આંખ કદી નાક કાનની ટીકા કરતી નથી અને પગને ક્યારેય હાથની ઇર્ષા થતી નથી!


ત મે ક્યારેય તમારા શરીરમાં ચાલતી ક્રિયા- પ્રક્રિયા વિશે વિચાર્યું છે ખરૂ? એ વિચારશો તો તમને શરીરનું મહત્વ સમજાશે! આંખ, કાન, નાક, હાથ, પગ, પેટ અને પીઠ જેવા અગત્યના અવયવોનો એક ઘરખમ પરિવાર છે, અને એ પરિવારના પ્રમુખપદે દિમાગની નિયુક્તિ થઇ છે! શરીર જેવી ઘરખમ કોઇ સંસ્થા નથી! શરીર જેવો સંપ અને પ્રેમ અન્ય કોઇ પરિવારમાં નથી. આપણા ખુદના પરિવારમાં પણ નથી. શરીર જેવી સંસ્થામાં જે પ્રેમ, એકતા અને હમદર્દી બીજી કોઇ સંસ્થામાં જોવા નહિ મળે! એકના દુ:ખે દુ:ખી થવાની ભાવના શરીર નામની સંસ્થામાં જ જળવાઇ રહી છે.

આપણા ઘરેલુ પરિવારમાં પ્રેમ છે તો સાથે કજિયો કંકાસ પણ છે! શારીરિક સંસ્થાના બધા સભ્યો ના મને આ જગ્યા અથવા આ કામ નહિ ફાવે એવું ક્યારેય કહેતા નથી. એ જયાં છે ત્યાં પોતાના ફાળે આવેલી જવાબદારી પૂરી કરવાનો આનંદ અનુભવે છે. આંખ કદી કાનની નિંદા કરતી નથી. હાથને કદી, પગની ઇર્ષા આવતી નથી! આપણા ઘરેલું પરિવારના સભ્યોમાં એકબીજાની ઇર્ષા હોય છે. શરીરના પરિવારનાં કોઇ એક અવયવને ઇજા થાય છે તો આખું શરીર વેદના અનુભવે છે.

ઘરેલુ પરિવારનો કોઇ સભ્ય માંદો પડે તો વેદના તો શું, એની માંદગીની ચિંતાને બદલે એને દવાખાનામાં દાખલ કરવા અંગેની વ્યવસ્થાની ચિંતા કરતા થઇ જઇએ છીએ? આપણા ઘરના સભ્ય પાસે કોઇ કામ લેવાનું હોય તો એને નમ્રતાથી કહેવું પડે છે કે, 'લોને જરા આટલું કરી આપોને!' શારીરિક પરિવારના સભ્યોને આદેશ પણ કરવો પડતો નથી ને ભલામણ પણ કરવી પડતી નથી. દરેક પોતાની જવાબદારી સમજીને આપમેળે કામે વળગી જતા હોય છે. ઘરેલું પરિવારમાં આ કામ મે કર્યું, અથવા આ કામ હું જ કરી શકું એવી તોરાઇ જોવા મળે છે! શારીરિક પરિવારમાં આ કામ મેં કર્યું અથવા હું જ કરી શકું એવું કહેવાનો કોઇને અધિકાર નથી.

કારણ કે બધા જ કામો સામુહિક રીતે એક બીજાના સહકારથી થતા હોય છે. દાખલા તરીકે હાથથી જ જે કામ થઇ શકતું હોય તે પણ હાથ એકલો કરી શકતો નથી! હાથ જ્યારે કામે વળગે છે ત્યારે દીમાગ અને આંખો આપમેળે એની સાથે જોડાઇ જતાં હોય છે. હાથ જ્યારે કામ કરે છે ત્યારે દિમાગ એનું સંચાલન કરે છે અને આંખ એના કામ પર નજર રાખતી હોય છે.

દિમાગ અને આંખના સહયોગ વગર, હાથ એકલો એ કામ પાર પાડી ના શક્યો હોત! આ સ્થિતિમાં આ કામ મેં જ કર્યું કે હું જ કરી શકું એવું કોઇ કહી શકે નહિ! આ શારીરિક પરિવારની સંપ અને સહયોગની ભાવના તમે અપનાવી લેશો તો 'આ કામ હું જ કરી શકુ!' એવી તમારી 'હુંપદ' ની તુમાખીના બધા જ સ્ક્રુ ઢીલા થઇ જશે દરેક કામમાં તમને સહજતા અને સરળતા પ્રાપ્ત થશે. કામ સમયસર થશે અને દીપી ઉઠશે. કામનો થાક પણ નહિ લાગે કૌટુમ્બિક ભાવના મજબૂત થશે !

તમે યુવાન છો. હજી હમણાં જ કોલેજમાંથી તાજાતાજા બહાર આવ્યા છો ! હવે તમને કારકીર્દિ વિશેની જરૂરિયાત સમજાઇ હશે ને એ દિશાએ તમે વિચારતા પણ હશો, એજ સમયે તમારા પરિવારમાં તમને પરણાવી દેવાનો વિચાર ચાલતો હશે. કારકિર્દી હાથ લાગે કે ન લાગે તો પણ પરણવું ફરજિયાત છે અને સહેલું છે.

