
'અ નુરાગ, તું તો એવોને એવોજ રહ્યો, દશ મિનિટ માટે પણ બેબીને સાચવી નથી શકતો, અને રડાવ્યા કરે છે.' અનુરાધા છણકો કરતાં બોલી.
શું જવાબ આપવો એ જ અનુરાગને સુઝયું નહીં.
બારબાર વરસના લગ્નજીવનથી અનુરાગ હવે કંટાળી ગયો હતો. પોતાની સરસ ચાલતી પ્રોવીઝનની દુકાન, સુંદર, શુશિલ, કહ્યાગરી પત્ની અનુરાધા અને ચાર વરસની પ્યારી દિકરી આરીયા બધુ જ સરસ હોવા છતાં જાણે કે તેને જિંદગીથી કંટાળો આવતો હતો.
પાત્રીસ વરસની જીંદગીમાં કેટલાં ધોળા, કાળાં ટેક્ષ બચાવવા સાચું, ખોટું, સંસાર ચલાવવા કરવી પડતી દિવસ રાતની મહેનતથી તે ઉબાઈ ગયો હતો. આટલા બધાથી કયારે છુટકારો થશે ? મોક્ષનો માર્ગ ક્યારે મોકળો થશે. મોત પછી હું ભગવાનને શું જવાબ આપીશ ?
માણસને એક સરખું સુખ મળતું હોય તો પણ કેટલીક વખત તે દુ:ખી કેમ થતો હશે ?
ધીમે ધીમે તેને સંસાર અસાર લાગવા માંડયો હતો. દુનિયા નાશવંત લાગવા લાગી હતી. ભોગવિલાસની જિંદગી જાણે કે બોજ બની ગઈ હતી. તેની પત્ની પણ આ બદલાવથી ચિંતિત હતી.
શ્રાવણ મહિનાના સોમવારે સવારે તે સુખાનંદ બાબાના આશ્રમમાં પહોંચી ગયો, ત્યારે બાબાનું વ્યાખ્યાન ચાલુ હતું. અનેક કરોડપતિઓ અને રાજકારણીઓ શિશ નમાવીને ગુરૂજીને પગે લાગતા હતા. મહાત્માજી ભોગવિલાસ, રાગદ્વેષ, મોહમાયા ત્યાગ કરી સંયમવાળું યૌગિકજીવન માટે અનુરોધ કરી રહ્યા હતા.
અંદરથી સુંદર ફરાળી પકવાનોની સુગંધ, સુંદર ફળોના ઢગલા, ખુશનુમા સુગંધિત ધાર્મિક વાતાવરણથી અનુરાગ અભિભુત થઈ ગયો.
બાબાએ વાત આગળ ચલાવી રાજકુમાર સિદ્ધાર્થ રાજપાટ, મોહમાયા, ભોગવિલાસ વગેરે અનેક સુખો, પત્ની પુત્ર વિગેરે બધું છોડી તપ કરવાનો નિર્ણય કર્યો. રાત્રે આ બધું છોડતા તેમનો જીવ ચાલતો ન હતો. પણ મન મક્કમ કરી એક જ ઝાટકે બધું છોડી ચાલી નીકળ્યા. જેને મહાભિનીષ્ક્રમણ કહેવામાં આવે છે.
જંગલમાં જઈ વરસો સુધી અધોરતપ કર્યું અને અલૌકિક જ્ઞાાન મેળવી ભગવાન બુદ્ધ કહેવાયા.
અનુરાગ આ સાંભળીને ખુશખુશ થઈ ગયો. મારે પણ જીવનનો ઉધ્ધાર કરવા કંઈક કરવું જ પડશે. એમ વિચારતો તે દુકાને ગયો. પણ કામમાં તેનું મન લાગ્યું જ નહીં આજે રાત્રે જ મારે સંસાર ત્યાગ કરી, તપ કરવા સંન્યાસી બનવું જ પડશે.
રાત્રે વિચારમગ્ન પણ ઉદાર ચેહરે જમતાં અનુરાગને જોઈ અનુરાધા વિચારમાં પડી ગઈ. ઉભા થતાં અનુરાગે આર્યાને વહાલ કર્યું. જાણે કે હવે પછી મળવાના જ ના હોય તેવા ચહેરાના ભાવ સાથે કહ્યું 'તમે બંને કાંઈ ભુલચુક થઈ હોય તો માફ કરજો.'
અનુરાધા વિચારમાં પડી ગઈ. શેની માફી ? શું કરવા ધારે છે આ અનુરાગ ? પણ કાંઈ કહે નહીં તો શું ખબર પડે ? શંકા કુશંકા ભરેલા મન સાથે બધા સુઈ ગયા. પણ અનુરાગને ઊંઘ આવે ક્યાંથી?
રાત્રે સાડાબાર વાગે તે ધીરેથી ઉઠયો. ઘરમાં હતા તે બધાં દશ હજાર રૂપિયા, બેંકના કાગળો, ચેકબુક, પાસબુક, દુકાનની ચાવી, ગાડીની ચાવી વગેરે બધું જ અનુરાધાની બાજુમાં ધીમેથી મુકી દીધું.
