જેવો પ્રસંગ તેવો મેકઅપ


મેકઅપ એક એવી કળા છે જે યોગ્ય રીતે તેમ જ સમયને ધ્યાનમાં રાખીને કરવામાં આવે તો તમારા દેખાવને વધુ ગ્લેમરસ તેમ જ આકર્ષક બનાવે છે, પરંતુ ઉતાવળમાં મેકઅપના નામે માત્ર ચહેરા પર લપેડા જ કરવામાં આવે તો તે ચહેરાની સુંદરતાને બગાડી નાખે છે. એટલા માટે મેકઅપ કરતી વખતે સમયની નાજુકતા પર અવશ્ય ધ્યાન આપો. જો મેકઅપ પ્રસંગને અનુરૂપ કરવામાં આવ્યો હોય તો કોઈ પણ પ્રસંગ કોઈ પણ રીતે તમારા માટે વિશિષ્ટ બની શકે છે.

મોટે ભાગે મહિલાઓ કોઈ ખાસ પ્રસંગ જેવા કે, કેઝ્યુઅલ અથવા ઓફિશિયલ પાર્ટીમાં જતી વખતે મેકઅપને ખાસ મહત્ત્વ આપતી નથી. આ પાર્ટીઓમાં જો યોગ્ય રીતે અને ઉપયોગી મેકઅપ કરવામાં ન આવે તો ત્યાં ભેગા થયેલા લોકો વચ્ચે તમારું પ્રભાવશાળી વ્યક્તિત્વ આકર્ષક લાગશે અને તમે બધા લોકોની વચ્ચે આકર્ષણનું કેન્દ્ર પણ બની રહેશો. એવા કેટલાક સરળ ઉપાયોગ જાણો કે જેમને અપનાવીને તમે લોકો પર પોતાનો વિશેષ પ્રભાવ પાડી શકો છો.

* પાર્ટી કેઝ્યુઅલ હોય કે ઓફિશિયલ, મેકઅપ એવો કરો જે સ્વાભાવિક લાગે. મેકઅપના નામે મોં પર ઢગલાબંધ થપેડાં ચઢાવશો નહીં, એનાથી તમારો દેખાવ કૃત્રિમ લાગશે અને તમે ફૂવડ દેખાશો.

* ઓફિશિયલ પાર્ટીઓ માટે ક્યારેય ભપકાવાળો તેમ જ ચમકતો મેકઅપ કરશો નહીં. આવી પાર્ટીઓમાં આછો તેમ જ સૌમ્ય મેકઅપ જ કરવો જોઈએ.

* કોઈ પણ પાર્ટીમાં જવાના એક કલાક પહેલાં તમારા ચહેરા પર ફેસિયલ તેમ જ બ્લીચ અવશ્ય કરાવો જેથી ચહેરાનો રંગ ચોખ્ખો તેમ જ ત્વચા વધુ ચમકદાર બને. તમારા હાથપગને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે મેનીક્યોર તેમ જ પેડીક્યોર કરો. ગળા, પીઠ, બાંય તેમ જ પગ પરના અણગમતા વાળ દૂર કરવા માટે વેક્સિંગ અથવા હેર રિમૂવર લોશનનો ઉપયોગ કરો. તમારા વાળ પણ શેમ્પૂથી સારી રીતે સ્વચ્છ કરીને કન્ડિશનિંગ કરો જેથી હેરસ્ટાઇલ આકર્ષક તેમ જ વાળ ચમકવાળા દેખાશે.

* મેકઅપ કરતાં પહેલાં ચહેરો ઠંડા પાણીથી સાફ કરો અથવા બરફના ટુકડા ચહેરા પર ઘસો, જેથી મેકઅપ લાંબા સમય સુધી ચહેરા પર ટકી રહે. ત્યાર બાદ ચહેરા પર જે ભાગમાં કાળા ડાઘા કે કરચલીઓ દેખાય ત્યાં કન્સીલર લગાવો. કન્સીલર ત્વચાના શેડ કરતાં આછું જ લગાવો.

* મેકએપનો મુખ્ય આધાર ફાઉન્ડેશન હોય છે, એટલા માટે ત્વચા સાથે સુસંગત ફાઉન્ડેશન લગાવો. ચહેરા પર ફાઉન્ડેશન લગાવતાં પહેલાં તેમાં મોઈશ્ચરાઇઝરનાં બે-ચાર ટીપાં મિક્સ કરો. પછી સરખી રીતે મિક્સ કરીને ચહેરા પર લગાવો, જેથી તમારી ત્વચા પર જો ઝીણી લાઈનો અથવા ડાઘા હોય તો તે સારી રીતે છુપાવી શકાય. તેનાથી તમારી ત્વચા પણ એકદમ તાજગીવાળી દેખાશે.

