામાં વર્તમાન પેઢીનું કોઇ કર્તવ્ય નથી. એ મોભો વારસાગત મોભો છે. સદીઓ જૂનું ઘર છે અને સદીઓથી ચાલી આવતો વારસો છે! એ ઘરમાં બહુ મોટો પરિવાર છે.
એ પરિવારના સભ્યોમાં ગજબનો સંપ છે. દરેક સભ્ય સ્વભાવે સૌમ્ય અને મિલનસાર સભ્યો છે. એ ઘરને મોભાદાર બનાવવામાં તો એમનું કશું યોગદાન નથી પરંતુ વારસામાં મળેલા મોભાને જાળવી રાખવાના તમામ સદગુણો ઘરના એકએક સભ્યમાં જોવા મળે છે. કારણકે મોભાદાર ઘરના મોભ બનીને બેઠેલા વડીલ સર્વમાન્ય છે. એમની વાત ઉથાપવાની કોઇ હિંમત કરી શકે નહિ. પણ એ વડિલની પરેશાની એ છે કે, એ ઘર બહારથી દેખાય છે એવું અંદરથી નથી. ઘરના જે ઠાઠભપકા છે તે વડીલની વાતોને આભારી છે.
વાસ્તવિકમાં કફોડી પરિસ્થિતિ છે. એ પરિસ્થિતિને પહોંચી વળવા વડીલ આમતેમ હાથપગ મારે છે. ગામ બહારના લોકો સામે જઇને કાકલૂદી કરે છે, કાલાવાલા કરે છે અને જાતજાતની શરતોને આધિન રહીને થોડીઘણી સગવડ ઊભી કરે છે એમાંથી એંસી ટકા સગવડ તો એમના અંગત ઠાઠ ભપકા પાછળ ખર્ચાઇ જતી હોય છે. બાકીની વીસ ટકા સગવડમાં સમગ્ર ઘરનો મોભો જાળવી રાખવામાં ટૂંકી પડે છે. એ પરિસ્થિતિને ઢાંકી-ઢબૂરી રાખવાના વડીલ તરફથી પ્રયાસો થાય છે પણ પોતાના અંગત ઠાઠભપકા પાછળના ખર્ચમાં કાપ મૂકતા નથી.
પરિણામે વડીલની બંધ મુઠ્ઠીની આંગળીઓ વચ્ચેની તિરાડમાંથી વાસ્તવિકતાએ ડોકિયાં કરવા માંડયા છે અને પરિવારના સભ્યોને ઘરની આંતરિક પરિસ્થિતિની પણ જાણ થવા માંડી છે, સાથેસાથે વડીલની મુઠ્ઠી બંધ રાખવાની નીતિનો પણ ખ્યાલ આવવા લાગ્યો છે! પણ ઘરના પરિવારનાં સભ્યો વડીલની આમાન્યા જાળવે છે. એ આમાન્યાએ ભક્તિનું સ્વરૂપ ધારણ કરી લીધું છે.
એટલે એમને કોઇ કશું કહી શકતુ નથી. ક્યારેક કોઇ આ વિશે બોલવાની મૂર્ખામી કરી બેસે તો એ વડીલનો જ વિરોધી નહિ, સમગ્ર મોભાદાર ઘરની અસ્મિતાનો વિરોધી માનીને એને વિદ્રોહી જાહેર કરી દેવામાં આવે છે ત્યારે એને જ નહિ, એના બૈરી છોકરાંઓને પણ ઘરમાં મોઢું સંતાડવું ભારે પડે છે!
અગાઉ કહ્યું તેમ આ મોભો, આ સ્ટેટસ, આ અસ્મિતા ઊભી કરવામાં વર્તમાન પેઢીનું કોઇ યોગદાન નથી. આ બધું એમને વારસામાં મળ્યું છે. હવે એ વારસો જાળવવો અઘરો પડે છે. સામાન્ય ઘર અને સામાન્ય પરિવાર હોય તો નભી જાય પણ આ વારસામાં મળેલી અસ્મિતાનાં ડંકા બહારગામ સુધી સંભળાય એવા જોરથી વાગે છે, એ પરંપરા જાળવી રાખવા માટે વડીલને પણ ડંકા વગાડવાનું ચાલુ રાખવું પડે છે ને એ ડંકા વગાડવામાં સહયોગ આપવાનું પરિવારના દરેક સભ્યને જોડાઇ જવાનું ફરજિયાત છે.
