ગોચર-અગોચર - દેવેશ મહેતા
1964માં એક નિદર્શન દરમિયાન રિચાર્ડ પર એક લાંબી-પહોળી નળી વાળી બંદૂકથી સો પૌંડના વજનવાળા ગોળા વરસાવવામાં આવ્યા હતા તે વખતે પણ તે એક ઇંચ પાછળ ખસ્યો નહોતો
'વરામહોં અસિ સૂર્ય વડાદિત્ય મહોં અસિ ।
મહોંસ્તે મહતો મહિમા વિમાદિત્ય મહા અસિ ।।
તમારો આત્મા સૂર્ય સમાન તેજસ્વી, પ્રકાશમાન અને મહાન છે. તમારી આત્મ-શક્તિને ઓળખો. જુઓ, તમારોમહિમા કેટલો વિશાળ છે !'
- અથર્વવેદ (13-2-28)
'અયુતોડહમયુતો મે આત્માયુતં મે ચક્ષુરયુતં મે
શ્રોતામયુતો મે । પ્રાણોડયુતો મેડપાનોડયુતો મે ।।
હું એકલો જ દસ હજાર બરાબર છું. મારું આત્મ-બળ, પ્રાણ-બળ, દ્રષ્ટિ અને શ્રવણશક્તિ પણ દસહજાર મનુષ્ય બરાબર છે. હું પૂરેપૂરો દસહજાર મનુષ્ય બરાબર છું.'
- અથર્વવેદ (18-51-1)
યો ગશાસ્ત્રમાં નિર્દેશ કરાયેલ અણિમા, મહિમા, ગરિમા, લઘિમા પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઇશિતા અને વશિતા નામની અષ્ટ મહાસિદ્ધિઓ પ્રાપ્ત કરનાર યોગી અકલ્પ્ય અને અશક્ય લાગે તેવી ક્ષમતા દર્શાવી શકે છે. ત્રિશિખ બ્રાહ્મણોપનિષદ પણ એવા પ્રાણાયામની વાત કરે છે જેનો ત્રણ વર્ષ યથાર્થ અભ્યાસ કર્યા પછી મનુષ્ય જિતેન્દ્રિય અને અત્યંત અલ્પાહારી કે નિરાહારી બની જાય છે. નિરાહારી રહેવા છતાં તે યોગબળથી જીવન ટકાવી રાખે છે, સ્વસ્થ અને શક્તિશાળી બની રહે છે. તે એકાદ-બે કલાકની ઊંઘ લેવા છતાં નિરોગી અને દીર્ઘાયુ રહે છે. યોગ પ્રતિપાદિત કરે છે કે નાભિકંદમાં પ્રાણ ધારણ કરવાથી પેટ અને પેઢુના રોગો દૂર થઇ જાય છે. યોગ કુણ્ડલ્યુપનિષદમાં ઉજ્જયી પ્રાણયામ ક્રિયાનું વર્ણન છે એનાથી નાડી સંબંધી જળોદર જેવા અને ધાતુ સંબંધી રોગો દૂર થાય છે. જેણે કુંડલિનીનું જાગરણ કરી લીધું હોય તેવો યોગી ભયંકર ઝેર પણ પચાવી શકે છે અને એસિડ પીવા છતાં એની પશ્ચાત્ અસરોથી મુક્ત રહી શકે છે.
રાવ નામના યોગીની સિધ્ધિઓ દેશ વિદેશમાં ફેલાયેલી છે. તે સળગતા કોલસા પર ચાલી શક્તા, નાઇટ્રિક એસિડ પી લેતા, કાચ અને ધારદાર ખીલીઓ ખાઈ જતા એમ છતાં એમને કંઇ થતું નહોતું. તેમણે અનેક લોકોની સામે પાણી પર ચાલવાના પ્રયોગો પણ કરી બતાવ્યા હતા. વલ્લભદાસ બિન્નાનિ નામના યોગ-અભ્યાસુએ વિંધ્યાચલની યાત્રા દરમિયાન આવી સિધ્ધિ ધરાવતા યોગીને જોયા હતા. તેમણે તેમના પુસ્તકમાં લખ્યું છે.'મેં એક યોગી-મહાત્માના દર્શન કર્યા. તે પાણી પર ખુલ્લા પગે ચાલવાની દિવ્યક્ષમતા ધરાવતા હતા. તે હવામાં પણ ઊડતા હતા. મેં એમના પાણી પર ચાલતા હોય અને હવામાં ઊડતા હોય એવા ફોટા પણ પાડયા છે.'
