મહુધા તાલુકા પંચાયતના આસિ. ટીડીઓએ ખોટાં બિલો પાસ કરી ચૂકવણા કરતા નોટિસ


નડિયાદ, તા.17 જૂન 2020, બુધવાર

મહુધા તાલુકા પંચાયતમાં આસી. ટી.ડી.ઓ.એ ખોટી રીતે બીલ પાસ કરીને લાખો રૃપિયાના ચુકવણા કર્યાના આક્ષેપો થયા છે. આ બનાવની જાણ મહુધા તાલુકા વિકાસ અધિકારીને થતાં તેમને આસી. ટીડીઓને  નોટીસ ફટકારતા રાજકીય ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મહુધા તાલુકાના ફીણાવ, વડથલ, ખલાડી, શેરી, નાની ખડોલ, ખુંટજ ગ્રામ પંચાયત દ્વારા વિવિધ પ્રકારના વિકાસના કામો હાથ ધરવામાં આવ્યા હતાં. જેમાં ગ્રામ પંચાયતના ૧૪મા નાણા પંચના વિકાસના કામોની આશરે ૧૬ જેટલી ફાઈલોનું બીલ આસી. ટીડીઓએ પાસ કર્યું હોવાનું બહાર આવ્યું છે. જેમાં  અંદાજે ૧૫ લાખ રૃપિયા જેટલી માતબર રકમના બીલ ખોટી રીતે પાસ કર્યા હોવાના આક્ષેપો થયા છે.

આ બાબત મહુધા તાલુકા વિકાસ અધિકારીને ધ્યાને આવતાં તેમણે આસી. ટીડીઓને નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે. મહુધા તાલુકામાં આ અગાઉ કેટલાંય સરકારી કામોમાં પોતાના મળતીયાઓ દ્વારા વિકાસના કામોની ગેરરીતિ થઈ હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી ગઇ છે.  જેમાં સરકારી ગ્રાન્ટમાંથી બોર તેમજ પેવર બ્લોકના કામ કર્યા હોવાનો આક્ષેપો ઉઠયા હતા. ત્યારે મહુધા તાલુકા પંચાયતના આસી. ટીડીઓ પાસે સત્તા ન હોવાં છતાં બીલ પાસ કરતા રાજકીય ખળભળાટ મચી ગયો છે. આ અંગે આસી. ટીડીઓ કે.એસ. ખાંટનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યુંહતું કે ૧૪મા નાણા પંચના બીલો માટે મને  જ તાલુકા વિકાસ અધિકારીએ કારણદર્શક નોટિસ આપી છે તેમાં તાંત્રિક કર્મચારી દ્વારા સૈધ્ધાંતિક સ્વીકાર કરવાના કાગળોમાં ટીડીઓની સહી છે. 

આ કામો પૂર્ણ થયેથી જીલ્લામાંથી સ્થળ સ્થિતિ અનુસાર તાંત્રિક કાગળોને માત્ર ગ્રામ પંચાયત કચેરીએ મોકલી આપ્યા છે. જેમાં નાણાંકીય બાબત કોઈ જગ્યાએ આવતી નથી તેમ કહી પોતાના પર થયેલા આક્ષેપાને રદિયો આપ્યો હતો.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Bmlwez
Previous
Next Post »