કે સૌએ મળીને ભ્રષ્ટ કર્યો છે ભાષાનો રત્નાકર ગુજરાતી થઇ, ગુજરાતી કોઇ 'ભણે' નહિ બરાબર!

સ્પેક્ટ્રોમીટર - જય વસાવડા


'પં ગા' અને 'પંપ' બેઉમાં અનુસ્વાર છે, પણ ફરક શો? (હવે આ અનુસ્વાર એટલે શું? એવું કહીને ઢાંકણીમાં પાણી લઇ ડૂબાડશો નહિ, પ્લીઇઇઇજ. ઓકે, અનુસ્વાર એટલે માથે મીંડુ, યુ નો. હીહીહી.)

અંગ્રેજી સ્પેલિંગ લખો એટલે ફરક ખબર પડશે, જે વળી આવ્યો છે સંસ્કૃતના વ્યાકરણમાંથી, અને એનો સોર્સ કોડ છે : પ્રાકૃતિક ધ્વનિ, નેચરલ સાઉન્ડસ! તો પંગા નામે કંગના રણૌતની ફિલ્મનું પોસ્ટર જોયું હશે, તો ખબર પડશે કે એમાં અંગ્રેજી 'એન' આવે છે. ખેડૂતો માટેના પંપની કોઇ જાહેરાત જોઇ હશે, તો ખબર હશે કે એમાં અંગ્રેજી 'એમ' આવે છે. ખોડા અક્ષર સાથે ગુજરાતી લખીએ તો પ-ન્-ગા અને પ-મ્-પ. મીંડુ એક છે, પણ બોલવામાં ફરક છે! 'મુંબઇ' અને 'મંથન'માં આ જ 

ફરક છે.

ક્યાંથી આવ્યો આ ફરક? કોઇ રક્ષાબહેન દવે જેવાં જ્ઞાાની શિક્ષકના બે સપ્તાહ પહેલા ભલામણ કરી, એ યુટયુબ વિડિયોઝ જુઓ તો ય સમજાય, ને 'કક્કો-બારાખડી'ના પુસ્તક વાંચો તો ય. વ્યાકરણની વાત પણ રસિક-આધુનિક રીતે થઇ શકે. પણ 'અંગ્રેજી શબ્દો સમજૂતીમાં વાપરવા જ નહિ' એવી 'મરજાદ' છોડવી પડે. અને આજના સમયના મૂવીઝથી મોબાઇલ સુધીના ઉદાહરણો આપતા શીખવું પડે. એમાં લાગણીઓ દૂભવી  દેવાની એલર્જી છોડવી જોઇએ.

તો પંપ કે મુંબઇમાં ગુજરાતી કક્કા મુજબની 'સીરિઝ' છે ઓષ્ઠય. યાને હોંઠથી બોલાતા શબ્દો. કક્કો તો યાદ છે ને? (આ સવાલ ખરેખર બધા જ ગુજરાતીઓને પૂછવો જોઇએ, પૂછનારાઓ સહિત!) 'પ,ફ,બ,ભ,મ' આમાં બધા શબ્દો બે હોંઠ મળે ત્યારે જ ઉચ્ચારી શકાય. પંપ કે મુંબઇમાં અનુસ્વાર પછી ઓષ્ઠય છે : 'મ્પ', 'મ્બ' . પણ પંગા કે મંથનમાં પછી ગ કે થ છે. માટે નિયમ ફરે. (અપવાદો ય હોય). હજુ જે સરખો બોલી કે લખી જ નથી શકાતો એ 'યંગ્' જેવા શબ્દો ય ખરા. જે જોડાકાર બોલવામાં કામના છે. એનો ધ્વનિ જ અલગ છે. પણ આવી ઝણીવટભરી બારીકીઓ હવે કિતાબોની જેમ જીંદગીમાંથી ય નીકળતી જાય છે. ટૂંકમાં, 'કંપની' અને 'કુંદન' બોલવામાં અલગ છે. 'કન્પની' ને 'કુમ્દન' બોલો તો જ ગરબડ લાગે! આવું 'ણ'નું પણ છે.

