અશ્વેતોની અડફેટમાં ગાંધીજીના પૂતળાં કેમ?

- હોરાઈઝન-ભવેન કચ્છી



અ મેરિકામાં અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્લોઈડનું પોલીસે ઘૂંટણથી દબાવી મોત નીપજાવ્યું  તેના પગલે અમેરિકા અને હવે તો યુરોપ સહીત જ્યાં જ્યાં અશ્વેતો વસી રહ્યા છે તે દેશોમાં આંદોલને હિંસક સ્વરૂપ પકડયું છે. આંદોલનકારોએ તેમના શહેરમાં  છેક ૧૬થી સદી શરુ કરીને ૨૦મી સદીની મહાન હસ્તીઓ પૈકી એવા મહાનુભાવો કે જેઓએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રંગ્ભેદનું તેમના જીવનકાળમાં સમર્થન કર્યું હોય તેઓના પૂતળા તોડી પાડયા છે કે જે તે સરકારને તેને કાયમ માટે હટાવી દેવાની ઓનલાઈન પીટીશન કરી છે.

લાખો અશ્વેત નાગરિકોએ આવી ઝુંબેશમાં સહી કરી હોઈ આ પૂતળા હવે તેમનું સ્થાન અને હાજરી ગુમાવશે તેમ કહી શકાય. આપણને આઘાત અને આશ્ચર્ય એ વાતનું લાગ્યું કે અમેરિકા અને બ્રિટન જેવા દેશોમાં ગાંધીજીની પ્રતિમાને અશ્વેત આંદોલનકારોએ તોડી  પાડી છે કે તેની પર અશ્લીલ શબ્દોની ચિતરામણી કરી છે. આપણને પહેલો સવાલ એ થાય કે ગાંધીજી તો માર્ટીન લ્યુથર કિંગ અને નેલ્સન મંડેલાના પ્રેરણામૂત સમાન હતા.

કિંગ અને મંડેલા બ્લેક ગાંધી તરીકે પૂજાય છે તો પણ ગાંધીજી પ્રત્યે  આ હદે  તિરસ્કાર  અને ભાંગતોડ કેમ? ગાંધીજીના વ્યક્તિત્વ પર છાંટા ઉડાડી અશ્વેતોમાં તેમના પ્રત્યે રોષ ભડકાવવામાં કેટલાક પુસ્તકો વખતોવખત પ્રકાશિત થતા રહે છે. અહ્વેતોના એક બહોળા જનસમુદાયને એવી લાગણી છે કે ગાંધીજી રંગભેદના હિમાયતી હતા! થોડી ભૂમિકા પર નજર નાંખીએ. 

દક્ષિણ આફ્રિકાની જોહાનિસ્બર્ગ યુનિવર્સીટી જાણીતા શિક્ષણવિદ અને  સમાજશાસ્ત્રી  પ્રોફેસર અશ્વિન દેસાઈ અને નતાલના ઇતિહાસવિદ્દ ગુલામ વાહીદે મહાત્મા ગાંધીના દક્ષિણ આફ્રિકામાં વિતાવેલા  ૧૮૯૩થી ૧૯૧૪ સુધીના  વર્ષો અને ત્યાં  તેમના આંદોલનો, નિવેદનો, પત્રવ્યવહાર, તત્કાલીન ગોરા નેતાઓ જોડેની મીટીંગોની રેકોર્ડેડ વાતચીત તેમજ આર્કાંઇવ્ઝનો સાત વર્ષ સુધી અભ્યાસ કરીને 'ર્જીેાર છકિૈબચહ ય્ચહગરૈથ જાિીાબરીિ-મીચિીિ ર્ક ીસૅૈિી' નામનું ભારે વિવાદાસ્પદ ૩૪૪ પાનાઓનું પુસ્તક લખ્યું છે. વિશ્વની પ્રસિદ્ધ યુનિવસટીઓમાં અને શોધ-સંસોધન સંદર્ભ તરીકે આ પુસ્તક અધિકૃત મનાય છે. પુસ્તકમાં ચોંકાવનારી શૈલીમાં જણાવાયું છે કે ગાંધીજી હંમેશા ઓન રેકોર્ડ  એવું માનતા કે દક્ષિણ આફ્રિકામાં સત્તા તો શિક્ષિત અને સભ્ય એવા ગોરાઓ પાસે જ રહેવી જોઈએ.

