એક મજાની વાર્તા : ભેટ


અમદાવાદથી નજીક જ ગાંધીનગર જતાં રસ્તામાં સરગાસણ ગામ આવે. આ પાટનગર ગાંધીનગર બન્યું એમાં ખેતરો ઓછાં થયાં પણ ગામડાં પગભર થયાં. સરગાસણ ગામનું નામ આગળ પડતું ખરું હો. શાળા સારી, ભણતર સારું, શિક્ષકો મહેનતું તે પરિણામ સારું આવે. ખેતીવાડી પણ સારી, ખેડૂતો પણ સધ્ધર.

લીલાબેન પરણીને સરગાસણ આવ્યાં. ભણેલાં, મુંબઈના રહેવાસી, અમલભાઈને અને એમનાં કુટુંબીઓને એમ કે આ લીલા ગામડે નહિ રે, અમલાને મુંબી લઈ જાહેં. આ તો અવળું જ થયું. લીલા તો પહેલે દહાડેથી હળવા લાગી સહુ હારે. ઘરડેરાં તો રાજી રાજી. છાણ, વાસીદું, ખેતરે જાવાનું જાણે સંધુય શીખેલું એમ વરતતી લીલા હંધાયને દલડે સારી છાપ છાપવા લાગી! વળી શહેરની ભણેલી, રુપાળી ગામની છોરીઓ તો ભાભીની વાંહે ગેલી થઈ રહેતીને લાગ આવે શહેરની વાતું સાંભળવા બેસી જાતી.

ગામમાં લીલાનાં સસરાનો દબદબો તે અમલભાઈ ખેતીવાડીનું શહેરમાં ભણી ગામમાં જ રહ્યાં અને નવી રીતે ગામમાં ખેતીને અપનાવી. સાથે ગામમાં બીજા બદાને ય દેશી પધ્ધતિથી પાક લેવાનું સમજાયું. નિરોગી રહેવા હાટું ખોરાક ચોખ્ખો એક ખેડૂત જ આપી શકે એ અમલભાઈએ સમજાયુંને અપનાયું તું. લીલા તો ખુશ કોઈ ખટપટ વગર જીવન મોજમાં વીતતું તું, લીલાની ચાલાક નજરે જોયું કે ગામમાં છોડિયું ભણતરમાં રસ ઓચો લ્યે છે. ગામનાં મંદિરે નહિ તો કોઈના ફલિયે, બસ હા, હા, હી, હી, ને પંચાત કુને વર જોડે વાંદો તો કુને કેટલામો મહીનો. નિશાળના ચોપડે ખાલી નામ પણ જાવાનું નહિ!

લીલાને બે વરહે દિકરો થિયો. ઓજસ નામ રાઈખું. સુવાવડમાં આરામમાં લીલાએ ગામની છોડીઓના ભણતરની વાત અમલને કરી, ભણતરની જવાબદારી પોતે લેશે એમ નક્કી થયું. પરીક્ષા આપવા શાળાએ જાવાનું. આમ લીલાએ ગમતું કામ ઘર આંગણે જ શરું કર્યું. ફલિયે ચહલપહલ વધી. ગામની શાળાના આચાર્ય તો આ ચમત્કાર જોઈ અમલભાઈનો આભાર માન્યો. વખત વીતતો ગયો. 

હવે ઓજસ પણ ભણવા જવા લાગ્યો. લીલા ગામની શાળામાં જ ભણાવવા લાગી. આજુબાજુનાં ગામમાં સરગાસણ ગામની શાળાનું પરિણામ ઊંચું આવવા લાગ્યું.

શાળામાં જ સીવણની તાલીમની સગવડ કરી. લીલાએ તો ગામની ચોકરીઓને ભણતી કરી દીધી. ઓજસ શાળાનું ભણતર પુરું કરી અમદાવાદ ભણવા ગયો. એના સારા પરિણામે ઓજસને મેડીકલમાં દાખલો મળી ગયો. ગામ આખામાં પેંડા વહેંચ્યા લીલાએ.