એવું જ પુલ્લિંગ-સ્ત્રીલિંગ (મેલ-ફિમેલ જેન્ડર) અને જેનું જગતની ઘણીખરી ભાષાઓમાં સ્થાન જ નથી એવા નપુંસકલિંગનું છે. આવ્યા, ગયા, પધાર્યા, રહ્યા વગેરેમાં નર-નારી-નાન્યતર ત્રણે જેન્ડર યાને સર્વસમાવેશ હોય તો ઉપર અનુસ્વારનું ટપકું આવે. પણ એકલા પુરૂષની વાત હોય તો ન આવે. કબૂતર ઊડયું. ગાંધીજી 'આવ્યા'. પણ ગાંધીજી અને કસ્તૂરબા 'આવ્યાં'! એમ તો વળી ઉચ્ચારણ વખતે અક્ષરના જે શ્વાસ લેવાય એ મુજબ 'મહાપ્રાણ' અક્ષરો હોય. જેની સમજ વળી અંગ્રેજીથી તરત મળે. ક,ખ,ગ,ઘ માં ખનું અંગ્રેજી કેએચ અને ઘનું જીએચ થાય. મતલબ આ 'મહાપ્રાણ'  અક્ષરો!

આવો રસમય સંસાર છે ગુજરાતીમાં વિભક્તિઓ અને પ્રત્યયોનો. શબ્દ આગળ લાગતા 'પૂર્વગ'થી બદલાતી અર્થ છાયાઓનો. નામો-વિશેષણોનો. કર્તરિ-કર્મણિ (એકટિવ - પેસિવ ટાઇપ) વાક્યપ્રયોગોનો. છંદોના લયબદ્ધ તાલનો, શબ્દોની શોભા વધારતા અલંકાર અને સમાસનો. આ બધું સાદા વાક્યો પરનું ટોપિંગ ડ્રેસિંગ છે. ભૂખ લગાડે એવું રસઝરતું આકર્ષક.

જેના મૂળિયા સંસ્કૃતમાં છે. સંસ્કૃત 'નાસા' એ કોમ્પ્યુટરની ભાષા તરીકે સ્વીકારી - જેવા હમ્બગ ગપ્પાઓથી એની ધરાર મહાનતા જૂઠ દ્વારા ફેલાવવી સહેલું કામ છે. અઘરું કામ છે, સાચે જ એનું જે સૌંદર્ય છે, એ મૂળ ગ્રંથો ઉપાડીને વાંચવું. એનું વ્યાકરણ સમજવું એ અઘરું કામ છે. વળી વિદ્વાનોએ દુર્બોધ (ટફ કહેવાય લ્યા, પણ શબ્દ જ કેવો ભારેખમ છે હેં!) રીતે પુસ્તકો લખીને એ અટપટું, કંટાળાજનક બનાવી દીધું છે. વળી આજના જમાનામાં મગજ પર બીજા વિષયોનો 'ડેટા' લોડ કરે, ત્યારે અવનવા અપવાદ ધરાવતા જોડણી કે વ્યાકરણના બધા નિયમો યાદ રાખવા શક્ય જ નથી. નિવૃત્ત વડીલ શિક્ષક ઉમાકાંતભાઇ રાજ્યગુરૂએ કેન્સર હોવા છતાં એના સરળ નિયમોની પુસ્તિકા બનાવી ધક્કા બહુ ખાધા, પણ સરકાર કે સમાજને ઝાઝો રસ ન જ પડયો! વર્ષો પહેલા ફાધર વાલેસે ગુજરાતી પ્રેમી પરદેશી તરીકે ગુજરાતી ભાષાની સમજણ આપતું સુંદર પુસ્તક 'શબ્દલોક' લખેલું, એ સુપરફ્લોપ જતા (બીજી આવૃત્તિ જ ન થતા) એમનું મન ઊઠી ગયું, ગુજરાતી પુસ્તકો નવા લખવામાંથી!