કારકીર્દિ મોડી મળે તો ચાલે, પરણવાનું મોડું થાય તો ઉંમર વધી જાય ને પછી છોકરી મેળવવી મુશ્કેલ છે. તમે લવમેરેજ કરો કે એરેન્જ મેરેજ કરો પણ એ બધું સમયસર થવું જોઇએ. કારકીર્દિની પ્રાપ્ત થયાની તમે રાહ જોઇને બેસી રહો,. પણ કન્યાપક્ષવાળા તમારી રાહ જોઇને બેસી ન રહે.

તમારી પ્રેમિકા પણ લાંબો સમય તમારી રાહ જોઇને બેસી ના રહે. અત્યારે તમે નોકરી માટે ફાંફા મારો છે. સમય વીતી જશે તો છોકરી માટે ફાંફા મારવા પડશે ! આ સ્થિતિમાં નોકરીની અગત્યતા છોડીને વેપારધંધા જેવી કંઇપણ અન્ય પ્રવૃતિ માટે વિચારી લેવું સારૂં ! અહિં સુધી આવ્યા પછી પણ વાત પૂરી થતી નથી. પરણશો એટલે પત્ની અને બાળકો વિશેની  જવાબદારી શરૂ થાય છે. ચકડોળની માફક સમય તમને ઘૂમાવે છે.

ગઇકાલે તમે કોલેજમાં હતા આજે તમારા સંતાનો શાળા-કોલેજમાં પહોંચી ગયા હશે. આ સ્થિતિમાં લાંબી જિંદગીમાં પણ સમય તો ઓછો જ મળે છે !  આપણી પાસે સમય બહુ ઓછો છે એવું તમને સમજાવવાનું ન હોય !  એક વાત યાદ રાખો કે તમે અત્યારે યુવાન છો ને તમારે  જિન્દગીભર યુવાન રહેવાનું છે. ઉંમર વધતા ઘડપણ આવી જાય તો પણ તમારા મિજાજને ઘરડો  ના થવા દેશો ! 

વર્તમાન યુવા પેઢીની વાતો અને એમની રહેણીકરણી પ્રત્યે તમને અણગમો જાગે તો સમજી લેવાનું કે તમે ઘરડા થઇ ગયા છો !  સૌંદર્ય પ્રત્યેનું આકર્ષણ ઘટી જાય તો સમજવાનું કે તમને હવે પાકેપાયે ઘડપણ આવી ગયું છે. બધા જ માણસો કંઇ ઉંમરથી ઘરડા થઇ જતા નથી. ઘણા માણસો એમના સ્વભાવને કારણે ઘરડા લાગવા માંડે છે. આ પ્રકારના ઘરડા લોકો તમને યુવાવર્ગમાંથી પણ જડી આવશે !  યુવાનીમાં ઘરડા થઇ જતા લોકોને 

મિત્રોનો દુષ્કાળ વેઠવો પડે છે. એ એકલો પડી જાય છે, એ એકલતા એને ટીકાકાર બનાવી દે છે. એ લોકોની ટીકા કરતો થઇ જાય છે. !   ભૂતકાળ દરેકના જીવનમાં આવે છે. પણ બધાનો એક સરખો ભૂતકાળ નથી હોતો. તમારૂં વર્તમાન જ તમારા ભૂતકાળનુ ઘડતર કરે છે. ભૂતકાળનો ચહેરો રૂપાળો કે  કદરૂપો હોવાનું કારણ પણ તમારૂં વર્તમાન છે. 

તમારૂ વર્તમાન ભરચક હશે તો ભૂતકાળ પણ ભરચક હશે. વર્તમાન પાસે યાદ રહી જાય એવા મિત્રો અથવા એવી ઘટનાઓ ન હોય તો તમારો ભૂતકાળ પણ ખાલીખમ્મ હોય છે. એવા માણસને એકલતા સાથે આ ખાલીપણું પણ પીડાદાયક હોય છે. જેના જીવનમાં ભરચક મિત્રો હશે ને એક કરતાં અનેક યાદગાર ઘટનાઓમાંથી પસાર થયેલો હશે એવા માણસનો ભૂતકાળ જીવનના પાછલા પડાવમાં એકલતા સાલવા દેશે નહિ !  ઘણા લોકો ભૂતકાળ ભૂલીને આગળ વધવાની સલાહ આપે છે.

પણ મિત્રો, ઘટનાઓ અને અનુભવોને શી રીતે ભૂલી શકાય !  ભૂતકાળને પીઠ પર લાદીને જ આગળ વધવું જોઇએ જેથી ભુતકાળમાં ખાધેલી ઠોકર ફરી ખાવી ન પડે એટલું જ નહીં આગળ વધવા માટે પીઠની નહિ, છાતીને જ વાપરવાની જરૂર પડે છે ત્યારે ભૂતકાળ તમારી પીઠ પર લાદેલો હશે તો એ તમને પીઠબળ પૂરૂં પાડશે ! 

ઘણા લોકમાં હોય છે એવી ખૂબી,

અમસ્તા અમસ્તા ય ગમતા રહે છે ! 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2DpJJlS
Previous
Next Post »