જેને વિશ્વનો લોહપુરુષ (Iron man) કહેવામાં આવે છે તેવો રિચાર્ડ નામનો અમેરિકન ભારતીય યોગના પ્રશિક્ષણથી અકલ્પ્ય શારિરીક શક્તિ ધરાવતો હતો. 1924 કે 1925માં તે તેના એક મિત્ર અધિકારી સાથે ભારત આવ્યો હતો. અહીં આવ્યા બાદ તેણે વારાણસી, પ્રયાગ, હરિદ્વાર અને ઋષિકેશ જેવા યાત્રાધામોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેને અનેક સાધુ, સંતો, યોગીઓ અને સિદ્ધપુરુષોને મળવાનું થયું હતું. તેને યોગવિદ્યામાં બહુ જ અભિરુચિ થઇ. એથી તેણે સિધ્ધયોગીઓ પાસેથી યોગવિદ્યાના ગૂઢ રહસ્યોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. પોતે યોગસાધના પણ કરવા માંડી. વિશિષ્ટ યોગપ્રક્રિયા, આસન, પ્રાણાયામથી રિચાર્ડે એના શરીરને વજ્ર જેવું મજબૂત બનાવી દીધું.
ઈ.સ. 1964માં તેની ઉંમર લગભગ 63 વર્ષની હતી ત્યારે તે તેની શારીરિક દ્રઢતાના પ્રદર્શનો ગોઠવી તેનું યોગબળ પુરવાર કરતો. તેના શરીરના પેટ જેવા નાજુક ભાગમાં મજબૂત સ્ટીલના બનેલા હથોડાઓના ગમે તેટલા જોરથી પ્રહારો કરવામાં આવે તેની તેને કોઈ અસર થતી નહોતી. 1965માં કેલિફોર્નિયાના એક સ્ટેડિયમમાં એની શક્તિના નિદર્શનનો જાહેર કાર્યક્રમ યોજાયો હતો. ભારે ભીડમાંથી રસ્તો કરતો રિચાર્ડ સ્ટેડિયમની વચ્ચે બનાવેલા મંચ પર આવીને ઊભો રહ્યો. તે પછી માઈક દ્વારા જાહેર કરવામાં આવ્યું કે જે વ્યક્તિ રિચાર્ડને જમીન પર પાડી દે, એના સ્થાનેથી સહેજ પણ ખસેડી દે કે તેના ચહેરા પર પીડાનો ભાવ ઉત્પન્ન કરાવી દે તેને એક હજાર ડોલરનું ઇનામ આપવામાં આવશે. પછી પાંચ માણસો આવ્યા જેમણે એમના હાથથી લગભગ પંદર ફૂટ લાંબી અને છ ઇંચ જાડાઈ ધરાવતી લાકડી પકડેલી હતી. તેમણે એ લાકડીનો એક છેડો રિચાર્ડના પેટમાં બરાબર વચ્ચે અડકાડયો અને બીજા છેડેથી તે પાંચેય એક સાથે એમની પૂરી તાકાતથી તેને દબાવવા લાગ્યા. પણ તેની રિચાર્ડ પર કોઈ અસર ના થઇ. તે એક ઇંચ પણ પાછળ ખસ્યો નહી કે તેના મુખમાંથી પીડાનો કોઈ ઊંહકારો પણ નીકળ્યો નહીં. પછી રિચાર્ડે એનો એક પગ ઊંચો કરી દીધો. અને પાંચેયને ફરી ગમે તેટલા પ્રયત્નો કરી તેને સહેજ પણ ખસેડવા આહ્વાન આપ્યું. તે પાંચેય એક સાથે પૂરી તાકાત લગાવી રિચાર્ડના પેટમાં લાકડી ખોસવા લાગ્યા પણ તે રિચાર્ડને તસુભાર પાછળ ખસેડી ના શક્યા.