એટલે દસમા ધોરણમાં માતૃભાષા ગુજરાતીમાં લિબરલ અપાય એવા રિઝલ્ટમાં ય નાપાસ થનાર એક લાખ વિદ્યાર્થી હોય, (થોડા વર્ષો અગાઉ બે લાખ પણ હતા) એ રિઝલ્ટ આજનું છે, પણ એના રિઝન ઉપરછલ્લા અપાય - ઈંગ્લિશ મીડિયમની સ્કૂલ કે મફત નેટ ને ગેઇમના મોબાઇલ ચસકા વધી ગયા એ નથી. એથી વધુ ઊંડા અને જુદા છે!

    

ફર્સ્ટ થિંગ ફર્સ્ટ.

હા, અંગ્રેજીમાં. ઘણી વાર કહ્યું છે એનું રિવિઝન જ છે આ. ગુજરાતી ભાષાને ભણતરમાં સમૃદ્ધ અને આકર્ષક બનાવવી હોય તો 'એન્ટી ઈંગ્લિશ' માનસિકતાને ઊંડા કૂવામાં નાખી દો. ખાડો ખોદીને ધરબી દો. સારું ખુદને અને બીજાઓને લગાડવા ઉપરઉપરથી વાહવાહી થશે, તાળીઓ પડશે. પણ ભીતરથી અંગ્રેજી બાબતે 'ન આવડે તો પાછળ રહી જશું'વાળી લુઘુતાગ્રંથિ જશે નહિ. માટે અંગ્રેજીનો પ્રભાવ પણ ઘટશે નહિ. આમ પણ, જેને આપણે હાયર એજ્યુકેશન કહીને દોટ લગાવીએ છીએ એડમિશન માટે. એ તમામ 'સુપરકરિઅર' ગણાતા પ્રોફેશનલ કોર્સમાં અંગ્રેજી આવવાનું જ છે. વ્યવહારમાં એ જ્ઞાાનભાષા છે આપણા માટે, દુનિયા સાથેની લિંક લેંગ્વેજ છે. માટે ગુજરાતી ફરજીયાત કરી, એમ અંગ્રેજી ય ઉત્તમ શીખવવાની ફરજ હોવી જ જોઇએ.

ભાષા કાનથી બાળક શીખે. મા-બાપને સાંભળીને નકલ કરતા. આંખથી વાંચીને નહિ. આપણા જીવનમાં જ ઉપયોગી શોધખોળો પરદેશથી આવી તો સ્વિચથી સીમકાર્ડ સુધીના અંગ્રેજી શબ્દો સહજભાવે આવી જાય. એક મોટા ગજાના ગુજરાતી નેતાજીએ ગુજરાતી ભાષાના વખાણ કરતા કરતા ''આપણે એજ્યુકેશન સુધારવા ગુજરાતી કોમ્યુનિકેશન વધારવું ને બાળકને માતૃભાષામાં જ ભણાવવું તો એની સ્કિલ સારી થાય'' એવું કહેલું. અચેતન મન યાને સબકોન્શ્યસ માઇન્ડથી આપણે બોલવામાં અંગ્રેજી શબ્દો લઇ આવીએ છીએ. એ લખવામાં ય આવે જ. આવવા જ જોઇએ, વધુ પ્રવાહી ભાષા ઉર્ફે લ્યુસિડ લેંગ્વેજ માટે. માટે આવી ભૂલ શોધીને હરખાવાના ધખારાથી કદી શિક્ષણના સ્તરનું ભલું નહિ થાય. ગુજરાતીમાં પરભાષાના સેંકડો શબ્દો છે જ. બજાર, મફત અને પરીક્ષામાં લખવાનો જવાબ ફારસી શબ્દો છે. માટે આજની 'જનરેશન' માટે ભેદી લાગે એવા ભાષાંતરને બદલે બધા વિષયની ટેક્સ્ટબૂક્સ વ્યવહારમાં સરળતાથી સમજાય એવા અંગ્રેજીમિશ્રિત ગુજરાતીમાં લખવાની જરૂર છે. ગુજરાતી વ્યાકરણની પણ. ભણવાવાળા જે યુગમાં જીવે છે, ને જીવવાના છે, એને ફોકસમાં રાખો, નહિ કે ભણાવવાવાળી જૂની પેઢીના જડ હઠાગ્રહોને.

