દારૂ ખરીદતી મહિલાઓ પર રામગોપાલ વર્માએ ટ્વિટ કરી, આ સિંગરે કર્યો પલટવાર

નવી દિલ્હી, તા. 05 મે 2020, મંગળવાર 

દેશમાં કોરોના વાયરસનું સંકટ મંડરાઇ રહ્યું છે અને તેના સંક્રમણથી બચવા માટે લૉકડાઉનને આગામી બે અઠવાડિયા માટે વધારી દેવામાં આવ્યું છે. પરંતુ આ લોકડાઉન દરમિયાન કેટલીક ચીજવસ્તુઓમાં છૂટછાટ આપવામાં આવી છે, જેમાંથી એક છે દારૂની દુકાન. 4 મેથી કેટલીક શરતો સાથે દેશમાં અલગ-અલગ વિસ્તારોમાં દારૂની દુકાન ખોલી દેવામાં આવી છે, જ્યાં સોશિયલ ડિસ્ટન્સિગનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. દારૂની દુકાનની સામે ગ્રાહકો એક-એક મીટરનું અંતર જાળવીને લાંબી લાઇનમાં ઉભા જોવા મળી રહ્યા છે. આ લાઇનમાં પુરુષો ઉપરાંત મહિલાઓ પણ લાઇનમાં જોવા મળી રહી છે. 

મહિલાઓને દારૂની દુકાન બહાર લાઇનમાં ઉભા રહેતા જોઇ ફિલ્મના ડાયરેક્ટર રામગોપાલ વર્માને આ વાત ગળે ન ઉતરી અને એક ટ્વિટ દ્વારા નારાજગી વ્યક્ત કરી. રામગોપાલ વર્માએ ટ્વિટ કરીને લખ્યું, 'જૂઓ દારૂની દુકાનની બહાર લાંબી લાઇનમાં કોણ છે? આ જ લોકો શરાબી લોકો વિરુદ્ધ અવાજ ઉઠાવતા હોય છે.' રામગોપાલ વર્માની આ વાતને લઇને બૉલિવુડ સિંગર સોના મોહપાત્રાએ ટ્વિટર પર આક્રોષ વ્યક્ત કર્યો છે અને તેમણે એક ટ્વિટ દ્વારા રામગોપાલને પલટવાર કર્યો છે. 

સોનાએ રામગોપાલ વર્માના ટ્વિટને રીટ્વિટ કરીને લખ્યુ છે, 'રામ ગોપાલ વર્મા તમારે પણ એક લાઇનમાં ઉભા રહેવાની જરૂર છે, જ્યાં વાસ્તવિકમાં શિક્ષણ મળે છે. મહિલાઓને પણ પુરુષોની જેમ દારૂ ખરીદવાનો હક છે. હાં, કોઇને પણ પીધા પછી હિંસક થવાનો અધિકાર નથી.'

ઉલ્લેખનીય છે કે રાજધાની દિલ્હીમાં મંગળવારથી દારૂના સેવન કરનાર લોકોએ વધારે ખર્ચ કરવો પડશે. દિલ્હી સરકારે દારૂના વેચાણ પર આજથી સ્પેશિયલ કોરોના ફી લગાવી દીધી છે. જેના કારણે હવે લોકોએ દારૂ માટે એમઆરપી પર 70 ટકા વધારે રૂપિયા આપવાના રહેશે. દિલ્હી સરકારે સોમવારે સાંજે આ નિર્ણય લીધો હતો. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2W6khrO
Previous
Next Post »