તેઓ ગોરા નેતાઓ જોડેની બેઠકમાં તે વાતની ખાતરી આપતા કે તે પોતે વિશ્વની ગોરી પ્રજા પ્રત્યે આદર અને પ્રભાવ ધરાવે છે. તેમની લડાઈ સાઉથ આફ્રિકાના અશ્વેતોને સમાન હક્ક આપવા માટેની છે જ નહીં ઉલટું તેઓ ગોરાઓને એમ  સમજાવતા હતા કે અમને ભારતીયોને તમે અશ્વેત પ્રજા તરીકે ન જુઓ (અમે બ્રાઉન છીએ બ્લેક નહીં). તમે અમારી સાથે ભેદ ન રાખો અમે અશ્વેતો જેવા જંગલી અને અસભ્ય નથી. બંને લેખકો આ પુસ્તકમાં લખે છે કે ગાંધીજી ગોરાઓ જોડે મીટીંગ યોજીને અશ્વેતોને સમાજના બોજરૂપ અને 'કાફિર' તરીકે ઓળખાવતા. આવા અશ્વેતોના હાથમાં સત્તા આવે તેવું તે હગઝ વિચારતા નથી.

સાઉથ આફ્રિકામાં વકીલાત કરવા આવ્યા ત્યારે  ટ્રેનના કોચમાંથી તેમને રંગભેદના વાતાવરણ વચ્ચે ટીકીટ ચેકર ધક્કો મારી સ્ટેશન પર ફંગોળી દે છે તે ઐતિહાસિક ઘટના પછી ગાંધીજીએ રંગભેદ સામે આંદોલન છેડયું જ નહોતું. તેઓએ ત્યાંના ભારતીય સમુદાય જોડે ગોરાઓ અશ્વેતો જેવું વર્તન ન કરે તે માટેની તેમની અહિંસક લડાઈ અને સત્યાગ્રહ શરુ કર્યો  હતો તેવો  પુસ્તકમાં દાવો કરાયો છે. ૧૮૯૩માં સાઉથ આફ્રિકા જઈને તેમણે તેમની જોડે સ્ટેશનમાં જે ઘટના બની તે પછી નતાલ સંસદને જે પત્ર લખ્યો  હતો તેમાં એ વાત પર જ ભાર મૂક્યો હતો કે  તમે ભારતીયોને અશ્વેત ન સમજો.

અમે આફ્રિકાના આ નેટીવ્સ બ્લેક  જેવા પાશવી અને ઘાતકી નથી. ૧૯૦૪માં ગાંધીજીએ જોહાનિસ્બર્ગના આરોગ્ય મંત્રીને પત્ર લખ્યો હતો કે તમે  ભારતીયોને અશ્વેતોની ગંદકીથી ખરડાયેલી ઝુંપડપટ્ટી નજીક આવાસ ફાળવ્યા છે તેનાથી અમને દુર જગા આપો. અમારી જીવનશૈલી અશ્વેતો જેવી ઉકરડામાં પણ મજા અને આરામ અનુભવીએ તેવી નથી. ૧૯૦૫માં ડર્બનમાં પ્લેગ ફાટી નીકળ્યો ત્યારે પણ ગાંધીજીએ ત્યાંની સરકારનું ધ્યાન દોર્યું હતું કે જ્યાં સુધી અશ્વેતોની ગીચ વસાહતો અને તેની સાથે રહેવાનું જારી રહેશે ત્યાં સુધી રોગચાળો અને મૃત્યુના આંકથી બધાને સહન કરવું જ પડશે. અમે ભારતીયો અશ્વેતો જેવા યુધ્ધમાં જીત્યા  પછી જે નૃત્ય થતા હોય તેવા નૃત્ય કરનારા નથી.