બીજું, એટલું જ અગત્યનું વ્યવહારૂ સત્ય. આપણું ધ્યાન પરંપરાગત વેપારી માનસિકતાને લીધે, નફા અને ફાયદામાં જ રહે છે. જેમાં 'રિટર્ન' ન હોય એવી ચીજો ગમતી નથી. સિવાય કે ટાઇમપાસ મોબાઇલ મચડવો કે ધાર્મિક લાગણીઓ દૂભાવવી (એમાં ય આનંદ અને અહંકારનું વળતર તો વળી છે જ.) એટલે આપણી ભાષાપ્રીતિ જ હાંસિયા જેટલા ૧૦% અપવાદો બાદ કરીએ, તો ૯૦% પ્રજામાં નથી રહી. માટે જ થોડા સમયથી એ 'ગિલ્ટ' અનુભવી દેશ-પરદેશના ગુજરાતીઓ મહેનત કરે છે. પુસ્તકમેળાઓ ય થાય છે ભીડવાળા. પણ એમાં ય પ્રોગ્રામ હોય તો મનોરંજન અને પુસ્તક હોય તો 'સફળતા / સેલ્ફ હેલ્પ પહેલી 'પ્રાયોરિટી' છે. આ જડબેસલાક પ્રોફિટ-સક્સેસ 'વાયરિંગ'ને  લીધે ભાષામાત્ર બેકસીટ પર ધકેલાઇ જાય છે.

ગુજરાતી જ નહિ, હિન્દી કે અંગ્રેજીમાં ય આપણે સરખી મહેનત કરી ભાષા કે સાહિત્યના પ્રેમમાં પડતા નથી. ઉત્તમ વાર્તા-કવિતાઓ વાંચતા નથી. દુનિયામાં આબરૂના ડરથી અંગ્રેજી સ્પેલિંગ કરેકશન કે ગ્રામેટિકલ મિસ્ટેક્સમાં સભાન વધુ રહીએ છીએ એટલું જ. એ ય ડરથી. પ્રેમથી નહિ. ભાષાનું આકર્ષણ હોત તો દુકાનોના પાટિયાંથી લગ્નની કંકોત્રી સુધી આટલી ભૂલો ન રહી હોત. ગુજરાતી માધ્યમની લગની લાગી હોત. સારાસારા લોકો શુદ્ધ રીતે પોતાની જાતને વ્યક્ત કરતી પંદર-પચ્ચીસ લીટીનું એક પાનું ય લખી શકતા નથી.

આ આપણો મૂળભૂત પ્રશ્ન છે. જ્યાં મુંબઇથી મેનહટન સુધી યાને દરેક જગ્યાએ એવા ગુજરાતીઓ મળશે, જેમની નવી પેઢીને ગુજરાતી વાંચતા જ નહિ આવડે! આવો કોઇ આરબ કે મોંગોલિયન નહિ મળે ક્યાંય. જેને ખુદની ભાષામાં લખાયેલો મેસેજ પણ ન વાંચતા આવડે! આ બાબતે ધંધાધાપામાંથી સમય કોઇને વિશેષ ફાળવવો નથી. બાકી, બીજા દેશોની પ્રજા જાપાનીઝ કે ફ્રેન્ચ, સિંગાપોરિયન કે સ્વીસ તો માતૃભાષા પોતાની યાદ રાખે જ છે, પણ અંગ્રેજીના આટલા આકર્ષણ છતાં કોઇ બંગાળી કે મરાઠી, મલયાલમ કે તમિલ પરિવાર જોયો, જ્યાં હાઇટેક ડિગ્રી લેતા સંતાનો હોવા છતાં મૂળ ભાષા જ વાંચતા સરખી ન આવડતી હોય? આપણે ત્યાં આજે પણ શુદ્ધ સાહિત્યના વાર્તાસંગ્રહ કે કવિતાસંગ્રહની બ્રાન્ડ વિના હજાર નકલો વેંચાવામાં ફીણ આવી જાય!

