વિદ્યાવારિધિ મુનિ વિદ્યાવિજય મહારાજ


ડો. ક્રાઉઝે એક જર્મન મહિલા હતાં અને મુનિ વિદ્યાવિજય મહારાજનું નામ તેમ જ કીર્તિ સાંભળીને ભારત આવેલાં. તેમણે શિવપુરીના વિદ્યાધામને હંમેશ માટે પોતાનું નિવાસસ્થાન બનાવ્યું અને સુભદ્રાદેવી નામ ધારણ કરી લીધું. વિદ્યાવિજય મહારાજનું શિષ્યત્વ સ્વીકારીને તેમના માર્ગદર્શન નીચે ડો. ક્રાઉઝેએ જૈન તત્ત્વજ્ઞાાનનો ઊંડો અભ્યાસ કર્યો, એટલું જ નહીં, સંસ્કૃત અને પ્રાકૃત જેવી ભાષાઓ ઉપર પ્રભુત્વ પણ મેળવ્યું. તેમની દૈનિક જીવનચર્યામાં જૈનત્વની ઝલક જોવા મળતી.

ડો. ક્રાઉઝે, સંસ્કૃત અને પ્રાકૃત ભાષાનાં નિષ્ણાત બન્યાં તે પહેલાં તેમણે હિન્દી, ગુજરાતી અને મરાઠી ભાષાઓ ઉપર પણ પ્રભુત્વ મેળવી લીધું હતું. ડો. ક્રાઉઝે દુનિયાની પંદરથી વધારે ભાષાઓનાં જાણકાર હતાં. ડો. ક્રાઉઝેના જ્ઞાાનની પ્રતિષ્ઠા સાંભળીને ગ્વાલિયરના તત્કાલીન મહારાજાએ પોતાની પુત્રી કમલારાજે શિંદેના અભ્યાસ માટે તેમની નીમણૂક કરી હતી.

વિદ્યાવિજય મહારાજ ઉપર ગ્વાલિયરના મહારાજાની અપૂર્વ ભક્તિ અને શ્રધ્ધાના કારણે આ કાર્ય શક્ય બન્યું હતું. ગ્વાલીયરના રાજ માતાએ સુભદ્રા દેવીને પોતાના અંગત સ્ટાફમાં સમાવી લીધા હતા. જ્યારે તેઓ અવસાન પામ્યા ત્યારે તેઓ પૂનાના ચર્ચમાં અવસાન પામ્યા હતા. દુર્ભાગ્યે છેલ્લે તેમને જૈન સમાજે કેમ નહીં સાચવ્યા હોય ?

ડો. ક્રાઉઝે પોતાની સરળતા અને સહજતાના કારણે તત્કાલીન ભદ્રસમાજમાં અત્યંત આદરપાત્ર બન્યાં હતાં. ડો. ક્રાઉઝે ગુજરાતી ભાષામાં લખાયેલા એક પુસ્તક 'જંગલમાં મંગલ'માં પોતાના શ્રધ્ધેય ગુરુ વિદ્યાવિજય મહારાજને શ્રધ્ધા સુમન અર્પણ કરતાં લખે છે: 'શ્રી વિદ્યાવિજયજી મહારાજ જેવા પ્રભાવવાન સાધુ મહારાજ ગુજરાતના લેખકોમાં, હિન્દુસ્તાનના વક્તાઓમાં, જગતના વિદ્યાનોમાં એક ઝળકતો તારો (છે), કે જેઓ દેવગુરુની અતિ ભક્તિથી પોતાનું આખું જીવન પાઠશાળાના કલ્યાણ માટે આપી રહ્યા છે. શ્રી વિદ્યાવિજયજી પાઠશાળાનો આત્મા છે. વિદ્યાર્થીઓના ગુરુ અને પિતા, માસ્ટરોને ભલામણ આપનાર એ સમસ્ત સંસ્થાનું કલ્યાણ ચાહનાર અને વધારનાર છે. 'શિવપૂરીની સંસ્થા તે સમયે એક યુનિવર્સિટી જેવી પ્રતિષ્ઠિત બની ગઈ હતી અને તે માટેનો પુરૂષાર્થ વિદ્યાવિજયજીનો હતો.

વિદ્યાવિજય મહારાજ જેમ કુશળ વક્તા હતા તેમ સિધ્ધહસ્ત લેખક પણ હતા. 'સૂરીશ્વર અને સમ્રાટ' પુસ્તકમાં તેમણે જગદગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજનું વ્યાપક અને રોચક જીવન આલેખ્યું છે. આ પુસ્તક કનૈયાલાલ મુન્શી, ગૌરીશંકર ઓઝા જેવા તત્કાલીન વિદ્વાનો અને સાહિત્યકારોનની ખૂબ પ્રશંસા પામ્યું હતું. કનૈયાલાલ મુન્શી વિદ્યાવિજયજી મહારાજના પ્રશંસક હતા. આ પુસ્તક વિશે કનૈયાલાલ મુન્શી લખે છે કે 'બધું જોતાં આ પુસ્તક ગુજરાતી ઇતિહાસના નાનકડા સાહિત્યમાં ઉપયોગી ઉમેરો કર્યા વિના રહેશે નહિ એમ હું ધારૂં છું. 'ઉપરાંત તત્કાલીન પ્રસિધ્ધ સામયિકો, વર્તમાનપત્રો વગેરેમાં પણ એમણે શતાધિક લેખો લખ્યા છે. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ઉપરાંત સિન્ધી ભાષામાં પણ તેમના લેખો અને પુસ્તકો મળે છે.