જવું ના જવું તેની ગડમથલમાં તે ગુંચવાઈ ગયો. પણ પત્નીની ટકટક, રોજની દોડાદોડ અને સાંસરિક જીવનના કાળાધોળાથી કંર્ટાળીને તે છુટવા માગતો હતો.
ચિઠ્ઠી લખવી કે નહીં તેની અસમંજસમાં વિચાર્યું 'ત્રણ ચાર વરસ પછી મહાત્મા બનીને આવીશ, ત્યારે જ બધો ફોડ પાડીશ. અત્યારે કાંઈ લખવું નથી.'
ભારે હૈયે રાત્રે એક વાગ્યે ઘર છોડી, ગિરના જંગલોમાં જઈ તપ કરવાનો નિર્ણય કર્યો. પાલડીથી રાત્રે બે વાગ્યાની બસ પકડી પહોંચી ગયો જુનાગઢ.
ચાલતા ચાલતા ભવનાથના મંદિરે પહોંચ્યો. ત્યારે બપોરના બાર વાગી ગયા હતા. મંદિરના ભાવિકોની ભીડનો લાભ લેવા તડકામાં પણ ભિખારીઓની લાઈન લાગી હતી.
એક આધેડ ઉંમરના આંધળી ભિખારણને પોતાની સાત આઠ વરસની દિકરી સાથે ભીખ માગી કરગરતા જોઈ તેને પોતાની આર્યા યાદ આવી ગઈ. 'આ હા ! સંસારમાં કેટલા બધાં દુ:ખી માનવો છે, મારે કાંઈક તો કરવું જ પડશે.'
સારા ઘરની ભિખારણ લાગતી હોવાથી તેની બાજુમાં બેસીને તેને પૂછ્યું 'શું થયું બેન આટલી નાની દિકરીને લઈને દુ:ખી થઈ ભીખ કેમ માગે છે ?'
ટગરટગર થતી બેબસ આંખોમાંથી ટપક ટપક આંસુ નીકળી ગયા. 'શું વાત કરૂ ભાઈ, અમે સુખી ઘરના માણસો છીએ. આ બેબીના પપ્પાની સરકારી નોકરી હતી. સુખી સંસાર હતો, મારી પણ ડાયાબીટીસની દવાઓ ચાલતી હતી.'
'તો થયું શું ?' અનુરાગને નવાઈ લાગી.
'ભાઈ, એ જ કરમની કઠણાઈ છે ને ! આ બેબીના પપ્પાને ચાર મહિના પહેલા વૈરાગ્યનો રંગ લાગી ગયો. એક બાબાની જોેડે અમને છોડીને હિમાલય જતાં રહ્યા. બે મહિના બાદ અમને ખાવા પીવાના પણ ફાંફા પડવા લાગ્યા. મારી દવા બંધ થઈ જવાથી આંખો જતી રહી અને બેબીનું ભણવાનું રખડી પડયું. પેટ ભરવાના અને રહેવાના જ ઠેકાણાં ના હોય તો ભીખ માંગવા સિવાય કરવું શું ?' ભિખારણ જવાબ આપતાં હીબકે હીબકે રડી પડી.
અનુરાગ ચમકી ગયો. છ મહિના પછી મારી આર્યા અને અનુરાધાના પણ આજ હાલ થશે કે શું, તે વિચારે કાંપી ગયો.
ખાધાં પીધા વગર એક કલાકની મથામણ પછી તેણે વિચાર બદલ્યો. મોક્ષની વાત પછી પહેલાં મારા ઘરવાળાનું શું ? બધુ મનોમંથન બાદ તેણે ફરી પાછી અમદાવાદની વાટ પકડી.
બીજા દિવસે સવારે સાત વાગે ઘેર પહોંચ્યો ત્યારે તેની દીકરી અને પત્ની રડી રડીને અડધાં થઈ ગયા હતા.
સગાવહાલા અને પડોશી ભેગા થઈને તેમને આશ્વાસન આપી રહ્યા હતા. આરીયા તો તેના પપ્પાને જોતાં વેત વળગી પડી. સ્વર્ગ અને મોક્ષનો એક સાથે અનુભવ થઈ ગયો. માંડમાંડ બધાને પોતે જુનાગઢ દર્શન કરવા ગયો હતો. તેમ સમજાવી બાથરૂમ ગયો, ત્યારે રેડીયો પર ગીત વાગી રહ્યું હતું.
'સંસાર સે ભાગે ફીરતે હો,
ભગવાનસે તુમ ક્યા પાઓગે'
સવારનો ભુલ્યો રાત્રે ઘેર આવે તો ભુલ્યો ના કહેવાય, એમ વિચારી અનુરાધા પણ હર્ષના આંસુ વહેવડાવી તેને ચોંટી પડી.
અનુરાગને ખ્યાલ આવી ગયો કે સંસારમાં રહીને પોતાની ફરજ નિભાવવી એ પણ એક તપસ્યા જ છે ને, પછી મોક્ષ અને સ્વર્ગ માટે સંસારત્યાગની જરૂર ક્યાં છે ?
- હર્ષદ કામદાર
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3binP07
ConversionConversion EmoticonEmoticon