તો પ્રતિવર્ષ દસમાના વિદ્યાર્થીઓ કંઇ શુક્ર મંગળના ગ્રહમાંથી આવતા નથી. આ જ સમાજ, આ જ વાતાવરણમાંથી આવે છે. વિદ્યાર્થીઓ જ નહિ, શિક્ષકો પણ એમાંથી જ આવે છે. એ ય ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જ છે. ગુજરાતી ભાષાના યુવાન અને કાબેલ હોય, એવા કમ્પોઝિટર્સ-પ્રૂફરીડર્સ પણ પ્રકાશનોને મળતા નથી. અનુવાદકો ય ઘટતા જાય છે, નવી પેઢીમાં! કૂવામાં હોય તો હવાડામાં આવે એ ગુજરાતની જ દેશી કહેવત છે. ખરેખર ટીવી-પ્રિન્ટ જર્નાલિઝમ અને ગુજરાતી ભાષાના શિક્ષક-અધ્યાપકની જેમ વિદેશ જવા માટે અંગ્રેજીજ્ઞાાનની ખાસ પરીક્ષા લેવાય, એવી કોઇ 'સ્ટાન્ડર્ડ ટેસ્ટ' લેવાની જરૂર છે. પરીક્ષા શક્ય ન હોય, તો વધુ સારો વિકલ્પ એની તાલીમનો છે. ફરજીયાત એક 'વોકેશનલ કોર્સ' કરવાનો ને પગારના ઈન્ક્રિમેન્ટને ય એની સાથે જોડી દેવાનું. અને આ તાલીમ રસપ્રદ રોમાંચક રસિક હોવી જોઇએ. રમેશ પારેખની વરસાદકવિતાથી મરીઝના મહોબ્બતના દર્દ સુધી. ચન્દ્રકાંત બક્ષીની કડક કટારીથી રમણલાલ સોનીની બાળવાર્તા સુધી, મેઘાણીના તળપદી જોશથી સુરેશ જોશીની આધુનિકતા સુધીનો સ્પર્શ થાય એવી. જેમાં જ્ઞાાન પછી, પહેલા ભાષા માટેનો પ્રેમ પ્રગટે. પ્રેમ હોય ત્યાં જ્ઞાાન આવી જ જાય!

અને હા, આટલી વાત ગળે ઉતરે તો હવે શું થઇ શકે એના ફટાફટ સૂચનો. ઈમોશનલ નહિ, પ્રેકટિકલ.

    

(૧) આગળના અગત્યના એડમિશન માટે દસમા ધોરણ પછી માત્ર ગણિત-વિજ્ઞાાનના જ માર્કસ ગણાય છે. આવું હોય તો એસ.એસ.સી.ને બદલે એક એડમિશન એન્ટ્રન્સ ટેસ્ટ જ લેવી જોઇએ. ભાષાના ગુણનું મહત્વ વ્યવહારમાં ન હોય, તો એ ભણવામાં સમય આપવો 'અવગુણ' લાગે. આ વિસંગતિ (કોન્ટ્રાડિકશન હોય!) દૂર કરવાની જરૂર છે. 

ખરેખર તો દરેક વિષયનો અભ્યાસ ભાષા થકી જ થાય છે. માટે ઉચ્ચ અભ્યાસ માટે ય અને એની સાથે ય વાર્તા-કવિતા (માત્ર બોરિંગ ભાષાજ્ઞાાન નહિ) ય ખાસ અભ્યાસક્રમમાં સામેલ કરતા રહેવી. એનાથી  ભણતર ઉપરાંત સંવેદનાનું  ઘડતર પણ થશે.