'મારી સિન્ધયાત્રા' પુસ્તકમાં તેમણે સિન્ધપ્રાન્તના પોતાના અનુભવો આલેખ્યા છે. આ પુસ્તક સાબિત કરે છે કે મુનિ વિદ્યાવિજય મહારાજ પ્રવાસવર્ણનો પણ સુંદર રીતે લખી શક્તા હતા. પોતાના ગુરુવર્યનાં અપ્રકાશિત પુસ્તકો પણ ગુરુવર્યના સ્વર્ગગમન પછી તેમના હસ્તે પ્રકાશન પામ્યાં છે. વિદ્યાવિજય મહારાજનાં પોતાનાં લખેલાં પુસ્તકોની સૂચિ પણ ઘણી લાંબી છે.

વિદ્યાવિજયજીના અનેક પુસ્તકોમાં 'ઇન્દોર વ્યાખ્યાનમાળા' અત્યંત પ્રસિધ્ધ છે. તે સમયમાં આ પુસ્તક ભારતભરમાં ખૂબ વંચાયું.

ગ્વાલિયર નરેશ, રાજમાતા, મહારાણી અને રાજકુમારી કમલારાજે ઉપરાંત તત્કાલીન ટોચના અંગ્રેજ પદાધિકારીઓ પણ વિદ્યાવિજય મહારાજ પર ભારે બહુમાન ધરાવતા હતાં અને એમનાં પ્રવચનો સાંભળવા ખાસ પધારતાં હતાં. ભારતના અસંખ્ય રાજાઓ, ખાસ કરીને ઉત્તર ભારતના રાજાઓ વિદ્યાવિજયજીના વિશિષ્ટ ભક્તો હતા. ગ્વાલીયરનું રાજ કુટુંબ વિદ્યાવિજયજી મહારાજની ખૂબ ભક્તિ કરતું હતું.

વિદ્યાવિજયજીના અનેક શિષ્યોમાં પંન્યાસ પૂર્ણાનંદ વિજયજી 'કુમાર શ્રમણ' ખૂબ વિદ્વાન હતા. તેઓ પૂજ્ય મારા ગુરૂ મહારાજ શ્રી દુર્લભસાગરસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં સંવત ૨૦૨૪-૨૫-૨૬ની સાલમાં અમદાવાદમાં રોકાયા હતા અને યોગોદ્વહન કર્યા હતા. શ્રી પૂર્ણાનંદ વિજયજી મહારાજ ખૂબ સારા વક્તા અને લેખક હતા. ક્રાંતિકારી સાધુ હતા. તેમણે લખેલું 'ભગવતી સૂત્ર સાર સંગ્રહ' ખૂબ જાણીતું છે. તેમના અન્ય પુસ્તકો પણ છે. તેમની પાસે હું અને મુનિશ્રી મિત્રાનંદ સાગરજી થોડોક સમય ભણ્યા હતા. તેમની પ્રેરણાથી સાધ્વીજી દિવ્યપ્રભાજી મહારાજ ખૂબ વિદ્વાન થયા.

વિદ્યાવિજયજી મહારાજથી ભારતના ક્રર્ષો પહેલા શિવપૂરી સંસ્થાના વિદ્યાર્થી અને ટ્રસ્ટી શ્રી રૂપચંદજી ભણસાલી મને મુંબઇમાં મળ્યા ત્યારે ભક્તિપૂર્વક વિદ્યાવિજયજી વિશે કહેતા હતા. મુનિરાજ વિદ્યાવિજયજીની નિશ્રામાં અનેક ધર્મોત્સવ થયા. તેમણે ભારતનો વિશાળવવિહાર પણ કર્યો. શ્રી વિદ્યાવવિજયજીનું સુંદર જીવનચરિત્ર તેમના સમયમાં ગુજરાતીના જાણીતા લેખક મુળજીભાઈ પી. શાહે લખ્યું છે.

જૈન મુનિ તરીકે તમામ કર્તવ્યો અને મર્યાદાઓનુંપાલન કરતા હોવા છતાં વિદ્યાવિજય મહારાજનું ક્રાન્તિકારી વલણ પણ છાનું રહેતું નહોતું. સમાજનાં દૂષણોને દૂર કરવા માટે તેઓ પ્રવચનોના માધ્યમથી ક્યારેક સમાજને કડવી દવા પણ પીવડાવી શક્તા હતા. જરૂર લાગે તો સંયત ભાષામાં ચાબખા મારીને પણ સમાજ સુધારણાનું કાર્ય કરતા હતા.

વિદ્યાનિધાન વિદ્યાવિજય મહારાજના જૈન જગત પર, સાહિત્ય જગત પર અને જૈનેતર સમાજ પર અગણિત ઉપકારો છે. જ્યારે જ્યારે તેમની સ્મૃતિ તાજી થાય છે ત્યારે ત્યારે અંતરાત્મા તેમના ચરણોમાં અહોભાવથી સહજ રીતે જ નમી પડે છે.

પ્રભાવના

સાચી વાત:

કહતે સો કરતે નહી,

મુંહ કે બડે લબાડ

તુલસી ઐસે નર કો

બાર બાર ધિક્કાર

- આચાર્ય શ્રી વાત્સલ્યદીપ સૂરિજી



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2EJ9QoA
Previous
Next Post »