આણંદ, તા.૨૨
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ત્રણ માસ માટે મુલત્વી રાખવામાં આવતા આણંદ નગરપાલિકાની મુદત લંબાઈ છે ત્યારે આજે નગરપાલિકાની સામાન્ય સભા બપોરના સુમારે આણંદ શહેરના ટાઉનહોલ ખાતે મળી હતી. જેમાં હરહંમેશની જેમ એજન્ડાના બાર કામો બહુમતીના જોરે મંજૂર કરી ગણતરીની ક્ષણોમાં જ સભા આટોપી લેવાઈ હતી. જો કે સામાન્ય સભામાં એજન્ડાના કામો અંગે ચર્ચા-વિચારણા કરવામાં ન આવતી હોવાને લઈ શાસક પક્ષ મનમાની કરી રહ્યો હોવાના આક્ષેપ સાથે વિરોધ પક્ષ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
ગુરુવારના રોજ બપોરના ૧૨ કલાકે આણંદ નગરપાલિકાની ધીરજલાલ શાહ ટાઉનહોલ ખાતે મળેલ સામાન્ય સભામાં એજન્ડાના બાર કામો મંજૂર કરવામાં આવ્યા હતા. જેમાં કાઉન્સીલર ફંડની ગ્રાન્ટમાંથી આણંદ નગરપાલિકા વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ દિશાસૂચક બોર્ડ મારવાની કામગીરી પૈકી બાકી રહેતી બીલની રકમ રૃા. ૩.૮૫ લાખ મંજૂર કરાયા હતા. બાકરોલ ગામમાં આવેલ મોટી ખડકી વિસ્તારમાં પાણીની પાઈપલાઈનના સમારકામ માટે રૃા. ૪૫,૦૦૦ મંજૂર કરાયા છે. કોરોનાની મહામારી વચ્ચે નગરપાલિકાના આરોગ્ય વિભાગના કર્મચારીઓની સુરક્ષા માટે ટ્રાન્સપોર્ટ વિભાગમાં નવીન વાહન ખરીદવા માટે રૃા. ૨૫ લાખ ફાળવાયા છે. બાકરોલ ઝોન ગામતળમાં ટીપી સ્કીમ નં.૧માં જુદી જુદી બે જગ્યાએ રબર, મોલ્ડ, પેવીંગ બ્લોક કરવાના કામ ઉપર મંજૂરી સધાઈ છે. આણંદ શહેરના વોર્ડ નં.૪, ૧૨ અને ૧૩માં જુદી જુદી પાંચ જગ્યાએ રબર મોલ્ડ પેવીંગ બ્લોક કરવા માટે અંદાજીત રૃા. ૨૫.૨૩ લાખ ફાળવાયા હતા. જેમાં વધારાના કામકાજનો ઉમેરો થતા રૃા. ૪.૪૦ લાખની વધુ રકમ ફાળવાઈ છે.
આણંદ તથા બાકરોલ ઝોનમાં જુદા જુદા વિસ્તારોમાં રોડ પરની ચેમ્બરો હાલના રોડ લેવલે કરવાની કામગીરી માટે રૃા. પાંચ લાખ મંજૂર કરાયા હતા. જે કામ પણ પૂર્ણ થતા બાકી રહેતી રકમ જે-તે કંપનીના ખાતે મંજૂર કરાઈ છે. ટીપી-૩માં પવનપાર્કથી વિવેકાનંદ ચોકડી સુધી વરસાદના પાણી રોડ પર ભરાતા હોય તેના નિકાલ માટે સ્ટ્રોંગ ડ્રેઈન નાંખવાની જરૃરિયાત અંગે અંદાજિત રૃા. ૪.૮૮ લાખની બજેટમાં જોગવાઈ કરવાનો નિર્ણય લેવાયો છે.
સાધન સામગ્રીની ખરીદી મામલે વિપક્ષનો વિરોધ
આણંદ નગરપાલિકા દ્વારા સતત ગેરવહીવટ કરી લોકોને પ્રાથમિક સુવિધા પુરી પાડવામાં ન આવતી હોવાના આક્ષેપ સાથે વિરોધપક્ષ દ્વારા એજન્ડાના કેટલાક કામો અંગે વિરોધ નોંધાવાયો હતો. એજન્ડાના કામોની ચર્ચા કર્યા વિના તેમજ લોકશાહી નેવે મૂકી સત્તાપક્ષ દ્વારા બહુમતીના જોરે કામો મંજુર કરી લેવાતા હોવાનો આક્ષેપ વિપક્ષ દ્વારા કરાયો છે. નગરપાલિકાની ચૂંટણી નજીક આવતા જ શાસક પક્ષ સફાળો જાગ્યો હોવાના આક્ષેપ સાથે પાલિકા દ્વારા વિવિધ સાધન સામગ્રીની ખરીદી કરવા અંગે વિરોધ નોંધાવાયો હતો.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37F57js
ConversionConversion EmoticonEmoticon