
મુંબઈ, તા. 15 જૂન 2020, સોમવાર
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનો પરિવાર મુંબઈ પહોંચી ગયો છે અને આજે અભિનેતાના પાર્થિવ શરીરના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. કોરોના વાયરસ મહામારીના કારણે સુશાંત સિંહની અંતિમ વિધિમાં વધારે લોકો સામેલ નહીં થઈ શકે. અભિનેતાના પિતા ઉપરાંત નજીકના કેટલાક લોકોને જ અંતિમ વિધિમાં સામેલ થવા મળશે.
ઉલ્લેખનીય છેકે આશાસ્પદ કલાકાર સુશાંત સિંહે રવિવારે મુંબઈના બાંદ્રા ખાતેના પોતાના ઘરે પંખા સાથે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. ત્યારે આ બધા વચ્ચે સુશાંતની ટીમે એક નિવેદન બહાર પાડ્યું છે જેમાં સુશાંતના ચાહકોને સુશાંતના જીવન અને કામને માણવા અને તેની ઉજવણી કરવા જ્યારે મીડિયાને તેમના પરિવાર માટે પ્રાઈવસી જાળવી રાખવા અપીલ કરી છે.
સુશાંતની ટીમ દ્વારા લખવામાં આવ્યું હતું કે, 'આ કહેતા દુખ થઈ રહ્યું છેકે સુશાંત સિંહ રાજપૂત આપણી વચ્ચે નથી રહ્યા. અમે તેમના ચાહકોને પ્રાર્થના કરીએ છીએ કે તેમને પોતાના વિચારોમાં રાખે તથા તેમની જિંદગી અને કામને સેલિબ્રેટ કરે. અમે મીડિયાને પણ પ્રાર્થના કરીએ છીએ કે દુખના આ સમયમાં પ્રાઈવસી જાળવી રાખવા અમારી માદદ કરો.'
સુશાંતના મૃત્યુથી તેમના પિતાને સૌથી મોટો આઘાત લાગ્યો છે અને તેઓ સગા-સંબંધીઓ ઉપરાંત ભાજપના ધારાસભ્ય નીરજ કુમાર સિંહ બબલુ સાથે પટનાથી મુંબઈ પહોંચ્યા હતા. મુંબઈના વિલે પાર્લે સ્મશાન ઘાટ પર આજે સાંજે 4 કલાકે સુશાંતના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
પૂર્વ લોકસભા સાંસદ પપ્પુ યાદવે પટના ખાતે સુશાંતના ઘરે જઈને તેમના પરિવારની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ તેમણે 'બિહારનું ગૌરવ સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા ન કરી શકે' તેવી ટ્વિટ કરી હતી અને આ મામલે સીબીઆઈ તપાસની માંગ કરી હતી. પપ્પુ યાદવે જણાવ્યું કે, સુશાંતના પિતા પણ સીબીઆઈ તપાસની ઈચ્છા રાખે છે કારણ કે સુશાંતના મૃત્યુના બે કલાક પહેલા જ તેમણે વાત કરી હતી.
પોલીસ તપાસમાં સુશાંતના ઘરેથી કોઈ સ્યુસાઈડ નોટ નથી મળી જેથી તેમણે કયા કારણસર આત્મહત્યા કરી તે રહસ્ય વધુ ગૂંચવાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છેકે સુશાંતની પૂર્વ મેનેજર દિશા સાલિયાને પણ ગત આઠ જૂનના રોજ ઈમારત પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3hnR6JH
ConversionConversion EmoticonEmoticon