ઓજસ હોસ્ટેલમાં રહેતો હવે. રજામાં ઘરે આવતો. હવે તો કોકવાર ઓજસ કલાને લઈ આવતો, બેય હારે ભણતાં, લીલાને અમલભાઈને શરૂમાં ખટક્યું કે ગામમાં કેવું લાગે? લીલાએ મન  મોટું રાખવું એમ અમલ સાથે નક્કી કર્યું. જમાનો બદલાય એમ જાતને ય બદલવી !

કલાનાં પરિવારમાં મમ્મી, પપ્પા ને નાનો ભાઈ. દાદા, દાદી, મામા, મામી બધાં રાજકોટ રહે. કલાનાં પપ્પા રેલવેમાં નોકરી કરે,મા સરકારી દવાખાનામાં નોકરી કરે. કલાની ડોક્ટર બનવાની ઇચ્છા અને કલાનું હોંશિયાર હોવાથી કલા સરસ પરિણામ મેળવતી. ઓજસ અને કલા બંને ડોક્ટર બની ગયાં. ઓજસે આગળ ભણવાની વાત કરી, તરત જ લીલાબેન કહે પહેલાં લગન કર, તારા દાદાની મનસા છે કે ઓજસની વહુને હું આશીર્વાદ આપું! 

અમલભાઈ અને લીલાબેન કલાનાં ઘરે માંગા કરવાં ગયાં. બધું સરસ નક્કી થયું. ઘડિયાં લગન લીધાં. લીલાનાં ઓજસનાં લગનની ખુશીમાં આખું ગામ લીલાંતોરણને ફૂલોથી શણગાર્યું. બહુ સરસ પરસંગ પાર પઈડો. સંયોગ ઓછો હતો તે ઓજસને લીલા આબુ ફરવા ગયા. લગનના થોડાં સમય પછી કલાને નબળાઈ લાગવા મંડી. ભૂખ ઓથી થઈ ગઈ, લીલાએ માન્યું કે હશે સારા દહાડા, શરૂમાં થાય આવું તે દેશી નુસ્ખા કરે. ઓજસ અને કલાને પેટનો દુખાવો સતત, મોળ ચડવી રહેવા માંડયું તે ચિંતા થઈ  ને નક્કી કર્યું કે મેડીકલ ચેકઅપ કરાવીએ. ઘરમાં વાત કરી. ફિજીશ્યનને બતાવ્યું, ફુલબોડી ટેસ્ટ કરાવ્યા. બે દિવસે રિપોર્ટ આવ્યો જે બાકી હતો ને નિદાન થયું કે કલાની બેય કિડનીમાં ખરાબી થઈ રહી છે. ડાયાલિસિસ કરાવવું પડે. નબળાઈ છે દાખલ કરી દેખરેખ રાખીશું.

ઓજસ, લીલાબેન, અમલભાઈ તો અવાચક ને કલા તો રડવા જ લાગી. લીલાબેને હિમ્મત આપી કે જો રડવાનું નહિ, બધું સારું થશે, ભરોસો રાખ, મારગ કાઢશે ભગવાન. બોલતાં જાયને ગળગળા થતાં કલાને માથે એક હાથ અને બીજા હાથે વાંસો પસવારે. ઓજસે કલાના મમ્મી, પપ્પાને જાણ કરી કલાની તબિયત બાબતે અને ચિંતા ન કરતાં કહ્યું. કલાનાં નાના ભાીનાં લગન લીધાં હતાં તેમાં વ્યસ્ત  હતાં તેઓ.

કલાની સારવાર શરૂ થઈ. દર દસ દિવસે ડાયાલિસિસ કરાવવા જવાનું, એક દિવસ દવાખાને રહેવાનું એમ કરતાં બે વરસ નીકળ્યાં. સારવાર ખર્ચાળ થઈ રહી હતી. કલાનાં પપ્પાએ મન કઠોર કરી ઓજસને કહ્યું કે,' કલાને છુટાછેડા આપી દે, હજી નાનાં છો બીજાં લગન કરી લગનનું સુખ ભોગવો. 