તેઓ જેવી અમારી પછાત તેવી સંસ્કૃતિ પણ નથી તેવી જ રીતે આ અશ્વેત કાફિરો જોડે બેસીને અમે બીયરની પણ મજા નથી માણતા. અશ્વેતો જોડે અમને  હોસ્પિટલમાં પણ પથારી ન ફાળવશો તેવી રજૂઆત કરીને અશ્વેતો માટે 'હર્ડ' અને નગ્ન  શબ્દનું પ્રયોજન ગાંધીજી કરતા હતા. ૨૦૧૬માં અમેરિકન લાઈબ્રેરી એસોસિયેશને આ પુસ્તકને  શૈક્ષણિક કેટેગરીના શ્રેષ્ઠ પુસ્તક તરીકે જાહેર કર્યું હતું. લગભગ પ્રત્યેક ગોરા - અશ્વેત વિદ્યાર્થીઓ અને અભ્યાસુઓએ આ પુસ્તક વાંચીને ગાંધીજી માટે નકારાત્મક મત કેળવ્યો હશે.

વિશ્વભરના અશ્વેતોનો બહોળો વર્ગ ગાંધીજી પરના આવા પુસ્તકોના પ્રભાવ બાદ એવું માને છે કે સાઉથ આફ્રિકાથી ગાંધીજી જ્યારે ભારત ગયા ત્યારે સાઉથ આફ્રિકાના ગોરા નેતાઓએ હેડ ક્વાર્ટર બ્રિટન અને ભારતમાં રાજ કરતા બ્રિટીશરોને મેસેજ આપી દીધો હતો કે ગાંધીજી ગોરાઓથી પ્રભાવિત છે. તેઓ આપણા હિતને જ્લદતાથી નુકશાન પહોંચાડે તેવું નથી લાગતું. ગાંધીજીએ સાઉથ આફ્રિકામાં ગોરાઓ જોડે બેસીને અશ્વેતો માટે જે પણ હલકી માન્યતાઓ વ્યક્ત કરીને દિલ જીત્યું હતું તે વિશ્વાસની નીંવ હેઠળ જ ગાંધીજીની અહિંસક લડતને ગોરાઓએ દાયકાઓ સુધી જારી રાખવા દીધી હતી. 

ગાંધીજીના પૌત્ર અને તેમના આત્મચરિત્ર પુસ્તકોના સર્જક રાજમોહન ગાંધી આ સમગ્ર ભૂમિકાને નકારતા નથી. તેઓનું કહેવું છે કે ગાંધીજીનું સાઉથ આફ્રિકામાં આગમન થયું ત્યારે તેમની વય ૨૪ વર્ષની જ હતી. તે વખતે ગાંધીજીને અશ્વેતો માટે પૂર્વગ્રહ હોઈ શકે. પ્રત્યેક જાગ્રત વ્યક્તિ વધતી ઉંમર સાથે તેની વિચારસરણી સમજને આધારે ઘડતો રહેતો  હોય છે. થોડા વધુ વર્ષો બાદ ગાંધીજી તેમના પોતાનું જ સતત ઘડતર કરતા રહેલા. તેમણે પીડિતો માટે જે અનુકંપા વ્યક્ત કરી હતી તેણે જ આગળ જતા વિશ્વમાં પ્રેરણાની મશાલ બનવાનું વિરાટ યોગદાન આપ્યું છે. 

