ખેડા રઢુ ગામે દફનવિધિ માટે જગ્યા ફાળવવા મામલે કલેક્ટરને રજૂઆત


નડિયાદ, તા.15 જૂન 2020, સોમવાર

ખેડા તાલુકાના રઢુ ગામના અનુસુચિત જાતિ સમાજ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ છે.જેમાં કાયમી સ્મશાનભૂમિ(દફનવિધિ) ની જગ્યાની માંગણી અને આંબેડકર  ભવન માટે ની જમીન ફાળવવા માટે રજૂઆત કરવામાં આવી છે.

ખેડા તાલુકાના રઢુ ગામના અનુસુચિત જાતિ સમાજ દ્વારા જિલ્લા કલેકટરને આપેલ આવેદનપત્રમાં જણાવ્યુ છે કે, આઝાદીના વર્ષો પહેલાથી સમસ્ત રઢુ અનુસૂચિત જાતિનું કાયમી કોઈ સ્મશાન નથી. જેના કારણે સમુદાયના લોકો પોતાના સ્વજનની દફનવિધી નદીના પટમાં,  જ્યાં કોઈપણ જગ્યા હોય ત્યાં કરે છે, જે વ્યવસ્થા બરાબર નથી અને કુદરતની વિરૃધ્ધ છે. વધુમાં કુદરતી આફત જેવી કે પુર આવવું તેમજ અનુકૂળ રસ્તા ન હોવાથી કાયમી હેરાનગતિ અનુભવાય છે માટે સમગ્ર સમાજની માગણી છે કે વહેલી તકે આ સમસ્યા અંગે ન્યાયિક ધોરણે વિચાર કરી સ્મશાન માટે કાયમી જમીન ફાળવી આપવા વિનંતી કરવામાં આવી છે. આ ઉપરાંત આવેદનપત્રમાં જણાવ્યું છે કે  છેલ્લા ૨૦ વર્ષથી અવારનવાર આંબેડકર ભવન માટે સરકારી પડતર જમીનમાંથી વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવે છે. આ અંગે ચોમાસાની સીઝન શરૃ થાય તે પહેલાં આ સમસ્યાનો ત્વરિત હલ કરવામાં આવે તેમ આવેદનપત્રમાં જણાવ્યું છે.




from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3e5pk2v
Previous
Next Post »