
આ ઝાદી પહેલાંની વાત છે. એક નાનકડું સ્ટેટ હતું. નવાબી રાજ હતું. નવાબ પ્રજાના સુખમાં રાજી થનાર રાજા હતા. નીતિથી ચાલવું. વધારે કરવેરા ન નાખવા અને ભલાઈના કામ કરવા નવાબને ગમતા હતા.
નવાબ સંગીત અને સુગંધના શોખીન હતા. એમના દરબારમાં કલાકારો આવતાં અને જ્યારે બેનમૂન સૂરાવલી વહેતી ત્યારે નવાબ આફરીન પોકારી જતા. કલાકારને ઉંચી બક્ષીશ આપતા.
નવાબના મહેલની આજુબાજુમાં સુંદર બગીચો હતો. બગીચાને અનોખો બનાવવા માટે નવાબે કેળવાયેલા માળીઓ રોકેલા જાતજાતના સુગંધિત પુષ્પોની સૌરભ ચોપાસ છવાતી અને નવાબ પ્રસન્ન થઈ જતા.
નવાબ દરબારમાં હંમેશા કહેતા. જે માનવી કોઈનું અણહઠનું લેતો નથી અને પ્રમાણિકતાથી જીવે છે તેને ઈશ્વરની મદદ મળે છે.
એ ગામમાં એક શેઠ રહે.
શેઠની મોટી દુકાન અને વિશાળ હવેલી. વેપાર પણ ધમધોકાર ચાલે. શેઠ ચુસ્ત જૈન. એમનું નામ હિરાલાલ વનમાળીદાસ. રોજ જિનમંદિરમાં જાય અને પ્રભુની પૂજા કરે. રોજ ઉપાશ્રયમાં જાય અને ગુરુવંદન કરે. ગુરુજનોનું પ્રવચન સાંભળે અને તેમાંથી જે ઉપદેશ મળે તે હૃદયમાં ઝીલે. શેઠ માને કે ગુરુજનોની વાણીનું જે પાલન કરે તે આ ભવમાં અને પરભવમાં સુખી થાય. ગુરુનો ઉપદેશ સૌના કલ્યાણ માટે જ હોય છે. એમને ક્યારેય અંગત સ્વાર્થ નથી હોતો. તેઓ સૌનું ભલું જ કરે છે.
એકવાર ગુરુદેવ પ્રવચનમાં કહ્યું કે નોકરને પણ તમારો કુટુંબી માનવો.
શેઠ આ વચન યાદ રાખી લીધું.
શેઠની દુકાનમાં એક નોકર વર્ષોથી કામ કરે અને શેઠને પાકો વફાદાર.
શેઠ પણ તેના પૂરો ભરોસો રાખે.
એકવાર એવું બન્યુું કે શેઠનો પરિવાર બહારગામ ગયેલો અને હવેલીમાં શેઠ અને નોકર બંને એકલા.
રાતની વેળાએ શેઠ પોતાના ખંડમાં નિરાંતે સૂતા હતા. સૂર્યાસ્ત થાય તે પહેલાં જમી લીધેલું અને પાણી પણ પી લીધેલું. ચોવિહારનું વ્રત કરેલું. વળી, દિવસમાં તો શું આખી જિંદગીમાં કોઈ ખોટું કામ કરેલું નહીં એટલે જેવા પથારીમાં પડે એટલે શેઠને સુખ ભરેલી નિંદ્રા આવી જાય.
એ દિવસે નોકરના દિલમાં પાપ પેઠું.
હવેલીમાં કોઈ નહોતું. શેઠ ઘસઘસાટ સૂતા હતા. નોકરે આવી લઈને તિજોરી ખોલી. એક કપડાંમાં દાગીના અને રૂપિયા ભર્યા અને જ્યાં ભાગવા ગયો ત્યાં બારણા સાથે અથડાયો. પોટલી જમીન પર પડી એટલે તેનો અવાજ આવ્યો. શેઠ જાગી ગયા. નોકરી પોટલી જેમ તેમ હાથમાં લઈને ભાગ્યો.
એક -બે દાગીના નીચે પડી ગયા હતા. શેઠે નોકરને ન જોયો એટલે બધું સમજી ગયા.
નોકર હવેલીમાંથી ભાગેલો મધરાતનો સમય. રસ્તામાં કોટવાલ મળ્યો. કોટવાલને નોકરીની હિલચાલ શંકાસ્પદ લાગી. કોટવાલે તેને પકડી લીધો. સવારે દરબારમાં હાજર કર્યો.
શેઠ મોટા મનના માનવી હતા. એમને થયું કે નોકરને કંઈક જરૂર પડી હશે માટે ચોરી કરી હશે. શેઠ કોટવાલને કહ્યું કે મારે ત્યાં કોઈ ચોરી થઈ જ નથી. તમે નોકરને મારતા નહીં.
શેઠ નવાબ પાસે જઈને નોકરને છોડાવી લીધો.
નવાબ કહે શેઠ ! તમારી ઉદારતા હું જાણું છું. તમારા નોકરે ચોરી કરી છે તે પણ હું જાણું છું. તમે તેને સજા થવા દેવા નથી માંગતા તે પણ હું સમજું છું શેઠ ! તમારા જેવા પુણ્યશાળીઓ મારા રાજ્યની શોભા છે.
શેઠ નોકરને લઈને પાછા વળી ગયા. હવેલીમાં આવ્યા. શેઠે નોકરને કહ્યું. જો ભાઈ, તે ચોરી કરી છે એ ખોટું કર્યું છે. તારે જરૂરત હતી. તો મને પહેલાં કહેવા જેવું હતું. હું તને સામેથી પૈસા આપત. પણ ખેર, જે થયું તે થયું તે જેટલું પોટલીમાં લીધું છે તે તારું છે. જા સુખી થા.
નોકર સ્તબ્ધ થઈ ગયો. એને થયું કે શેઠ માનવી છે કે દેવ છે !
શેઠ નોકરના પગમાં પડયો. માફી માંગી. શેઠે તેને નોકરીમાં પાછો રાખી લીધો. શેઠ હિરાલાલ વનમાળીદાસને ત્યાં એ જીવનભર નેકી-વફાદારીથી રહ્યો.
પ્રભાવના
માનવીએ આકાશથી મેઘની મૈત્રી તોડીને સરિતાનો સહવાસ પસંદ કર્યો. સરિતાથી દૂર રહેવાનું વિચારીને પછી સરોવરની નિકટતા પસંદ કરી. સરોવરથી અલપ્તિ થઈને વાવ સાથે મનના તાર જોડયા. વાવથીય વળી દૂર થઈને કૂવાનો કિનારો પસંદ કર્યો. કૂવાનેય જાકારો આપીને ઘરમાં માટીનો ઘડો આવ્યો. માટીનો ઘડો છોડીને ફ્રીઝ પસંદ કર્યું. પણ આ આખીય યાત્રામાં માનવી ભૂલી ગયો કે અીં જળ વિના ક્યાંય ચાલ્યું નથી. જળને તો જીવન છે. જળનું રક્ષણ-સંવર્ધન કરતાં સૌ ક્યારે શીખશે ? પાણી ચોખ્ખા પી જેવું કિંમતી છે. પાણી ઘીની જેમ વાપરવું જોઈએ એ કહેવત ક્યારેય જૂની નહિ થાય.
- આચાર્ય શ્રી વાત્સલ્યદીપ સૂરિજી
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UWEFeh
ConversionConversion EmoticonEmoticon