વ્યક્તિની કોઈ એક વય વખતની માન્યતોનો  હિસ્સો લઈને તેના આધારે જ સમગ્ર મૂલ્યાંકન કરવું તે વ્યક્તિ અને  ઈતિહાસ જોડે ઘોર અન્યાય કહી શકાય. તે યુવા વયે  તેમણે ભલે  અશ્વેતો માટે નહીં પણ ભારતીયોના સમાન હક્ક માટે જ દક્ષિણ આફ્રિકામાં અહિંસક આંદોલન છેડયું હતું પણ આગળ જતા આ જ શસ્ત્ર ગોરાઓ સામે સમાન હકકની માંગ સાથે અશ્વેતોએ અપનાવ્યું અને અમેરિકા, યુરોપ અને સાઉથ આફ્રિકામાં ન્યાય મેળવ્યો હતો.

એટલું જ નહીં ભારત સહીત વિશ્વમાં તે અરસામાં અને આજે પણ 'અહિંસા પરમો ધર્મ' મંત્ર જ સમયની માંગ પુરવાર થઇ રહ્યો છે. રાજમોહન ગાંધી ઉમેરે છે કે ગાંધીજી પણ સામાન્ય વ્યક્તિની જેમ પોતે પણ અપૂર્ણ છે તેમ જીવનપર્યંત માનતા હતા. આવા અપૂર્ણ ગાંધીજી પણ વિશ્વના કહેવાતા નેતાઓ કરતા ઘણા ઘણા ઊંચા કદના હતા તે તો માનવ જગત આજે પણ સ્વીકારશે.

દક્ષિણ આફ્રિકાના સ્કોલર અશ્વિન દેસાઈ ટોચની શિક્ષણ સંસ્થાઓમાં પણ ગાંધીજી પરના વિચારો રજુ કરતા હોય છે કે ગાંધીજી આર્યન પ્રજા વચ્ચે જ ભાઈચારો સંભવી શકે તેવી માન્યતા ધરાવતા હતા. ગોરાઓ અને ભારતીયો આફ્રિકન કરતા વધુ સભ્ય અને સંસ્કૃત છે તેમ કહેવાથી પોતે રંગભેદમાં માને છે તેમ કહેવાતું હોય તો મને તે આરોપ  સ્વીકાર્ય છે તેમ ગાંધીજી  તેમના વિચારો જાહેરમાં વ્યક્ત કરી ચુક્યા છે.

જો કોઈ પ્રજા જોડે સાથે મળીને કામ કરવાનું હોય તો હું ગોરાઓ જોડે પસંદ કરીશ આફ્રિકન અશ્વેતો જોડે નહીં તેવી કોમેન્ટ પણ ગાંધીજીએ ગોરા નેતાઓ જોડે તેમના વસવાટ  દરમ્યાન દક્ષિણ આફ્રિકામાં કરી હતી. દક્ષિણ આફ્રિકાનું હિત  લઘુમતી ગોરાઓના હાથમાં સત્તા રહે તેમાં જ  છે તેવી  ગાંધીજીએ હિમાયત કરી હતી. ભારતમાં મીઠા પર  કર નાંખનાર અંગ્રેજો સામે દાંડી કૂચ કરનાર ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં કંગાળ અશ્વેતો પર વિશેષ કર લેવાતો હતો ત્યારે ગોરાઓને સમર્થન આપ્યું હતું.

અશ્વિન દેસાઈ અને ગુલામ વાહીદ જેવું જ  વિવાદાસ્પદ પુસ્તક ઈતિહાસવિદ્દ પેટ્રિક  ફ્રેન્ચે ૨૦૧૩માં પ્રકાશિત કર્યું. પેટ્રીકે લખ્યું છે કે 'ગાંધીજીએ આફ્રિકનો માટે ગોરાઓ જોડે બેસી જઈને જે અહિત કર્યું તે તેમના પૌરાણિક પાત્રની  સંત જેવી પ્રતિભા પરનો કાળો ધબ્બો કહી શકાય.' દેસાઈ અને વાહીદ કબુલે છે કે કોઈપણ પૂર્વગ્રહ વગર ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના વર્ષોને જ પુસ્તકમાં ઉજાગર કર્યા છે.

