સુશાંત સિંહ રાજપૂતના પિતા મુંબઈ જવા રવાના, કર્મભૂમિ પર જ કરાશે અંતિમ સંસ્કાર


મુંબઈ, તા. 15 જૂન 2020, સોમવાર

બોલિવુડના ઉભરતા કલાકાર સુશાંત સિંહ રાજપૂતે રહસ્યમય કારણોસર પોતાનું જીવન ટૂંકાવીને સૌ કોઈને ચોંકાવી દીધા છે અને તેમના અંતિમ સંસ્કાર તેમની કર્મભૂમિ એટલે કે મુંબઈમાં જ કરવામાં આવશે. તેમના પિતા સગા-સંબંધીઓ ઉપરાંત ભાજપના ધારાસભ્ય નીરજ કુમાર સિંહ બબલુ સાથે પટનાથી મુંબઈ જવા રવાના થયા હતા. પટના એરપોર્ટમાં દાખલ થતા પહેલા નીરજ કુમારે આજે સાંજે મુંબઈ ખાતે અંતિમ સંસ્કાર કરવામં આવશે તેવી માહિતી આપી હતી. 

મુંબઈના વિલે પાર્લે સ્મશાન ઘાટ પર આજે સાંજે 4 કલાકે સુશાંતના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સુશાંતના મૃત્યુના સમાચારથી બોલિવુડના કલાકારો અને તેમના ચાહકોમાં ગમગીની છવાઈ છે ત્યારે સુશાંતના પિતાની સ્થિતિ સૌથી કપરી જણાઈ રહી છે. 

પપ્પુ યાદવે ઘરે જઈ પિતાની મુલાકાત લીધી

પૂર્વ લોકસભા સાંસદ પપ્પુ યાદવે પટના ખાતે સુશાંતના ઘરે જઈને તેમના પરિવારની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ તેમણે 'બિહારનું ગૌરવ સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા ન કરી શકે' તેવી ટ્વિટ કરી હતી અને આ મામલે સીબીઆઈ તપાસની માંગ કરી હતી. પપ્પુ યાદવે જણાવ્યું કે, સુશાંતના પિતા પણ સીબીઆઈ તપાસની ઈચ્છા રાખે છે કારણ કે સુશાંતના મૃત્યુના બે કલાક પહેલા જ તેમણે વાત કરી હતી. 

પોલીસ તપાસમાં સુશાંતના ઘરેથી કોઈ સ્યુસાઈડ નોટ નથી મળી જેથી તેમણે કયા કારણસર આત્મહત્યા કરી તે રહસ્ય વધુ ગૂંચવાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છેકે સુશાંતની પૂર્વ મેનેજર દિશા સાલિયાને પણ ગત આઠ જૂનના રોજ ઈમારત પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YEWijA
Previous
Next Post »