વડીલનું ફરમાન માનવા પરિવાર લાચાર છે! માનવું જ પડે છે! પરિવારનાં સભ્યોને જાણ થઇ ગઇ છે કે, આ ઘર હવે મોભાદાર નહિ, કરજદાર છે! એ કરજ અદા કરવા પરિવારના સભ્યોને પોતાના પગ પર ઊભા રહેવાનું અને પગભર થવાનું કહેવામાં આવે છે! વડીલ પોતે ઉછી ઉધાર કરતા ફરે છે, અને પરિવારના સભ્યોને પગભર થવાની સલાહ આપે છે. એ પરિવારનાં સભ્યોના ગળે ઉતરતું નથી. સભ્યો પગભર થવાની કોશિશ કરે છે, મહદંશે પગભર પણ થઇ શકયા છે પણ ઘર વધુ ને વધુ કરજદાર થતું જાય છે.
ઉછી ઉધાર પણ હવે કોઇ આપતું નથી. વારસામાં મળેલી તીજોરી તળિયા ઝાટક થઇ ગઇ છે! હવે એક પછી એક અસ્કયામતો પાછલા બારણે વેચાવા માંડી છે. એ અસ્કયામતો પણ વારસામાં જ મળી છે. વારસો વેચાઇ રહ્યો છે. છતાં ખોંખારા ખાવાની કુટેવ છૂટતી નથી. ખોંખારો પણ હવે એવો બોદો સંભળાય છે કે પરિવારજનોને સમજાતું નથી કે વડીલ ખાંસી ખાય છે કે ખોંખારો કરે છે?
સાવ એવું પણ નથી કે કોઇને કશું સમજાતું નથી! અહિં બધાને એક વાત સમજાય છે કે જાતકમાણી જ જિન્દાબાદ! વારસામાં મળેલું ઝાઝું ટકતું નથી! વારસો હમેશાં માણસને ઉડાઉ અને ઐયાશ બનાવે છે. ઐયાશીમાં જ બધું બરબાદ થાય છે. જેને વારસો મળ્યો હોય એની ત્રીજી પેઢીને બરબાદ થતાં લોકોએ જોઇ છે.
આ જ મોભાદાર ઘરના ભૂતકાળનાં એક વડીલે પરિવારજનોને પગભર થવાની સલાહ આપી ત્યારે પગભર થવાની ચાવી રૂપ 'પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી' એવું સૂચન પણ કર્યું હતું. પરિસ્થિતિ બદલવા માટે પરિશ્રમ કરવો જ પડે છે. પરિશ્રમથી મેળવેલું નક્કર અને ટકાઉ હોય છે.
એ વેચવાની સ્થિતિ ભાગ્યે જ આવતી હોય છે. વારસો વેચાઇ જતો હોય છે. કારણ કે જે વારસો હોય ત્યાં પરિશ્રમ નથી હોતો. વારસો ટકાવી રાખવા માટે પણ પરિશ્રમ કરવો પડે છે. અને પરિશ્રમથી ટકાવી રાખેલો વારસો સદીઓ સુધી પેઢી દર પેઢી ચાલે છે. જયાં પરિશ્રમ હોય છે ત્યાં કારણ વગરનાં ઠાઠભપકા પણ નથી હોતા!
મોટા ભાગે એવુ પણ જોવા મળ્યું છે કે વારસાગત મોભા નીચે રહેતા પરિવારમાં સંયુક્ત કુટુમ્બની ભાવના જાળવી રાખવાનો આગ્રહ હોય છે. પણ વારસો માણસ પરિશ્રમ તરફ વળે છે ત્યારે સંયુક્ત કુટુમ્બની વિભાવના ભયમાં મૂકાય છે. એ પોતાના પગપર નિર્ભર થવા ઇચ્છે છે. અને જ્યારે પોતાના પગ પર ઊભો થાય છે ત્યારે એ માણસ સ્વલક્ષી બની જાય છે. એને કુટુમ્બ પરિવારની પરવા નથી હોતી. ઘરની કે ઘરના મોભાનું પણ એની દ્રષ્ટિમાં મહત્વ રહેતું નથી.