કલાની સારવાર અમે કરાવી શકીએ એટલી ત્રેવડ અમારી નથી અને તમારે આટલો ખરચ હવે કલા પાછળ પણ ન કરવો જોઈએ. ઓજસ તો ઘડીક સ્તબ્ધ થઈ ગયો. પછી એકદમ કહે ના,' હું કલાની સારવાર કરાવીશ. ફેરા ફર્યા છે અગ્નિની સાક્ષીએ એમ કેવી રીતે છોડી દવ? 'જે થાય હું ડાઈવોર્સ નહિ આપું.

લીલાબેન અને અમલભાઈ બેય ઓજસને ભેટી પડયાં, ને મનોમન ગર્વ લીધો જાણે! કલાનું ડાયાલિસિસનું રુટિન સેટ થઈ ગયું તું, કિડનીના રિપોર્ટ બગડતા જતાં હતાં બે મહીના પછી કલાનો જનમદિવસ આવતો હતો. મન બદલવા લીલાબેન કલાને કહે,' બોલ કલા જનમદિવસે શું કરીશું? કોને બોલાવવા છે? મને કહે હું લખતી જાવ.' કલા  મલકી,ને બોલી મમ્મી, મને ખુશ કરવા કેટલું કરશો? રહેવા દો ને હવે. પણ લીલાબેન તો કલાની ખુશી, ઓજસની ખુશી માટે તૈયારી શરૂ કરી. અચાનક તકલીફ વધતાં કલાને તત્કાલ હોસ્પિટલ લઈ જવી પડી. ત્રીજે દિવસે ડોક્ટરે કહ્યું આ બેય કિડની હવે નહિ ચાલે, કિડની તો બદલવી પડશે. કિડની ડોનર ગોતો, હું પણ તપાસ કરાવું છું.

કલા ભાનમાં આવી ખબર પડી કે કિડની પોતાની નકામી જ થઈ રહી છે ગમે ત્યારે દગો દે એટલે બદલવી જરૂરી છે. કલાએ વિનંતી કરી ઓજસને કે મારાં પપ્પા, મમ્મીને ન કહેતા, લગનની તૈયારી કરે છે હોંશથી કરવા ધ્યો. ઓજસ કહે મારી એસક કિડની તને આપું, કલાએ ના પાડી કહે તમે જુવાન છો, કામનો બોજો ઘણો હોય તમારી નહિ. આમ કરતાં મેળ મહોતો પડતો કિડનીનો, ચિંતા વધતી જતી હતી. એક દિવસ સવારે ડોક્ટર આવ્યા રાઉન્ડમાં લીલાબેન કહે,' સાહેબ મારી કિડની આપી શકાય કલાને? ડોક્ટર કહે ચેક કરાવીએ તમારા બ્લડગુ્રપને મેચ થાય તો આપી શકો.

લીલાબેનની કિડની કલાને આપી શકાશે, ડોક્ટર ખુસ થતાં આવ્યાંને બોલ્યાં, ને લીલાબેનને કહે સાચે આપવા તૈયાર છો ને? લીલાબેન કહે હા વળી, મારી કિડની મારી દીકરીને કામ આવે એથી રુડું બીજું શું કહી કલાને વળગી પડયાં. કલાને કહે જો, કહી ઉપર આંગળી કરી કહે ઉપરવાળો ભગવાન મારગ બતાવે છે. કલાની કિડની બદલવાની તૈયારી શરુ થઈ, લીલાબેન પણ હવે ડોક્ટરની દેખરેખમાં છે. સાસુ લીલાબેને વહુ કલાને કિડની આપી, જીવનની ભેટ આપી.

લીલાબેન કલાને કહી રહ્યાં હતાં જનમદિવસની શુભેચ્છા, કલા હસીને બાજુમાં ઓજસ બેઠો હતો હાથ પકડી લીધો, બેય સાતે બોલ્યા મમ્મી બહુ સરસ ભેટ આપી તમે, અમલભાઈ કહે,' લીલાની લીલા અનોખી જ પહેલેથી.

-ઝંખના અખિલેષ વછરાજાની



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jx8LhQ
Previous
Next Post »