
આણંદ, તા.17 જૂન 2020, બુધવાર
લોકડાઉન બાદ અનલોક-૧માં આણંદ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના પોઝીટીવ કેસોમાં થઈ રહેલ વધારાને લઈને જિલ્લાવાસીઓમાં ભારે ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે. આજે પણ જિલ્લાના ખંભાત તેમજ આણંદ ખાતેથી ૩ કોરોનાના પોઝીટીવ કેસ નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે. સાથે સાથે ખંભાતના એક ૭૦ વર્ષીય દર્દીનું કોરોનાના કારણે મૃત્યુ નીપજ્યું હોવાની પણ માહિતી પ્રાપ્ત થઈ છે.
ઉપરાંત આણંદ શહેરના ભાલેજ ઓવરબ્રીજ નજીક પાણીની ટાંકી પાછળ આવેલ એક સોસાયટીમાં રહેતા યુવકનો પણ કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો હોવાની ચર્ચા શહેરીજનોમાં ચર્ચાઈ રહી છે. જો કે આ અંગે આરોગ્ય વિભાગ દ્વારા કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.
છેલ્લા કેટલાક દિવસોથી આણંદ જિલ્લામાં કોરોના વાયરસનું જોર વધવા પામ્યું છે અને દિવસે દિવસે કોરોનાના પોઝીટીવ કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. ગઈકાલે આણંદ શહેરના નયા વતન સોસાયટીમાંથી કોરોનાનો પોઝીટીવ કેસ પ્રકાશમાં આવ્યા બાદ આજે આણંદ શહેરના ઈસ્માઈલનગર તથા ખંભાતના ચોકસીની પોળ અને પીઠ બજારમાંથી કોરોનાના અલગ-અલગ પોઝીટીવ કેસ પ્રકાશમાં આવ્યા છે. આણંદના ઈસ્માઈલનગર વિસ્તારમાં આવેલ મોટા મદ્રેશા નજીકની તવ્વકલ સોસાયટીમાં રહેતા એક ૩૭ વર્ષીય યુવકનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતા તેને વડોદરા ખાતે આઈસોલેટ કરી સારવાર આપવામાં આવી રહી છે. આ કોરોનાગ્રસ્ત દર્દીની આણંદના પોલસન ડેરી રોડ ઉપર અનાજ દળવાની ઘંટી આવેલી હોઈ કોરોના વાયરસનું સંક્રમણ વધુ ફેલાવાનું જોખમ વધવા પામ્યું છે. શહેરના ઈસ્માઈલનગર વિસ્તારમાંથી કોરોનાગ્રસ્ત દર્દી મળી આવતા સવારના સુમારે આરોગ્ય વિભાગની ટીમો ઈસ્માઈલનગર વિસ્તારમાં દોડી ગઈ હતી અને મોટા મદ્રેશા નજીકના વિસ્તારને સેનીટાઈઝ કરી કોરોના પોઝીટીવ દર્દીના પરિવારજનોને કોરોન્ટાઈન કરી તેઓનું તબીબી પરીક્ષણ હાથ ધર્યું હતું. સાથે સાથે આણંદ શહેરના ૧૦૦ ફુટ રોડ ઉપર આવેલ પાણીની ટાંકી પાછળની આવકાર સોસાયટીમાં રહેતા એક ૨૯ વર્ષીય યુવક છેલ્લા કેટલાક સમયથી બિમાર હોઈ ખાનગી લેબમાં ટેસ્ટ કરાવતા તેનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો હોવાની ચર્ચાએ જોર પકડયું છે. જો કે આ અંગે જિલ્લા આરોગ્ય વિભાગને પુછપરછ કરતા હાલ આવા કોઈ કેસ અંગે જાણકારી ન હોવાનું જણાવવામાં આવ્યું હતું.
બીજી તરફ કોરોના વિસ્ફોટ માટે જાણીતા બનેલ આણંદ જિલ્લાના નવાબીનગર ખંભાત ખાતેથી આજે વધુ બે કોરોનાના પોઝીટીવ કેસ પ્રકાશમાં આવતા ખંભાતવાસીઓમાં ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે. ખંભાતના ચોકસીની પોળમાં રહેતા એક ૭૦ વર્ષીય પુરુષ તેમજ પીઠ બજારમાં રહેતા એક ૭૦ વર્ષીય પુરુષનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. જેને લઈ આરોગ્ય વિભાગ તથા પાલિકાની ટીમો તુરંત જ બંને વિસ્તારમાં પહોંચી ગઈ હતી અને આ વિસ્તારોને સેનીટાઈઝ કરી કોરોનાગ્રસ્ત દર્દીઓના પરિવારજનોને કોરોન્ટાઈન કરી તબીબી પરીક્ષણની કામગીરી હાથ ધરી હતી. આ સાથે જિલ્લામાં કોરોનાના કુલ દર્દીઓનો આંક ૧૩૪ ઉપર પહોંચ્યો છે. જ્યારે ૧૩ દર્દીઓનું કોરોનાના કારણે મૃત્યુ નીપજ્યું છે.
હાલ ૧૨ દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી ૭ દર્દીઓ કરમસદ ખાતેની શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં, ૧ દર્દી અમદાવાદની નવનીત મેમોરીયલ હોસ્પિટલમાં, ૧ દર્દી વડોદરાની સવિતા હોસ્પિટલમાં અને ૩ દર્દી વડોદરાની એમ.એમ.સી. હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
ખંભાતમાં 70 વર્ષીય વૃધ્ધનું કોરોનાથી મોત
અત્યાર સુધી આણંદ જિલ્લામાં નોંધાયેલ કોરોના કુલ દર્દીઓ પૈકી ૧૩ દર્દીઓના કોવિડ-૧૯ના કારણે કરૃણ મોત નીપજ્યા છે. આજે ખંભાતના ચોકસી પોળ ખાતે રહેતા ૭૦ વર્ષીય પુરૃષનું કોરોનાના કારણે મૃત્યુ નીપજ્યું હતું. જો કે આ કોરોનાગ્રસ્ત દર્દી ફેફસાની બિમારીથી પીડાતા હોવાનું જાણવા મળ્યું છે. હાલ જિલ્લામાં ૬ દર્દીઓ વેન્ટીલેટર ઉપર અને ૩ દર્દીઓ ઓક્સિજન ઉપર જ્યારે ૩ દર્દીઓની હાલત સ્થિર હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2N3XO9E
ConversionConversion EmoticonEmoticon