
આણંદ, તા.17 જૂન 2020, બુધવાર
આણંદ જિલ્લાના ઉમરેઠ ગામે રહેતી અને વ્યાજે નાણાં ધીરધારનો ધંધો કરતી એક મહિલાની નાણાંની લેવડ-દેવડ બાબતે કોઈ અજાણ્યા શખ્શોએ લુણાવાડ ગામની સીમમાં લઈ જઈને હત્યા કરી નાખી હોવાની ચર્ચાએ ઉમરેઠ પંથકમાં ભારે ચકચાર જગાવી છે. વિધવા મહિલાની હત્યા થઈ હોવાની આશંકાને લઈને ઉમરેઠ પોલીસની ટીમ પણ લુણાવાડા તરફ જવા રવાના થઈ છે. બીજી તરફ આ મહિલાને લુણાવાડા તરફ લઈ જનાર શખ્શ પણ ફરાર થઈ ગયો હોઈ પોલીસે તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
તાલુકા મથક ઉમરેઠના પીપળીયા ભાગોળ વિસ્તારના કસ્બામાં રહેતી બિલકીસબાનુ મલેક ગઈકાલે સવારના સુમારે કોઈક કામકાજ અર્થે ઘરની બહાર ગઈ હતી. દરમ્યાન મોડી રાત સુધી આ મહિલા ઘરે પરત ન ફરતા પરિવારજનોએ તેણીની શોધખોળ શરૃ કરી હતી. દરમ્યાન ઉમરેઠના ખોરવાડ વિસ્તારમાંથી સવારના સુમારે એક ઈકો કારમાં બેસીને આ મહિલા જતા જોવા મળી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેથી ઈકો કારના ચાલકને આ અંગે પુછપરછ કરતા ઉમરેઠના એક શખ્શ સાથે બિલકીસબાનુ લુણાવાડ સીમમાં ગયા હોવાનું જાણવા મળ્યું હતું.
જ્યાં મહિલા તથા અન્ય એક શખ્શ ચાલકને લુણાવાડા સીમમાં કાર સાથે રાખી કોઈ સંબંધીને ત્યાં નાણાં લેવા ગયા હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં મહિલા સાથે જનાર શખ્શ એકલો જ પરત ફર્યો હતો અને બિલકીસબાનુ પોતાના સંબંધીને ત્યાં રોકાઈ હોવાનું તેણે જણાવ્યું હતુ. જેથી કારનો ચાલક તથા ઉમરેઠનો અન્ય એક શખ્શ બંને જણ ઉમરેઠ ખાતે પરત ફર્યા હતા. જો કે ઈકો કારમાં લોહીના ડાઘા મળી આવ્યા હોવાને લઈ બિલકીસબાનુની હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જેથી પરિવારજનોએ આ અંગે ઉમરેઠ પોલીસને જાણ કરતા પોલીસની ટીમ ઈકો કારના ચાલકને લઈને લુણાવાડા તરફ રવાના થઈ છે. જ્યાં સ્થાનિક પોલીસની મદદ લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાના અહેવાલ સાંપડયા છે જ્યાં સુધી મૃતદેહ ન મળે ત્યાં સુધી હત્યા અંગે કંઈ પણ કહેવુ મુશ્કેલ છે. હાલમાં આ અંગે કાર્યવાહી ચાલુ છે. સાથે સાથે ઉમરેઠથી મહિલા સાથે કારમાં જનાર શખ્શની પણ તપાસ શરૃ કરવામાં આવી છે. જો કે હાલ આ શખ્શ ફરાર થઈ ગયો હોવાનું પોલીસે જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે આશરે સાત વર્ષ અગાઉ બિલકીસબાનુના લગ્ન થયા હતા. જો કે તેઓના પતિનું અવસાન થતા વિધવા બનેલ બિલકીસબાનુ પોતાના પિયર રહેવા માટે આવી ગઈ હતી.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ecsPUF
ConversionConversion EmoticonEmoticon