(૨) ટેકનોલોજીને, ડિજીટલ ગેજેટ્સને ગુજરાતીના દુશ્મન માનવાને બદલે દોસ્ત બનાવો. સ્વ. રતિલાલ ચંદેરિયાએ ગાંઠનું ગોપીચંદન કરી ગુજરાતીના યુનિકોડ ફોન્ટસને પરદેશી ગૂગલ, માઇક્રોસોફટ, એપલ વગેરેમાં સ્વીકૃત કર્યા તો ઘણી ગુજરાતી રચનાઓને નવજીવન મળ્યું. ગુજરાતીને જાણે નવા માધ્યમને સંજીવની મળી. આપણે તો એમાં ય આત્મનિર્ભર નહોતા. ગુગલ ઈન્ડિક એપ તો મોબાઇલ કોમ્પ્યુટરમાં ટાઇપ માટે સક્રિય નથી. એમાં ખામીઓ હતી. પણ બીજાથી ઝડપીને સરળ હતી. એમાં આપોઆપ જોડણીસુધારા - ગુજરાતી સ્પેલચેકરની મદદ મળે અને અત્યારે થાય છે એવું 'રગડધગડ' નહિ, પણ અંગ્રેજી જેવું સફાઇદાર 'વોઇસ ટુ ટાઇપ' બોલો ને ગુજરાતી વાક્યો ટાઇપ થાય એ સોફટવેર સાચા શબ્દો ને વાક્યો આવે. પૂર્ણવિરામ, અલ્પવિરામ, ઉદ્ગારચિહ્ન ને ભાગ્યે જ વપરાય છે, વિન્કિંગ સ્માઇલી સિવાય; એ આ વાપર્યું એ અર્ધવિરામના સુધારા કરાવો. સરકાર ઉત્સાહી સ્વદેશી યુવાઓ માટે એની ઈનામી સ્પર્ધા રાખી શકે. ડિજીટલ ગુજરાતી મફત, આસાન, સાચું બનાવો તો પ્રેકટિકલ પેપરની ગુજરાતીની ગુણવત્તામાં ફરક આવશે. કારણ કે, બાળકની એ દુનિયા છે.

(૩) જ્યાં જ્યાં અંગ્રેજી છતાં જે-તે દેશની સ્થાનિક ભાષા મજબૂત છે, એ ભાષણોથી નથી. નીતિરીતિઓ અને જીવનથી છે. અદાલતોની ભાષાનું સરલીકરણ ગુજરાતીમાં ઉપલા લેવલે થવું જોઇએ. સરકારી વિભાગોના ફોર્મ આવા અટપટા કેમ હોય છે? જર્મન કે ઈટાલીયન વગેરેની વાતો કરવી છે, પણ એ લેંગ્વેજીઝને લોક 'ઓર્ગેનિક સપોર્ટ' છે. ફેશનના મેગેઝીનોથી ફિલ્મો સુધીનો. (ગુજરાતી ફિલ્મના સર્જકો ભાષા બાબતે બેદરકાર છે, ને સેન્સર બોર્ડ પણ!) ચકચકિત ગ્લેમરસ ટોપિકના બૂક્સ-એપ બધું સ્થાનિક ભાષામાં છે. માત્ર ભારેખમ આદર્શોના ઉપદેશ નહિ. સાયન્સ ફિકશનથી ઈરોટિક સોંગ્સ સુધી. કેટલા સંદર્ભગ્રંથો આપણે ત્યાં સરળરસાળ ગુજરાતીમાં ભણવાના? આ માહોલ સેંકડો ઉદ્યોગપતિઓએ, રાજકારણીઓએ, વિદ્વાનોએ, કલાકારોએ - એ પ્રદેશોમાં વર્ષોથી વાવ્યો છે, એના ફળ મળે છે. આપણે ત્યાં ગુજરાતી મીડિયામાં ય ગુજરાતી સર્જન હાઇલાઇટ ઓછું થાય! લોકલ બ્રાન્ડની ખિલ્લી ઊડાવવામાં આવે. પોતાના જ કલાકાર-સર્જકોની ટાંટિયાખેંચ થાય. વેપારીઓ ચોક-બગીચા બનાવે, છાત્રાલયો - શાળાઓ બનાવે પણ આ મામલે ખાસ કશું કરવાનું વિઝન જ નહિ. કેટલા ગુજરાતી અબજપતિઓ સુંદર પિચાઇ, બિલ ગેટ્સ, સ્ટીવ જોબ્સ  કે ઈલન માસ્ક જેવા પ્રવચન પણ કરી શકે?

