આણંદ, તા.16 મે 2020, શનિવાર
લોકડાઉનના બીજા તબક્કામાં રાજ્યના વિવિધ સ્થળોએ ફસાયેલ પરપ્રાંતીયોને ટ્રેન મારફતે તેઓના વતન મોકલવાની કામગીરી હાથ ધરાઈ છે ત્યારે ઉત્તરપ્રદેશના બાકી રહી ગયેલ શ્રમિકોને આજે આણંદ ખાતેથી તેઓના વતન મોકલવાની કામગીરી હાથ ધરાઈ છે. જિલ્લાના વિવિધ સ્થળોએથી આજે સવારના સુમારે એસ.ટી. બસ દ્વારા શ્રમિકોને આણંદ રેલ્વે સ્ટેશન ખાતે લવાયા હતા અને તેઓના આરોગ્યની ચકાસણી કર્યા બાદ સાંજના સુમારે ટ્રેન મારફતે યુપી રવાના કરાયા હતા.
લોકડાઉનનો ત્રીજો તબક્કો અંતિમ ચરણમાં છે ત્યારે પોતાના વતનથી દુર અલગ-અલગ સ્થળોએ અટવાઈ પડેલ પરપ્રાંતીય શ્રમિકોને તેઓના વતન મોકલવા માટે સરકાર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.
જે અંતર્ગત આણંદ જિલ્લાના વિવિધ સ્થળોએ અટવાઈ પડેલ પરપ્રાંતીય શ્રમિકોને વિશેષ ટ્રેન મારફતે તેઓના વતન મોકલવાની કામગીરી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં ત્રણ ટ્રેન મારફતે ૩૬૦૦ જેટલા પરપ્રાંતીયોને તેઓના વતન મોકલવામાં આવ્યા છે ત્યારે હવે આજરોજ યુપીના બાકી રહી ગયેલ શ્રમિકોને તેઓના વતન મોકલવાની કામગીરી હાથ ધરાઈ છે.
આણંદ જિલ્લાના ખંભાત, બોરસદ, પેટલાદ, આંકલાવ તથા સોજિત્રા સહિતના વિવિધ વિસ્તારોમાંથી આણંદ એસ.ટી. ડેપો દ્વારા ૨૬ જેટલી એસ.ટી. બસો મારફતે પરપ્રાંતીય શ્રમિકોને આજે સવારના સુમારે આણંદ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં આણંદ રેલ્વે સ્ટેશન ખાતે આ શ્રમિકોની આરોગ્ય તપાસણી હાથ ધરી મેડિકલ સર્ટી આપવામાં આવ્યા હતા. સાંજના સુમારે એક વિશેષ ટ્રેન મારફતે આ શ્રમિકોને યુપી માટે રવાના કરાયા હતા.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3byL2tv
ConversionConversion EmoticonEmoticon