ગાંધીજીનું સંપૂર્ણ જીવન જોઈએ તો વિશ્વમાં સમાનતા અને પ્રત્યેકના આત્મસન્માન માટે જ  તેમનું જીવન અને સંદેશ રહ્યો છે.  આમ છતાં આખરે તો હાડ માંસના માનવી હોઈ તેમના જીવનમાં પણ કેટલાક પ્રશ્નાર્થો તો હતા જ. અરુંધતી રોયે કેરલાની શૈક્ષણિક સંસ્થામાં વક્તવ્ય દરમ્યાન કહ્યું હતું કે ગાંધીજી વર્ણ વ્યવસ્થાના પુજારી  હતા અને  પછીથી પોતે જ તે  પ્રત્યેક વર્ણ વચ્ચે સમાન આદર અને દ્રષ્ટિ રાખો તેવો ઉપદેશ આપતા રહી મહાન બન્યા હતા. જે સંસ્થાઓમાં તેના નામ હોય તે હટાવી લેવાનો અરુન્ધતીએ અવાજ ઉઠાવ્યો હતો. 

અત્યારે જ  ગાંધીજીના પૂતળાને તોડી પાડતા  તોફાનો વિદેશમાં અશ્વેતો દ્વારા થતા હોય તેવું નથી. ૨૦૧૩માં કેલીફોર્નીયાના સેરીટ્ટોસમાંથી ગાંધીજીની પ્રતિમા હટાવવાનું આંદોલન અશ્વેતોએ  છેડયું હતું. ગાંધીજી વિરુદ્ધ અશ્વેતો અમેરિકા, યુરોપ અને અશ્વેત બહુમતી દેશોમાં જે હિંસક પ્રદર્શન કરે છે તે ટોળાઓના હાથમાં 'ગાંધી : અ ચાઈલ્ડ મોલેસ્ટર', ગાંધી : ફ્રેન્ડ વિથ હિટલર', ગાંધી : ફાધર ઓફ અપાર્થીડ' અને 'ગાંધી વોઝ સેકસ ઓફેન્ડર' જેવા બેનર જોઈ શકાય છે. આ આંદોલનના અશ્વેત નેતા જડા બર્નાર્ડ રોષ સાથે કહે છે કે અમને ગાંધીજી સામે દ્વેષ નથી. તેઓ સત્યના પુજારી હતા એટલે અમે તેઓના જીવનના સત્યોને બહાર લાવ્યા છીએ જે અશ્વેતોની વિરુદ્ધ અને વિકૃતીઓથી ભરપુર હતા.

ગાંધીજીના અશ્વેતો માટેના વિચારો દર્શાવતા પુસ્તકો લાઈબ્રેરીમાં વાંચીને ૨૦૧૬માં ઘાના દેશની આક્રા યુનિ.ના વિદ્યાર્થીઓએ ગાંધીજીના વિચારો ઓનલાઈન પોસ્ટ કરીને તેના પૂતળાને યુનિ. કેમ્પસમાંથી તોડી પાડવાની સફળ ઝુંબેશ આદરી હતી. તે પછી પણ લઘુમતી કે બહુમતી વસ્તી ધરાવતા દેશોમાં ગાંધીજી સામે વિરોધ થતો જ રહે છે. તેમને મહાન બતાવતા સેમિનારો અને પ્રવચનોમાં ઘણા  અશ્વેતો ભાગ નથી લેતા  કે તેવા કાર્યક્રમનો બહિષ્કાર કરે છે.