* ફાઉન્ડેશન લગાવ્યા પછી લૂઝ પાઉડર અથવા ટ્રાન્સલૂસેન્ટ પાઉડર લગાવો જેથી ચહેરો  એક નવી ગુલાબી આભાથી ચમકી ઊઠશે. તમારી બેગમાં કોમ્પેક્ટ પાઉડર અવશ્ય રાખો, જેથી જો વચમાં તમને પરસેવો આવે તો તમે ત્વચા પર કોમ્પેક્ટ પાઉડર દ્વારા હળવું ટચઅપ આપી શકો. તેનાથી પરસેવો પણ ઓછો થશે.

* લૂઝ પાઉડર અથવા ટ્રાન્સલૂસેન્ટ પાઉડર માત્ર ચહેરા પર જ નહીં તમારા કાન, ગળાની આગળપાછળ, ખભા તેમ જ પીઠ, હાથપગ વગેરે જગ્યા પર અવશ્ય લગાવો જેથી તેમની કાળાશ દેખાય નહીં અને ત્વચા સુંદર લાગે.

* લૂઝ પાઉડર લગાવ્યા પછી ચહેરા પર બ્લશર લગાવો. બ્લશરને ચીક બોન્સની ઉપરની તરફ લગાવો જેથી ગાલ સફરજન જેવા લાલ દેખાય અને તમે સુંદર દેખાઓ. બ્લશરને લગાવતી વખતે બ્રશને નીચેથી ઉપરની તરફ લઈ જઈ ગોળાકારમાં ગાલ પર બ્લશર લગાવો. બ્લશર ઘેરા રંગને બદલે આછા રંગનો જ ઉપયોગમાં લેવો જોઈએ.

* બ્લશરને સારી રીતે લગાવ્યા પછી જ તમારા હોઠ પર લિપસ્ટિક લગાવો. લિપસ્ટિક લગાવતાં પહેલાં હોઠ પર હળવેથી ટેલકમ પાઉડર અથવા ફાઉન્ડેશન લગાવો. જેથી હોઠ પર પડેલી લીટીઓ તેમ જ કાળાશ છુપાઈ જાય. તે પછી લિપસ્ટિક લગાવો. લિપસ્ટિકને લિપલાઇનર તેમ જ લિપબ્રશ દ્વારા જ લગાવવી યોગ્ય રહે છે. આવા પ્રસંગે જો તમે ઇચ્છો તો ઓરેન્જ તેમ જ યલો કલરની લિપસ્ટિકમાં કોરલ તેમ જ બ્રાઉન બેસ્ડ શેડ્સ મિક્સ કરીને કોન્ટ્રાસ્ટમાં લગાવી શકો છો. જોકે પિન્ક, રેડ, બરગન્ડી શેડ્સની લિપસ્ટિક જ લગાવો. લિપસ્ટિક વધુ લાગી જાય તો ટિશ્યૂ પેપરથી જરૂર સાફ કરી લો. હોઠને આછા ચમકતા બનાવવા લિપગ્લાસ લગાવો.

* આંખોને સુંદર બનાવવા માટે સૌપ્રથમ તમારી આઈબ્રોને આઈબ્રો પેન્સિલ વડે સજાવો. ત્યાર બાદ તમારી આઇલિડ પર ઘેરા અથવા આછા રંગનો આઇશેડો લગાવો. આઇશેડો તમે પહેેરેલાં વસ્ત્રોના રંગ સાથે મેળ ખાતો હોવો જોઈએ. ઓફિશિયલ પાર્ટી માટે આઇશેડોમાં તમે શિમરિંગ તેમ જ ગિલ્ટર શેડ્સનો પણ ઉપયોગ કરી શકો. જે તમારા દેખાવને વધુ આકર્ષક બનાવશે. તમે આંખોને મોટી દેખાડવા માટે લિક્વિડ અથવા પેન્સિલ આઇ લાઇનરનો ઉપયોગ કરો. ત્યાર બાદ પાંપણને ઘેરી બનાવવા મસ્કારા લગાવો.

* અવસરને ધ્યાનમાં રાખીને જ પોશાક પહેરો. પોશાકના રંગ સાથે મેળ ખાતો મેકઅપ કરો.

-અવન્તિકા



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2J9LaHz
Previous
Next Post »