
આણંદ, તા.5 સપ્ટેમ્બર 2020, શનિવાર
આણંદ જીલ્લામાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે તંત્રની ઉદાસીનતાની સાથે સાથે પ્રજાજનોની ઘોર બેદરકારી પણ સામે આવી છે. રાજ્યના મહાનગર અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ અટકવાનું નામ લેતું નથી ત્યારે અમદાવાદના જ કેટલાંક શ્રમિકવર્ગના પરિવારો વેપાર ધંધા અર્થે આણંદ ખાતે રોજબરોજ આવતા હોઈ આણંદમાં કોરોનાનો ખતરો તોળાઈ રહ્યો છે. આવા શ્રમિક વર્ગના લોકો આણંદ શહેરના અલગ-અલગ વિસ્તારમાં સૂકા મેવાનો વેપાર કરી રહ્યાં છે અને તેઓની આસપાસ ભારે ભીડ પણ એકત્ર થતી જોવા મળી રહી છે.
છેલ્લા કેટલાક દિવસોથી આણંદ જીલ્લામાં કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે. સરકાર દ્વારા ફરજિયાત માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા માટે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી હોવા છતાં કેટલાક લોકો આ બાબતે ઘોર બેદરકારી દાખવી રહ્યા છે. તેમાંય જીલ્લાના વડા મથક આણંદના બજારોમાં વિવિધ દુકાનો ખાતે સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતું હોવાની અનેક ફરિયાદ ઊઠી છે. તો બીજી તરફ આણંદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી સૂકા મેવાનો વેપાર કરતા શ્રમિક વર્ગના લોકો શહેરના વિવિધ વિસ્તારોમાં ધામા નાખીને બેઠેલા દ્રશ્યમાન થાય છે. જાણવા મળ્યા મુજબ આ શ્રમિક વર્ગના મોટાભાગના વેપારીઓ અમદાવાદ ખાતેથી વેપાર અર્થે આણંદ આવી રહ્યાં છે. જેને લઈ આણંદમાં સંક્રમણ વધવાની શક્યતાઓ જોવાઈ રહી છે. તેમાંય આવા શ્રમિકો પૈકી કેટલાંક માસ્ક પહેર્યા વિના જ વેપાર કરી રહ્યા હોવાના ચિત્રો જોવા મળી રહ્યાં છે. સાથે સાથે સસ્તા ભાવે સૂકા મેવાનો વેપાર થતો હોવાના કારણે લોકો પણ આવા વેપારીઓને ત્યાં ઉમટી રહ્યાં છે. જેને લઈ કેટલાંક સ્થળોએ ભારે ભીડ જોવા મળી રહી છે. શહેરના ગામડી વડ વિસ્તાર, રેલ્વે સ્ટેશન વિસ્તાર, શાક માર્કેટ વિસ્તાર સહિતના વિવિધ સ્થળોએ આવા વેપારીઓ વેપાર કરી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી જાગૃતોની માંગ છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32UHRtO
ConversionConversion EmoticonEmoticon