પછી એ પોતાનું જ કલ્યાણ કરવા તરફ વળે છે. આ વાતને રાષ્ટ્રીય કક્ષાએ જોઇએ તો પ્રજાને પ્રજાની પડી છે. રાજકીય નેતાઓ જેટલું પોતાનું અને પોતાના પક્ષનું કલ્યાણ ઝંખે છે એટલું દેશના કલ્યાણ માટે વિચારતા નથી ! અને જ્યારે પોતાના હિતને આંચ આવે છે ત્યારે પક્ષને પણ લાત મારી દેતા હોય છે. એમની દ્રષ્ટિમાં પ્રથમ ખુરશી, પછી પક્ષ અને એ પછી દેશ તો ત્રીજા ક્રમે આવે છે.
ઘરમાં અનાજનો દાણો નથી, ચૂલો સળગાવવાની ત્રેવડ નથી, અને કશું રાંધ્યુ પણ નથી, અને મા પોતાના દીકરાને કહે છે, ચાલ દીકરા ! જમવા બેસી જા ! પેટ ભરીને ખાજે ! ભૂખ્યા નહિ રહેવાનું ! પેટભરીને જમવાનું માએ સૂચન કર્યુ છે, એ માની મમતાનો અવાજ છે, માએ તો કહી દીધું, પેટભરીને ખાજે, પણ દીકરો મૂંઝાય છે.
એ કહી શકતો નથી કે મા ! તમે કશું રાંધ્યુ જ નથી, પણ ખાવાનું શું ? અહીં મા પણ લાચાર છે કે એ દીકરાને કહી શકતી નથી કે બેટા ! હું શું રાંધુ ? મારી પાસે મુઠ્ઠી અનાજ પણ નથી ! ચૂલાની આગ પેટમાં સળગે છે હતુ ત્યારે ઘરમાં ઘણું બધું હતું ! એક સામટું ઘણું બધું ભેગુ નહોતું થઈ ગયું. દર વર્ષે એમાં થોડું થોડું ઉમેરાતું ગયું ને ઘણુ બધું ભેગું થતું ગયું. પણ હવે એવું થતું નથી. હવે ખર્ચા વધ્યા છે. ઉમેરવા જેટલી બચત થતી નહોતી.
સાવ એવું પણ નથી કે ક્યાંય કશું ઉમેરાયું નથી ! કબાટમાં બે જ જોડી કપડાં હતા. એમાં અવારનવાર કપડાં ઉમેરાતા ગયા, આજે કબાટ કપડાથી ચિક્કાર થઈ ગયું છે ! વાહનો ઉમેરાયા ! મહેમાનગીરી અને યજમાનગીરીનો સિલસિલો નિરંતર વધતો જ ગયો. મોટા લોકો સાથે દોસ્તી કરી હોય તો મોટાઓની જેમ રહેવું પડે. એ લોકો મોટા છે ને મોટા દેખાય છે. એમને મોટા દેખાવા માટે અલગથી કશો ખર્ચ કરવો પડતો નથી ! આપણે નાના છીએ અને મોટા દેખાવા માટે વધારાનો ખર્ચ વેઠવો પડે છે.
એમાં આપણી પાસે જે ઘણું બધું હતું તે ખર્ચાઈ ગયું ! પણ ભઈ ! મોટાઓ સાથે બેસવા માટે વટ તો પાડવો પડે ને ? દેવું કરીને ય વટ જાળવી રાખ્યો છે. આપણે ગમે તેમ પણ મોભાદાર ઘરનાં માણસ છીએ ! ઘરનો ય મોભો જાળવવો પડે ને ? પણ બહુ તકલીફ પડે છે. અત્યાર સુધી દેવું કરીને ય જાળવી રાખ્યું પણ હવે કોઈ ધીરનાર પણ નથી. દેવું ય ક્યાંથી કરીએ ! હવે ઘરની એક એક વસ્તુ ધીમે ધીમે વેચાવા માંડી છે.
