ફોટો સ્ટોરી- ઝવેરીલાલ મહેતા


વર્ષોથી ઘરડાઓ કહેતા આવ્યા છે કે ઉપરવાળા ભલે ચોપડા રાખતા નથી પણ જન્મ-મરણના હિસાબ તો ચોક્કસ રાખતા જ હશે! આવા બધા વિચારો કહે છે કે આખી દુનિયામાં પ્રવર્તી રહ્યા છે. કારણ કોરોનાએ ચોતરફ કાળો કેર વર્તાવ્યો છે છતાં હજી ય એનું વર્તન ઓછું થયું નથી. આવા દર્દો પહેલાં ક્યાં હતા? અરે, વર્ષો - વર્ષ ગુજરાતના ખૂણે ખૂણે શ્રાવણ મહિનામાં મેળાઓ ભરાતા એમાં હજારો નાગરિકો, ગ્રામજનો હરખથી ભાગ લેતા. અરે, ચાર- ચાર દિવસ મેળા યોજાતા ત્યારે ક્યાંય 'કોરોના'નું ઠામ-ઠેકાણું નહતું. મેળામાં ય ગંદકી થતી હોય છે.

અરે, શહેરોમાં તો સ્વચ્છતાનું નામ નિશાન નથી હોતું. ગમે તેમ પણ કહેવાય છે કે પ્રત્યેક ૧૦૦ વર્ષે ઉપરવાળો વસતિ ઓછી કરવા નીચેવાળાઓની છટણી કરી નાખે છે. એટલે તો યાદ છે કે એ જમાનામાં ખેડૂતો ખેતરે જાય ત્યારે નાકમાં રૂના પુમડામાં શુદ્ધ ઘીના બે ટીપાં નાખી દેતા. લ્યો આ પૂમડા એટલે આજના ફરજિયાત ચહેરા પર લગાડાતા માસ્ક. બધું આપણા બધાના જીવ સાચવવા જ યોજાય છે. 

છેલ્લે આપણે બધાએ ફરજીયાત ઘરમાં જેલવાસ કેદીઓ જેમ જ ભોગવ્યોને!! આઝાદી તો ગયા અઠવાડિયે મળી- પણ એ આઝાદીમાં કંટાળેલા કેદીઓ ગાંડા થઇ જાય એમ બધું ''ઝાપટવા'' માંડયા. રખડવા લાગ્યા. આડેધડ બધા નિયમોને ઘોળીને પી ગયા. પરિણામે ગુજરાતમાં તો ઠીક પણ અમદાવાદમાં કોરોનાના દર્દીઓ વધ્યા. આખા ગુજરાતમાં ગૃહિણીઓને રસોડા સાથે શાકનો સંબંધ રહ્યો હોવાથી રોજ સવારે શાક શોધવા નીકળે ત્યારે ઘણા બધા કડક નિયમો હોવાથી ડરતા ડરતા શાકભાજીને શોધવી પડે. ભક્તો માટે મંદિરો ખુલી ગયા છે.

ઘરમાં ન્હાઇ-ધોઇ ઘીનો દીવો કરી દેવી-દેવતાને પ્રણામ કરી જાપ જપી શકાય ઉપરાંત દરેકના ઘરમાં રોજ સવાર-બપોરે ચા થતી હોવા છતાં બહાર ચાની લારીઓ પર ચાના બંધાણીઓની ભીડ દેખાય જ છે ને! અરે, સિનેમાના શોખીનો ''સિનેમા ઘર'' ક્યારે શરૂ થાય એની પ્રતીક્ષા કરી રહ્યા છે. લાંબી સમજણ ધરાવતા આપણા નાગરિકો એવી ઉતાવળ કદિ કરે નહિ પરંતુ એ સિનેમાના દયાળુ એક્ટરોએ અહીં આવેલા હજારો ગરીબ શ્રમજીવીઓને એમના વતન ભેગા કરવા લાખો રૂપિયા ખર્ચી નાખ્યા હતા.

રેલભાડુ અને પેટભાડુ બંને ફરજો અદા કરી હતી, એમ માણસાઇના દિવા હજુ ક્યાંક ઝગમગે છે. ઓલવાયા નથી. એટલે તો અહીં-તહીં સારા-નરસા સમાચારો આવે છે. છેલ્લે દુઃખદ ખબર આવ્યા કે ખેતરેથી ઘેર જવા ગાડામાં પતિ-પત્ની અને બે બાળકો એમ ચાર જણ જવા નીકળ્યા પણ વરસાદ અનરાધાર પડતા રસ્તામાં આખુ બળદગાડુ વરસાદના ધોધમાં આ બધા સાથે તણાઇ ગયું.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3hCJzGP
Previous
Next Post »