આણંદ, તા.૨૨
નડિયાદની સીવીલ હોસ્પિટલમાં ફરજ બજાવતા એક તબીબને હની ટ્રેપમાં ફસાવી પોલીસનો સ્વાંગ રચી આવેલ ત્રણ શખ્સો સહિત ત્રણ મહિલાઓએ રૃા. ૧.૨૫ લાખ પડાવી લેવા અંગે પેટલાદ શહેર પોલીસ દફતરે ફરીયાદ નોંધાતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. જો કે પેટલાદ શહેર પોલીસે તબીબને હની ટ્રેપમાં ફસાવનાર ત્રણ શખ્સો સહિત ત્રણ મહિલાઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. આ ટોળકી દ્વારા પેટલાદ સહિત આસપાસના પંથકમાં અન્ય કેટલાક નામચીન વ્યક્તિઓને શિકાર બનાવવામાં આવ્યા હોવાની ચર્ચાઓ વચ્ચે પોલીસની તપાસમાં અન્ય કેટલાક બનાવો ઉપરથી પડદો ઉંચકાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.
વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નડિયાદ ખાતે રહેતા ધીરેનકુમાર અરવિંદભાઈ શાહ નડિયાદની સીવીલ હોસ્પિટલમાં ફરજ બજાવે છે. આશરે દશેક વર્ષ પહેલા નડિયાદની સીવીલ હોસ્પિટલમાં એક દર્દીનું સારણગાંઠનું ઓપરેશન કરી સારવાર બાદ દર્દીને સારું થતાં તેઓ દર્દીના પત્ની પ્રફુલાબેન દરજીના સંપર્કમાં આવ્યા હતા. બાદમાં પ્રફુલાબેન આંગણવાડીમાં નોકરી કરતા હોઈ અન્ય દર્દીઓને પણ તેઓ પાસે મોકલવાની વાત કરી તબીબનો ફોન નંબર લઈ અવારનવાર અન્ય દર્દી સાથે સારવાર માટે જતા હતા. એકાદ માસ પૂર્વે પ્રફુલાબેને પેટલાદ તરફના એક દર્દીને બતાવવાનું કહેતા ગત તા. ૨૯-૯-૨૦૨૦ના રોજ ધીરેનકુમાર શાહ પેટલાદ ખાતેની સીવીલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં કામકાજ અર્થે આવનાર હોઈ પેટલાદ સીવીલમાં દર્દીને લઈ આવવા પ્રફુલાબેનને જણાવ્યું હતું. બાદમાં તા. ૨૯ના રોજ તબીબ પેટલાદ સીવીલ હોસ્પિટલ ખાતે આવતા પ્રફુલાબેને દર્દી પથારીવશ હોવાથી ધીરેનકુમારને દર્દીના ઘરે આવવાનું જણાવતા તબીબે સંમતિ દર્શાવી હતી. બાદમાં પ્રફુલાબેન અને તેઓની સાથે આવેલ હેતલબેન પેટલાદ ફાટક પાસે ધીરેનકુમારને મળ્યા હતા અને કારમાં સવાર થઈ દંતાલી ગામ તરફ જવા નીકળ્યા હતા. બાદમાં આશી ગામ પછી તેઓ એક ઘરે પહોંચ્યા હતા. જ્યાં મકાનના પ્રથમ રૃમમાં કોઈ હાજર ન હોઈ ધીરેનકુમારે દર્દી અંગે પૂછપરછ કરતા પ્રફુલાબેને પાંચ મિનિટ બેસવા જણાવ્યું હતું. બાદમાં પ્રફુલાબેન પાણી આપી બહાર ગયા હતા અને ઘરમાં હાજર હેતલબેને દરવાજો અંદરથી બંધ કરી અચાનક કપડા કાઢી નાખ્યા હતા. ત્યારબાદ હેતલબેને બૂમ પાડતા પાછળના દરવાજેથી ત્રણ શખ્સો અંદર આવ્યા હતા અને પોતે પોલીસ હોવાની ઓળખ આપી બળાત્કારના ગુનામાં જેલભેગા કરી દઈશું તેવી ધાકધમકી આપી બળજબરીથી તબીબના કપડા કઢાવી ફોટા તેમજ વિડીયો ઉતારી લીધા હતા. બાદમાં પ્રફુલાબેન પણ અંદર આવ્યા હતા અને તે પૈકીના એક શખ્સે તબીબના ગળા ઉપર ચાકુ મુકી જાનથી મારી નાંખવાની ધમકી આપી તબીબના ખિસ્સામાંથી રૃા. ૬,૧૦૦ કાઢી લીધા હતા.
બાદમાં આ તમામ વ્યક્તિઓએ તબીબ પાસે રૃા. પાંચ લાખની માંગણી કરી હતી. જે અંગે રકઝક થતા આખરે સવા લાખ રૃપિયા મંગાવવા કહ્યું હતું. જેથી તબીબે મિત્રનો સંપર્ક કરી નાણાંની વ્યવસ્થા કરતા તેઓએ તબીબને કપડા પહેરાવી કોલેજ ચોકડી પાસે આવેલ ફાટક નજીક નાણાની લેવડદેવડ કરી હતી અને આ બાબતે કોઈને કંઈ કહીશ તો તારા ફોટા અને વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ કરી દઈશું અને બદનામ કરવાની ધમકી આપી હતી. બાદમાં ગત તા. ૧૭-૧૦-૨૦૨૦ના રોજ તબીબના મોબાઈલ ઉપર પ્રફુલાબેને ફોન કરી રૃા. ૪૦,૦૦૦ની માંગણી કરી બ્લેકમેઈલ કરતા ધીરેનકુમાર શાહે પેટલાદ શહેર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. દરમિયાન પેટલાદ શહેર પોલીસે અલગ-અલગ ટીમો બનાવી હની ટ્રેપ કરનાર ટોળકીના પ્રફુલાબેન પ્રકાશભાઈ દરજી (રહે. સોજિત્રા, ખારીકુઈ), સખુબેન ઉર્ફે સકુ પ્રવિણભાઈ ચાવડા (રહે. ખંભાત), અફરોજબાનુ રાશીદ ખલીલઆગા સૈયદ, ધીરેન્દ્રસિંહ ઉર્ફે ધીરુ લક્ષ્મણસિંહ સોલંકી (રહે. બોરસદ), ગીરીશભાઈ કાંતિભાઈ ચૌહાણ (રહે. પેટલાદ) અને ઈશ્વરભાઈ ઝવેરભાઈ પટેલ (રહે. આશી)ને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HhIsPO
ConversionConversion EmoticonEmoticon