રાવણ-દહન .

- રાવણ ફિનિક્ષ પક્ષી છે. ગયા દશેરે તે હતો, આ દશેરાએ છે, આવતા દશેરા'ય પણ હશે જ !


ફિ નિક્ષ પક્ષીને માટે કહેવાતું કે તે બળી બળીને રાખ ભલે થઈ જાય પણ પાછું તે, એ રાખમાં જ સજીવન થતું રહે છે.

દશેરાનો આ રાવણ પણ એવો જ છે શું ? દર દશેરાએ આપણે તેને ખૈહૈજર કહીએ છીએ તોય પાછો દર દશેરાએ તેવો ને તેવો જ ઊભો થાય છે. એ જ દશ માથા, એ જ અસત્યના ભાથા, એ જ પ્રપંચના પાથા, એ જ ઘાલમેલની ગાથા, એ જ તાતા થૈથૈ થાથા, અને નવરાત્રિની ઊજવણી કે ભજવણી કે પજવણીની લાથા કે લાતા ?

એના દેહમાં દારૂ ભરો કે દારૂખાનું !

એને ભલે બનાવો કરાળ કાળનું કારખાનું !

એના ભપકામાં ભલે ભરો ભ્રષ્ટાચારનું ભારખાનું ! 

એને ભલે બનાવી દો લાવાઓનું લુહારખાનું !

એને ભલે કહી દો કાળમુખા કોરોનાનું કરારનામું !

ભલે વગાડો જોરજોરથી નખ્ખોદિયું નક્કારખાતું !

એને નામ ભલે દઈ દો પ્રહાર પ્રસારનું પ્રહારનામું !

એની આંખમાં નથી કોઈઅશ્રુઓનું દવાખાનું !

ત્યાં દેખાય છે દયા માયા હેત પ્રીતનું ખંતીલું ખાનું !

બળતો બળતો ય એ જ તમને બાળે છે.

દાઝતો દાઝતો ય એ જ તમને દઝાડે છે.

તણખતો તણખતો એ જ તમને તતડાવે છે.

ભભૂકતો ભભૂકતો ભભૂકતો એ જ

તમને ભડકાવે છે.

હડહડ હડહડતો એ જ તમને હડકાવે છે.

તમને લાગે કે તમે તેનું સામૂહિક વિસર્જન કર્યું છે. પણ તમારા તનમનમાં એણે એ જ બધાંએ બધાં અવગુણોનું સર્જન અને રાવણ પુન:સર્જન ચાલુ રાખ્યું છે.

એને કોઈ તડકો નથી, ભડકો નથી.

ખટકો નથી, ખડકો નથી,

કટકો નથી, કડકો નથી,

ધાડ નથી કે ધડકો નથી.

એ જે છે તે છે જ.

એ રહ્યો છે ને રહેવાનો છે

અગાઉના દશેરાએ એ હતો જ.

ગયા દશેરાએ પણ હતો જ.

આવતા દશેરાએ પણ હશે જ.

અને ત્યાર પછીના અનેક અનેક

દશેરાએ પણ આવતો જ રહેશે.

તમે જ આમંત્રણ આપીને તેને બોલાવશો.

તમે જ તેનું ઊંચામાં ઊંચું પૂતળું બનાવશો.

તમે જ તેના દેહમાં આગ ચાંપશો.

તમે એને ભગાડવાનો સંતોષ પામશો,

પણ તે રહેશે જ.

તમારા અગાઉ કંઈક એને સળગાવનારા

સળગી ગયા પણ એ જ છે.

તમારામાંથી ય કંઈ સળગી ઊઠશે,

પણ એ સળગીને પણ અળગો નહિ થાય !

સમયને  પૂછો, વખતની વકીલાત લઈ જાુઓ,

ન્યાયની દેવીના આંખનાં પાંટા ખોલી જાુઓ !

તમારી બધ્ધાંની આંખને પાટા આવી જશે,

ત્યાં સુધી, તે પછી, ત્યાર પછી પણ તે રહેશે જ.

કેમ કે તે રાવણ છે.

કેમકે તેને દશ માથાળા છે.

કેમકે અહીં રાવણ મહીંરાવણ દહીંરાવણ જેવા તેના વારસદારો છે, કારસદારો છે, કદીય ફાટે નહિ કે ફટકે નહિ એવા ફારસદારો છે.

એને સાવકી આંખે જાુઓ, ઠાવકી આંખે જુઓ કે સગી આંખે જુઓ.

એ છે છે ને છે જ.

એ નથી નથી તોય છે જ.

એ છે-નથી, તો ય છે જ.

એ નથી-છે, છતાંય છેજ છેજ છેજ

જ્યાં સુધી રામ છે ત્યાં સુધી રાવણ રહેશે.

રામાયણ રામ વગર નહિ જીવે.

રામાયણ રાવણ વગર નહિ કહેવાય !

રાવણનું બીજું નામ નહિ

પહેલું નામ જ ફિનિક્ષ છે.

જે ખૈહૈજર ન થાય, તે ફિનિક્ષ બધું જાણવા છતાં ચાલો આપણે આ દશેરા એ રાવણને બાળીએ.

આવતા દશેરાએ તે હશે જ,

આપણે હોઈશું ?

- હરીશ નાયક



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34ndEWk
Previous
Next Post »