અત્યારે અભરાઈ તરફ મારી નજર છે. ક્યું વાસણ વેચું ? આ વાત સાંભળીનેે દિકરાની ભૂખ પણ મરી ગઈ ! એ વિચારવા લાગ્યો કે હવે અભરાઈ પર નજર ગઈ છે તો એક એક કરીને બધા વાસણો વેચાઈ જશે ! કાલે ધારો કે કોઈ આવીને ચૂલો સળગાવી જાય પણ રાંધવાનું તપેલું ઘરમાં નહિ હોય તો રાંધશું શેમાં ? મા બીચારી કહી નથી શકતી કે બધું તું મારા પર ના નાખીશ. તું હવે તારું ફોડી લે ! તું હવે સ્વનિર્ભર થઈ જા ! દીકરો અવઢવમાં છે. એ વિચારે છે કે નદી સરોવરમાં તો ભુસકોય મારીએ પણ આ રેતાળ રણમાં કઈ રીતે ડૂબકી મારવી ? આ સ્થિતિમાં સ્વનિર્ભર થવું એટલે વાવાઝોડાની આરતી ઉતારવા કરતાં ય અઘરૂ કામ છે !
ગુજરાતીમાં કહેવત છે કે મૂડી નાખો તો મૂડી મળે ! આનો બે અર્થ થાય ! તમે પોતાની મૂડી નાખો અથવા કોઈને મૂંડી નાખો તો મૂડી મળે ! વેપાર અથવા કોઈપણ કારોબાર કરવા માટે મૂડીનું રોકાણ કરવું પડે ! પણ માનવતાનાં પંથે માનવ સેવા કરવા માટે મૂડીનું રોકાણ કર્યા વગર સેવા ન થઈ શકે ? પણ આપણા રાજકારણે તો સેવાને પણ અભડાવી નાખી છે.
સેવા હવે કારોબાર થઈ ગયો છે એટલે સેવા કરવાનો પાંચ વર્ષનો કોન્ટ્રાકટ મેળવવો પડે છે ને એ કોન્ટ્રાકટ મેળવવા ચૂંટણી જેવી જટિલ સમસ્યામાંથી પસાર થવું પડે છે. અને ચૂંટણી જીતવા અથવા સેવા કરવાના પાંચ વર્ષનો કોન્ટ્રાકટ પાસ કરાવવા માટે કરોડો રૂપિયાનું રોકાણ કરવું પડે છે. રોકાણની પાછળ નફાની નીતિ જોડાયેલી હોય છે.
નફાની ગણતરી વગર કોઈ રોકાણ કરતું નથી. ચૂંટણી પાછળ કરોડો રૂપિયા ખર્ચાય છે. એ એક પ્રકારનું મૂડી રોકાણ જ કહેવાયને ? તો શું આ ચૂંટણી પાછળનો કરોડો રૂપિયાનો ખર્ચ નફાની ગણતરી કર્યા વગર થતો હશે? જનસેવા એ માત્ર એક બેનર છે. અને એ બેનર હેઠળ કરોડો રૂપિયાનો કારોબાર ચાલે છે અને પાંચસો ટકા નફાનો કારોબાર છે. આ લોકોનો કોન્ટ્રાકટ પાસ કરવાનું મતદારોનાં હાથમાં છે. મતદારોને હજી સુધી સમજાયું નથી કે, દેશની સેવા કરનારને મત આપવો જોઈએ કે દેશના સોદાગરોને મત આપવો જોઈએ. મતદારોને ખરેખર તો સેવકની જરૂર છે. પણ હવે સેવક શબ્દ ચલણમાં નથી.
એ શબ્દ હવે ડિકશ્નરીમાં પડયો પડયો રીબાયા કરે છે. હવે કોઈ સેવક નથી. બધા નેતા થઈ ગયા છે. એટલે કે સેવક હવે સાહેબ થઈ ગયા છે. દેશમાં જેટલા રાજકીય પક્ષો છે એ તમામ પક્ષોમાં તમે શોધી જુએ, એક પણ સેવક નહિ મળે ! આ દેશમાં ઘણી બધી વસ્તુઓનો અભાવ છે એમાં સૌથી મોટો અભાવ સેવકનો છે. સેવકનો અભાવ દૂર થાય તો બધા જ અભાવોમાંથી છુટકારો મળી જાય !
અડપલું
નસીબ મેં જો તેરી ઝુલ્ફ કા સાયા હોતા,
ગમોં કી ધૂપને ઈતના ન સતાયા હોતા !
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ebNv06
ConversionConversion EmoticonEmoticon