સાન ફ્રાન્સિસ્કોથી બોલાવાયેલા છ ભીમકાય પહેલવાનોએ તેના પેટ અને શરીર પર પૂરી તાકાતથી મુક્કા મારવાના શરૂ કર્યા. લગભગ પંદર મિનિટ સુધી એમાં લાગેલા રહ્યા. છેવટે થાકીને પરસેવે રેબઝેબ થઇ ગયા પણ રિચાર્ડને એક ઇંચ પણ ખસેડી ના શક્યા કે તેને પીડા કે વેદના આપી ન શક્યા. ત્યાર બાદ સેંટ જોસ સ્ટેટ યુનિવર્સિટીનો સાડા છ ફૂટ લાંબો અને 240 પૌંડ વજન ધરાવતો પ્રસિધ્ધ પહેલવાન જાગ્યોર્ડ મંચ પર આવ્યો. તે લોખંડનાં વજનદાર ગોળા દૂર સુધી ફેંકવાની સ્પર્ધામાં અનેકવાર વિજેતા બની ચૂક્યો હતો. તેણે એક અત્યંત ભારે વજનનો લોખંડનો મોટો ગોળો પૂરી તાકાતથી રિચાર્ડના પેટ પર ફેંકીને માર્યો. પણ રિચાર્ડ પર તેની કોઈ અસર ના થઈ. રિચાર્ડે તેને થોડો ચિડાવ્યો - 'બસ આટલી જ તાકાત ?' તો તે લોખંડના ધારદાર ખીલાવાળા ચંપલ પહેરી રિચાર્ડના પેટ પર જોરથી કૂદકા મારવા લાગ્યો. પણ રિચાર્ડ તો હસતો જ રહ્યો. બીજા ઘણાએ પ્રયત્નો કર્યા પણ પરિણામ એ જ આવ્યું.
1964માં એક નિદર્શન દરમિયાન રિચાર્ડ પર એક લાંબી-પહોળી નળી વાળી બંદૂકથી સો પૌંડના વજનવાળા ગોળા વરસાવવામાં આવ્યા હતા તે વખતે પણ તે એક ઇંચ પાછળ ખસ્યો નહોતો. એ ગોળા એના પેટને અથડાઈને નીચે પડી જતા. તેના પેટને કંઇ થયું નહોતું. એ પછી 1966માં સર્વાધિક દિલધડક પ્રયોગ કરાયો. કાચા-પોચા પ્રેક્ષકોના તો હૃદયના ધબકારા જ બંધ થઈ જાય એવો એ પ્રયોગ હતો. એમાં અમેરિકન નેવી આર્મીના એન્જિનિયરોએ આ પ્રયોગ અર્થે 12 ફૂટ લાંબી અને 2500 પૌંડ વજનવાળી એક નાની તોપ બનાવી. એમાં લગભગ 150 પૌંડ વજનનો ગોળો નાંખવામાં આવ્યો. પછી એ તોપના નાળચાથી રિચાર્ડને ચાર ફૂટ દૂર ઊભો રાખવામાં આવ્યો. તોપ ફોડવામાં આવી. પેલો ગોળો એના પેટને જોરથી ટકરાયો પણ પેટમાં ઘૂસવાને બદલે સ્ટીલની દીવાલને અથડાયો હોય તેમ તેને અથડાઈને નીચે પડયો. રિચાર્ડના ચહેરા પર તો હાસ્ય ફેલાયેલું જ રહ્યું. રિચાર્ડની જગ્યાએ બીજો કોઈ માણસ હોત તો એના પેટના અવયવોનો ખૂડચો નીકળી ગયો હોત અને એના માંસનો એક ટુકડોય બચ્યો ના હોત ! તમે જ કહો, રિચાર્ડને વજ્રકાય કહેવો જ પડે ને ! એની શારીરિક ક્ષમતા જોયા પછી માનવું જ પડે કે પુરાણોમાં દર્શાવાયેલ હનુમાનજી, અંગદ અને ભીમની શક્તિ હકીકત જ હશે !
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WAmZpK
ConversionConversion EmoticonEmoticon