લાકડાનો બગડો .


જં ગલમાંથી ગંગા ડોશી ચાલતી ચાલતી લાકડીના ટેકે આવી રહી હતી. જંગલની સૂકી કેડી હતી. સાંજનો વખત હતો. તોય પંખીઓની ટીક ટીક ટૂઈ ટૂઈ ટૂઈઈ...આવતી હતી. વાતાવરણને મસ્ત બનાવતી હતી. ત્યાં તો ડોશીના માર્ગમાં એક લકડબગ્ગો આવીને માથું હલાવતો ઊભો રહ્યો. ડોશીની એ તરફ ગઈ.

ગંગા ડોશીને બીક લાગી ગઈ. આમ તો એ કૂતરાની માફક હોડ હોડ કરીને કાઢી પણ... આ તો લક્કડબગ્ગો....કૂતરો હોડ હોડ કરતાં જાય. લક્ડબગ્ગો થોડો કંઈ જવાનો હતો ? એ એમ કંઈ ભાગી જાય એવો ક્યાં હતો ?

લકડબગ્ગો - અર્થાત્ ઘોર-(ઝરખ) ખોદિયું એનો દેખાવ ભયંકર હતો. એની ભયાનકતામાં વધારો કરે એવા તીક્ષ્ણ દાંત હતા.. એ તો માથું હલાવતો માર્ગ મધ્યે ઊભો રહ્યો. બીજી તરફ ગંગા ડોશીએ પોતાના હાથમાંથી પાતળી લાકડી ઊંચી કરતાં કહ્યું 'અરે ઓ લાકડાના બગડા-આ એક, સોટી ફટકારીશતો બેવડો વળી જઈશ.'

ગંગા ડોશીના શબ્દો સામે લક્ડબગ્ગા એ કહ્યું, ''આ આખું મલક (દેશ) મને લકડબગ્ગો કહે છે ત્યારે તું મને લાકડાનો બગડો કહે છે ? લાગે છે કે આજે તારો છેલ્લો દિવસ છે.''

'હેંડ હેંડ છેલ્લા વાળી ગંગા ડોશીએ કહ્યું.'

ત્યાં તો લકડબગ્ગો કહે ''ઘણા દિવસથી કોઈ ડોશીને ખાધી નથી. આજે તું સામે આવી ગઈ છે. ચાલ તૈયાર થઈ જા...બાકી ડોશીનો શો સ્વાદ હોય છે...''

'એમ ? તું મને ખાવા માગે છે ? એ પછી ગંગા ડોશીએ હાથમાંથી સોટી એક તરફ ફેંકતાં કહ્યું 'અરે ઓ લાકડાના બગડા મારા શરીરમાં ખાવા જેવું છે શું ? મને ખાંસીની બીમારી છે દી આખો ખૂ ખૂ ખૂ કરું છું..જો તું મને ખાઈશ તો તુંય ખૂ ખૂ ખૂ કરવા લાગવાનો....''

'ના હોય ?' લકડબગ્ગા (ઝરખે) કહ્યું.

'તો લાકડાના બગડા હું કાંઈ ખોટું કહું છું ? અરે મને કાયમ શરદી રહે છે. નાક સતત ગળતું રહે છે. છીંકો તો એવી ઉપડે છે કે બસ અટકતી જ નથી. તું જો મને ખાઈશ તો છીંકા છીંક થવાની...'

'ના હોય ? લકડબગ્ગાએ કહ્યું. તો લાકડાના બગડા આ મારું વાક્ય કંઈ ખોટું છે ? અરે મારા તો દાંતમાં પણ દર્દ રહે છે. મને ખાઈશ તો તારાય દાંત દુખવા માંડશે. કશુંય ખાઈ નહીં શકે. અરે પોચા ગાંઠિયા પણ નહીં.'

'ગાંઠિયા ?' એ વળી શું, ડોશી ?

'તારે ગાંઠિયા ખાવા સી (ખાવા છે) ?' ગંગા ડોશીએ પૂછ્યું.

'ના, મારે તો તને જ ખાવી છે, ઘણા દિવસથી કોઈ ડોશી ખાધી નથી.'

એ પછી ડોશીએ પોતાનો હાથ લાંબો કરીને કહ્યું 'લે મુવા લાકડાના બગડા, મને ખા અને મર તને એટલા રોગ થશે કે.....'