શું વિશ્વનો તમામ અશ્વેત જનસમુદાય  ગાંધીજીને વિલન સમજે છે? સ્ટેનફોર્ડ યુનિ.ના ઈતિહાસવિદ અને અશ્વેત એવા ખુબ જ આદરણીય પ્રોફેસર ક્લેબોર્ન કાર્સન અને ડો. માર્ટીન લ્યુથર કિંગ જુનિયરના  વિધવાલીન કોથ્રેન  લગભગ એક જ સૂરમાં કહે છે કે  ગાંધી જ નહીં માર્ટીન લ્યુથર કિંગ સામે પણ અશ્વેતોને ખોટી રોતે ભડકાવતા પુસ્તકો અને વિચારકો છે. આવા વિરોધી પુસ્તકો કે આંદોલનો સમગ્ર અશ્વેતોના અવાજ તરીકે જોવાની જરૂર નથી.

અત્યારે જે 'બ્લેક લાઈવ્સ મેટર' હિંસક આંદોલન ચાલે છે તે કેટલાક બિનપાકટ અને અસામાજિક તત્વોનાં હાથમાં છે. તેઓ પાસે ઈતિહાસ કે મહાપુરુષોને સમગ્રતાથી મૂલવવાની ક્ષમતા જ નથી. ગાંધીજી તે વયે અને તે ૨૦મી સદીના  પ્રારંભમાં જે પણ માનતા હતા તે સમગ્ર ગાંધીજી નથી. ગઈ સદીની દરેક વાતને આ સદીમાં મુકીને વ્યક્તિ કે સમય જોડે વર્તમાનમાં અભિપ્રાય કે  દ્રષ્ટિકોણ ન રખાય. આજે પણ બહુમતી અશ્વેતો ગાંધીજીને માર્ટીન લ્યુથર કિંગ અને નેલ્સન મંડેલાના જન્મદાતા ગણે છે.

સમાનતાના જે પણ હક્કો પ્રાપ્ત થયા છે તેમાં ગાંધીજીનું વિરાટ યોગદાન છે એટલે જ વિશ્વના મોટાભાગના દેશોમાં તેમની પ્રતિમા, અલાયદી વિચાર અભ્યાસ સંશોધન શાખા અને લાઈબ્રેરી છે. તેમ  અમેરિકાના શિક્ષણશાસ્ત્રી અને લેખક લિયોનાર્દ ગોર્ડનનું કહેવું  છે. ગાંધીજી વ્યક્તિ મટી વિચારસરણી બન્યા છે અને વિતતા વર્ષો અને સદી સાથે તે વધુને વધુ  પ્રસ્તુત અને સાંપ્રત બનશે તેમ વિશ્વના ટોચના સ્કોલરો માને છે. ગાંધીજી હેનરી થોરોથી પ્રભાવિત હતા તે પણ અમેરિકન માટે ગૌરવ લેવા જેવી બાબત છે.

ગાંધીજીના નામે વિવાદ જગાવી લેખકો વિશ્વમાં પૂર્વઆયોજિત નેગેટીવ પબ્લીસીટી પણ મેળવી લે છે. અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ ગાંધીજીને ભારતના જ નહીં પણ સમગ્ર વિશ્વ માનવ ઇતિહાસના હિરો તરીકે ગણાવ્યા છે. સાઉથ આફ્રિકાના પ્રમુખ સિરિલ રામાફોસા કહે છે કે વિશ્વ અને વિશેષ કરીને અશ્વેતો ગાંધીજીના કાયમ માટે ઋણી રહેશે. તેમણે કહ્યું કે વિશ્વ ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતી ઉજવી રહ્યું છે ત્યારે જ જોગાનુજોગ નેલ્સન મંડેલાની જન્મ શતાબ્દીનો પણ અવસર છે.

વિશ્વનો ઈતિહાસ ગવાહ છે કે  મહાન પુરુષોને શૂળી પર ચઢવું પડે છે કે ઝેર પણ પીવા પડે છે. હત્યા પણ થાય જ. અપમાન, આરોપો અને અવહેલના  આયખું અમર કરનારાઓએ ઓઢવું પડતું આંચલ છે. 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3e2M03l
Previous
Next Post »