(૪) ગાંધીજીએ સાર્થ જોડણીકોશ રચ્યો. ગુજરાતી સાહિત્યકારોને પ્રેરણા આપી સરળ લખવાની. ને આખો ગાંધીયુગ આવ્યો સાહિત્યમાં. સમય જતાં જેમ ભલભલા નિયમો ફરે, કાયદાસુધાર થાય, જીવનશૈલી ફરે એમ ભાષાના ય નિયમો ફરવા જોઇએ. ગુજરાતીમાં સર્વસંમતિથી આ કામ થયું નથી. નરેન્દ્ર મોદી કે મુકેશ અંબાણીની વગનો ઉપયોગ કરી આ કરવા જેવું છે. પાયાનું કામ. મહેન્દ્ર મેઘાણીના સુધારા રોગ કરતા ઈલાજ ભારે જેવા હતા. પણ ઊંઝા જોડણી સુધાર જેવા દીર્ધ ઉ અને હ્રસ્વ ઈ જેવા સુધારા ઘણા લોકો જાતે જ કરી લે છે. અરાજકતા છે. જોડણી - જોડાક્ષરના નિયમો આપણે આરંભે જોયું એમ અદ્ભુત છે. પણ અટપટાં ય છે. આજની હોજરી આટલું શુદ્ધ સત્વ પચાવી શકે એવી નથી. અમુક શબ્દોના અર્થ જ વ્યવહારમાં સમૂળગા ફરી ગયા છે. (જેમ કે, અભિભૂત, ખખડધજ) અડાબીડ ઝાડીઝાંખરા સાફ કરી, વિદ્વાનોને એકઠાં કરી ને મોકળું મન એમને ય રાખવાનું કહી વ્યવસ્થિત નવી 'ગુજરાતી ૨૦૨૦'નું વર્ઝન ૨.૦ તૈયાર કરવું પડે. આ કોઇ પણ ભાષામાં સતત થતી સાહજિક સ્વાભાવિક ક્રિયા છે. અંગ્રેજીમાં નાઈફનો કે કલરના યુની જેમ ઉડી જવાનો છે. આ સમયસર જૂના વળગણો કે દૂરાગ્રહો છોડીને કરીશું નહિ તો કાબૂ બહારની અંધાધૂંધી થઇ જશે. ને વધુ વિદ્યાર્થીઓ નિષ્ફળ વગરવાંકે જશે.

(૫) સરદાર પટેલે એમની તડફડ જબાનમાં સંસ્કૃત બાબતે રોકડું કહેલું એ ગુજરાતીને લાગુ પડે એમ છે. 'જે ભાષામાં બિલ બને એ ટકે!' મતલબ, ગુજરાતીના પેપર ને કોર્સમાં રસ ત્યારે પડશે જો ગુજરાતી સરસ હોય ને એમાં કામ થાય, એનું આર્થિક વળતર સ્પેનિશ કે ચાઇનીઝની જેમ અંગ્રેજીને ટક્કર માટે એવું હોય. પણ પોતાની જ ભાષા માટે રૂપિયા ઢીલા આપણે કરીએ ખરા?

'શું શાં પૈસા ચાર'થી 'વાણી શાણી ગુજરાતી'ની યાત્રાના આધુનિક પડાવની મંઝિલ આ જવાબમાં છુપાયેલી છે.

(શીર્ષક : અવિનાશ વ્યાસની ક્ષમાયાચના સાથે)

- ફાસ્ટ ફોરવર્ડ -

ગુજરાતી કેવળ આદર આપવાની માતૃભાષા નથી. એ પ્રેયસીભાષા પણ છે. પ્રિયજનને પ્રેમ કરવા - ઝીલવાના વાસંતી સ્પર્શની, નટખટ મસ્તી અને દિલના દર્દની ભાષા ય છે. એનો ચરણસ્પર્શ થાય, એમ એના અલ્લડપણાને આલિંગન પણ થાય!



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3e1zXmK
Previous
Next Post »