'મને રોગ થશે ?'

'હાસ્તો, વળી ગંધાતુ ખાય તો ગંધ જ આવે ને ?'

'તો શું હું ભૂખ્યો રહું ?'

'ના...તું જેતાવડ જા, ત્યાં ભગા ભરવાડના વાડામાં ઘેટાં બકરાંને જોઈશ તો બધું ય ભૂલી જઈશ. ત્યાં એટલાં બધાં ઘેટાં બકરાં છે કે...'

'પણ જેતાવડ ક્યાં આવ્યું ? લકડબગ્ગાએ પૂછ્યું.'

'જો હાંજ (સાંજ) થૈ (થઈ) છે મારી હારે હેંડ (સાથે ચાલ)'

'પણ જેતાવડમાં રહું ક્યાં ?'

'મારા ઘેર રહેજે' ડોશી બોલી.

લકડબગ્ગો લલચાયો. આગળ ડોશીને પાછળ લકડબગ્ગો. કેડી પર બેય આગળ વધ્યાં. ત્યાં તો ગામ આવ્યું એ ગામ બહાર ભગાજીનો વાડો હતો. એ તરફ પોતાની આંગળી ચીંઘતાં ગંગાડોશીએ કહ્યું. 'દિવસે મારા ઘરની પાછળની ઓરડીમાં પડયો રેજે (રહેજે) રાત પડે તું ઊકી ઊકી બોલજે. હું તને છોડીશ, તું એ પછી ભલાજીના વાડે આવી એકાદ ઘેટાં કે બકરીને પતાવી દેજે. બાદમાં મારા એ ઘરમાં આવી જજે.'

ડોશીએ વિગત બતાવી.

તો તો બહુ હારું (સારું)

આ તરફ લકડબગ્ગાએ ભગાજીનો વાડો જોયો. ઘેટાં બકરાંને જોયાં એનો જીવ ઊંચો નીચો થઈ ગયો...પણ ગંગા ડોશીએ કહ્યું આજે કાંઈ કરતબ કરીશ મા..મારા ઘેર ચાલ. ત્યાં આખી રાત-દિવસ રહેજે.

પણ અત્યારે મને બઉ (ખૂબ) ભૂખ લાગી છે. લકડબગ્ગો બોલ્યો.

લાકડાના બગડા, ઘેર તો ચાલ - હું તને ખાવાનું આપું છું. ગંગા ડોશીએ કહ્યું જોકે બીજી તરફ લકડબગ્ગાનો ડોળો ભગાજીના વાડા ભણી ઘડી ઘડી જતો હતો.

ડોશીનું ઘર આવ્યું. લકડબગ્ગાને ત્યાં રાખીને ડોશીએ કહ્યું તું અહીં રહે તારી ઓલે (માટે) કંઈક લઈ આવું...ને ડોશી ગઈ. થોડીવાર પછી લકડબગ્ગાને માટે ભીના ગાંઠિયા...મમરા મૂક્યાને કહ્યું આ ખાઈ સૂઈ જા...કાલથી શરુ કરજે.

ડોશીએ ઘરનું બારણું બંધ કર્યું. પછી પોતાના આગળના ઓરડામાં વિચાર્યું આ તો હિંસક પ્રાણી છે. ભગાજીનાં ઘેટાં બકરાં એક એક કરીને ખાઈ જવાનો એના કરતાં...શહેરના પ્રાણી સંગ્રહાલયમાં મોકલી દેવો જોઈને...ને ગંગા ડોશીની ચાલ સફળ થઈ. અમદાવાદ શહેરના કાંકરિયામાં એ લકડબગ્ગાને પૂરાઈ જવું પડયું.

એક દિવસ ગંગા ડોશી કાંકરિયામાં આવ્યો ને લકડબગ્ગો ઓળખી ગયો. બૂમ પાડી ઊઠયો. અલી ગંગાડી તું..જે દી હું બહાર આવીશ એ દિવસે....

પણ લકડબગ્ગો એમ કેવી રીતે બહાર આવવાનો હતો ભૈ - ?

- વિષ્ણુકુમાર બારોટ



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3lv4P39
Previous
Next Post »